સાઇલન્ટ કિલર બ્લડ-પ્રેશરથી બચવા માટે ખૂબ જરૂરી છે રેગ્યુલર ચેક-અપ

17 November, 2014 05:26 AM IST  | 

સાઇલન્ટ કિલર બ્લડ-પ્રેશરથી બચવા માટે ખૂબ જરૂરી છે રેગ્યુલર ચેક-અપ



જિગીષા જૈન

અત્યારે વિશ્વમાં જે રોગો મનુષ્ય પર વણજોઈતું ભારણ બની ગયા છે એમાંનો એક રોગ હાઇપરટેન્શન એટલે કે બ્લડ-પ્રેશર છે. ૬૦ ટકા સ્ટ્રોક અને ૪૦ ટકા હાર્ટ-અટૅક માટે જવાબદાર આ રોગ ફક્ત હૃદય જ નહીં, કિડની અને મગજને પણ ડૅમેજ કરી શકે છે. આ રોગ વિશેની સામાન્ય સમજણ લઈએ તો સમજાશે કે લોહી સમગ્ર શરીરમાં પરિભ્રમણ કરતું રહે છે. આ લોહીની નળીઓમાં લોહીના પરિભ્રમણને કારણે એક દબાણ ઊભું થાય છે જે દબાણ હંમેશાં કન્ટ્રોલમાં હોવું જરૂરી છે. જો એ ઘટી કે વધી જાય તો પ્રૉબ્લેમ ઊભા થઈ શકે છે. જો એ ઘટી જાય તો એને લો બ્લડ-પ્રેશર કહે છે, જ્યારે વધી જાય તો એને હાઈ બ્લડ-પ્રેશર કહે છે. સરેરાશ કાઢીએ તો ૨૫થી લઈને ૬૫ વર્ષ સુધીના લોકોમાં આજે ૧૦માંથી ૪ કરતાં પણ વધુ લોકોને બ્લડ-પ્રેશરનો પ્રોબ્લેમ છે. એટલે કે લગભગ કહી શકાય કે ૪૦-૪૫ ટકા લોકો આ રોગથી પીડાય છે. એના કરતાં પણ વધુ મહત્વની વાત એ છે કે આ રોગના ૧/૩ દરદીઓ એટલે કે લગભગ ૩૫ ટકા દરદીઓ એવા છે જેને પોતાને બ્લડ-પ્રેશર છે એવી જાણ જ હોતી નથી, કારણ કે નૉર્મલ જીવન જીવતા- જીવતા ક્યારેય તેમને કોઈ લક્ષણ સામે આવ્યું નથી હોતું. આ રોગનું કોઈ ખાસ લક્ષણ ન હોવાને કારણે એવું ઘણી વાર બને છે કે જ્યારે કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે જ વ્યક્તિને અચાનક ખ્યાલ આવે છે કે તેમને આ રોગ છે.

આ રોગને માટે જ સાઇલન્ટ કિલર એવું નામ આપવામાં આવ્યું છે જે વિશે વાત કરતાં દહિસરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સુશીલ શાહ કહે છે, ‘લોહીની નળીઓમાં આવતું પ્રેશર ક્યારેય સામાન્ય પરિસ્થિતિમાં મહેસૂસ થતું નથી. એ જ આ રોગનો સૌથી મોટો પ્રૉબ્લેમ છે. વ્યક્તિ ત્યારે જ ડૉક્ટર પાસે આવે છે જ્યારે તેને કોઈ પ્રોબ્લેમ થાય. તેને કોઈ પ્રૉબ્લેમ થાય જ નહીં ત્યારે તે ડૉક્ટર પાસે જાય નહીં, જેને લીધે નૉર્મલ ચેક-અપ થાય નહીં અને એને જ કારણે આ રોગ ગંભીર બનતો જાય. સતત વધેલું બ્લડ-પ્રેશર શરીરને કોઈ મોટું નુકસાન પહોંચાડે ત્યારે જ સામે આવે છે કે વ્યક્તિને બ્લડ-પ્રેશરનો પ્રૉબ્લેમ હતો. પણ એ સમયે મોડું થઈ ગયું હોય છે.’

તાજેતરના એક રિસર્ચ મુજબ જે લોકો ડૉક્ટર પાસે વર્ષમાં બે વાર રેગ્યુલર ચેક-અપ માટે જતા હોય છે તેમનું બ્લડ-પ્રેશર વધુ કન્ટ્રોલમાં રહેતું હોય છે. આ રિસર્ચમાં જેમનું બ્લડ-પ્રેશર કન્ટ્રોલમાં હોવાની શક્યતા ઘણી ઓછી છે એવા ઓબીસ એટલે કે મેદસ્વી લોકોનું

બ્લડ-પ્રેશર પણ વર્ષની આ બે વિઝિટને કારણે કન્ટ્રોલમાં જોવા મળ્યું હતું. આ સાથે નિયમિતતાના ધોરણે પણ જે લોકો ડૉક્ટર પાસે વર્ષમાં બે વાર જતા હતા તેવા લોકોએ બ્લડ-પ્રેશરની દવાઓ ક્યારેય બંધ કરી નહોતી. સંશોધકોનું માનવું હતું કે ડૉક્ટર પાસે સતત જવાને કારણે આવા લોકોમાં પોતાના રોગ વિશેની જાગૃતિ જોવા મળી હતી જે એ લોકોમાં નહોતી જેઓ ડૉક્ટર પાસે વર્ષમાં બે વાર જતા નહોતા. સૌથી મહત્વનો પૉઇન્ટ એ હતો કે આ બધા જ લોકો, જે વર્ષમાં બે વાર ડૉક્ટરની મુલાકાત લેતા હતા તેમને પોતાને બ્લડ-પ્રેશર છે એવું નિદાન આ રેગ્યુલર ચેક-અપ દ્વારા જ થયું હતું. જો તેઓ ત્યાં ચેક-અપ માટે ન ગયા હોત તો તેમને પોતાના રોગ વિશે જાણકારી ન થઈ હોત.

