એસીપી ઢોબળે કહે છે, ખાવાથી સ્ટૅમિના નહીં પણ માત્ર સુસ્તી આવે

10 December, 2012 09:46 AM IST  | 

એસીપી ઢોબળે કહે છે, ખાવાથી સ્ટૅમિના નહીં પણ માત્ર સુસ્તી આવે




(ફિટનેસ FUNDA )

આકાશ કોસળલે તરી હી મી ગાભરણાર નાહીં, કોસળલેલ્યા આકાશાવર ઊભા રાહુન મી માઝા ધ્યેયપૂર્તિચી વાટ ચાલ કરીલ (આકાશ ફાટી જાય તો પણ હું ગભરાઈશ નહીં, એ ફાટેલા આકાશ પર ઊભો રહીને હું મારી ધ્યેયપૂર્તિ માટે આગળ વધીશ).

લોકમાન્ય ટિળકની આત્મકથાની આ બે લાઇન મુંબઈ પોલીસના સમાજસેવા વિભાગના ઍડિશનલ પોલીસ-કમિશનર વસંત ઢોબળેને સતત કાર્યશીલ રાખે છે. છેલ્લાં ૩૫ વર્ષમાં ૩૬ વાર ટ્રાન્સફર, પોતાની સામે ૧૧૮ ફરિયાદો, ત્રણ વાર સસ્પેન્ડ અને એક વાર જેલમાં પણ જઈને આવેલા ૫૫ વર્ષના આ ઑફિસરમાં એક ગજબનો ઉત્સાહ છે. મુંબઈની નાઇટ લાઇફમાં ચાલતી ગેરકાનૂની હરકતોને સમેટવા તેમણે આકાશ-પાતાળ એક કયાર઼્ છે. હૉકી સ્ટિક લઈને મધરાતે અનેક નાઇટ ક્લબ અને પબ પર દરોડો પાડીને નાઇટ લાઇફના રસિયાઓ માટે ઢોબળે એક આતંકવાદી સમાન બની ગયા છે. કેટલાકે તેમને તાલિબાની સાથે  સરખાવ્યા છે તો કેટલાકે તેમને પબ્લિક ઍનિમી નંબર વન જેવું બિરુદ આપ્યું છે. વસંત ઢોબળેનો વિરોધ કરનારા લોકોએ તેમના વિરુદ્ધનું ફેસબુક પર પેજ પણ બનાવ્યું છે, જેમાં ૨૦,૦૦૦ મેમ્બર્સ છે. જોકે આ ફોલાદી કાળજાના ઍક્શન ઓરિયેન્ટેડ ઑફિસરને કંઈ પડી નથી. તેમનું તો કહેવું છે કે ‘હું ઇલીગલ ઍક્ટિવિટીને લીગલી બંધ કરાવું છું. શહેરમાં નાઇટ ક્લબને નામે ડ્રગ્સ અને પ્રોસ્ટિટ્યૂટના ખોટા ધંધાને કાયદાકીય રીતે બંધ કરવાની મારી ફરજ છે અને એ જ નિભાવું છું.’

આ જ કારણે શહેરના અનેક લોકો એવા પણ છે જેમને વસંત ઢોબળેમાં રિયલ હીરોનાં દર્શન થાય છે, સમાજ-સુધારકનાં દર્શન થાય છે.

પુણે જિલ્લાના અંતરંગ ગામડામાંથી ખેડૂત માતા-પિતાના સંતાન ઢોબળેને વકીલ બનવું હતું, પણ કૉલેજમાં એનસીસીના માધ્યમે મળેલા મિત્રોને કારણે પોલીસમાં આવી ગયા. તેઓ કહે છે કે ‘મારાં માતા-પિતા ભણ્યાં નથી. અમારા ગામમાં પણ માત્ર પાંચ ધોરણ સુધીનો જ અભ્યાસ શક્ય હતો. ત્યારે તેમણે મને આગળ ભણવા જવા માટે અનુમતિ આપી એ માટે પોતાને લકી માનું છું. જોકે તેઓ મારા કામને લીધે સતત ટેન્શનમાં હોય છે. પોલીસ ખાતામાં આવ્યા પછી રિબેરો, રામમૂર્તિ, ત્યાગી અને મેન્ડોન્સા જેવા અનેક ઑફિસરો પાસેથી મને પ્રેરણા મળતી રહી છે.’

