ઍન્ટિબાયોટિક્સનાં જબરદસ્ત જોખમો

07 December, 2012 08:41 AM IST  | 

ઍન્ટિબાયોટિક્સનાં જબરદસ્ત જોખમો




(જિગીષા જૈન)

આજના સમયમાં ડૉક્ટર્સના પ્રિસ્કિપ્શન પર અવારનવાર દેખા દેતી  દવાઓમાં ઍન્ટિબાયોટિક્સ ખાસ હોય છે. ઍન્ટિબાયોટિક્સ દવાઓ બૅક્ટેરિયાને લગતા રોગો અને ઘણા સિરિયસ જાન લેવા ઇન્ફેક્શન ટ્રીટમેન્ટમાં ખાસ ઉપયોગી દવા છે. એની ઉપયોગિતાને લઈને એનો વપરાશ આજે બહોળી માત્રામાં થઈ રહ્યો છે. ત્યારે ઍન્ટિબાયોટિક્સ દવાના બેનિફિટની સાથે-સાથે તેની સાઇડ ઇફેક્ટસ વિશે પણ જાણકારી મેળવવી જરૂરી બને છે.

તાજેતરમાં ઇન્ટરનૅશનલ જનરલ ઑફ ઓબેસિટીમાં છપાયેલા એક સ્ટડી મુજબ છ મહિનાથી નાના બાળકને ઍન્ટિબાયોટિક્સ આપવાને કારણે ત્રણ વર્ષ બાદ તેમના ઓવર વેઇટ હોવાના ચાન્સિસ બીજાં બાળકો કરતાં ૨૫ ટકા જેટલા વધારે થઈ જાય છે. અમેરિકન વૈજ્ઞાનિકોેએ ૧૦,૦૦૦થી વધુ બાળકો પર કરેલા આ રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે કુમળી વયે અપાતી ઍન્ટિબાયોટિક્સ દવાઓ બાળકના ડેવલપ થતા પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે. જોકે રિસર્ચરોએ માન્યું હતું કે તેમના રિસર્ચ દ્વારા ઍન્ટિબાયોટિક્સ અને ઓબેસિટી વચ્ચે સીધો સંબંધ સાબિત કરી શકાયો નથી, પરંતુ ઍન્ટિબાયોટિક્સને કારણે મંદ થતી પાચનક્રિયા બાળકમાં ઓબેસિટીના રિસ્કને વધારે છે તેવું તારણ કાઢી શકાય.

ઍન્ટિબાયોટિક્સ એટલે શું?

ઍન્ટિબાયોટિક્સ દવાઓના નુકસાન વિશે જાણતાં પહેલાં આ ઍન્ટિબાયોટિક્સ દવા એટલે શું એ જાણવું જરૂરી છે. એના વિશે સમજાવતાં જાણીતા પીડિયાટ્રિશ્યન ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ઍન્ટિબાયોટિક્સ દવાઓમાં એ શક્તિ રહેલી હોય છે કે એ બૅક્ટેરિયાને કારણે થતા ઇન્ફેક્શનમાં ખાસ મદદરૂપ છે. અહીં એ વસ્તુની સ્પષ્ટતા પણ જરૂરી છે કે એ ફક્ત ને ફક્ત બૅક્ટેરિયલ ઇન્ફેક્શનમાં જ ઉપયોગી છે. વાઇરલ કે ફંગલ ઇન્ફેક્શનમાં નહીં. આજકાલ ઘણા લોકો શરદી કે તાવ આવે તો ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની જાતે જ ઍન્ટિબાયોટિક્સ ખાઈ લેતા હોય છે. તેમને એ વાતનો અંદાજ જ નથી હોતો કે તેઓ પોતાના શરીરનું કેટલું નુકસાન કરી રહ્યા છે, કારણ કે શરદી કે તાવ મોટા ભાગે વાઇરલ ઇન્ફેક્શનને કારણે હોય છે, જેમાં ઍન્ટિબાયોટિક્સ કામ લાગતી નથી.’

તેની જરૂર ક્યારે?

