25 February, 2022 01:16 PM IST | Mumbai | Dr. Meeta Shah
પ્રતીકાત્મક તસવીર
મારી દીકરીને ટાઇપ-વન ડાયાબિટીઝ છે. હૉસ્પિટલમાં એને ૪ દિવસ દાખલ પણ કરેલી. હવે અત્યારે ૨૫ દિવસ પછી શુગર લેવલમાં આવવા લાગ્યું છે. ડૉક્ટરનું કહેવું છે કે આજીવન ઇન્સ્યુલિન લેવું પડશે. અત્યારે દિવસમાં અમે ૪ વાર ઇન્સ્યુલિન આપીએ છીએ. અલગ-અલગ સમયે અલગ-અલગ યુનિટ. શું તેનું પૅન્ક્રિયાસ કામ કરતું થઈ જાય અને ઇન્સ્યુલિનની જરૂરિયાત બંધ થઈ જાય એવું કંઈ ખરું? મારી દીકરીની ઉંમર ૮ વર્ષ છે અને એનું ૨૦ કિલો વજન છે.
બાળકને તકલીફમાં જોઈને તમે આ પૂછી રહ્યાં છો એ સમજી શકું છું. ટાઇપ-વન ડાયાબિટીઝના દરેક બાળકનાં માતા-પિતાને એવું હોય છે કે બાળકને ઇન્સ્યુલિનની સોય લેવી ન પડે. ટાઇપ-ટૂ ડાયાબિટીઝમાં એવું હોય છે કે ઇન્સ્યુલિન છોડાવવી હોય તો શક્યતા છે, પરંતુ ટાઇપ-વનમાં એવું નથી હોતું. આ મોટા ભાગે જીનેટિક કારણસર થતું ડાયાબિટીઝ છે. કોઈ પણ બાળકને એ ન થાય એ માટે આપણે કશું કરી શકતા નથી, કારણ કે આ એક ઑટો ઇમ્યુન ડિસીઝ છે. બાળકની રોગપ્રતિકારક શક્તિ અમુક પ્રકારે તેના પૅન્ક્રિયાસની કામગીરીને ખોરવે છે જેને લીધે ઇન્સ્યુલિનનું નિર્માણ જ થતું નથી અને એને લીધે શુગરનો પ્રૉબ્લેમ થાય છે, જયારે ટાઇપ-ટૂ ડાયાબિટીઝમાં ઇન્સ્યુલિન તો બને છે, પરંતુ કેટલાંક કારણસર એ ઇન્સ્યુલિન કામ બરાબર નથી કરતું. ટાઈપ-વન ડાયાબિટીઝ વધુ અગ્રેસિવ છે. જો બાળકને ઇન્સ્યુલિન ન મળે તો બાળક કોમામાં સરી શકે છે. એને લીધે માતા-પિતા એકદમ જાગ્રત રહીને બાળકનો ઇલાજ ચાલુ જ રાખે એ જરૂરી છે. આ રોગ એના માટે જીવનભરનો છે. બાળકની શુગરનું ધ્યાન રાખવું ખૂબ મહત્ત્વનું છે. ઍલોપથી, હોમિયોપથી કે આયુર્વેદ કશામાં પણ એનો ઇલાજ નથી જ. પૅન્ક્રિયાસને કામ કરતું કરી શકવાની કોઈ શક્યતા નથી. આ હકીકતને તમે જેટલું જલદી સ્વીકાર કરશો એટલું જ જલદી તમે બાળકને આ રૂટીનમાં ઢાળી શકશો. આ રોગમાં માનસિક સજ્જતા જરૂરી છે. બાળકને આ માટે તૈયાર તમે ત્યારે કરી શકશો જ્યારે તમે ખુદ આ રોગનો સ્વીકાર કરી લેશો. અત્યારે શરૂઆત છે. થોડો સમય જશે પછી આપોઆપ તમને અને તમારી દીકરી બન્નેને ઇન્સ્યુલિન લેવાનું નૉર્મલ લાગવા માંડશે. માટે ચિંતા ન કરો.