દરરોજ પૉટી ન થાય તો કબજિયાત કહેવાય?

23 December, 2022 05:33 PM IST  |  Mumbai | Dr. Vivek Rege

બાળકોને જો કબજિયાત હોય તો એ ઘણાં કારણસર તેમના ગ્રોથમાં અડચણનું કામ કરે છે,

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મારું બાળક ૪ વર્ષનું છે. તેની પૉટી ટ્રેઇનિંગ થઈ ચૂકી છે, પરંતુ તેનું પેટ બરાબર સાફ નથી થતું, કારણ કે તે દરરોજ પૉટી જતો નથી. તેને દરરોજ સવારે ઉઠાડીને હું ટ્રાય કરું છું બાથરૂમમાં બેસાડવાની, પરંતુ તેનું આ રૂટિન નિયમિત નથી થઈ રહ્યું. બે દિવસ દરરોજ જાય, પછી પાછો બે દિવસ ન જાય. છેલ્લા અઠવાડિયામાં તો તે ૪ દિવસ ગયો જ નહીં. શું તેને કબજિયાત છે?  

૪ વર્ષના બાળકને પણ કબજિયાત થાય જ છે, પરંતુ ફક્ત તેની અનિયમિતતા એ ન સૂચવી શકે કે તેને કબજિયાત છે. બાળકોને જો કબજિયાત હોય તો એ ઘણાં કારણસર તેમના ગ્રોથમાં અડચણનું કામ કરે છે, માટે એનો ઇલાજ અનિવાર્ય છે, પરંતુ પ્રશ્ન એ છે કે સમજવું કઈ રીતે કે બાળકને કબજિયાત છે કે નહીં. તો એ માટે અમુક લક્ષણો છે જેના દ્વારા સમજી શકાય કે બાળકને કબજિયાત છે કે નહીં. 

આ પણ વાંચો : ઍક્યુટ લિવર ફેલ્યર થયા પછી બચી શકાય?

જો બાળક દરરોજ પૉટી ન જતું હોય તો તમારી જેમ ઘણાં માતા-પિતા સમજે છે કે તેને નક્કી કબજિયાત છે, પણ એવું નથી. જો બાળક દરરોજ પૉટી જતું હોય તો સારી બાબત છે, પણ ન જતું હોય તો પણ તેને કબજિયાત હોય જ એવું જરૂરી નથી. મેડિકલ સાયન્સ મુજબ જો બાળક અઠવાડિયામાં ૩થી ઓછી વાર જતું હોય તો કહી શકાય કે તેને કઈ પ્રૉબ્લેમ છે. ખાસ કરીને આ પરિસ્થિતિ એક મહિનાથી સતત રહેતી હોય તો એમ માની શકાય. આ સિવાય તેને પેટમાં દુખાવો રહેતો હોય, ભૂખ ન લાગતી હોય, મળ ખૂબ જ સખત હોય, મળ પાસ કરવામાં દુખાવો થતો હોય તો સમજી શકાય કે આ કબજિયાતનાં લક્ષણ છે. આ સિવાય પૉટી ટ્રેઇન થયેલું બાળક ક્યારેય અન્ડરપૅન્ટમાં પૉટી કરતું નથી. જો ભૂલથી થઈ જાય અને આવું ૨-૩ વખત થાય તો સમજવું કે કબજિયાતને કારણે છે. તમારા બાળકને અનિયમિતતા સિવાય આમાંથી કોઈ પણ લક્ષણ હોય તો ડૉક્ટરને એક વાર મળીને ચકાસી લેવું. જો તેને કબજિયાત નીકળે તો પણ લગભગ ૯૫ ટકા બાળકોને કબજિયાતની તકલીફ ફન્કશનલ કારણોને લીધે થતી હોય છે, જયારે બાકીનાં પાંચ ટકા બાળકોને આ તકલીફ કોઈ જન્મજાત ખામીને કારણે થતી હોય છે. બાળકને કબજિયાત હોય કે ન હોય, પણ બાળકનો યોગ્ય ફાઇબરયુક્ત ખોરાક, તેનું શેડ્યુલ, તેની ઊંઘમાં નાના-મોટા ફેરફારો, પાણીનું પૂરતું પ્રમાણ એની નિયમિતતા વધારશે.

columnists health tips