12 September, 2023 07:25 PM IST | Mumbai | Rashmin Shah
હેલ્ધી હોવું મતલબ તમામ નેગેટિવિટી દૂર ભગાડવી
મેં વર્કઆઉટને કોઈ સ્પેસિફિક પ્રોસેસ તરીકે લેવાનું હોય એ રીતે લીધું જ નથી. ના, ક્યારેય નહીં. એ કરતી નહોતી ત્યારે પણ નહીં અને હવે જ્યારે એ લાઇફનો એક પાર્ટ છે ત્યારે પણ નહીં. જેમ આપણે ડેઇલી રૂટીનમાં બ્રશ કરીએ, શાવર લઈએ, બ્રેકફાસ્ટ કરીએ એ જ રીતે વર્કઆઉટ એ મારા ડેઇલી રૂટીનનો એક ભાગ છે અને આ એ ડેઇલી રૂટીન મેં કોવિડ સમયથી બનાવી લીધું છે. તમને બધાને યાદ હશે કે કોવિડ સમયે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન સમયે બધા ઘરમાં હતા. શૂટિંગ પણ બંધ થઈ ગયાં હતાં અને માર્કેટ્સ પણ બંધ હતાં. હું પણ બધાની જેમ ઘરમાં હતી. મારું વેઇટ અપડાઉન થતું હોય એવું પણ ક્યારેય બન્યું નથી એટલે મને વર્કઆઉટની કોઈ આદત નહીં. મારું મેટાબોલિઝ્મ પણ એટલું સારું કે હું કંઈ પણ ખાઉં, પણ એ ફૂડ વેઇટ બનીને મારા પર દેખાય નહીં. નૅચરલી આ બધાં કારણોસર હું કૉન્ફિડન્ટ હતી પણ લૉકડાઉન દરમ્યાન મને મામૂલી કહેવાય એવી બીમારીના અણસારો મળતા. ક્યારેય બૉડી-એક હોય તો ક્યારેક હેડ-એક હોય. ક્યારેક એમ જ ચક્કર આવતાં હોય કે પછી ક્યારેક હું પોતે જ નર્વસ ફીલ કરતી હોઉં. હું તો એ બધાને સાવ સામાન્ય ગણતી.
મારા જેવા ઘણા હતા જે ભાગ્યે જ ઘરમાં રહેતા હોય એટલે એ એવું પણ ધારી લે કે આ બધું ઘરમાંથી બહાર જવા નથી મળતું એની નિશાની છે પણ થૅન્ક્સ ટુ માય ફાધર, તેમણે મને વર્કઆઉટની દિશામાં વાળી અને એ પણ એવી વાળી કે આજ સુધી હું એ દિશામાં અટકી નથી.
ઇમ્પોર્ટન્ટ છે ઇનર હેલ્થ | મારા પપ્પા વિષ્ણુ ભાવસાર મારી સાથે જ મુંબઈમાં રહે છે. મુંબઈ આવવાનું નક્કી કર્યું ત્યારથી તેમણે પણ મારી સાથે નવી લાઇફ શરૂ કરી છે. લૉકડાઉનમાં આવતા ઇશ્યુઝ વચ્ચે તેમણે મને સમજાવ્યું કે બૉડી માટે વર્કઆઉટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. મેં ધીમે-ધીમે તેમની સાથે શરૂ કર્યું અને એ પછી મને સમજાયું, મને રિયલાઇઝ થયું કે બહારથી તમે કેટલા પણ ફિટ કેમ ન હો, પણ તમે ઇનર વે પર પણ ફિટ હો એ બહુ જરૂરી છે.
