બેબી એક્ઝિમા

14 December, 2012 06:49 AM IST  | 

બેબી એક્ઝિમા



રુચિતા શાહ

શિયાળામાં નાનાં બાળકોમાં એક્ઝિમા તરીકે ઓળખાતી એક પ્રકારની સ્કિન ઍલર્જી વિશેષ જોવા મળે છે. ૬૫ ટકા બાળકોને જન્મના એક વર્ષની અંદર એક્ઝિમાની તકલીફ થાય છે. ૨૦ ટકા નવજાત બાળકોને જન્મના બીજા કે ત્રીજા મહિને એક્ઝિમાની તકલીફ થાય છે. ૯૦ ટકા બાળકોને ૫ વર્ષ પહેલાં જ એક્ઝિમા થાય છે. એક્ઝિમામાં સ્કિન ડ્રાય થવાને કારણે કે અન્ય કોઈ પદાર્થની ઍલર્જીને કારણે બાળકની સ્કિન પર લાલ ચાંઠાં પડે છે અને એ ભાગમાં ભયંકર ખંજવાળ આવે છે. જેને કારણે બાળક ખૂબ જ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે.

મુખ્ય લક્ષણો

એક્ઝિમાનાં મુખ્ય લક્ષણો વિશે જણાવતાં જાણીતા પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘નાનાં બાળકોથી લઈને મોટેરાઓને પણ એક્ઝિમા થઈ શકે છે. સ્કિનની એક જાતની ઍલર્જેટિક કન્ડિશન છે. જે જસ્ટ બૉર્ન બેબીથી લઈને છ મહિના સુધીના બાળકોમાં તેમની સ્કિન ખૂબ જ સેન્સિટિવ હોવાને કારણે વિશેષ જોવા મળે છે. જેમાં બાળકોની ત્વચા પર લાલ ચાંઠાં પડી જાય છે. અને એ ભાગમાં પુષ્કળ ખંજવાળ આવે છે. જોકે સામાન્ય ઍલર્જીથી એક્ઝિમા જુદું છે, કારણ કે એમાં થતી ઍલર્જી આખા શરીર પર નથી થતી, પરંતુ શરીરના અમુક જ હિસ્સા પર થાય છે. જેની શરૂઆત ચહેરાથી થાય છે. એ પછી કાન, ગરદન, પીઠ અને હાથ-પગ પર વિશેષ જોવા મળે છે. લાલ ચાંઠાં ઉપરાંત ઝીણી-ઝીણી પસયુક્ત ફોલ્લીઓ પણ થાય છે. એ ફૂટે એટલે એ ભાગમાં વધુ ખંજવાળ આવવાને કારણે બાળક પરેશાન થઈ જાય છે.’

મુખ્ય કારણો

એક્ઝિમા થવાનું મુખ્ય કારણ ઍલર્જી જ છે એમ જણાવતાં ડૉ. પંકજ પારેખ ઉમેરે છે, ‘માલિશ કરતી વખતે વપરાતા તેલ, નવડાવતી વખતે વપરાતો ચણાનો લોટ, સાબુ, ક્રીમ, પાઉડર જેવી કોઈ પણ વસ્તુઓ જો બાળકને માફક ન આવે તો તેની બૉડી આ પ્રકારની ઍલર્જીથી રીઍક્ટ કરે છે. આ ઉપરાંત કેટલાક કેસમાં પરિવારમાં ક્યારેક કોઈને એક્ઝિમાની તકલીફ હોય તો બાળકને પણ થાય છે તેમ જ ગરમી, સિગારેટનો ધુમાડો, હવામાં રહેલા ધૂળના રજકણો વગેરેને કારણે પણ આવી ઍલર્જી થઈ શકે છે.’

ટ્રીટમેન્ટ

સ્કિનને લગતી બીજી તકલીફોની જેમ એક્ઝિમા માટે પણ ત્વરિત સાવધાનીનાં પગલાં લેવાં જરૂરી છે. આ વિશે ડૉ. પંકજ પારેખ કહે છે, ‘એક્ઝિમા ધરાવતાં બાળકોને અમે સ્ટેરૉઇડ, ટ્રેકોલિમસ વગેરે આપીએ છીએ, જે બાળકોની ખંજવાળ ઓછી કરે છે. આ ઉપરાંત બાળકો માટે જ ખાસ બનેલા મૉઇસ્ચરાઇઝર પણ લગાવી શકાય. બાળકોની ડ્રાય સ્કિનને હાઇડ્રેટ કરતા રહેવાથી તેને ખંજવાળ ઓછી આવશે. બાકી એના માટે અન્ય કોઈ દવાની જરૂર નથી. થોડા પ્રિકોશનથી એ ઑટોમેટિક જ કન્ટ્રોલમાં આવી જાય છે.’

આટલું ખાસ ધ્યાન રાખજો


ગરમ વાતાવરણમાં કોઈ પણ ઍલર્જી ખૂબ ઝડપથી ફેલાય છે. માટે બાળકને ઠંડા વાતાવરણમાં રાખો તેમ જ તેને વધુ પસીનો ન થાય એની પણ કાળજી રાખવી.

બાળકને પાતળાં કૉટનનાં જ કપડાં પહેરાવવાં તેમ જ તેને ઓઢાડેલું બ્લૅન્કેટ પણ બાળકની સ્કિનને ઇરિટેટ ન કરે એવું સૉફ્ટ હોવું જોઈએ.

બેબીનાં કપડાં ધોવાનો સાબુ પણ ખૂબ માઇલ્ડ હોય એનું ધ્યાન રાખવું અને સહેજ હૂંફાળા પાણીમાં જ તેનાં કપડાં ધોવાં, જેથી બધા જમ્ર્સ મરી જાય.

બેબીને નવડાવતી વખતે જે સાબુ વાપરો એ પણ એક્સ્ટ્રા માઇલ્ડ હોય એ જોવું.

તેલ મસાજથી કે ચણાના લોટથી નવડાવવાને કારણે એક્ઝિમા થયું છે એવું ધ્યાનમાં આવે એવું તરત જ એ વસ્તુઓનો વપરાશ બંધ કરી દેવો જોઈએ.

નાનાં બાળકોના નખ બરાબર કાપેલા હોય એ પણ ધ્યાન રાખો. જેથી કદાચ જો બાળક ઊંઘમાં પણ અજાણતા ખંજવાળે તો તેના શરીર પર ઉઝરડા ન પડે અને ઍલર્જી ફેલાય નહીં.

બાળક ઊંઘમાં હોય ત્યારે તેને હાથમાં હૅન્ડ ગ્લવ્ઝ પહેરાવવા, જેથી ખંજવાળે તો પણ કંઈ નુકસાન ન થાય.