કમ્પ્યૂટર પર કામ કરતાં હોવ તો આટલું ધ્યાન રાખજો

09 December, 2011 08:08 AM IST  | 

કમ્પ્યૂટર પર કામ કરતાં હોવ તો આટલું ધ્યાન રાખજો



(સેજલ પટેલ)

આજકાલ ટીવી અને કમ્પ્યુટરનો વપરાશ ખૂબ વધી ગયો છે. સાથે જ આંખની તકલીફો પણ વધી છે ત્યારે ઘણા લોકો એવું માને છે કે ટીવી વધુ જોવાથી કે કમ્પ્યુટર પર વધુ કામ કરવાથી આંખો નબળી પડે છે. જોકે કૅલિફૉર્નિયાના રિસર્ચરોએ તારવ્યું છે કે એક કલાક પુસ્તક વાંચવું અને એક કલાક કમ્પ્યુટર પર કામ કરવું એ બન્ને ક્રિયાઓ આંખ માટે એકસરખી છે. કમ્પ્યુટર સ્ક્રીનની લાઇટને કારણે આંખો વધુ થાકે છે એ માન્યતા ખોટી છે. જોકે આપણો પ્રૅક્ટિકલ અનુભવ કંઈક જુદું કહે છે. સળંગ બે-ચાર કલાક સુધી કમ્પ્યુટર પર કામ

કરવામાં આવે તો આંખ થાકી જાય છે. ક્યારેક બળતરા પણ થાય છે અને પાણી પણ પડે છે. આંખો ડ્રાય થઈ જાય છે અને ચોળ્યા કરવાનું મન થાય છે.

બીજી તરફ બે-ચાર કલાક સળંગ વાંચવામાં આવે તો આવું થાય છે ખરું? કૅલિફૉર્નિયાના સાયન્ટિસ્ટોનું કહેવું છે કે વિદ્યાર્થીઓ જ્યારે ખૂબ પ્રેશરમાં આવીને પરીક્ષા વખતે વાંચતા હોય છે ત્યારે લાંબો સમય પુસ્તક વાંચવાથી પણ આવાં જ લક્ષણો જોવા મળે છે. આ સાયન્ટિસ્ટોની દલીલ છે કે સામાન્ય રીતે પુસ્તક વાંચતી વખતે વ્યક્તિ વચ્ચે-વચ્ચે આપમેળે આજુબાજુમાં નજર કરી લેતી હોય છે. કમ્પ્યુટર પર કામ કરતી વખતે એમ કરવાનું ચૂકી જતી હોય છે. મૉનિટરની લાઇટને કારણે તેમને આજુબાજુ જોવાની જરૂર પડતી નથી.

આંખ થાક્યાની નિશાની

મોટા ભાગે કમ્પ્યુટર પર કામ કરવાની ખોટી આદતોને કારણે જ આંખને નુકસાન થતું હોય છે એમ જણાવતાં વિલે પાર્લેમાં આઇ હૉસ્પિટલ ધરાવતા આઇ સજ્ર્યન ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘વાંચતી વખતે થોડોક સમય આમતેમ જોઈ લેવાય છે, પણ કમ્પ્યુટર પર એકીટશે કામ કરવાની આદતથી આંખ થાકી જાય છે. જો તમારી આંખમાં રિફ્રેક્ટિવ ખામી એટલે કે નજીક કે દૂરનું જોવામાં તકલીફ પડતી હોય તો અને તો જ તમને કમ્પ્યુટર પર લાંબો સમય કામ કરવાથી બળતરા થાય કે પાણી પડે છે. આંખો થાકી ગયાની એ નિશાની છે, કોઈ બીમારી નહીં. આંખને સ્વસ્થ રાખવી હોય તો દર મિનિટે પલકારા મારવાનું ચૂકવું નહીં.’

પામિંગ જરૂરી

આંખની યોગ્ય કાળજી લેવી હોય તો આંખને થોડાક સમયાંતરે આરામ આપવો જોઈએ. એ માટે પામિંગ નામની ક્રિયા ખૂબ પ્રચલિત છે. જો લાંબો સમય ટીવી જોવાનું હોય કે કમ્પ્યુટર પર કામ કરવાનું હોય ત્યારે દર બે કલાકે ત્રણથી ચાર મિનિટ માટે પામિંગ કરી લેવું. આ ક્રિયામાં નામ મુજબ પામ એટલે કે હથેળીથી આંખોને ઢાંકી દેવામાં આવે છે.

બેઉ હાથનો ખોબો બનાવીને આંખ પર ઢાંકી દેવી. અંદર આંખ ખુલ્લી રાખી શકાય એમ હોવું જોઈએ, પણ આંગળીઓની વચ્ચેની તિરાડમાંથી જરાય પ્રકાશ અંદર ન જાય એનું ધ્યાન રાખવું. ટેબલ પર કોણી ટેકવીને સહેજ આગળ ઝૂકીને તો ક્યારેક ખુરસીમાં પાછળ માથું ઢાળીને ઓછામાં ઓછું ત્રણથી પાંચ મિનિટ સુધી પામિંગ કરવું. એ ક્રિયા પછી જેવી આંખો ખોલશો એટલે એકદમ રીફ્રેશિંગ ફીલ આવશે.

કમ્પ્યુટર યુઝની સાચી આદતો

મૉનિટર આંખથી ઓછામાં ઓછું ૬૦થી ૭૦ સેન્ટિમીટર જેટલું દૂર રાખવું.

ઘણી વાર મૉનિટર આંખો કરતાં ઘણું જ ઊંચે ગોઠવવામાં આવ્યું હોય છે. આ ખોટી રીત છે. સ્ક્રીનની ઉપરની કિનારી આંખ સાથે સમાંતર રહે એટલું ઊંચું મૉનિટર રાખવું અથવા તો પછી એ મુજબ બેસવાની ખુરસી ઍડ્જસ્ટ કરવી.

કમ્પ્યુટરની સ્ક્રીન સામે એકધારું તાકી-તાકીને ન જુઓ. દર પાંચ-દસ મિનિટે થોડીક સેકન્ડ માટે નજર સ્ક્રીનથી હટાવીને આજુબાજુમાં જુઓ. દર અડધોથી એક કલાક પછી એકથી બે મિનિટ માટે આંખોને આરામ આપો. એ સિવાય ઊભા થઈને હાથ, ખભા અને કમરને સ્ટ્રેચ કરો.

પલકારા મારવાનું ચૂકો નહીં. સામાન્ય રીતે આપણે જેટલી વાર આંખ પલકાવીએ છીએ એનાથી પાંચમા ભાગના પલકારા કમ્પ્યુટર પર કામ કરતી વખતે મારીએ છીએ. આને કારણે આંખ ડ્રાય થઈ જાય છે અને બળે છે.

દર એકથી બે કલાકે પાણી પીવું અને સળંગ

બે-ચાર કલાક કમ્પ્યુટર પર કામ કર્યા પછી ઠંડા પાણીની છાલક આંખ પર મારવી.