"મારું વજન ૭૪ કિલોથી વધવું શરૂ થાય એટલે વર્કઆઉટના કલાકો પણ હું વધારી નાખું છું"

18 March, 2013 07:08 AM IST  | 

"મારું વજન ૭૪ કિલોથી વધવું શરૂ થાય એટલે વર્કઆઉટના કલાકો પણ હું વધારી નાખું છું"



ફિટનેસ Funda

હું નૉર્મલી વીકમાં પાંચ દિવસ વર્કઆઉટ કરું છું. છઠ્ઠો દિવસ વર્કઆઉટ નહીં કરવાનું, પણ એ દિવસે ડાયટ પ્લાન એ જ રાખવાનો જે મારા ડાયેટિશ્યને બનાવી આપ્યો હોય અને સાતમો દિવસ એટલે કે સન્ડેના દિવસે એ બધું જ ખાવાનું જે વીક દરમ્યાન ખાવાની ઇચ્છા થઈ હોય. આ મારો નૉર્મલ વર્કઆઉટ પ્લાન છે, પણ જો મારું વેઇટ ૭૪ કેજીથી વધે તો તરત જ આ વર્કઆઉટ પ્લાન બદલાય જાય, સાથોસાથ વર્કઆઉટના દિવસો અને કલાકો પણ વધી જાય. મેં છેલ્લાં ત્રણ વર્ષથી મારું વેઇટ આ ફિગર પર મેઇન્ટેન કરી રાખ્યું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં મારું વેઇટ ટેરિબલી વધારે હતું. મને ઍક્ટિંગનો શોખ હતો એટલે એક દિવસ પપ્પા શેખર સુમને બેસાડીને સમજાવ્યો અને કહ્યું કે ઍક્ટિંગ ફીલ્ડ એવું ફીલ્ડ છે કે જ્યાં સારા દેખાવું બહુ મહત્વનું છે. જો તમે સારા ન દેખાતા હો તો આ બિઝનેસમાં તમારી કોઈ વૅલ્યુ નથી.

પપ્પાની આ ઍડવાઇઝ પછી મેં સિરિયસલી વર્કઆઉટ શરૂ કર્યું અને ચૌદ મહિનામાં વર્કઆઉટથી ઑલમોસ્ટ સાઠ કિલો જેટલું વજન ઘટાડ્યું અને મારી હાઇટ અને વેઇટના ચાર્ટ મુજબ હું ૭૪ કિલો વેઇટ પર આવીને અટક્યો. પપ્પા કરતાં આગળ વધીને કહું તો માત્ર ઍક્ટિંગ ફીલ્ડ જ નહીં, દુનિયાનાં તમામ ફીલ્ડ એવાં છે કે જ્યાં તમે સારા દેખાતા હો એ જરૂરી છે. સારા દેખાવાથી સામેની વ્યક્તિ પર પૉઝિટિવ અસર થાય છે, જે બીજા ફીલ્ડના બિઝનેસમાં પણ બેનિફિટ આપી શકે છે. બચ્ચા હોય ત્યારે ગોળમટોળ અને ચબ્બીચિક્સવાળા હોય તે લોકોને ગમે, પણ એડલ્ટ થયા પછી જો એવા દેખાતા હોઈએ તો અનેક લિમિટેશન આવી જાય.

ફૂડમાં પ્રોટીન થોકબંધ...

હું નૉન-વેજિટેરિયન છું. મારા ફૂડમાં દરરોજ નૉનવેજ જોઈએ, પણ ફિટનેસ માટે કે બાયશેપ માટે જરૂરી નથી કે નૉન-વેજ ફૂડ ખાવું. વેજિટેરિયન ફૂડમાં જરૂરી પ્રોટીન અને વિટામિન્સ હોય જ છે. મારા ફૂડમાં પ્રોટીનની માત્રા વધારે હોય એ હું ધ્યાન રાખું છું, જેને માટે દિવસ દરમ્યાન એકથી બે વાર મિનિમમ ચિકન ખાઉં છું અને બેથી ત્રણ વાર પ્રોટીન શેક પીવાનું રાખું છું. વેજિટેરિયન ફૂડમાં મને પનીરની કોઈ પણ સબ્જી ભાવે. આ ઉપરાંત ભીંડી અને પીળી દાલ પણ મારા ફેવરિટ છે. ઘરમાં જ્યારે પણ મારી માટે પીળી દાલ બને ત્યારે હું રોટી ખાવાનું ટાળું છું અને રાઇસ ખાઉં છું.