એ પિરિયડમાં શરૂઆતમાં તો હું ઘરે જ વર્કઆઉટ કરતી અને એ પછી મેં ધીમે-ધીમે ઑનલાઇન વર્કઆઉટ સેશન શરૂ કર્યાં. મારા પપ્પાએ મારા ઑનલાઇન ટ્યુટર સાથે બેસીને મારા માટે આખું વર્કઆઉટ ડિઝાઇન કર્યું અને એ પછી મેં મારી જાતે ફૂડ ઇન્ટેક ડિઝાઇન કર્યું. આ ફૂડ ઇન્ટેક ડિઝાઇનિંગ પણ મેં મારા એક્સ્પીરિયન્સના આધારે જ નક્કી કર્યું છે. મને શું ફાવે છે, શું નથી ફાવતું, કેટલું ફાવે છે અને કેટલું ખાઈશ તો મને હેલ્થ પર અસર થશે એ મારા અનુભવોના આધારે જ મેં નક્કી કર્યું અને પછી પ્લાનર બનાવ્યું. ફૂડની વાત કરતાં પહેલાં તમને વર્કઆઉટની વાત કરું.
લાઇફ નૉર્મલ થઈ એટલે મેં જિમમાં જઈને વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. જિમનો એક મોટો ફાયદો એ કે તમને અલગ જ વાઇબ્સ મળે. ઘરમાં થોડી આળસ આવી જાય એવું બની શકે. જિમમાં મેં કોર બૉડી વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું અને એની સાથોસાથ મેં આઉટડોર ઍક્ટિવિટી પણ વધારી. આજે એ વાતને ઑલમોસ્ટ પાંચ વર્ષ થયાં છે પણ આ પાંચ વર્ષમાં એક પણ વાર એવું નથી બન્યું કે મેં વર્કઆઉટ સ્કિપ કર્યું હોય. ક્યારેય નહીં. વર્કઆઉટના કારણે આજે મારામાં એ સ્તર પર પૉઝિટિવીટી છે કે હું કોઈ પણ નેગેટિવ બાબતનો સામનો પણ પૂરી સ્વસ્થતા સાથે કરી શકું છું.
ફૂડ છે ઇમ્પોર્ટન્ટ | હું કોઈ પ્રોટીન પાઉડર કે સપ્લિમેન્ટ્સ લેવામાં માનતી નથી. નૅચરલ સોર્સ પર હું વધારે ધ્યાન આપું છું. નૉર્મલી મેં મારા ફૂડને ચાર પોર્શનમાં ડિવાઇડ કર્યું છે. સવારે બ્રેકફાસ્ટ લેવાનો. એમાં મ્યુસલી, ડ્રાયફ્રૂટ્સ અને મિલ્ક હોય તો ઘણી વાર મસાલા ભાખરી પણ હોય. બ્રેકફાસ્ટ હું હંમેશાં હેવી લઉં છું. લંચમાં રોટલી અને શાક તથા સાથે દહીં હોય. હું જમ્યા પછી અડધા કલાક સુધી પાણી પીવાનું અવૉઇડ કરું. સાંજના સમયે નાસ્તામાં મખાના, સૂકી ભેળ કે સૅલડ હોય અને રાતના ડિનરમાં ખીચડી હોય. આમ તો રોજ ખીચડી જ હોય પણ એને અલગ-અલગ રીતે બનાવીને વેરિએશન લેવામાં આવ્યું હોય. વીકમાં એકથી બે દિવસ મેં ડિનર સ્કિપ કર્યું હોય એવું બને પણ એક પણ દિવસ મારો એવો ન હોય કે જેમાં મેં બ્રેકફાસ્ટ સ્કિપ કર્યો હોય.
સવારે હેવી બ્રેકફાસ્ટ કરવો જ જોઈએ. દિવસની શરૂઆતમાં જો તમે બૉડીને પ્રૉપર એનર્જી મળી રહે એવો ખોરાક ન આપો તો એની અસર ધીમે-ધીમે તમારા સ્વભાવ પર થતી હોય છે. બીજી એક ખાસ વાત કહું, મને ભાવે એવું હું કશું સ્કિપ નથી કરતી પણ હા, કન્ટ્રોલ ક્યારેય છોડવાનો નહીં.