પરદેશમાં પ્રિય બની રહેલી આલ્કલાઇન ડાયટ ફૉલો કરો સાવધાનીથી

02 November, 2012 06:21 AM IST  | 

પરદેશમાં પ્રિય બની રહેલી આલ્કલાઇન ડાયટ ફૉલો કરો સાવધાનીથી



પલ્લવી આચાર્ય


આજકાલ વિદેશમાં અને ખાસ કરીને હૉલીવુડની સેલિબ્રિટીઓમાં આલ્કલાઇન ડાયટની ભારે બોલબાલા છે. એ જોઈને આપણે ત્યાં પણ લોકો આલ્કલાઇન ડાયટ તરફ વળ્યાં છે. એજિંગ પ્રોસેસ ધીમી પાડવી, શરીરનું એનર્જી-લેવલ વધે, રોગપ્રતિકારક શક્તિ વધે, દાંત અને પેઢાં મજબૂત બને, હાડકાં મજબૂત થાય, શરીરમાં દુખાવાનું પ્રમાણ ઘટે જેવા આલ્કલાઇન ડાયટના કેટલાક ફાયદાને કારણે લોકો એનું આંધળુ અનુકરણ કરવા તત્પર બન્યા છે. જોકે એમાં પણ યોગ્ય પ્રમાણભાન રાખ્યા વિના આહાર લેવામાં આવે તો એ અનેક રીતે નુકસાનકારક નીવડી શકે છે. આલ્કલાઇન ડાયટ શું છે, એના ફાયદા-ગેરફાયદા શું અને આ ડાયટ-પ્લાન ફૉલો કરતી વખતે શું ધ્યાન રાખવું એ વિશે જોઈએ.

ઍસિડ શું છે?

આલ્કલાઇન ડાયટ ઉપર જતા પહેલાં શરીરમાં ઍસિડની ભૂમિકા વિશે જાણી લઈએ. આપણા શરીરમાં અવિરત જે પાચક રસો(જેનાથી ખોરાકનું પાચન થાય) ઝર્યા કરે છે એ જ છે શરીરનો ઍસિડ એમ જણાવતાં જાણીતા આયુર્વેદિક ડૉક્ટર રવિ કોઠારી કહે છે, ‘ઍસિડ શરીર માટે બહુ અગત્યનો છે. દરેકના શરીરમાં એ હોય છે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ એને એ પચાવે છે. આ ઍસિડ પ્રમાણસર હોય ત્યાં સુધી બરાબર, પણ હદથી વધી જાય તો ઍસિડિટી, ખાટા ઓડકાર, ઊબકા, બેચેની, ગભરામણ, પસીનો છૂટવો વગેરે તકલીફો થાય છે.’

ઍસિડનું પ્રમાણ જો શરીરમાં સતત વધેલું રહે તો છાતીમાં દુખાવો તથા ઑસ્ટિયોપોરોસિસ જેવી ગંભીર તકલીફો પણ શરીરને થાય છે એવું રિસર્ચરોએ નોંધ્યું છે, તેથી જ શરીરમાં ઍસિડનું પ્રમાણ જળવાઈ રહે એ જરૂરી છે.

આલ્કલાઇન એટલે શું?

શરીરના ઍસિડને પ્રમાણસર કરવા માટે ઍસિડને વધારે એવા કેટલાક ફૂડ, પીણાં છે એ દૂર કરવાં જોઈએ અને શરીરમાં ઍલ્કલી (ક્ષાર)નું પ્રમાણ વધારે એવાં જે આલ્કલાઇન ફૂડ છે એ ખાવા જોઈએ. આલ્કલાઇનના પ્રમાણને વધારતા આ ફૂડને અનુસરવામાં આવે એ છે આલ્કલાઇન ડાયેટ એમ જણાવીને ડૉ. યોગીતા કહે છે,‘શરીરમાં ઍસિડની માત્રા ક્ટણ્ લેવલથી માપવામાં આવે છે. શરીરના પ્રવાહીમાંનું ક્ટણ્ લેવલ નક્કી કરે છે કે તમારું શરીર ઍસિડિક છે કે આલ્કલાઇન. શરીરનું ક્ટણ્ લેવલ ૭.૩૫થી નીચે હોય તો એ શરીર ઍસિડિક કહેવાય અને ૭.૪૫થી વધારે હોય તો એ શરીર આલ્કલાઇન કહેવાય છે. શરીરનું ક્ટણ્ લેવલ ૭.૩૫થી ૭.૪૫ની વચ્ચે હોવું જોઈએ. શરીરમાં ઍસિડિટી કે આલ્કલાઇન બૅલેન્સ હોવાં જોઈએ.’