મૉર્નિંગના વર્કઆઉટ શરૂ કરતાં પહેલાં હું વેજિટબલ્સનો ગ્રીન જૂસ પીઉં છું. એ પછી થોડું વૉર્મઅપ કરીને ઍપલ કે બોઇલ એગ ખાવાના અને એ પછી એક કલાક વેઇટ ટ્રેઇનિંગ અને મસ્ાલ્સ સ્ટ્રેચિંગ કરવાનું. ત્યાર પછી ડ્રાયફ્રૂટસ ખાવાના અને એ પછી ૪૦ મિનિટ કાર્ડિયો કરવાની. કાર્ડિયો સાથે મારું વર્કઆઉટ પૂરું થાય. એ પછી શાવર લેવા જતાં પહેલાં પ્રોટીન શેક પીઉં અને પછી ફ્રેશ થઈને ચિકન સૅન્ડવિચ કે આમલેટ ખાઈને શૂટ પર નીકળી જવાનું. શૂટ પર હું ક્યારેય યુનિટનું ફૂડ નથી ખાતો. એ ફૂડમાં મસાલા અને ઑઇલ બહુ હોય છે. મને મારા ડાયેટિશ્યને સમજાવ્યું છે કે ફૂડને જેટલો ઓછા મસાલા-તેલ સાથે બનાવવામાં આવે એટલા જ એનાં ન્યુટ્રિશ્યન જળવાયેલાં રહે છે. વીકમાં એકથી બેવાર હું બોઇલ કરેલાં વેજિટેબલ્સનું પણ લંચ કરી લઉં છું. બાકીના દિવસોમાં મારા લંચમાં દાલ, રોસ્ટ ચિકન, દહીં અને સૅલડનું હોય છે. મને બપોરે રોટી ખાવાની આદત નથી. રોટી હું રાત્રે ખાઉં છું. ડિનરમાં રોટીની સાથે પણ કોઈ નૉન-વેજ આઇટમ હોય અને નહીં તો સિઝલર હોય. સાંજના સમયે હું મેઇનલી બ્રાઉન બ્રેડની વેજિટેબલ સૅન્ડિવચ ખાઈ લઉં છું. રાત્રે જમ્યા પછી મને સ્વીટ ખાવા જોઈએ. પહેલાં હું ગુલાબજાંબુ અને રસમલાઈ જેવી ઇન્ડિયન સ્વીટ્સ ખાતો, પણ વર્કઆઉટ કર્યા પછી મેં ચૉકલેટ કે પેસ્ટ્રીનો નાનો પીસ ખાવાનું શરૂ કરી દીધું છે. ઇન્ડિયન સ્વીટ્સની કમ્પેરિઝનમાં ચૉકલેટ કે પેસ્ટ્રીમાં ઓછી કૅલરી હોય છે.

આઉટડોર શૂટિંગ હોય ત્યારે હું ઘરેથી મારી સાથે બટરમિલ્ક અને ગ્રીન ટી સાથે રાખુ છું. આઉટડોરમાં દિવસ દરમ્યાન હું બેથી ત્રણ લિટર બટરમિલ્ક પીતો હોઈશ અને પાંચથી સાત લિટર પાણી પીતો હોઈશ. મને પાણીની આદત છે, જે મારી સૌથી સારી આદત છે એવું મારો ટ્રેઇનર અને ડાયેટિશ્યન કહે છે.

અહીં બધી છૂટ...

સ્પાઇસ, અર્બન તડકા, સેફરોન, બનાના લીફ અને બુખારા રેસ્ટોરાંનું ફૂડ સુપર્બ છે. અહીં જ્યારે પણ જાઉં ત્યારે ડાયેટ અને વર્કઆઉટના નિયમો તોડી નાખવાના અને બધું પેટ ભરીને જમવાનું. એવું જ અમેરિકા હોઉં ત્યારે કરવાનું. અમેરિકાની મને ફ્રેશ ફ્રૂટ પેસ્ટ્રી બહુ ભાવે છે. કેટલીય વાર એવું થયું છે કે મેં આખા દિવસમાં ડિનર-લંચ સ્કિપ કર્યું હોય અને ખાલી પેસ્ટ્રી જ ખાધી હોય. જોકે જ્યારે પણ મેં આ છૂટછાટ લીધી છે એ પછી મેં વર્કઆઉટ પર પૂરતું ધ્યાન આપ્યું છે અને ત્યાર પછીના બે-ત્રણ દિવસ સુધી ખીચડી અને દહીં ખાઈને ચલાવ્યું છે.

- વાતચીત અને શબ્દાંકન : રશ્મિન શાહ