શિયાળામાં ખાસ ખાઓ અંજીર

13 December, 2012 06:25 AM IST  | 

શિયાળામાં ખાસ ખાઓ અંજીર



મોટા ભાગે ડ્રાયફ્રૂટ્સની વાત આવે એટલે કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ જ યાદ આવે. જોકે અંજીર જેવો સૂકો મેવો બહુ ઓછા લોકો ખાય છે. શિયાળામાં બાળકોને અંજીર ખવડાવવાથી તેમનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. એના ફાયદા જાણીશું તો કદાચ ભલે ગમેએટલાં મોંઘાં અંજીર હોય, ખાવાનું મન જરૂર થશે.

અંજીરના ગુણધર્મો

મધુર, સ્નિગ્ધ અને શીતળ એવાં અંજીર વાયુ અને પિત્તનું શમન કરે છે. એમાં ટાયરોસિન, અમીનો ઍસિડ, લાયસિન જેવાં જુદી-જુદી જાતનાં એન્ઝાઇમ્સ (પાચક રસો) સમાયેલાં છે. અંજીર પ્રોટીન, લોહ, કૅલ્શિયમ, તાંબું વગેરે અનેક જાતનાં ખનિજો અને તત્વોથી ભરપૂર છે. વિટામિન એ, બી અને સી પણ એમાં સારીએવી માત્રામાં છે. ૧૦૦ ગ્રામ અંજીરમાં આશરે ૩૦૦ કૅલરી હોય છે.

અંજીર પાકની રીત

એક કિલો અંજીરને ગરમ પાણીએ બે-ચાર વખત ધોઈને બરાબર ડૂબે એ રીતે પાણીમાં પલાળવાં. બીજે દિવસે પાણીમાંથી કાઢી એના બારીક કટકા કરી બે લિટર દૂધમાં નાખીને ઉકાળવાં. આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી ચોંટી ન જાય. દૂધનો ભાગ સાવ બળી જાય એટલે નીચે ઉતારી લેવું. અંજીરના આ માવાને ચોખ્ખા ઘીમાં આ શેકવો. સરખું શેકાઈ જાય અને દૂધ તથા પાણીની ભીનાશ બળી જાય ત્યાં સુધી શેકવું. પછી નીચે ઉતારી સાકરની ચાસણીમાં એનું મિશ્રણ કરી એમાં બદામ, ચારોળી, પિસ્તા, એલચી વગેરે માપસર નાખીને થાળીમાં ઢાળી દેવું.

કેટલું ખાવું? : મોટેરાંઓએ વીસ-વીસ ગ્રામ સવાર-સાંજ અને નાનાં બાળકોએ દસ-દસ ગ્રામ સવાર-સાંજ ખાઈને ઉપર દૂધ પીવું. આ પાક એકાદ વર્ષ સુધી ખાવો.

જે બાળકો અને સ્ત્રીઓનો શારીરિક વિકાસ ન થતો હોય તેમના માટે આ પ્રયોગ ઉત્તમ છે. જે બાળકોનો વિકાસ થતો ન હોય, ઊંચાઈ વધતી ન હોય, ગમે એટલી પૌષ્ટિકતા માટેની દવા કરવા છતાં અતિદૂબળાપણું મટતું ન હોય, શરીર નિર્માલ્ય અને માયકાંગલું હોય તેમણે અંજીરનો પાક બનાવીને ખાવો જોઈએ.

અંજીરવાળું દૂધ

ત્રણ-ચાર અંજીર શરીરમાં ઘણાં તત્વો પૂરાં પાડીને અજબ સ્ફૂર્તિ આપે છે. ચાની જગ્યાએ અંજીરવાળું દૂધ ઉકાળીને પીવામાં આવે તો એ ચા કરતાં ચારગણી ચેતના અને સ્ફૂર્તિ પૂરાં પાડે છે. વળી ચા તો ક્ષણિક ટેકો આપે છે, જ્યારે અંજીરથી એક જ વખતમાં આખા દિવસમાં જરૂરી શક્તિ અને ચેતન મળે છે. તમે થાકીને લોથપોથ થઈ ગયા હો તો અંજીરવાળું દૂધ પીવાથી નવી તાજગી તરત જ શરૂ થઈ જાય છે.

શામાં ફાયદો થાય?

સ્કિન : શરીરમાં કાળાશ હોય કે વર્ણ વધુપડતો કાળો થતો હોય, ચહેરા-હાથ-પગ પર કે આંખ પાસે કાળાં કૂંડાળાં કે કાળાં દાઝોડાં દેખાતાં હોય, ચહેરા પર ખીલ થયા કરતા હોય.

પાચન : ભૂખ કાયમ ઓછી લાગતી હોય, પાચન વિના અર્જીણ રહેતું હોય અથવા ખોરાકનો ગૅસ થતો હોય, મોટી ઉંમરની વ્યક્તિઓને કાયમ કબજિયાત રહેતી હોય, પેટમાં ઝીણી જાતના સૂતરિયા કૃમિ હોય.

નબળાઈ : ધાતુની નબળાઈ અથવા ર્વીયની અલ્પતા કે ર્વીયદોષ હોય, જૂનો પ્રમેહ કે સ્ત્રીઓને પ્રદરરોગ હોય, વારંવાર કસુવાવડ થતી હોય, ઍસિડિટી હોય, શરીર ફિક્કું અને પાંડુરોગ જેવું રહેતું હોય.

ગ્રંથિઓની તકલીફ : લિવર અને બરોળની તકલીફ હોય કે એના સોજા રહેતા હોય, પ્રોસ્ટેટની શરૂઆત હોય, કિડનીમાં કે મૂત્રાશયમાં ઝીણી પથરી હોય.

ક્ષય : કાયમ ઝીણો શ્વાસ કે ઉધરસ રહેતી હોય, ક્ષયવાળાને કફ સાથે લોહી પડતું હોય, બુદ્ધિ મંદ હોય, યાદશક્તિ ઓછી હોય.

કેવાં અંજીર ખાવાં?

અત્યારે મોટા ભાગનાં દરેક ડ્રાયફ્રૂટ્સને લાંબો સમય સુધી સાચવી રાખવા માટે એમાં વિવિધ કેમિકલયુક્ત દવા છાંટવામાં આવે છે. માટે જ કોઈ પણ ડ્રાયફ્રૂટને રાત્રે નવશેકા પાણીમાં પલાળી રાખીને એને બીજા દિવસે સવારે ખાવાં જોઈએ. અંજીરને પણ રાત્રે પલાળ્યાં પછી બીજા દિવસે સવારે ચાવી-ચાવીને ખાવાથી એનો વધુ લાભ મેળવી શકાય છે તેમ જ દ્રાક્ષ અને ખજૂરની જેમ એમાં વધુ વરાઇટી જોવા મળતી નથી. દરેક પ્રકારનાં અંજીરના ગુણો તો સરખા જ હોય છે. એનું વર્ગીકરણ ક્વૉલિટી કરતાં પણ એની સાઇઝ અનુસાર કરવામાં આવે છે.