ફેફસાંના કૅન્સરનું નિદાન કરવું અઘરું કેમ છે?

10 November, 2014 05:43 AM IST  | 

ફેફસાંના કૅન્સરનું નિદાન કરવું અઘરું કેમ છે?




જિગીષા જૈન


આજકાલ થિયેટરમાં કોઈ પણ ફિલ્મ જોવા જઈએ તો એની આગળ સરકાર દ્વારા જાગૃતિ ફેલાવવા માટે ફેફસાંના કૅન્સરની એક જાહેરાત આવે છે જેમાં એક યુવાન વ્યક્તિને હૉસ્પિટલમાં દેખાડવામાં આવે છે અને ત્યાર બાદ જણાવવામાં આવે છે કે યુવાન વયે જ આ વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ જાહેરાત દ્વારા કોઈ પણ જાતના તમાકુનું સેવન ન કરવા માટેની જાગૃતિની વાત કરવામાં આવી છે. ભારતીય પુરુષોમાં સૌથી પહેલા નંબરે જે કૅન્સર થાય છે એ ઓરલ એટલે કે મોઢાનું કૅન્સર છે અને બીજા નંબરે ફેફસાંનું કૅન્સર આવે. ભારતીય સ્ત્રીઓમાં પહેલા નંબરે બ્રેસ્ટ-કૅન્સર, બીજા નંબરે સર્વાઇકલ કૅન્સર અને ત્રીજા નંબરે ફેફસાંનું કૅન્સર આવે છે. જોકે નવાઈની વાત એ છે કે સ્ત્રીઓ અને પુરુષો બન્નેમાં કૅન્સરને કારણે મૃત્યુ પામવામાં સૌથી પહેલા નંબરનું કૅન્સર ફેફસાંનું કૅન્સર છે. તો શું એનો અર્થે એ થાય કે બીજાં કૅન્સરનો ઇલાજ ફેફસાંના કૅન્સર કરતાં વધુ સરળ છે કે પછી ફેફસાંનું કૅન્સર બીજાંબધાં કૅન્સરની સરખામણીમાં વધુ ભયાનક છે? શા માટે દર વર્ષે લાખો લોકો ફેફસાંના કૅન્સરથી મરી રહ્યા છે?

તાજેતરના એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું કે બધાં કૅન્સરમાં લંગ એટલે કે ફેફસાંનું કૅન્સર એવું છે જેનું નિદાન કરવું અઘરું છે. ફેફસાંના ૨૦માંથી એક કૅન્સરનો દરદી એવો હોય છે જેના મૃત્યુ પછી જ ખબર પડે છે કે આ વ્યક્તિનું ફેફસાંના કૅન્સરને કારણે મૃત્યુ થયું છે. એટલું જ નહીં, ૩૦ ટકા લોકોના નિદાનમાં એટલું મોડું થઈ જાય છે કે નિદાન બાદ તેમની પાસે જીવવા માટે ફક્ત ત્રણ મહિના જ બચે છે અને ૧૦ ટકા એવા છે જે નિદાનના એક મહિનાની અંદર જ મૃત્યુ પામે છે. આ રિસર્ચમાં ફેફસાંના કૅન્સરના ૨૦,૧૪૦ દરદીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. એનાથી પણ ચોંકાવનારું નિવેદન એ હતું કે જે લોકોને આ ત્રણ મહિનાની જિંદગી મળે હતી તેઓ નિદાન પહેલાં પાંચ વખત ડૉક્ટરને પોતાનો પ્રૉબ્લેમ બતાવી ચૂક્યા હતા. એનો અર્થ એ થયો કે ડૉક્ટરો પણ એનું ચોક્કસ નિદાન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. સંશોધકોએ જણાવ્યું હતું કે મોટા ભાગના ડૉક્ટરો કૅન્સરનાં ચિહ્નોને સ્મોકર્સ કફનાં ચિહ્નો માનીને એનો ઇલાજ કરતા રહે છે અને કૅન્સર વધતું જાય છે. ફક્ત નવ ટકા લોકો એવા છે જેઓ નિદાન થયા પછી આ રોગ સાથે પાંચ વર્ષ જેટલું લાંબું જીવી શકે છે.

નિદાન કેમ અઘરું?

શું ફેફસાંના કૅન્સરનું નિદાન કરવું અઘરું છે? એવાં કયાં કારણો છે જેને કારણે ફેફસાંના કૅન્સરનું નિદાન સરળ બનતું નથી? આ પ્રશ્નોના જવાબ આપતાં અંધેરીની હોલી સ્પિરિટ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ મેડિકલ ઑન્કોલૉજિસ્ટ ડૉ. નિર્મલ રાઉત કહે છે, ‘એ હકીકત છે કે ફેફસાંના કૅન્સરનું નિદાન કરવું બીજા કૅન્સરની સરખામણીમાં અઘરું છે. એનું સૌથી પહેલું કારણ એ છે કે ફેફસાં શરીરનો અંદરનો ભાગ છે. જેમ કે મોઢાનું કૅન્સર હોય તો એ શરીરનો બહારનો ભાગ છે જેને જોઈને કૅન્સરની ગાંઠ છે એ દેખાઈ જાય છે કે પછી બ્રેસ્ટ-કૅન્સર હોય તો એને દબાવતાં જ ગાંઠ છે એ સમજી શકાય છે, પરંતુ ફેફસાંમાં આવું થતું નથી. બીજું કારણ એ કે ફેફસાં શરીરનો એક મોટો ભાગ છે જેમાં કૅન્સરના ફેલાવા માટે ઘણીબધી જગ્યા છે. જ્યાં સુધી કૅન્સરના કોષો સમગ્ર ફેફસાંમાં વધુ માત્રામાં ફેલાઈ ન જાય ત્યાં સુધી ખાસ કોઈ ચિહ્નો સામે આવતાં નથી. એટલે જ પ્રારંભિક તબક્કામાં ફેફસાંના કૅન્સરનું નિદાન અઘરું બને છે.’

