સ્તનપાનને અઘરું માનીને છોડતાં પહેલાં એક વખત લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટને મળી લો

11 September, 2026 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્તનપાન બાળકના વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વનું છે. છ મહિના સુધી ફક્ત સ્તનપાન અને ત્યાર બાદ ખોરાક સાથે બે વર્ષ સુધી સ્તનપાનની સલાહ આપવામાં આવે છે. સમસ્યા હોય તો લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટની મદદ લેવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

સ્તનપાન એ દરેક બાળકનો હક છે અને દરેક માતાનું ગર્વ. બાળક માટે એ જ અમૃત છે અને એના દ્વારા જ તે આ દુનિયામાં ટકી રહેવાની શક્તિ મેળવે છે. એના દ્વારા તેનો વિકાસ થાય છે. માતા પોતાના દૂધથી બાળકને સીંચે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના રેકમેન્ડેશન મુજબ બાળકને ૬ મહિના સુધી ફક્ત સ્તનપાન પર જ રાખવું જોઈએ. ૬ મહિના પછી તેને બહારનો ખોરાક શરૂ કરી શકાય છે. બહારના ખોરાકની સાથે-સાથે બાળકને બે વર્ષની ઉંમર સુધી સ્તનપાન કરાવવું જોઈએ. 
આજકાલ ઘણી સ્ત્રીઓને એ શંકા હોય છે કે તેને દૂધ આવશે કે નહીં આવે. ખાસ કરીને જો સંતાનો જોડિયા હોય કે ટ્રિપ્લેટસ હોય તો આ શંકા પુખ્ત બની જાય છે અને સ્ત્રી મનમાં જ વિચારી લે છે કે બાળકને સ્તનપાન કરાવવાનું શક્ય જ નથી. જે સ્ત્રી પ્રેગ્નન્ટ બને છે અને જે સ્ત્રી બાળકને જન્મ આપે છે તે બધી સ્ત્રીને દૂધ આવે જ છે. એ શક્ય જ નથી કે કોઈ સ્ત્રીને દૂધ ન આવે. એટલે આ પ્રકારની કોઈ શંકા સ્ત્રીએ રાખવી જ નહીં. ઘણી સ્ત્રીઓને એ પણ શંકા હોય છે કે બાળકને સ્તનપાન કરતાં આવડતું હશે કે શીખવવું પડશે. આપણે બધા સસ્તન વર્ગનાં પ્રાણીઓ ગણાઈએ અને એટલે જ આપણાં બાળકોને સ્તનપાન કેમ કરાવવું એ શીખવવું પડતું નથી, તેમને આવડતું જ હોય છે.  
આજકાલ બજારમાં ઘણાં ફૉર્મ્યુલા મિલ્ક આવી ગયાં છે જે નવજાત બાળકને પોષણ આપી શકે છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેની માતાને દૂધ સંબંધિત પ્રૉબ્લેમ હોય. આ દૂધને ખોરાક નહીં પણ દવા સમજવું. એટલે કે જ્યારે અત્યંત જરૂરી હોય ત્યારે જ આપવું અને બને તો એવી કોશિશ કરવી કે એની જરૂર જ ન પડે. એનું મહત્ત્વનું કારણ એ છે કે ફૉર્મ્યુલા મિલ્કની એક વખત જો બાળકને આદત પડી ગઈ તો તે માતાનું દૂધ પીવાનું મૂકી દે છે. બાળકમાં માનવસહજ સ્વભાવ જ હોય છે. જો તેને મહેનત વગર એમ ને એમ ખોરાક મળતો હોય તો તે સ્તનપાન કરવાની મહેનત કરતું નથી. જો તે સ્તનપાન ન કરે તો દૂધ આવવાનું એમ ને એમ જ બંધ થઈ જાય છે. આ એક ચક્ર છે જેનાથી બચવું જોઈએ. બાળકને નથી ખબર કે તેના માટે શું સારું છે એટલે આ બાબતે આપણે જ ધ્યાન રાખવું જોઈએ. બાળક માટે માતાનું દૂધ જ શ્રેષ્ઠ છે. એની જગ્યા કોઈ ફૉર્મ્યુલા મિલ્ક ન લઈ શકે. જો સ્તનપાનને લગતી કોઈ સમસ્યા હોય તો લૅક્ટેશન સ્પેશ્યલિસ્ટને મળો, પણ સ્તનપાન અઘરું પડે છે એમ માનીને છોડી ન દો.

lifestyle news life and style parenting tips healthy living health tips