હેલ્ધી લાઇફ-સ્ટાઇલ અપનાવી આર્થ્રાઈટિસથી બચી શકાય છે

14 October, 2014 05:13 AM IST  | 

હેલ્ધી લાઇફ-સ્ટાઇલ અપનાવી આર્થ્રાઈટિસથી બચી શકાય છે





જિગીષા જૈન

રવિવારે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ આર્થ્રાઈટિસ ડે ઊજવવામાં આવ્યો હતો. આર્થ્રાઈટિસને આપણે સાદી ભાષામાં સંધિવા કહીએ છીએ. આર્થ્રાઈટિસ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ આર્થોન એટલે કે સ્નાયુ અને લૅટિન શબ્દ ઇટીસ એટલે કે સોજાને ભેગો કરીને બનાવવામાં આવેલો શબ્દ છે જેનો સરળ અર્થ સ્નાયુઓમાં આવતો સોજો કરી શકાય. આમ જોવા જઈએ તો આર્થ્રાઈટિસના લગભગ ૧૦૦ જેટલા પ્રકાર છે. શરીરના અલગ-અલગ સ્નાયુઓ પર અલગ-અલગ કારણોસર સોજો આવે અને એને લીધે દુખાવો થાય, એ સ્નાયુઓનું હલનચલન મુશ્કેલ બનતું જાય એ પરિસ્થિતિ એટલે જ સંધિવા કે આર્થ્રાઈટિસ. આ રોગની સૌથી મહત્વની વાત એ છે કે એનો કોઈ કાયમી ઇલાજ નથી. એક વખત તમને આર્થ્રાઈટિસ થયો ત્યારે ઇલાજ દ્વારા એની ગંભીરતાને ઘટાડી શકાય છે, એનાં લક્ષણોને કાબૂમાં લઈ શકાય છે; પરંતુ જે સ્નાયુનો પ્રૉબ્લેમ છે એ કાયમી ધોરણે દૂર થઈ નથી શકતો. આ રોગના દરદીને જિંદગીભર સતત દુખાવો સહન કરતા રહેવું પડે છે અને તેની રોજિંદી કામગીરી પર એની ઘણી જ અસર પડે છે. અમેરિકાની નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ જો વ્યક્તિને રોજિંદા જીવનમાં હલનચલનમાં કોઈ પ્રૉબ્લેમ હોય, દુખાવો રહેતો હોય અને શરીર ખૂબ જકડાઈ જતું હોય તો તેને આર્થ્રાઈટિસ હોવાની અથવા ભવિષ્યમાં થવાની શક્યતા ખૂબ વધી જાય છે.

આર્થ્રાઈટિસને સમજતા પહેલાં એ સમજવું જરૂરી છે કે સાંધા કઈ રીતે કામ કરે છે. બે હાડકાંને જોડતો ભાગ એ સાંધો હોય છે. ઇલૅસ્ટિક બૅન્ડ જેવા લિગામેન્ટ્સ બે હાડકાંને પકડી રાખવાનું કામ કરે છે. જ્યારે લિગામેન્ટ્સ બન્ને હાડકાંને વ્યવસ્થિત પકડી રાખે છે ત્યારે એને જોડતા સ્નાયુ રિલૅક્સ રહે છે અને હલનચલન વ્યવસ્થિત કરી શકવાને લાયક રહે છે. આ ઉપરાંત કાર્ટિલેજ હોય છે જે હાડકાંની સપાટીનું ઢાંકણ બનીને કામ કરે છે જેથી બે હાડકાં એકબીજા સાથે ઘસાય નહીં. આર્થ્રાઈટિસ થવાનું કારણ સમજાવતાં બોરીવલીમાં આર્શીવાદ ઑર્થોપેડિક ઍન્ડ સર્જિકલ નર્સિંગ હોમના ઑર્થોપેડિક સજ્યર્‍ન ડૉ. પિનાકિન શાહ કહે છે, ‘જ્યારે કાર્ટિલેજ ઘસાવાને કારણે, લિગામેન્ટ્સ ડૅમેજ થવાને કારણે, ઇન્ફેક્શન લાગવાને કારણે, શરીરમાં યુરિક ઍસિડ વધી જવાને કારણે કે બીજા કોઈ પણ કારણસર સ્નાયુમાં સોજો આવે અને સ્નાયુમાં દુખાવો થાય તો વ્યક્તિને આર્થ્રાઈટિસ થયો છે એમ કહેવાય. સ્નાયુનો પ્રૉબ્લેમ શું છે અને કયાં કારણોસર છે એ જાણવાથી વ્યક્તિને કયા પ્રકારનો આર્થ્રાઈટિસ થયો છે એ સમજી શકાય છે અને એ મુજબ એનો ઇલાજ ચાલે છે.’