પબ્લિક સામે એકદમ રફ ઍન્ડ ટફ ઇમેજ ધરાવતો આ ઑફિસર અંદર ખાને ખૂબ સૉફ્ટ અને •જુ છે. ડ્રગ્સ અને પ્રોસ્ટિટ્યૂટના વાદે ચડીને અનેક યુવક-યુવતીને બરબાદ થતાં જોયાં છે. તેમની પાછળ તેમના પરિવારને પણ ખતમ થતા જોયા છે. માટે જ આ બાબતોને જડમૂળથી દૂર કરવી જોઈએ એમ તેમનું કહેવું છે. આ નીડર અને સાહસિક ઑફિસર તંદુરસ્તી માટે શું માને છે અને શું કરે છે, એ જોઈએ તેમના જ શબ્દોમાં.

ફિટનેસ એટલે શું?


મારા મતે ફિટનેસ એટલે ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રૉન્ગ હોવું. શરીરમાં કોઈ રોગ ન હોય. તંદુરસ્તીનો અર્થ પહેલવાન હોવું નથી.


એસીપી ઢોબળે કહે છે, ખાવાથી સ્ટૅમિના નહીં પણ માત્ર સુસ્તી આવે


હું આખા દિવસમાં એક જ ટાઇમ જમું છું. સવારે ચા, દિવસમાં બે-ત્રણ વાર તરસ લાગે ત્યારે નાળિયેર પાણી કે જૂસ હોય અને જ્યારે સમય મળે ત્યારે લંચ અથવા ડિનર કરી લઉં. પ્યૉર વેજિટેરિયન ફૂડ જ ખાઉં છું. જન્ક ફૂડ કે રસ્તામાં મળતા ચટપટા નાસ્તા હું ક્યારેય નથી ખાતો. હું છઠ્ઠા ધોરણમાં હતો ત્યારે અભ્યાસ માટે ઘર છોડીને પુણે આવી ગયેલો. ત્યારથી જ જાતે ખાવાનું બનાવવાની આદત છે અને આજે પણ જાતે જ ખાવાનું બનાવું છું. બચપનથી જ બાફેલાં અને ફણગાવેલાં કઠોળ ભાવે છે. માટે ખાવામાં એનું પ્રમાણ વધારે હોય. મીઠાઈઓ ભાવે, પરંતુ સ્વીટમાં આઇસક્રીમ વધુ ભાવે છે.

તંદુરસ્તી માટે જરૂરી 


બધા કહે છે કે તમે માત્ર એક જ ટાઇમ જમો છો તો નબળાઈ નથી આવતી, પરંતુ એવું કોણે કહ્યું કે ખાવાથી સ્ટૅમિના આવે. મને લાગે છે કે ખાવાથી તો સુસ્તી આવે, ઊંઘ આવે. સ્ટૅમિના તો વિલ પાવરથી આવે, તમારા મનની મક્કમતાથી આવે.

એક્સરસાઇઝ નહીં


કૉલેજમાં હતો ત્યારે બૉડીને ટોન કરવા માટે જિમમાં ગયો છું. પણ એ પછી માત્ર રનિંગ જ કરતો હતો. લગભગ ૨૦૦૯ સુધી હું રોજના સાત-આઠ કિલોમીટર દોડતો. જોકે એ પછી તો એ પણ બંધ થઈ ગયું. અત્યારે તો હું માત્ર ચાલવાની કસરત કરું છું. રોજના ચારથી પાંચ કિલોમીટર ચાલું છું.

માનસિક શાંતિ માટે


હું ક્યારેય ટેન્શન લેતો નથી તેમ જ મારી કોઈ મોટી ઇચ્છા કે અપેક્ષા નથી. જ્યારે ઇચ્છા હોય અને એ પૂરી ન થાય તો દુ:ખ થાય છે. એટલે મને દુ:ખ પહોંચે એવું ભાગ્યે જ થાય છે તેમ જ જ્યારે ટેન્શન હોય ત્યારે હું ખૂબ કામ કરું છું. મારું માનવું છે કે સ્ટ્રેસ હોય ત્યારે ડબલ કામ કરો. તમારી જાતને એટલી વ્યસ્ત બનાવી દો કે બીજું કશું વિચારવાનો સમય જ ન મળે.

મેડિટેશન ક્યા હોતા હૈ?


ધ્યાન ધરવું એટલે શું? હું એ બધામાં જરાય નથી માનતો. હું તો કુદરતી રીતે જીવન જીવવામાં માનું છું અને નૅચરલ વેમાં જ જીવન જીવું છું. મારી હૉબી, મારો શોખ મારું કામ છે એટલે એ કરું ત્યારે ઑટોમેટિક સ્ટ્રેસ ઓછું થઈ જાય છે.

વાતચીત અને શબ્દાંકન : રુચિતા શાહ