ગોરી, ચમકીલી ત્વચા જોઈતી હોય તો ખાઓ મૂલી કે પરાઠે

28 January, 2020 01:53 PM IST  |  Mumbai | Sejal Patel

ગોરી, ચમકીલી ત્વચા જોઈતી હોય તો ખાઓ મૂલી કે પરાઠે

મૂળા

પંજાબી બેબી હોય કે ઢળતી ઉંમરનાં બેબે, ચમકીલી અને ગુલાબી ત્વચા જોઈને જ ખબર પડી જાય કે આ ખરી પંજાબણ હશે. એવું કેમ? કેમ પંજાબી કન્યાઓ સુંદરતાની બાબતમાં ભલભલાને ટક્કર મારે એવી હોય છે? બીજાં અનેક કારણો હોઈ શકે, પણ એમાંનું એક છે તેમની ખાવાપીવાની આદત. આ આદતમાં પણ વધુ ઊંડા ઊતરો તો પંજાબની પ્રિય વાનગી મૂળીના પરાંઠા સુધી વાત પહોંચે. યસ, આજે આપણે મૂળાની વાત કરવાના છીએ. આજકાલના મુંબઈના યંગસ્ટર્સને મૂળા નથી ભાવતા, કેમ કે ઘણાની ફરિયાદ હોય છે કે એનાથી વિચિત્ર ઓડકાર આવે છે અથવા તો ખરાબ સ્મેલવાળી વાછૂટ થાય છે. આ જ કારણોસર જો તમે મૂળા ખાવાનું ટાળતા હો તો આ લેખ તમારા માટે જ છે. આજે આપણે વાત કરીશું મૂળાના ફાયદાની અને ઓડકાર કે વાછૂટવાળી તકલીફ વિના એને કઈ રીતે ખાવામાં લઈ શકાય એની. આ એવું કંદ છે જે શરીરને ઝેરી તત્ત્વોથી મુક્ત કરવા માટે કામ કરે છે અને ઓવરઑલ ઇમ્યુનિટી વધારે છે. શિયાળામાં તો દરેક વ્યક્તિએ એનો ભોજનમાં સમાવેશ કરવો જ જોઈએ.

ડીટૉક્સિફાઇંગ કંદ

મૂળાનું કંદ જમીનમાં ઊગે છે જ્યારે એની ઉપરની ગ્રીન પાંદડાવાળી ભાજી જમીનની બહાર હોય છે. આ બન્ને ભાગો અદ્ભુત કહી શકાય એવા ઘટકોથી ભરપૂર છે જે બૉડીમાંથી ટૉક્સિન્સને બહાર ફેંકવામાં મદદરૂપ થાય છે એમ સમજાવતાં જુહુનાં ‌ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘એમાં સલ્ફર ખૂબ સારીએવી માત્રામાં છે. આ મિ‌નરલ ભલે શરીરને સૂક્ષ્મ માત્રામાં જોઈએ છે પણ એ જે ફૉર્મમાં મૂળામાં હોય છે એ બહુ અક્સીર ડીટૉક્સિફાઇંગ સાબિત થાય એવું છે. મૂળાથી મળનું સારણ અને યુરિનનો ફ્લો બન્ને સુધરે છે. મૂળામાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને મિનરલ્સને કારણે શરીરમાં ભરાઈ રહેલાં નકામાં દ્રવ્યો કિડની સુધી પહોંચે છે અને કિડની એને યુરિન વાટે બહાર ફેંકી દે છે. મિનરલ્સની સાથે ફાઇબરનું સંતુલન હોવાથી પેટ સાફ રહે છે. મૂળા ખાધા પછી જુલાબ નથી થતા, પણ મળ સરળતાથી નીકળી જાય છે. શિયાળામાં એની ખાસ જરૂર હોય છે કેમ કે ઠંડકને કારણે આપણો નૅચરલી જ પાણીનો ઇન્ટેક ઘટી જતો હોય છે. વળી, આ સીઝનમાં આપણે દાણાવાળી શાકભાજી, કઠોળ અને ઘીથી બનેલી પચવામાં ભારે ચીજો પણ સારીએવી માત્રામાં લઈએ છીએ. આવા સમયે સાથે મૂળો પણ લેવામાં આવે તો ઘી, શાકભાજી-કઠોળના ફાયદાની સાથે કબજિયાતની સમસ્યા પણ નથી રહેતી. જેમ બારેમાસ દૂધીનો જૂસ પીવાથી ડિટૉક્સિફિકેશન થાય છે એમ શિયાળામાં મૂળાનો ઉપયોગ કરવાથી બૉડીમાં ભરાઈ રહેલાં ઝેરી અને નકામાં દ્રવ્યો ઉત્સર્જિત થઈ શકે છે.’

