એચઆઇવી નિદાન અને સારવાર શું?

02 December, 2011 08:03 AM IST  | 

એચઆઇવી નિદાન અને સારવાર શું?



(સેજલ પટેલ)

ગઈ કાલે આપણે એચઆઇવીનો ફેલાવો અટકાવવા શું સાવધાની રાખવી એ જાણ્યું. મોટા ભાગે અસુરક્ષિત સેક્સસંબંધ બાંધ્યા પછી વ્યક્તિને પેટમાં ફાળ પડે છે કે ક્યાંક તેને એચઆઇવી તો નહીં લાગી જાયને? ધારો કે જરૂરી સાવધાનીઓ ન રખાઈ હોય ને મનમાં શંકા હોય તો એનું નિદાન કઈ રીતે કરવું એ જાણીએ.

કોણે એચઆઇવી ટેસ્ટ કરાવવી?

જો તમે કોઈ અજાણી વ્યક્તિ સાથે અનપ્રોટેક્ટેડ સેક્સ માણ્યું હોય એટલે કે કૉન્ડોમ વિના મૈથુન, ગુદામૈથુન કે મુખમૈથુન કર્યું હોય; તમારા સેક્સ-પાર્ટનરને એકથી વધારે સેક્સ-પાર્ટનર્સ છે એવી તમને જાણ હોય; જો કોઈ ઍક્સિડન્ટ કે ઇમર્જન્સી વખતે તમને બ્લડ ચડાવવામાં આવ્યું હોય અને એ બ્લડની યોગ્ય ચકાસણી ન થઈ હોય; જો તમે ડ્રગ્સ કે સ્ટેરૉઇડ્સ લેતા હો અને કોઈએ ઉપયોગમાં લીધેલી અથવા યોગ્ય રીતે સ્ટરિલાઇઝ્ડ કરી ન હોય એવી સિરિન્જ, નિડલ કે રૂનો ઉપયોગ કર્યો હોય; જો તમે બ્લડ ડોનેટ કર્યું હોય એ વખતે સ્ટરિલાઇઝ્ડ સાધનો વપરાયાં ન હોય; જો તમને હેપેટાઇટિસ, ટીબી અથવા સિફિલિસ જેવા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગોનું નિદાન થયું હોય તો એચઆઇવી ટેસ્ટ કરાવી લેવી.

એચઆઇવી માટેનાં વિવિધ પરીક્ષણો

એલાઇઝા ટેસ્ટ : સૌથી પહેલી વાર એચઆઇવી ઍન્ટિ-બૉડીના પરીક્ષણ માટે શોધાયેલી આ એક સ્ટાન્ડર્ડ બ્લડ-ટેસ્ટ છે. આ માટે શરીરમાંથી બ્લડ-સૅમ્પલ લેવામાં આવે છે અને એના પર શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ધરાવતા પ્રોટીન્સની ટેસ્ટ કરવામાં આવે છે. જો એલાઇઝા ટેસ્ટ પૉઝિટિવ આવી હોય એટલે કે ઍન્ટિ-બૉડીઝની હાજરી માલૂમ પડી હોય તો આ ઍન્ટિ-બૉડીઝ એચઆઇવીના છે એ કન્ફર્મ કરવા માટે વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ કરવામાં આવે છે. ઇન્ફેક્શન લાગવાની શક્યતાના બેથી ત્રણ મહિના પછી જ એલાઇઝા ટેસ્ટ પૉઝિટિવ આવે છે.

રૅપિડ એચઆઇવી ટેસ્ટ : આ પણ એક ઍન્ટિ-બૉડી ટેસ્ટ જ છે. એલાઇઝા અને બ્લૉટ બન્ને ટેસ્ટ કરાવવાને બદલે આ પ્રકારના ટેસ્ટિંગથી પણ એચઆઇવી ઇન્ફેક્શન જાણી શકાય છે. આ ટેસ્ટનું રિઝલ્ટ દસ-પંદર મિનિટમાં જ જાણી શકાય છે.

પી-૨૪ ટેસ્ટ : આ એક એન્ટિજન ટેસ્ટ છે. એચઆઇવી સાથે સંકળાયેલા પી-૨૪ નામના પ્રોટીન પર ટેસ્ટિંગ કરવામાં આવે છે. ઘણી વાર ઇન્ફેક્શન લાગ્યું હોય અને શરીરમાં એચઆઇવીના ઍન્ટિ-બૉડીઝ ફેલાયા ન હોય તો એલાઇઝા અને બ્લૉટ ઍન્ટિ-બૉડી ટેસ્ટ નેગેટિવ આવે છે, પરંતુ ઇન્ફેક્શન લાગ્યાનાં બેથી ચાર અઠવાડિયાંની અંદર જ પી-૨૪ ટેસ્ટથી ઇન્ફેક્શન વિશે જાણી શકાય છે.

