નિયમિત ચાલવાનું ને ફૂટબૉલ રમવાનું

26 November, 2012 06:50 AM IST  | 

નિયમિત ચાલવાનું ને ફૂટબૉલ રમવાનું



ફિટનેસ Funda


તબિયત ઉસકી બિગડતી હૈ જો લોગ ટેન્શન લિયા કરતે હૈ, હમ ટેન્શન લેતે નહીં તો હમારી તબિયત બિગડતી નહીં, એક ઠસ્સાદાર રુઆબમાં ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ સિરિયલનો અર્નવ સિંહ રાયઝાદા ઉર્ફ બરુન સોબતી આમ કહે છે. જોકે હવે તેણે એ સિરિયલ છોડી દીધી છે, પરંતુ ડૅશિંગ ઍક્ટર તરીકે લોકોના હૃદયમાં તેણે એક અનેરી છાપ એસ્ટાબ્લિશ કરી જ દીધી છે. બરુને વર્ષો સુધી કૉલ સેન્ટરમાં જૉબ કરી છે. મૂળ દિલ્હીના આ ઍક્ટરે થોડા સમય માટે મૉડલિંગ પણ કરી છે. સ્ટાર પ્લસની ‘શ્રદ્ધા’ નામની સિરિયલથી તેણે ઍક્ટિંગમાં ઝંપલાવ્યું. એ પછી ‘બાત હમારી પક્કી હૈ’, ‘દિલ મિલ ગયે’ જેવી સિરિયલોમાં તેણે નોંધનીય ભૂમિકા ભજવી છે. ‘મેં ઓર મિસ્ટર રાઇટ’ નામની ફિલ્મમાં પણ તેણે ઍક્ટિંગ કરી છે. જે ટૂંક સમયમાં રિલીઝ થશે. ફિટનેસ માટે જરાય ચિંતા ન કરનારો આ ફિટ સ્ટાર કઈ રીતે આટલો ફિટ છે એ જાણીએ તેના જ શબ્દોમાં.

વેરી સિમ્પલ

મૂળ દિલ્હીનો પંજાબી છું માટે ખાવા-પીવામાં તો મસ્તીથી જીવવામાં માનું છું. સાત વર્ષ સુધી કૉલ સેન્ટરમાં મૅનેજરની પોસ્ટ પર કામ કર્યું છે એટલે એમાં હેલ્થની ચિંતા કરવાનો સમય જ નહોતો. શિફ્ટના કોઈ ઠેકાણાં નહોતાં રહેતાં એટલે ઈટિંગ હૅબિટ્સ પણ ખૂબ જ અનકન્ટ્રોલ્ડ હતી. જોકે કૉલેજ ટાઇમમાં મારી પાસે ભરપૂર સમય હતો અને ત્યારે ખૂબ હેલ્થ કૉન્શિયસ થઈને ફિટનેસની કૅર કરી છે. ખાવામાં પરેજી પાળતો, કલાકો ને કલાક જિમમાં વિતાવતો. બૉડી-શૉડી, ડોલે-શોલે મેં ત્યારે જ બનાવ્યા છે. જોકે હવે ઍક્ટિંગમાં આવ્યા પછી ફિટનેસ માટે એટલું ધ્યાન નથી આપતો, પરંતુ ઈશ્વરની કૃપાથી ફિટ જ છું.

ઈશ્વરની દેણ


કુદરતી રીતે જ મારું મેટાબોલિઝમ બહુ સારું છે, જે ખાઉં છું એ પચી જાય છે. મને ભૂખ ખૂબ લાગે અને એટલે જ મારું ખાવાનું પ્રમાણ વધારે છે. દર દોઢ કલાકે મને કંઈક ખાવા જોઈએ અને ક્યારેય કૅલરીનો વિચાર કરીને ખાધું હોય એવો દિવસ મને યાદ નથી. હું જે ફીલ્ડમાં છું એ ફીલ્ડમાં દેખાવ ખૂબ મહત્વનો છે, પરંતુ મારે એના માટે બહુ ચિંતા કરવી પડી નથી. આમેય મને બહુ ટેન્શન લેવું નથી ગમતું. ટેન્શન નથી લેતો એટલે જ ફિટ છું.