લક્ષણ નહીં

લોહીની નસોમાં દબાણ વધે તો શરીરમાં કોઈ તો લક્ષણ વર્તાવું જોઈએ જ, પરંતુ હકીકતમાં એ પ્રેશર કોઈ પણ રીતે મહેસૂસ થતું નથી એની પાછળનું કારણ જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે,

‘બ્લડ-પ્રેશરમાં જે પ્રૉબ્લેમ આવે છે એમાં મુખ્ય એ વાત છે કે લોહીની નળીઓ ઘણી વાર કડક બની જતી હોય છે. એની સ્થિતિસ્થાપકતા એટલેકે ઇલૅસ્ટિસિટી ઘટી જાય છે જેને લીધે પ્રેશર વધતું હોય છે. મોટા ભાગે ઉંમર વધવાને કારણે આ પ્રક્રિયા થતી હોય છે, પરંતુ આ પ્રેશર ક્યારેય એકસાથે અચાનક જ વધી જતું નથી; ધીમે- ધીમે વધે છે જે પ્રેશરને નળીઓ સહન કરી લેતી હોય છે અને શરીર ધીમે-ધીમે એને અનુકૂળ થવાની કોશિશ કરતું હોવાથી કોઈ ખાસ લક્ષણ જણાતું નથી.

રોગો

સાઇલન્ટ કિલર તરીકે ઓળખાતો આ રોગ પોતે જ વ્યક્તિને મૃત્યુ સુધી પહોંચાડતો નથી, પરંતુ એ એવા રોગોને નિમંત્રે છે જેને લીધે વ્યક્તિનું મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. આમ તો લોહીની નસો આખા શરીરમાં ફેલાયેલી હોય છે અને વધેલા પ્રેશરને કારણે શરીરમાંના જે અંગની નસો પર વધુ અસર થાય એ અંગ ડૅમેજ થવાની શક્યતા વધી જાય છે. પરંતુ મુખ્યત્વે એ ચાર અંગો પર વધુ અસર કરે છે જે વિશે જણાવતાં ડૉ. સુશીલ શાહ કહે છે, ‘બ્લડ-પ્રેશરને કારણે મુખ્યત્વે મગજ, હૃદય, આંખ અને કિડની પર અસર થાય છે. ખાસ કરીને મગજમાં સ્ટ્રોક આવી શકે છે કે હેમરેજ થવાની શક્યતા વધી જાય છે. હૃદયમાં અટૅક આવી શકે છે, કિડની ફેલ થઈ શકે છે અને આંખમાં રેટિના એટલે કે આંખના પડદા પર અસર થાય છે. ખાસ કરીને રેટાઇનલ હૅમરેજ થવાની શક્યતા વધી જાય છે, જેની અસર વિઝન પર પડે છે.’

રેગ્યુલર ચેક-અપ શા માટે?

રેગ્યુલર ચેક-અપ જ એકમાત્ર રીત છે જેના દ્વારા ખબર પડે છે કે વ્યક્તિને બ્લડ-પ્રેશર છે કે નહીં. વળી આજકાલ ૧૫ વર્ષના બાળકને પણ આ રોગ થઈ શકે છે. આમ કોઈ પણ ઉંમરની વ્યક્તિએ પોતાનું બ્લડ-પ્રેશર દર ૬ મહિને ચેક કરાવવું જ જોઈએ.

જ્યારે બ્લડ-પ્રેશર છે એવી ખબર પડે ત્યારે એની મેડિસિન અને જરૂરી લાઇફ-સ્ટાઇલ ચેન્જિસથી આ રોગ પર કાબૂ લઈ શકાય છે. જ્યારે ખબર જ ન હોય કે આ રોગ છે ત્યારે આ રોગ બેકાબૂ બની શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે. એટલે જલદી ખબર પડે એ જરૂરી છે જેને કારણે ઇલાજ જલદી શરૂ થઈ શકે.

જેને આ રોગ છે તેણે પણ રેગ્યુલર પોતાનું પ્રેશર ચેક કરાવતા રહેવું, કારણ કે તે પોતે જે દવાઓ લઈ રહ્યા છે એ દવાઓ કામ કરી રહી છે કે નહીં એ જોવું પણ જરૂરી છે. ઘણી વાર દવાઓ બદલાવવાની જરૂર પડે છે. ઘણી વાર ડોઝ ઓછો કે વધુ કરવાની જરૂર પડે છે. માટે રેગ્યુલર મૉનિટરિંગ માટે પણ દર ૩-૬ મહિને ચેક-અપ જરૂરી છે.