બ્રેસ્ટ-ફીડિંગ ચાલતું હોય ત્યારે ડિપ્રેશન માટેની સી-પ્રામ દવા લઈ શકાય?

12 October, 2011 07:10 PM IST  | 

બ્રેસ્ટ-ફીડિંગ ચાલતું હોય ત્યારે ડિપ્રેશન માટેની સી-પ્રામ દવા લઈ શકાય?

 

ડૉ. કેરસી ચાવડા, સાઇક્રિયાટ્રિસ્ટ

સવાલ : મારી વાઇફની ઉંમર ૩૧ વર્ષ છે. તેને લગ્ન પછી વારંવાર ડિપ્રેશનના હુમલા આવતા હતા. એ વખતે ડૉક્ટરે સી-પ્રામ દવા લેવાનું કહેલું. બે વરસ  પહેલાં બધું સારું થઈ ગયું. એ પછી તો તેને પ્રેગ્નન્સી રહી અને અત્યારે ત્રણ મહિનાનું બાળક છે. ડિલિવરી પછી ફરી તેનું મગજ ભારે લાગે છે. તે આખો દિવસ  વિચારોમાં ખોવાયવેલી રહે છે. બાળક પ્રત્યે પણ ધ્યાન નથી આપતી. એકલી-એકલી રડ્યા કરે છે. સવારે થોડીક ફ્રેશ હોય, પણ પછી જેમ-જેમ દિવસ  આગળ વધે એમ તેનું મગજ હટતું જાય. તે વારંવાર ચિડાઈ જાય છે અને આખો દિવસ ચાના ગ્લાસ પર ગ્લાસ ગટગટાવ્યા કરે છે. ડિપ્રેશનનાં આવાં લક્ષણો  પરથી અમે તેને ફરીથી પહેલાં જે દવા આપતા હતા એ સી-પ્રામ આપવી શરૂ કરી છે. એનાથી ડિપ્રેશનનાં લક્ષણોમાં ખાસ કોઈ ફરક નથી. દવા પછી ઘેન રહ્યા કરે  છે.

જવાબ : તમારી વાઇફને ડિપ્રેશનની હિસ્ટરી છે એટલે ડિલિવરી પછી આવતા પોસ્ટ-પાર્ટમ ડિપ્રેશનની શક્યતાઓ ખૂબ વધી જાય છે. બાળકના જન્મ પછી અચાનક  જ હૉમોર્નલ અસંતુલનને કારણે ડિપ્રેશન જેવાં લક્ષણો આવે એ સ્વાભાવિક છે, પરંતુ એ માટે સી-પ્રામ જેવી દવા લઈ શકાય નહીં. જો તમારે દવા ચાલુ રાખવી  હોય તો બાળકને માનું દૂધ ન પિવડાવવું જોઈએ, કારણ કે આ દવાથી બાળકના માનસિક વિકાસ પર પણ અસર થાય છે. બાળક હજી નાનું છે એટલે જો  બ્રેસ્ટ-ફીડિંગ ચાલુ રખાવવું હોય તો દવા બદલવાનું તમારા ડૉક્ટરને મળીને નક્કી કરો.

ડિલિવરી પછીના ડિપ્રેશન માટે તમે કોઈ સારા ગાયનેકોલૉજિસ્ટને મળો. એ લક્ષણોને કાબૂમાં લેવા માટે હૉમોર્નલ ટ્રીટમેન્ટ સૂચવશે જેનાથી જરૂર ફરક પડશે.  તમારી વાઇફને ચાના કપની નહીં પણ તેને સમજી શકે અને જેની સાથે તે ખુલ્લા દિલે વાત કરી શકે એવા કોઈકની જરૂર છે. કસરત કરવાથી શરીરમાં થોડીક સ્ફૂર્તિ આવશે અને મૂડમાં પણ ફરક પડશે એટલે દિવસમાં અડધો-પોણો કલાક તમારી વાઇફને ચાલવા કે જૉગિંગ માટે લઈ જશો તો  સારું લાગશે.