 એક્સપરિમેન્ટ કરવા ગમે

હું કસરત નિયમિત નથી કરતો ,પરંતુ મારી બૉડી સાથે હું એક્સપરિમેન્ટ કરતો રહું છું. ચાલવું મને ખૂબ ગમે છે. મારા એક્સરસાઇઝ રૂટીનમાં ચાલવાને સર્વાધિક પ્રેફરન્સ હોય છે. રોજના ચાર-પાંચ કિલોમીટર ચાલવાનું. વર્કઆઉટમાં મોટે ભાગે વેઇટ ટ્રેઇનિંગ કરું છું, કારણ કે મસલ્સ બનાવવા માટે જરૂરી છે. જોકે મને રોજેરોજ જિમ જવું નથી ગમતું. આ ઉપરાંત ફૂટબૉલ રમવું મને ખૂબ ગમે છે. આમ જુઓ તો એ પણ મારી કસરતનો જ એક હિસ્સો છે. એને લીધે મારો સ્ટેમિના ખૂબ સારો છે.

સબ કુછ ખાને કા

હું ખાવાનો શોખીન છું. ચટાકેદાર વધુ ભાવે, પરંતુ સવારે બ્રેકફાસ્ટ અને બપોરે લંચ વ્યવસ્થિત થાય એનું ધ્યાન રાખું છું. એ પછી જ્યારે ભૂખ લાગે ત્યારે જે મન થાય એ ખાઈ લેવાનું, એમાં કોઈ રોકટોક નહીં. મોટે ભાગે હું ડિનર લેવાનું અવૉઇડ કરું છું પણ જ્યારે પણ ભૂખ હોય ત્યારે ડિનરના સમયે શાકાહારી ભોજન લેવાનો જ આગ્રહ રાખું છું.

મેન્ટલ હેલ્થ

હું હંમેશાં ખુશ રહેનારો બંદો છું. પોતાની જાતને ખૂબ પ્રેમ કરુ છું. ફ્રી ટાઇમમાં પત્ની સાથે સમય વિતાવવો ગમે છે. ફૂટબૉલ એ મારા માટે સુપર સ્ટ્રેસ બસ્ટર છે તેમ જ મને ટ્રાવેલિંગ પણ ગમે. જોકે માનસિક શાંતિ માટે મેડિટેશન મને ન ગમે, કારણ કે એક જગ્યાએ બેસીને આંખ બંધ કરીને બેસવું એ મારા બસની વાત નથી. એને બદલે હું પૉઝિટિવ વિચારો કરું છું જેનાથી મને સહજ માનસિક શાંતિ મળે છે. ભગવાનમાં માનું છું અને મંદિર અને ગુરુદ્વારામાં જઈને પણ શાંતિ મેળવું છું. જોકે મારું માનવું છે કે દરેક વ્યક્તિના મનમાં ભગવાન છે. માટે દયાળુ બનીને સારાં કમોર્ કરતાં રહેવું જોઈએ, કારણ કે તમે જેવું કરશો એવું જ ભરશો એવી મારી દૃઢ માન્યતા છે.

બસ ઇતના કરો

હું પોતે ફિટ રહેવા માટે ખાસ કોઈ એફર્ટ્સ લેતો નથી. ભૂખ લાગે ત્યારે પેટ ભરીને ભાવે એ બધું જ ખાઉં છું. જોકે એમ છતાં મારામાં રહેલા સ્ટેમિના અને મેઇન્ટેન રહેલા બૉડી સ્ટ્રક્ચર મિસાલ આપી શકાય એવાં છે. એનું કારણ મારા મત મુજબ એટલું જ છે કે હું ખૂબ ઍક્ટિવ રહું છું. મેં મારા રૂટીનમાં વૉકિંગને પ્રાધાન્ય આપ્યું છે. અને બધું જ ખાઉં છું પણ જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે. ઇન શૉર્ટ, મસ્તીથી જીવો. ચિંતા નહીં કરો અને સતત સક્રિય રહો. તમારી હેલ્થ ક્યારેય નહીં બગડે

- વાતચીત અને શબ્દાંકન : રુચિતા શાહ