પ્રેગ્નન્સીમાં બેડ-રેસ્ટ સારો કે ખરાબ?

18 November, 2014 05:08 AM IST  | 

પ્રેગ્નન્સીમાં બેડ-રેસ્ટ સારો કે ખરાબ?




જિગીષા જૈન

સામાન્ય રીતે કહેવાય છે કે સ્ત્રી પ્રેગ્નન્ટ છે એનો અર્થ એ નથી કે તે બીમાર છે. નૉર્મલી અતિશય શ્રમ પડે એવા કામને છોડીને તે એક નૉર્મલ ઍક્ટિવ લાઇફ જીવી શકે છે એટલું જ નહીં, એવી ઍક્ટિવ લાઇફ જ તેને અને તેના બાળકને હેલ્ધી રાખવામાં મદદરૂપ થાય છે. જોકે એ પણ એક હકીકત છે કે પ્રેગ્નન્સી દરમ્યાન દરેક સ્ત્રીને પોતે સામાન્ય રીતે કરતી હોય એના કરતાં થોડા વધુ આરામની જરૂર હોય જ છે, પરંતુ અમુક કૉમ્પ્લીકેશન્સ એવાં આવે છે કે સ્ત્રીને બેડ-રેસ્ટ એટલે કે લગભગ પથારીવશ થઈ જવું પડતું હોય છે. આજકાલ પ્રેગ્નન્ટ સ્ત્રીઓને બેડ-રેસ્ટ રેકમેન્ડ કરવાનું જાણે કે ખૂબ સહજ થઈ ગયું છે. ઘણીબધી સ્ત્રીઓ એવી છે જેને કોઈ ને કોઈ કારણસર ડૉક્ટર બેડ-રેસ્ટ લેવાનું કહે છે. આવા સમયે તેની સાસુ કે મમ્મીઓના મોઢે એક જ વાત સાંભળવા મળતી હોય છે કે અમે તો આટલાં છોકરાં પેદા કર્યા, અમે તો ક્યારેય બેડ-રેસ્ટ લીધો નહોતો. ઊલટું કેટલું કામ કરતાં હતાં. ત્યારે નવી પેઢી પાસે એક જ જવાબ મળે છે કે તમારો સમય જુદો હતો. ડૉક્ટર કહે છે એટલે બેડ-રેસ્ટ તો લેવો જ પડશે. પ્રેગ્નન્સીની એવી કઈ પરિસ્થિતિઓ છે જેમાં ડૉક્ટર બેડ-રેસ્ટનું સૂચન કરતા હોય છે અને એ લેવો જરૂરી છે કે નહીં એ વિશે આજે જાણીએ.

રિસર્ચ


ધ સોસાયટી ઑફ મેટરનલ ફેટલ મેડિસિન ઑફ અમેરિકાએ કરેલા એક રિસર્ચમાં જોવા મળ્યું કે દર પાંચમાંથી એક સ્ત્રી કૉમ્પ્લીકેશન્સને કારણે અમેરિકામાં પ્રેગ્નન્સી દરમ્યાન બેડ-રેસ્ટ કરતી હોય છે, પરંતુ હકીકત એ છે કે આ બેડ-રેસ્ટથી તેમને કોઈ ફાયદો થતો નથી. જેમ કે જો બાળકનો વિકાસ બરાબર ન થતો હોય ત્યાં સુધી વધુ લોહી પહોંચે એ માટે સ્ત્રીને આરામ કરવાનું કહેવામાં આવે છે, પરંતુ રસર્ચમાં જોવા મળ્યું હતું કે આરામ કરવાથી બાળક સુધી લોહી વધુ પહોંચતું નથી કે જેને લીધે તેના વિકાસને બળ મળે. ઊલટું સંશોધકોએ જોયું કે બેડ-રેસ્ટને કારણે સ્ત્રીઓમાં ડિપ્રેશન, મસલ-લૉસ, બ્લડ-ક્લૉટ્સ અને ડાયાબિટીઝનું રિસ્ક વધી જાય છે. એને લીધે ક્યારેક બાળક ઓછા વજનનું જન્મે એવું પણ બને. સંશોધકોના રેકમેન્ડેશન મુજબ બેડ-રેસ્ટ ન કરવું જ હિતાવહ છે. એ વિશે પોતાનું મંતવ્ય જણાવતાં આરુષ ત્સ્જ્ ઍન્ડ એન્ડોસ્કોપી સેન્ટર, મલાડના ગાયનેકોલૉજિસ્ટ ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘આ એક અમેરિકન રિસર્ચ છે. ભારતમાં આ પ્રકારનું રિસર્ચ થાય ત્યારે એક્ઝૅક્ટ કહી શકાય કે બેડ-રેસ્ટથી ફાયદો થાય છે કે નહીં; જ્યારે સ્ત્રી અને બાળક બન્ને હેલ્ધી હોય ત્યારે બેડ-રેસ્ટની કોઈ જરૂર નથી, પરંતુ અમુક ગંભીર કૉમ્પ્લીકેશનમાં મોટા ભાગના ડૉક્ટર્સ બેડ-રેસ્ટ સજેસ્ટ કરે છે જે જરૂરી હોય છે. અનુભવ પરથી એટલું કહી શકાય કે આ બેડ-રેસ્ટની અસર દરેક સ્ત્રી પર જુદી-જુદી હોય છે, પરંતુ હોય તો છે જ.’

