બ્રેસ્ટ ક્રાઉલિંગ કરનારું બાળક સ્ટ્રૉન્ગ અને ઇન્ટેલિજન્ટ હોય

21 November, 2012 07:01 AM IST  | 

બ્રેસ્ટ ક્રાઉલિંગ કરનારું બાળક સ્ટ્રૉન્ગ અને ઇન્ટેલિજન્ટ હોય



જિગીષા જૈન

જન્મ પછીના પહેલા બે કલાક સુધી બાળક સૌથી વધુ સતર્ક હોય છે એટલે જન્મ પછીના અડધો કલાકમાં જ તેને માતાના પેટ પર ઊંધું સુવડાવવામાં આવે છે જેથી તે પોતાના પ્રયત્ન દ્વારા જાતે કુદરતી રીતે જ પહેલી વારનું સ્તનપાન કરે. આજકાલ લોકપ્રિય બની રહેલી બ્રેસ્ટ ક્રાઉલિંગની આ ટેક્નિકમાં જન્મેલું બાળક કઈ રીતે પોતાની પાંચેય ઇન્દ્રિયનો એક્સ્ટ્રા-ઑર્ડિનરી ઉપયોગ કરવા પ્રેરાય છે એ વિશે આપણે ગઈ કાલે જાણ્યું. આજે જોઈએ બ્રેસ્ટ ક્રાઉલિંગથી માતા અને બાળકને શું ફાયદા થાય છે, આ પદ્ધતિ કેટલી પ્રૅક્ટિકલ છે તેમ જ એને અપનાવતી વખતે શું તકેદારી રાખવી જોઈએ.

માતાને થતા ફાયદા

પ્રેગ્નન્સી વખતે ફૂલેલું ગર્ભાશય ડિલિવરી પછી સંકોચાતું હોય છે. બ્રેસ્ટ ક્રાઉલ દરમ્યાન જ્યારે બાળક પેટે સરકીને ઉપર આવે છે ત્યારે ગર્ભાશયને સંકોચાવામાં ઘણી મદદ થાય છે. એ સરળતાથી સંકોચાય છે.

પ્રેગ્નન્સી દરમ્યાન જ માતાના ગર્ભાશયમાં પ્લેસેન્ટા આકાર લે છે, જેના દ્વારા ગર્ભને મા તરફથી પૂરતું પોષણ મળી રહે છે, જેનું ડિલિવરી પછી બહાર આવવું જરૂરી છે. ગર્ભનાળ સાથે જોડાયેલા પ્લેસેન્ટાને બહાર લાવવાની આ પ્રોસેસ બ્રેસ્ટ ક્રાઉલ દ્વારા ઝડપી બને છે.

ડિલિવરી પછી માતાને ક્યારેક વધુ પડતા બ્લીડિંગની ફરિયાદ રહે છે. વળી, વધુ પડતી બ્લડ-લૉસ થઈ જાય તો ક્યારેક માતા એનીમિયાની શિકાર પણ બનતી હોય છે.  બ્રેસ્ટ ક્રાઉલિંગ આ વધુ પડતા બ્લીડિંગને રોકે છે અને માતાને એનીમિયાનો ભોગ બનતી અટકાવી શકાય છે.

ડિલિવરી દરમ્યાન માના શરીરમાં એકસાથે ઘણાં હૉર્મોનલ ચેન્જ આવે છે. બ્રેસ્ટ ક્રાઉલ થવાથી હૉર્મોન્સ જલદીથી નૉર્મલ સ્ટેજ પર આવે છે, એથી ઇમોશનલી મા ઘણી જલદી શાંત અને સ્થિર થઈ શકે છે.

બાળકને થતા ફાયદા

બ્રેસ્ટ કાઉલ બાળકને ખૂબ જ સ્ટ્રૉન્ગ અને ઇન્ટેલિજન્ટ બનાવે છે, કારણ કે જન્મ્યા પછી તરત જ સૌથી પહેલાં તેને માનું પીળું દૂધ મળે છે, જેમાં રહેલા ઍન્ટિબૉડીઝ તેને અત્યંત ઉપયોગી બને છે.

બ્રેસ્ટ ક્રાઉલિંગનો સૌથી મોટો ફાયદો છે એના દ્વારા નર્મિાણ થતું મા અને બાળકનું અતૂટ બોન્ડિંગ. જન્મ પછી બહારની દુનિયામાં આવતાંની સાથે બાળકને માના શરીરનો સ્પર્શ મળે એટલે તે ખૂબ જ સિક્યૉર ફીલ કરે. આ ઉપરાંત બાળકને જરૂરી ગરમી પણ આ રીતે પૂરી પાડે છે.