ગ્રીન ભાજી અચૂક ખાવી

મૂળાની સીઝન આવી છે ત્યારથી મોંઘા કાંદાના સબસ્ટિટ્યુટમાં કેટલાક રેસ્ટોરાંવાળાઓ પણ સૅલડમાં કાંદાને બદલે મૂળા મૂકવા લાગ્યા છે. એ સૅલડ ખાધા પછી ઘણાને ઓડકાર આવે છે અને એટલે કદાચ એ ખાવાની ફરી ઇચ્છા નથી થતી.

મૂળાના કંદ અને ભાજી બન્નેનો સરખો ઉપયોગ કરવો જોઈએ. કેમ કે બન્નેમાં પોષક તત્ત્વોનો ખજાનો છે એમ સમજાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘લીલી ભાજીમાં વિટામિન એ તો છે જ, પણ એની સાથે ફૉલિક ઍસિડ, વિટામિન બી કૉમ્પ્લેક્સ અને કૉપર જેવાં ઘટકો પણ સારીએવી માત્રામાં છે. સ્વાદમાં કદાચ આ ભાજી કાચી ખાવી ન ગમે અને એ કદાચ બધાને સદે પણ નહીં. તો એને ઘીમાં કાચુંપાકું શેકીને અથવા તો પરાંઠામાં સ્ટફિંગ કરીને વાપરી લઈ શકાય.’

ત્વચા અને વાળ માટે શ્રેષ્ઠ

મૂળામાં રહેલું સલ્ફર અને એની ભાજીમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ વાળ તેમ જ ત્વચા માટે શ્રેષ્ઠ છે. એનાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘સલ્ફરની ઊંચી ગુણવત્તાને કારણે મૂળા ત્વચા અને વાળ માટે ચમત્કારિક કામ આપે છે. શિયાળાની સીઝનમાં એનું નિયમિત સેવન ત્વચાને ચમકીલી, ગોરી, ડાઘાવિનાની બનાવી શકે છે. એનાથી ખીલ અને ફોડલીઓની સમસ્યા હોય તો પણ ફરક પડે છે. વાળ મજબૂત તેમ જ સુંવાળા બને છે. વાળ અને ત્વચાની ચમક માટે જવાબદાર છે એક માત્ર સલ્ફર. આમ તો સલ્ફર કાંદામાંથી પણ મળે છે, પરંતુ મોટા ભાગે આપણે કાંદા એકલા ખાઈએ છીએ જ્યારે મૂળાને લીલોતરી સાથે ખાવામાં આવે છે જેને કારણે બૉડી માટે એ વિશેષ ફાયદો કરે છે. લોહીનું શુદ્ધિકરણ થતું હોવાથી શરૂઆતના તબક્કામાં વધેલું કૉલેસ્ટરોલ કે ટ્રાઇગ્લિસેરૉઇડ્સનું પ્રમાણ પણ ઘટે છે જેને કારણે આડકતરી રીતે હાર્ટની હેલ્થમાં પણ ફાયદો થાય છે.’

મૂળો કેવો લેવો?