‘૭૫થી ૮૦ ટકા કેસમાં પેશન્ટને ઍન્ટિબાયોટિક્સ આપવાની જરૂર હોતી જ નથી અને અમે આપતા પણ નથી,’ એમ જણાવીને ડૉ. પંકજ પારેખ ડૉક્ટર્સ ક્યારે

અને કઈ રીતે ઍન્ટિબાયોટિક્સ દવા લખી આપે છે એ વિશે વિગતવાર માહિતી આપતાં કહે છે, ‘નાનાં બાળકોમાં કોઈ પણ રોગ સામે ટકી શકવાની ક્ષમતા અથવા તો રોગનું સેફ્ટી માર્જિન ઘણું ઓછું હોય છે. જેમ કે બાળકને ૫ દિવસથી સતત ખાંસી કે તાવ હોય તો તેને ન્યુમોનિયા થવાનો ભય રહે છે. આવી કન્ડિશનમાં ઍન્ટિબાયોટિક્સ આપવી એ બાળક માટે જરૂરી છે. જ્યારે આ પરિસ્થિતિમાં કોઈ પુખ્ત વયની વ્યક્તિ હોય તો તેને ખાસ ફરક પડતો નથી. તેને ઍન્ટિબાયોટિક્સની જરૂર નથી. જોકે એનો અર્થ એ પણ નથી કે બાળક થોડું માંદું પડે કે તેને તરત જ ઍન્ટિબાયોટિક્સ આપી દેવી.’ 

દવા આપતાં પહેલાં જરૂરી માપદંડ વિશે ડૉ. પંકજ પારેખ કહે છે, ‘મોટા ભાગે બાળકને તેની ઉંમર અને વજન ચકાસીને જ ઍન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. આ ઉપરાંત બ્લડ ટેસ્ટના રર્પિોટમાં સફેદ રક્ત કણો એટલે કે વાઇટ બ્લડ સેલ કાઉન્ટ જે નૉર્મલ ૫૦૦૦થી ૧૦,૦૦૦ની વચ્ચે હોય છે એ ૧૫,૦૦૦થી ઉપર જાય તો ઍન્ટિબાયોટિક્સની જરૂર પડે છે.’

મુખ્ય બે પ્રકાર

ઍન્ટિબાયોટિક્સના મુખ્યત્વે બે પ્રકાર હોય છે (૧) બ્રૉડ સ્પેક્ટ્રમ ઍન્ટિબાયોટિક્સ (૨) નૅરો સ્પેક્ટ્રમ ઍન્ટિબાયોટિક્સ. આ બન્નેનો ઉપયોગ સમજાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘ધારો કે કોઈ વ્યક્તિને ગળાનું ઇન્ફેક્શન થયું છે તો તેને નૅરો સ્પેક્ટ્રમ ઍન્ટિબાયોટિક્સ આપવી જોઈએ, જે શરીરમાં જઈ અમુક પ્રકારના જ બૅક્ટેરિયાને મારે, પરંતુ જો તેને બ્રૉડ સ્પેક્ટ્રમ ઍન્ટિબાયોટિક્સ આપવામાં આવે તો એ બહોળા પ્રમાણમાં જરૂરી-બિનજરૂરી બૅક્ટેરિયાને મારે જે શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.’

આ ઉપરાંત ઍન્ટિબાયોટિક્સના ર્કોસ વિશે માહિતી આપતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘સામાન્ય બીમારીમાં ઍન્ટિબાયોટિક્સનો ર્કોસ ૫ દિવસનો હોય છે, જ્યારે કાનમાંથી પસ નીકળે કે યુરિનમાં ઇન્ફેક્શન હોય તો આ ર્કોસ ૧૦ દિવસથી લઈ બે અઠવાડિયાં સુધીનો પણ હોઈ શકે છે.’

કઈ રીતે નુકસાન?