ઑસ્ટિયોઆર્થ્રાઈટિસ

૨૦૧૪ના વર્ષમાં વર્લ્ડ આર્થ્રાઈટિસ ડેની થીમ હેલ્ધી એજિંગ રાખવામાં આવી હતી. મોટા ભાગના લોકો એવું માનતા હોય છે કે આ રોગ વધતી ઉંમરે એટલે કે ૪૦-૫૦ વર્ષ પછી જ આવે છે. આ માન્યતા પાછળ એક મહત્વનું કારણ એ છે કે મોટી ઉંમરે થતો આર્થ્રાઈટિસનો એક પ્રકાર ઑસ્ટિયોઆર્થ્રાઈટિસ છે જે આ રોગના બધા જ પ્રકારોમાં સૌથી વધુ જોવા મળે છે. ભારતમાં ૪૫ વર્ષથી ઉપરના લગભગ ૫૦ ટકા લોકોમાં આ રોગ જોવા મળે છે, જ્યારે ૬૦ વર્ષથી ઉપરના ૮૦ ટકા લોકોમાં અને ૮૦ વર્ષથી ઉપરના બધા જ એટલે કે ૧૦૦ ટકા લોકોમાં ઑસ્ટિયોઆર્થ્રાઈટિસ જોવા મળે છે. મોટી ઉંમરે શરીર ઘસાઈ જાય છે એને કારણે આ રોગ થાય છે. આ પ્રકારનો આર્થ્રાઈટિસ પગના ઘૂંટણ પર સૌથી વધુ અસર કરે છે. એના ઇલાજ જણાવતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, ‘ઘૂંટણમાં થતો આ ઘસારો અટકાવી શકાતો નથી, પરંતુ આવા લોકોને અમે શરૂઆતમાં વજન ઘટાડવાનું કહીએ છીએ. ઉપરાંત અમુક સપ્લિમેન્ટ્સ આવે છે જેને કારણે કાર્ટિલેજ રીજનરેટ કરવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત લાઇફ-સ્ટાઇલમાં જરૂરી ફેરફાર પણ આ રોગમાં ઘણા ફાયદેમંદ સાબિત થાય છે.’

રુમેટો આર્થ્રાઈટિસ

આર્થ્રાઈટિસ એક ઑટો ઇમ્યુન ડિસીઝ પણ છે એટલે કે શરીરમાં રહેલાં અમુક પ્રકારનાં પ્રોટીન તરફ જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ ઍલર્જી‍ ઉત્પન્ન કરે ત્યારે સ્નાયુઓમાં પ્રૉબ્લેમ થાય છે જેને રુમેટો આર્થ્રાઈટિસ કહે છે. એ શરીરના નાના-નાના સ્નાયુઓને અસર પહોંચાડે છે. આ રોગ નાનાં બાળકોથી લઈને વડીલો સુધી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે આવી શકે છે. આ રોગના ઇલાજરૂપે વ્યક્તિને એવી દવાઓ આપવામાં આવે છે જેનાથી તેની રોગપ્રતિકારક શક્તિમાં ફેરફાર આવે છે. આ રોગ jાીઓમાં વધુ જોવા મળે છે. આ રોગનું પ્રમાણ ભારતમાં એક ટકા જેટલું જોવા મળે છે.