ઇલાજ મુશ્કેલ?

ફેફસાંના કૅન્સરનો ઇલાજ મુશ્કેલ નથી, પરંતુ એનું નિદાન જ મુશ્કેલ છે. આ કૅન્સર બીજા કૅન્સર જેવું જ સામાન્ય કૅન્સર હોય છે. જો પ્રારંભિક તબક્કામાં એના વિશે ખ્યાલ આવી જાય તો દરદીની જિંદગી બચાવી શકાય છે, પરંતુ મોટા ભાગે ફેફસાંમાં જ્યારે મોટી ગાંઠ થઈ જાય એટલે કે કૅન્સર એના લાસ્ટ સ્ટેજમાં પહોંચી જાય ત્યારે જ એનું નિદાન થતું જોવા મળે છે. મોટા ભાગના કેસમાં માટે જ ફેફસાંના કૅન્સરના દરદીઓ મૃત્યુને ભેટે છે. ઘણી વાર તો ફેફસાંમાં જ નહીં, એની આજુબાજુના ભાગોમાં પણ કૅન્સર ફેલાય ત્યારે છેક એનું નિદાન થતું જોવા મળે છે. કૅન્સર વિશે એક મહત્વની વાત જણાવતાં ડૉ. નિર્મલ રાઉત કહે છે, ‘આમ તો કૅન્સરની ગંભીરતા એ કેટલી હદે ફેલાયેલું છે એના પર જ રહેલી હોય છે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે કૅન્સર ખૂબ જ નાજુક જગ્યાએ થાય એટલે કે ઘણી વાર ફેફસાંના અમુક સવેદનશીલ ભાગમાં જો કૅન્સર થાય તો ભલે એ પ્રારંભિક સ્ટેજનું છે પરંતુ વધુ અસરકારક સાબિત થઈ શકે છે.’

કારણ

ફેફસાંનું કૅન્સર થવાના મુખ્ય કારણમાં સ્મોકિંગ પહેલા નંબરે આવે છે. જે લોકો સ્મોકિંગ કરે છે એમાંથી ૯૦ ટકા લોકોને પોતાના જીવનકાળ દરમ્યાન ફેફસાંનું કૅન્સર થાય જ છે. બાકીના ૧૦ ટકા લોકોને કૅન્સર થવા પાછળનું કારણ પૅસિવ સ્મોકિંગ અને હવાનું પ્રદૂષણ છે. બીજી વ્યક્તિના સ્મોકિંગનો ધુમાડો જ્યારે આપણા શ્વાસમાં જાય ત્યારે એ આપણા ફેફસાંને એટલું જ નુકસાન પહોંચાડે છે જેટલું સ્મોકિંગ કરનારી વ્યક્તિને પહોંચાડે છે. આમ સ્મોકિંગથી દૂર રહો અને સ્મોકિંગ કરવાવાળા લોકોથી પણ દૂર રહો એ ખૂબ જ જરૂરી છે.

યોગ્ય નિદાન માટે શું કરવું?

સ્મોકિંગ કરનારા લોકોએ સતર્ક થવાની જરૂર છે, કારણ કે સ્મોકિંગ ફેફસાંના કૅન્સર માટે જવાબદાર કારણ છે; પરંતુ કોઈ ટેસ્ટ એવી હોઈ શકે જે નૉર્મલી આવી વ્યક્તિ કરાવતી રહે જેનાથી કૅન્સરનું નિદાન સરળ બની જાય? એનો જવાબ નકારમાં આપતાં ડૉ. નિર્મલ રાઉત કહે છે, ‘કૅન્સરના નિદાન માટે એક્સ-રે કરાવવો ખૂબ જરૂરી બની જાય છે. એક્સ-રેમાં રેડિયેશન હોય છે જે ખુદ કૅન્સર થવા પાછળ જવાબદાર કારણ છે. આમ કોઈ પણ રેગ્યુલર સ્મોકરને એવી સલાહ ન અપાય કે દર છ મહિને તમે એક્સ-રે કરાવીને ચેક કરાવતા રહો; કારણ કે સ્મોકરને સ્મોકિંગથી તો નુકસાન થઈ જ રહ્યું છે, એની સાથે-સાથે રેડિયેશનથી પણ નુકસાન થાય અને કૅન્સરના ચાન્સ વધી જાય. એક્સ-રે ત્યારે જ કરાવાય જ્યારે એની જરૂર હોય. મોટા ભાગે શરૂઆતનાં લક્ષણો સ્વરૂપે વધુપડતો કફ થાય કે શ્વાસ લેવામાં તકલીફ જણાય અને જો આ લક્ષણો ત્રણ અઠવાડિયાંથી વધુ સમય રહે તો ડૉક્ટરની સલાહ મુજબ એક્સ-રે કરાવવો યોગ્ય જણાશે.’