લેટેસ્ટ શોધાયેલી નિદાન પદ્ધતિ માટે સેક્સોલૉજિસ્ટ ડૉ. પ્રકાશ કોઠારી કહે છે, ‘એક ખૂબ જ ચોક્કસ ગણાય એવી ટેસ્ટ છે પીસીઆર. ધારો કે વ્યક્તિએ પાંચ-છ કલાક પહેલાં અસુરક્ષિત સમાગમ કર્યો હોય ને એ દરમ્યાન ઇન્ફેક્શન લાગ્યું હોય તો પણ આ ટેસ્ટમાં પકડાઈ જાય છે. કોઈ પણ સરકારી હૉસ્પિટલમાં આ ટેસ્ટ ઉપલબ્ધ હોય છે. વળી એમાં વ્યક્તિની ઓળખ છૂપી રહી શકે છે અને ટેસ્ટ સસ્તી પણ પડે છે.’

સારવારમાં શું?

કોઈ પણ સરકારી હૉસ્પિટલમાં જઈને એઆરટી એટલે કે ઍન્ટિ-રીટ્રોવાઇરલ થેરપી માટેની દવાઓ લેવાની શરૂ કરી દેવી. આ દવાઓથી રોગપ્રતિકારક શક્તિ વધુ નબળી પડતી અટકે છે. જેટલું ઝડપથી નિદાન થાય અને વહેલી તકે યોગ્ય સારવાર શરૂ કરી દેવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ જળવાય છે અને રોગ ઝડપથી આગળ વધતો અટકે છે.

ઍલોપથી ઉપરાંત આયુર્વેદમાં પણ કેટલાક ઉપચારો છે જે આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારીએ સૂચવ્યા છે :

રોજ સવારે અને રાત્રે બે ચમચી બ્રહ્મરસાયણ લેવું. લઘુમાલિની વસંતની બે-બે ગોળીઓ સવાર, બપોર અને સાંજે ગરમ પાણી સાથે લેવી.

જેઠીમધ, શતાવરી, હરડે, કુષ્માંડ, લીંડી પીપર, તુલસી, બલા, ગળો, આમળાં, અશ્વગંધા, મંડૂકપર્ણી અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈને મિક્સ કરવું. બે ચમચી ચૂર્ણને છ કપ પાણીમાં રાત્રે પલાળી રાખવું. બીજા દિવસે સવારે એને ઉકાળીને ત્રીજા ભાગનું પાણી બળી જાય એટલે સવારે અને સાંજે એક-એક કપ આ કાઢો લેવો.

એચઆઇવી પેશન્ટને ઍન્ટિ-વાઇરલ અને રોગપ્રતિકારક શક્તિ વધારનારાં દ્રવ્યોની વધુ જરૂર હોય છે. કારેલાં, દૂધી, લસણ, લીમડો, તુલસી, હળદર અને જેઠીમધ જેવી ચીજો ઍન્ટિ-વાઇરલ છે; જ્યારે ગળો, શતાવરી, તુલસી, કુષ્માંડ, જેઠીમધ, અશ્વગંધા અને સૂંઠ રોગપ્રતિકારક શક્તિ વધારનારાં દ્રવ્યો છે.

પાણી હંમેશાં ઉકાળીને ગાળેલું હૂંફાળું અથવા ઠારેલું પીવું. રોજ ચંદનબલાલાક્ષાદિ તેલની માલિશ કરવી.

ખજૂરના ઠળિયા કાઢી એમાં ઘી ભરીને રોજ સવારે અને સાંજે ત્રણ ખજૂર ખાવાં. દિવસમાં નાળિયેરનું  એક પાણી અને એક ગ્લાસ લીંબુનું શરબત અથવા ગ્લુકોઝનું પાણી લેવું. રોજ પચીસ ગ્રામ જેટલા સિંગચણા અને ગોળ ખાવા. દૂધ અને દૂધમાંથી બનાવેલી હાઈ ફૅટ અને હાઈ પ્રોટીન ધરાવતી ચીજો તેમ જ ડ્રાયફ્રૂટ્સ લેવા.