બચાવ વધુ ઉપયોગી

આર્થ્રાઈટિસની ગંભીરતા મુજબ હાલમાં દવાઓ, ફિઝિયોથેરપી અને સર્જરી જેવા ઇલાજના ઑપ્શન્સ આપણી પાસે છે. જોકે ઇલાજ કરતાં આ રોગમાં બચાવ વધુ યોગ્ય ઉપાય છે. આર્થ્રાઈટિસ વિશે સૌથી મહત્વની બાબત સમજાવતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, ‘ભારતમાં આર્થ્રાઈટિસ વધુ શહેરોમાં જોવા મળે છે, કારણ કે આપણે ત્યાં સુવિધાઓ વધવાને કારણે દરેક વ્યક્તિની શ્રમ કરવાની શારીરિક ક્ષમતા ઘણી જ ઘટી ગઈ છે. હાડકાં અને સાંધાઓ પાસેથી સતત કામ લેતા રહીએ ત્યારે એ વધુ સશક્ત બને છે. આ ઉપરાંત લોકો સૂર્યપ્રકાશ લેતા જ નથી જેને કારણે વિટામિન-D અને ભેળસેળિયા ડાયટને કારણે કૅલ્શિયમની કમી આજકાલ નૉર્મલ બનતી જાય છે. જો ખોરાકનું ધ્યાન રાખવામાં આવે, શારીરિક શ્રમ વધારે કરવામાં આવે અને પૂરતો સૂર્યપ્રકાશ મેળવવામાં આવે તો આર્થ્રાઈટિસ થતો અટકાવી શકાય છે અથવા કહીએ કે એને થોડાં વધુ વર્ષો ટાળી શકાય છે.’

કોને થઈ શકે?

પરિવારમાં માતા-પિતા કે બીજા કોઈને આર્થ્રાઈટિસ હોય તો બાળકને પણ આ રોગ વારસાગત મળી શકે છે. જિનેટિકલી કોઈ વ્યક્તિને આર્થ્રાઈટિસ થવાની શક્યતા ઘણી વધુ હોય શકે છે.

ઓબેસિટી એટલે કે મેદસ્વિતાને આર્થ્રાઈટિસ સાથે સીધો સંબંધ છે, કારણ કે વધુ વજનને કારણે હાડકાં અને સ્નાયુ પર ખૂબ જોર પડે છે.

કોઈ ઍક્સિડન્ટ થયો હોય કે કોઈ ઇન્જરી થઈ હોય જેનાથી કાયમી ધોરણે સ્નાયુ ડૅમેજ થઇ ગયો હોય તો આર્થ્રાઈટિસ થઈ શકે છે.

કોઈ પ્રકારનું ઇન્ફેક્શન થાય કે ઍલજર્કિ રીઍક્શન આવે જે સ્નાયુઓ પર અસર કરે તો થોડા સમય માટે આર્થ્રાઈટિસ થઈ શકે છે. જેમ કે ટીબીના જીવાણુ સ્નાયુ પર અટૅક કરે તો સાંધાનો ટીબી થઈ શકે છે.

જે લોકો બેઠાડુ જીવન જીવે છે, શારીરિક પ્રવૃત્તિઓ ઘણી ઓછી કરે છે તેમને પણ આર્થ્રાઈટિસ થવાની શક્યતા વધુ રહે છે.

જે લોકો ખોરાકમાં પ્રોટીન વધુ ખાતા હોય કે જેમની કિડની ખરાબ હોય તેમના શરીરમાં યુરિક ઍસિડ વધી જાય છે જે સ્નાયુઓમાં જમા થઈને ગાઉટ નામના આર્થ્રાઈટિસને નિમંત્રે છે.