ઓડકાર અને વાસ મારતી વાછૂટની સમસ્યાને કારણે જો તમે મૂળા ખાવાનું ટાળતા હો તો એ કંઈ બહુ મોટો પ્રશ્ન નથી. આપણે સારી ક્વૉલિટીના મૂળા ખાવાનું રાખીએ તો ઓડકાર કે વાછૂટ ન થાય એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘મોટા ભાગના લોકો મોટો એક-દોઢ ફુટ લાંબો મૂળો ખરીદતા હોય છે. એમાં સફેદ કંદ વધુ હોય અને બે-ત્રણ પાંખડીઓ લીલી ભાજીની હોય. જો તમે આવો મૂળો ખાશો તો એ તીખો પણ હશે અને ઓડકાર-વાછૂટની સમસ્યા પણ કરશે. એના બદલે મિડિયમ સાઇઝનું સફેદ કંદ હોય અને ખૂબબધા લીલાં પાન હોય એવો મૂળો લેવો. આ મૂળો સહેજ જ તીખાશ અને ખૂબ વધુ મીઠાશ ધરાવતો હોય છે. આવા મૂળાથી મોટા ભાગે તકલીફ નથી થતી.’

શ્વસનતંત્ર અને કૅન્સરમાં પણ ફાયદાકારક

મૂળાના રસમાં ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિવાયરલ પ્રોપર્ટી છે એવું સ્કૉટલૅન્ડના મૉડર્ન મેડિસિનના અભ્યાસુઓએ નોંધ્યું છે. અભ્યાસના તારણો મુજબ મૂળાનો જૂસ વધારાનો કફ છૂટો પાડીને કાઢી નાખે છે અને રેસ્પિરેટરી ટ્રૅક્ટમાં છુપાયેલા બૅક્ટેરિયાને મારી નાખવામાં સક્ષમ છે જેને કારણે શરદી-ખાંસી જેવી શ્વસનતંત્રની તકલીફો સામે ઇમ્યુનિટી વધે છે. એટલું જ નહીં, એમાં સારુંએવું વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોવાથી કૅન્સર સામે રક્ષણ આપવામાં પણ મૂળો મદદગાર છે. સંશોધકોના કહેવા મુજબ મૂળામાં નિટ્રોસૅમાઇન નામનું ઘટક હોય છે જે કૅન્સરના કોષોનો ગ્રોથ અટકાવી શકે છે.

વીકમાં બે વાર જરૂર લેવાય

મૂળો એવું કંદ છે જે બધા જ ખાઈ શકે. કોઈએ ન જ ખાવાં જોઈએ એવું જરાય નથી. તમે બિન્ધાસ્ત તમારો રોજિંદા ભોજનમાં પરાંઠા, સૅલડ, જૂસ, અથાણાં તરીકે એનો સમાવેશ કરી શકો છો. મૂળો તમે ભાગ્યે જ ખાતા હશો તો શરૂઆતમાં એ ખાધા પછી તકલીફ જેવું લાગશે, પણ એમાં ચિંતાને કારણ નથી. વીકમાં બે વાર નિયમિતપણે એનો વપરાશ શરૂ કરશો તો બૉડીની સિસ્ટમને પણ એ માફક આવી જશે.

કઈ રીતે લેવાય?

મેઇન-ડિશઃ પરાંઠા બનાવતા હો તો માત્ર સફેદ કંદ જ નહીં, એનાં પાનને પણ ઝીણાં સમારીને વાપરી શકો છો. એની અંદર અજમો, વરિયાળી કે ધાણા ઉમેરી શકાય. પરાંઠા શેકવા માટે માખણ અથવા ઘીનો વપરાશ કરવો જેથી વાયુની સમસ્યા ન થાય.

સૅલડઃ મૂળા, ગાજર, બીટ, કોબીજ જેવાં શાકભાજી સાથે એને છીણી કે ઝીણા સમારીને સૅલડ તરીકે પણ લેવાય. એમાં સિંધાલૂણ, ધાણાજીરું, કાળાં મરી, લીંબુ કે ઝીણો સમારેલો ફુદીનો ઉમેરીને લઈ શકાય.

રાયતુંઃ મૂળાને બારીક છીણીને વલોવેલા દહીંમાં મિક્સ કરીને રાયતું પણ લઈ શકાય.

Sejal Ponda health tips