જરૂર ક્યારે

એક હેલ્ધી પ્રેગ્નન્સી માટે પ્રૉપર ડાયટ, સ્પેશ્યલ એક્સરસાઇઝ કે યોગ, દરરોજનું વૉકિંગ ખૂબ જરૂરી હોય છે. બેડ-રેસ્ટની વાત ત્યારે આવે છે જ્યારે અચાનક કોઈ પ્રૉબ્લેમ ઊભો થાય. સાવચેતી રાખવા માટે સમજાવતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘પ્રેગ્નન્સીના પહેલા ૩ અને છેલ્લા ત્રણ મહિના થોડું વધારે ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. પ્રેગ્નન્સીના પહેલા ૩ મહિના મિસકૅરેજનો અને છેલ્લા ત્રણ મહિના પ્રી-મૅચ્યોર ડિલિવરીનું રિસ્ક રહેલું હોય છે. વળી મોટા ભાગે સ્ત્રી પહેલેથી પ્રૉપર ચેક-અપ કરાવડાવે, વ્યવસ્થિત ડાયટ અને એક્સરસાઇઝ પર ધ્યાન રાખે તો પણ કૉમ્પ્લીકેશન્સનું રિસ્ક ઘટી જાય છે, પરંતુ એક વખત કૉમ્પ્લીકેશન આવે અને ડૉક્ટર્સ જો બેડ-રેસ્ટ સજેસ્ટ કરે તો આરામ કરવો જરૂરી જ બને છે.’

બેડરેસ્ટ પાછળ જવાબદાર કારણો

પહેલાંની સ્ત્રી પોતાની પ્રેગ્નન્સીમાં બેડ-રેસ્ટ ભાગ્યે જ લેતી, પરંતુ આજે બેડ-રેસ્ટ લેવો એ નૉર્મલ થઈ ગયું છે. એનું એક કારણ છે હેલ્થ પ્રત્યેની આવેલી જાગરૂકતા. પહેલાંના સમયમાં મિસકૅરેજનું પ્રમાણ ઘણું વધારે હતું, જે આજે બહેતર સુવિધાઓ સાથે ઘટ્યું છે. પહેલાંના સમયમાં જન્મ સમયે બાળકના મૃત્યુનું પ્રમાણ પણ વધુ હતું, જે આજે ઘણું ઓછું છે. સમાજવ્યવસ્થા પણ એવી હતી કે એમાં પહેલાંની સ્ત્રીઓ પોતાની કાળજી રાખી શકતી નહોતી, જે આજે રાખતી થઈ છે. બીજાં કારણો પણ સ્પક્ટ કરતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘ઓબેસિટી, થાઇરૉઇડ, બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝ જેવી હેલ્થ કન્ડિશન, લેટ પ્રેગ્નન્સી, એક જ બાળકની ઇચ્છા, ઇન્ફર્ટિલિટીના પ્રૉબ્લેમ્સ પછી આવેલી પ્રેગ્નન્સીમાં કૉમ્પ્લીકેશન્સની શક્યતા વધુ જણાય છે જે આજે સામાન્ય રીતે જોવા મળતા પ્રૉબ્લેમ્સ છે.

બેડ-રેસ્ટ ક્યારે જરૂરી?

જ્યારે સ્ત્રીનું બ્લડ-પ્રેશર ખૂબ વધી જાય જેને પ્રી-એક્લેમ્પ્સિયા કહે છે એ પરિસ્થિતિમાં બ્લડ-પ્રેશરને કાબૂમાં રાખવા અને કોઈ મોટી હાનિથી બચવા દવાઓની સાથોસાથ બેડ-રેસ્ટ સજેસ્ટ કરવામાં આવે છે.

જ્યારે સ્ત્રીને કોઈ પણ જાતના વાઇરલ કે બૅક્ટેરિયલ ઇન્ફેક્શન થાય, તાવ-શરદી-ખાંસીથી લઈને બીજા કોઈ પ્રૉબ્લેમ્સ આવે તો એ દરમ્યાન પણ તેણે સંપૂર્ણ બેડ-રેસ્ટ લેવો જોઈએ, કારણ કે એ દરમ્યાન શરીરને જેટલો આરામ મળે એટલી રિકવરી જલ્ાદી આવી જાય છે.

જ્યારે સ્ત્રીને પગ પર ખૂબ જ સોજા આવતા હોય ત્યારે પણ તેનું હલનચલન ઘટાડી તેને રેસ્ટ કરવાનું કહેવામાં આવે છે. હલનચલન કરવાથી સોજાનું પ્રમાણ વધી જાય છે, જ્યારે આરામ લેવાથી એ કન્ટ્રોલમાં રહે છે.

જો સ્ત્રીના ગર્ભાશયનું મુખ થોડું પહોળું હોય અથવા થોડું નબળું લાગતું હોય જેને કારણે પ્રી-મૅચ્યોર ડિલિવરીની આશંકા લાગતી હોય ત્યારે ડૉક્ટર તેને બેડ-રેસ્ટ લેવા કહે છે. એને કારણે બાળકને વધુ સમય માતાની કોખમાં રાખી શકાય અને પ્રી-મૅચ્યોર ડિલિવરીને પાછળ ખેંચી શકાય.

એ જ રીતે જો ગર્ભાશય અચાનક સંકોચાવાનું શરૂ કરે અથવા સમય પહેલાં જ લેબર-પેઇન શરૂ થવાની કોઈ પણ શક્યતા જણાય ત્યારે ડિલિવરીને પાછળ ખેંચવા બેડ-રેસ્ટ લેવા કહેવામાં આવે છે.

એ ઉપરાંત બાળકનો ગ્રોથ ઓછો હોય તો તેને જરૂરી પોષણ મળી રહે એ માટે પણ બેડ-રેસ્ટ સજેસ્ટ કરવામાં આવે છે.

જ્યારે સ્ત્રીને ખૂબ વધારે કમરનો દુખાવો હોય અથવા એકદમ જ દુખાવો વધી જાય તો પણ તેને ટેમ્પરરી બેડ-રેસ્ટ આપવામાં આવે છે.