બાળક દૂધ ન પીએ, તેને સ્તનપાન કરતાં ફાવે નહીં, બરાબર ચૂસતાં આવડે નહીં અથવા માને દૂધ બરાબર આવે નહીં એવા ઘણા પ્રશ્નો બાળકના જન્મ પછી ઉદ્ભવે છે. જોકે બ્રેસ્ટ ક્રાઉલિંગમાં બાળક પોતે જ સ્તનપાન માટે ઇનિશિએટિવ લેતું હોય છે અને તેને શીખવાડવું પડતું નથી માટે આવા પ્રશ્નો ઉદ્ભવતા નથી. જન્મ પછી વધારે સમય થઈ જાય અને સ્તનપાન ન કરાવવામાં આવે તો બાળક બહુ થાકી ગયું હોવાથી તે સ્તનપાન કરતું નથી.

જન્મ્યા પછીના પહેલા અઠવાડિયામાં લગભગ દરેક બાળકનું વજન થોડું ઓછું થાય અને પછી પાછું વધવાનું ચાલુ થાય. તુલનાત્મક રીતે બ્રેસ્ટ ક્રાઉલિંગવાળા બાળકનું વજન ઘણું ઓછું ઊતરે છે.

પ્રૅક્ટિકલ પ્રૉબ્લેમ્સ

રિસર્ચ મુજબ વ્યસ્ત લેબરરૂમમાં બ્રેસ્ટ ક્રાઉલિંગને એક રૂટીન તરીકે અપનાવવું એક પ્રશ્ન છે. સામાન્ય રીતે બાળકને બ્રેસ્ટ ક્રાઉલિંગ કમ્પ્લીટ કરતાં ૧૦-૧૫ મિનિટ લાગે છે. કોઈક સંજોગોમાં આ સમય લંબાતો હોય છે, કારણ કે બ્રેસ્ટ ક્રાઉલિંગનો સમય બાળકે-બાળકે જુદો હોય છે. વ્યસ્ત ડૉક્ટર્સ, અનટ્રેઇન્ડ સ્ટાફ, સતત વ્યસ્ત રહેતો લેબરરૂમ, કલાક પ્રમાણે લેવાતા ઑપરેશન થિયેટરના ચાર્જિસ વગેરે બાબતો બ્રેસ્ટ ક્રાઉલિંગમાં થોડી અડચણરૂપ સાબિત થઈ રહી છે. બ્રેસ્ટ ક્રાઉલિંગ માટે સમયની સાથે ધીરજ પણ જરૂરી છે, જેનો અભાવ ડૉક્ટર્સ અને સ્ટાફમાં જોવા મળે છે. એથી બ્રેસ્ટ ક્રાઉલિંગ માટે અવેરનેસ કેળવવી જરૂરી છે. માત્ર ડૉક્ટર્સ નહીં, પેશન્ટ્સ પણ આ પ્રત્યે જાગૃતિ કેળવે તો કોઈ ઉપાય લાવી શકાય.

અત્યારના ઑપરેશન થિયેટર કે લેબરરૂમ એસીવાળા હોય છે. ઘણા લોકોને એવો ડર હોય છે કે બ્રેસ્ટ ક્રાઉલિંગ વખતે બાળકને ઠંડી લાગી જાય, એના સૉલ્યુશનરૂપે ડૉ. ઝીનલ ભાવસાર કહે છે, ‘બાળકને ઉપરથી બ્લેન્કેટ ઓઢાડીને પણ બ્રેસ્ટ ક્રાઉલ કરાવી શકાય છે, પણ એના માટે એક ટ્રેઇન્ડ વ્યક્તિની જરૂર પડે છે.’

સિઝેરિયનમાં પણ ઉપયોગી

બ્રેસ્ટ ક્રાઉલિંગની પદ્ધતિ નૉર્મલ ડિલિવરી માટે જ શક્ય છે એવું નથી. સિઝેરિયન ડિલેવરીમાં પણ એ શક્ય છે. સિઝેરિયનમાં બાળકને પેટ પર મૂકી શકાતું નથી, કારણ કે ત્યાં ટાંકા લેવામાં આવ્યા હોય છે. આ પ્રૉબ્લેમને નિવારવા માટે ડૉ. ઝીનલ ભાવસાર કહે છે, ‘સિઝેરિયન ઑપરેશન માટે અમે બાળકને ખભા પાસેથી ક્રાઉલ કરાવીએ છીએ. જો આ સ્થિતિ બાળકને ન ફાવે અથવા તો તેના પડી જવાની બીક લાગતી હોય તો તેને સીધું જ માની છાતી પર મૂકી દઈએ છીએ. આ રીતે બાળક થોડી જ વારમાં પોતાની જાતે સ્તનપાન કરી દે છે.’

જો બાળક નબળું જન્મ્યુ હોય તો બ્રેસ્ટ ક્રાઉલિંગ કરાય કે નહીં એના જવાબમાં ડૉ. ઝીનલ ભાવસાર કહે છે, ‘બે કિલોથી ઓછું વજન ધરાવતા બાળકને બ્રેસ્ટ ક્રાઉલ ન કરાવવું જોઈએ. બાકી બે કિલો કે એથી વધુ વજન હોય અને તેની શ્વસનક્રિયા બરાબર ચાલતી હોય તો એવાં બાળકો બ્રેસ્ટ ક્રાઉલિંગ કરી શકે છે.’