કોઈ આયુર્વેદિક દવા ખરી જે જાતીય જીવનની આ પ્રકારની નબળાઈઓ દૂર કરે?

22 September, 2020 02:31 PM IST  |  Mumbai | Dr.Ravi Kothari

કોઈ આયુર્વેદિક દવા ખરી જે જાતીય જીવનની આ પ્રકારની નબળાઈઓ દૂર કરે?

પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારી ઉંમર ૪૩ વર્ષ છે. હમણાંથી મને સમાગમ પછી ખૂબ થાક લાગે છે. એને કારણે સેક્સની ફ્રીક્વન્સી પણ ઘટી ગઈ છે. કામેચ્છામાં પણ ઘટાડો થઈ ગયો છે. વળી સમસ્યા એ છે કે જો એકાદ મહિના સુધી સમાગમ ન કરું તો નાઇટફૉલ થઈ જાય છે. નાઇટફૉલ પછી તો શરીરમાં કળતર અને બેચેની રહ્યા કરે છે. કૉલેજમાં હતો ત્યારે પણ મને વારંવાર ઊંઘમાં જ સ્ખલન થઈ જતું હતું. હમણાંથી એ જ સમસ્યા ફરી શરૂ થઈ છે. થાક અને નાઇટફૉલ ન થાય એ માટે રાતે સૂતાં પહેલાં સફેદ મૂસળીનો પાઉડર રાતે સહેજ ગરમ દૂધ સાથે લઉં છું. બે મહિનાના પ્રયોગ પછી પણ ખાસ ફરક નથી જણાતો. બીજી કોઈ આયુર્વેદિક દવા ખરી જે જાતીય જીવનની આ પ્રકારની નબળાઈઓ
દૂર કરે?
જવાબ- સમાગમ કર્યા પછી થાકી જવાતું હોય તો એ શારીરિક નબળાઈનું લક્ષણ છે, જાતીય નબળાઈનું નહીં. ફિઝિકલ એક્ઝરશનને કારણે સમાગમ પછી થોડીક વાર માટે લાંબા સ્નાયુઓમાં સ્પાઝમને કારણે ભારેપણું ફીલ થાય એ સ્વાભાવિક છે, પણ એને વીર્ય વહી જવાને કારણે આવેલી નબળાઈ ન કહેવાય. સમાગમ ન કરવાથી નાઇટફૉલ થાય છે એ સ્વસ્થ હૉર્મોન્સની નિશાની છે. જનનાંગોમાં વીર્ય સતત બનતું રહેતું હોય છે. જો વીર્યને બહાર કાઢવામાં ન આવે તો એ ઊંઘમાં જ સ્ખલિત થઈ જાય છે. વીર્ય નીકળી જવાથી થાક લાગે એ પણ એક માન્યતા જ છે.
તમારે તમારી ઓવરઑલ ફિટનેસ સુધારવાની જરૂર છે. મારું ધારવું છે કે તમે રોજિંદા જીવનમાં પણ જલદીથી થાકી જતા હશો. જાતીય જીવનમાં જો સ્ટૅમિના સુધારવો હોય તો પહેલાં શરીરની નબળાઈ દૂર કરવી જોઈએ. રોજ પોણોથી એક કલાક જેટલી ફિઝિકલ ઍક્ટિવિટી કરો. કોઈ અનુભવી વ્યક્તિ પાસે યોગાસન અને પ્રાણાયામ શીખો.
સમાગમ પછીની નબળાઈ દૂર કરવા માટે સંભોગ પછી ગરમ પાણીથી નાહવાનું રાખો. વધુ થાક લાગતો હોય તો ખડી સાકર નાખેલું એક ગ્લાસ લીંબુનું શરબત લઈ શકાય. એનાથી મસલ્સ રિલૅક્સ થશે. તમારે સફેદ મૂસળી લેવી હોય તો લઈ શકો છો, પરંતુ એ પચાવવાની પણ તમારા શરીરની તાકાત હોવી જરૂરી છે.

sex and relationships dr ravi kothari