ઍન્ટિબાયોટિક્સથી શરીરને થતા નુકસાન વિશે સમજાવતાં ડૉ. પંકજ પારેખ કહે છે, ‘આપણાં આંતરડાંમાં લેક્ટૉબેસિલ્સ નામના બૅક્ટેરિયા છે, જે શરીરની પાચનક્રિયામાં મદદરૂપ થાય છે અને રોગોના જીવાણુ સામે લડે છે. આ બૅક્ટેરિયા શરીરમાં

ખૂબ જ જરૂરી છે. જ્યારે બિનજરૂરી ઍન્ટિબાયોટિક્સ લેવામાં આવે ત્યારે આ ઍન્ટિબાયોટિક્સ રોગના બૅક્ટેરિયાની સાથે-સાથે જરૂરી બૅક્ટેરિયા જેને મેડિકલ ટર્મમાં કૉમન સેલ્સ કહે છે એને પણ મારી નાખે છે આ ઉપરાંત એને કારણે વિટામિન-બી કૉમ્પ્લેક્સની કમી સર્જાય છે અને શરીરને નુકસાન થાય છે.’

સાઇડ ઇફેક્ટ્સ

હાઈ ડોઝની ઍન્ટિબાયોટિક્સ લેવાથી જરૂરી બૅક્ટેરિયા મરી જવાને કારણે શરીરને થતા નુકસાનને ઍન્ટિબાયોટિક્સની સાઇડ ઇફેક્ટ કહે છે. ડાયેરિયા કે પેટની થોડી ગડબડ કૉમન સાઇડ ઇફેક્ટ્સ છે. જેમાં ડૉક્ટરની સલાહની જરૂર હોતી નથી, પરંતુ ઊલ્ાટી થવી, વધારે પ્રમાણમાં ડાયેરિયા, પેટમાં મચક ઊઠવી, મોઢામાં ચાંદાં પડવાં કે જીભ ઉપર સફેદ પૅચ દેખાય તો ડૉક્ટર પાસે જવું હિતાવહ છે. આ ઉપરાંત ઘણી ઍન્ટિબાયોટિકને કારણે ઍલર્જિક રીઍક્શન પણ આવે છે, જેમાં શ્વાસની તકલીફ, ખંજવાળ, હોઠ પર-ફેસ પર કે જીભ પર સોજા જેવી તકલીફ થતી હોય છે ત્યારે ડૉક્ટર પાસે જવું ખૂબ જરૂરી હોય છે.

ઍન્ટિબાયોટિક લેતાં પહેલાં આટલું ધ્યાન રાખો

ક્યારેય ડૉક્ટરને પૂછ્યા વગર જાતે ઍન્ટિબાયોટિક લેવી નહીં. ઘરની કોઈ વ્યક્તિ, મિત્ર-વતુર્ળ કે કેમિસ્ટ દ્વારા સજેસ્ટ કરેલી ઍન્ટિબાયોટિક તમને સૂટ ન થાય તો ઍલર્જી થઈ શકે છે.

એક વખત ડૉક્ટરે લખેલી ઍન્ટિ બાયોટિક તમને સૂટ થઈ ગઈ છે તેમ સમજી બીજી વખત બીમાર પડો ત્યારે જાતે જ નર્ણિય લઈ પહેલી વખતની ઍન્ટિબાયોટિક લેવી બિલકુલ હિતાવહ નથી. તમારા ડૉક્ટરને ડિસાઇડ કરવા દો કે તમને કઈ દવાની જરૂર છે. જાતે નર્ણિય ન લો.

ઍન્ટિબાયોટિકસનો ર્કોસ હંમેશાં પૂરો કરવો જરૂરી છે. ઘણા લોકો તબિયત સારી થઈ ગયા બાદ ર્કોસ અધૂરો છોડી દેતા હોય છે અથવા તો સારું ન થાય તો ર્કોસ લંબાવી દે. આવી ભૂલ ન કરવી. પાંચ દિવસનો ર્કોસ હોય તો પાંચ જ દિવસ દવા લેવી.

ઍન્ટિબાયોટિક હંમેશાં નિયત સમયે જ લેવી. દા. ત. દિવસમાં ત્રણ વાર હોય તો ચોક્કસપણે દર આઠ કલાકના અંતરે અને બે વાર હોય તો ૧૨ કલાકના અંતરે દવા લેવી. આ સમય-અંતર ચોક્કસપણે જાળવવું જરૂરી છે.

ઍન્ટિબાયોટિક લીધા વગર કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ્સ લાગે ત્યારે તમારા ડૉક્ટરનો તરત જ સંપર્ક કરવો.