સંતુલન જરૂરી

ડૉ.યોગિતા ગોરડિયાનું કહેવું છે કે શરીર ઍસિડિક ન હોય તો એ આલ્કલાઇન છે, પણ તે વધુ પડતું આલ્કલાઇન પણ ન હોવું જોઈએ, બૅલેન્સ હોવું જોઈએ. તેઓ આગળ કહે છે, ‘શરીરમાં જો ઍસિડનું પ્રમાણ વધુ હોય તો લિવર, ફેફસાં સહિતનાં શરીરનાં અંગોમાંથી સોડિયમ, પોટૅશિયમ, મૅગ્નેશિયમ, કૅલ્શિયમ જેવાં મિનરલ્સ શરીરના બીજા ભાગોમાં તેમની જરૂર મુજબ ખેંચાઈ જાય છે એટલે આ અંગો વીક પડે છે, તેથી સલાઇવા, હાડકાં, દાંત વગેરે ખરાબ થાય છે. મસલ્સ અને હાડકાં નબળાં પડવા લાગે. હાથ-પગ દુખ્યા કરે, થાક લાગે, કામ કરવાનું મન ન થાય, બેચેની લાગ્યા કરે, ગુસ્સો આવે.’

આદર્શ માર્ગ

આલ્કલાઇન અને ઍસિડિક બન્ને ફૂડ શરીર માટે જરૂરી છે. એનો રેશિયો ૭૦:૩૦નો હોવો જોઈએ એટલે કે તમે ૭૦ ટકા આલ્કલાઇન ફૂડ લો અને સાથે ૩૦ ટકા ઍસિડિક ફૂડ લેવા જરૂરી છે એમ જણાવીને ડૉ. યોગિતા ગોરડિયા આગળ કહે છે, ‘આલ્કલાઇન ફૂડમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ વધુ હોવાથી એ શરીરના વધારાના ઍસિડને દૂર કરી ડી-ટોસ્કિફાઇડ કરે છે, તેથી શરીરમાં જો ઍસિડનું પ્રમાણ વધી ગયું હોય તો ઍસિડિક ફૂડ અને પીણાંને ઓછાં કરી ઍલ્કાલાઇન ડાયટ લેવું પડે.’

સાવચેતી આવશ્યક

કિડની, ડાયાબિટિઝ અને હાર્ટની તકલીફ ધરાવતા દર્દીઓ જો પ્રમાણભાન વગર આ ડાયટ પ્લાન ફોલો કરવા લાગે તો તેમના માટે એ જોખમી સાબિત થઈ શકે છે. આ વિશે ડૉ. યોગિતા ગોરડિયા કહે છે,

‘હજી આપણે ત્યાં આ પ્રકારના ડાયટ વિશે એટલી જાગૃતિ નથી આવી. માટે જ કેટલાક લોકો ઉપરછલ્લી દેખાદેખીમાં પ્રમાણભાન વગર આલ્કલાઇન ડાયટ ફૉલો કરવા માંડે તો તેમને નવી તકલીફો થઈ શકે છે.’

આલ્કલાઇન ફૂડ

કાકડી, બ્રોકલી, કૉબીજ, ફલાવર, રીંગણાં, બટાટાં, વટાણા, કૅપ્સિકમ, મશરૂમ, દૂધી, કોળું, કાંદા, ગાજર, ઘઉંના જવારા, આદુ, લસણ, એવોકાડો, પાઇનૅપલ, સફરજન, કેળાં, પપૈયાં, પીચ, કાળી તથા લીલી દ્રાક્ષ, કેરી, ઍપ્રિકોટ, સ્ટ્રૉબેરી, રાસબેરી, લીંબુ, ટમેટાં, સોયાબીન, પનીર, કોફી, ફણગાવેલાં કઠોળ, અંજીર, ખજૂર, નૉર્મલ પાણી, હર્બલ જૂસ, વેજિટેબલ જૂસ, આદુનું પાણી વગેરે ફૂડ આલ્કલાઇન છે.

ઍસિડિક ફૂડ

શુગર, તળેલો ખોરાક, પ્રોસેસ કરેલો ખોરાક, કૅનમાં પૅક ખોરાક, ફાસ્ટફૂડ, કૉર્ન, ડેરી પ્રોડક્ટ્સ-દૂધ, આઇસક્રીમ, માખણ, ચીઝ, બીન્સ, સૂકોમેવો, બધાં જ કઠોળ, સીંગદાણા, ફિશ, બ્રેડ, બિસ્કિટ, આર્ટિફિશ્યલ સ્વીટનર, મોસંબી, સંતરાં, પ્લમ, બૅરીનાં ફળ, બાર્લી, ઓટ, ચોખા, ઘઉં, પાસ્તા, જેમાં શુગર વધુ હોય એવાં પીણાં, સોડા, એનર્જી ડ્રિન્ક્સ, કૅફીન જેમાં હોય એવાં ચા-કૉફી જેવાં પીણાં, બિયર, આલ્કોહોલ વગેરે શરીરમાં ઍસિડની માત્રા વધારનારાં છે.