ગોલ ઓરિયેન્ટેડ બનો

25 November, 2011 08:12 AM IST  | 

ગોલ ઓરિયેન્ટેડ બનો

 

એક તો એ ગોલ ક્યારે પૂરો કરવો છે એની તારીખ અને બીજું યોગ્ય પ્લાનિંગ. જો કોઈ કામને નાના-નાના ટુકડામાં વિભાજિત કરીને પૂરું કરવામાં આવે તો એ વધુ આસાન બની જાય છે; કારણ કે જમતી વખતે પણ આપણે આખી રોટલીને મોઢામાં નથી મૂકતા, પણ ટુકડા કરીને ધીરે-ધીરે ખાઈએ છીએ. જેનાથી ફક્ત એનો સ્વાદ જ સારો નથી આવતો, પણ પચવામાં પણ આસાની રહે છે. આ જ રીતે જીવનમાં ગોલને પણ ટુકડામાં પૂરો કરવો જોઈએ.

કોઈ પણ ધ્યેયને પામવાનાં ઈઝી સ્ટેપ્સ

એક તારીખ નક્કી કરવી : તમારું ધ્યેય ઊલટી ગણતરી કરીને નક્કી કરો. કામ પૂરું કરવાની એક તારીખ નક્કી કરો અને ત્યાર બાદ કામ કરવાનું શરૂ કરો. ઉદાહરણ તરીકે મહિનાના અંત સુધીની તારીખ નક્કી કરી હોય તો રોજ એક-એક કામ કરવાનું નક્કી કરો. આ રીતે તમે તમારા શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ ગોલ રોજ પૂરા કરી શકશો અને મહિનાના અંતે એ ધ્યેય મેળવવાનું અઘરું નહીં બને. આ રીતે તમે નાનાં-નાનાં ધ્યેય પૂરાં કરતાં-કરતાં મોટા ધ્યેય સુધી પહોંચશો. ભૂલો નહીં કે અહીં પોતાના પર્સનલ ડેવલપમેન્ટ અને રજા માટે પણ સમય કાઢવાનો છે.

કૅલેન્ડર રાખવું : ધ્યેય સુધી પહોંચવા માટે જે ફાઇનલ તારીખ નક્કી કરી હોય એ તારીખને તમારા કૅલેન્ડર પર અંકિત કરો અને આ કૅલેન્ડરને નજરની સામે રાખો. જો રોજ એ તારીખ પર નજર પડતી રહેશે તો ધ્યેય હાંસલ કરવામાં આસાની રહેશે. ત્યાર બાદ એ તારીખ પહેલાંના બધા જ શૉર્ટ ટર્મ ગોલ પણ નોટ કરીને રાખવા અને જેમ-જેમ કામ પતે એમ માર્ક કરતા રહેવું.

એક વખતે એક જ કામ : એક જ દિવસમાં મોટા ભાગનાં કામ કરવાનું સાહસ ખેડવા ન જાઓ. જો એક દિવસમાં એક કરતાં વધારે કામ કરશો તો થાકી જશો અને બીજા દિવસે કોઈ કામ કરવાની હોંશ નહીં રહે. એક દિવસમાં એક જ કામ અથવા સરખી કૅટેગરીનાં બે કામ અસાઇન કરો અને એ પત્યા બાદ કૅલેન્ડરમાં એના પર ક્રૉસ મારી દો, જેથી એ કામ પૂરું થઈ ગયાનો ખ્યાલ રહે.

સમયમર્યાદા જરૂરી : દરેક દિવસ માટે એક કે બે કલાક આપો. આમ ટાઇમલિમિટ સેટ કરવાથી તમે એક કામ પર એ જ સમયમાં પૂરું ફોકસ કરી શકશો અને બાકીના વધેલા સમયમાં જો શક્ય હોય તો બીજું પણ કામ થઈ શકે છે. આમ તમે પોતાની સફળતાને વધારે આસાન બનાવી દેશો. આમ પણ કોઈ કામ જો ડેડલાઇન વગર જ કર્યા રાખવાનું હોય તો એમાં મહેનત અને જોઈતું આઉટપુટ નહીં આવે, કારણ કે અહીં તમે કામમાં એકાગ્રતા નહીં રાખો અને ટાઇમપાસ વધશે.

નક્કી કરેલી વાતને વળગી રહો : તમે જે પણ કોઈ ધ્યેય નક્કી કર્યું હોય; એક વાર નક્કી કર્યા બાદ એ જ વાતને વળગી રહો, કારણ કે જો તમારો ગોલ જ ડગમગ થશે તો કામ કરવું શક્ય જ નથી. એક પછી એક ધ્યેય બદલવા તમારી સફળતાને આડે આવી શકે છે.

પ્લાનિંગ જરૂરી

કોઈ પણ પ્લાનિંગ જો કાગળ પર લખેલું કે સેટ કરેલું હશે તો એને સફળ બનાવવું સરળ બનશે. મહિનાના અંતે તમે કૅલેન્ડરમાં ખાલી ખાનાં કરતાં કામ પૂરું કરેલાની ચોકડીઓ વધુ જોશો. એનાથી તમે વધુ સંતુષ્ટ ફીલ કરશો. જો કોઈ પણ કામ કરવાનું મનથી ધારી લેવામાં આવે તો એ ધ્યેય મેળવવું અઘરું નથી. હા, ફક્ત ધારવાથી કે વિચારવાથી કંઈ નહીં થાય, મહેનત કરવી સૌથી વધારે મહત્વની છે.