કોઈ કહે દોડો તો ફિટ રહેવાય, કોઈ કહે યોગ કરો હવે આમાંથી કરવું શું આપણે?

22 January, 2019 12:29 PM IST  |  | રુચિતા શાહ

કોઈ કહે દોડો તો ફિટ રહેવાય, કોઈ કહે યોગ કરો હવે આમાંથી કરવું શું આપણે?

પ્રતીકાત્મક તસવીર

ફિટનેસનું વિશ્વ અત્યારે જોરદાર ટ્રેન્ડમાંં છે. એમાંય મૅરથૉન પછી ફિટનેસ પાછળ મુંબઈકરોનો લગાવ કંઈક વધુ જ વધ્યો છે. આમ જોવા જઈએ તો આ ખૂબ જ સારી બાબત છે. જોકે આજેય મુંબઈની ખાઉગલીમાં આંટો મારો તો નવાઈ લાગે કે ફિટનેસના ભક્તો વધ્યા પછીયે સ્ટ્રીટ ફૂડના ભક્તો ઘટ્યા કેમ નથી. દેખીતું કારણ એટલું જ કે આજે પણ ફિટનેસને જીવનમાં મહત્વનું સ્થાન આપનારા કરતાં ફિટનેસથી આઘા રહેનારાઓનો રેશિયો મોટો છે. કદાચ તમારામાંના ઘણા આજેય મૅરથૉનના સમાચાર વાંચીને આનંદિત થઈ ગયા હશે અને આવતે વર્ષે તો નક્કી ભાગ લેવો જ છે એવું નક્કી પણ કરી બેઠા હશે. જોકે તેમણે ગયા વર્ષે પણ આવું નક્કી કર્યું હતું, પણ ભાગ લઈ ન શક્યા. શું થાય, ટાઇમ જ નથી. ઘૂંટણમાં દુખાવો છે. ડૉક્ટરે હમણાં દોડવાની ના પાડી છે. સવારે વહેલું ઊઠે કોણ? રનિંગ ગ્રુપ્સ ગામને છેડે છે અને આપણાથી તેમને પહોંચાય નહીં. આ તો નૅશનલ પાર્કની કે જૉગર્સ પાર્કની બાજુમાં રહેતા હોત તો વિચારત. વેલ, આ દર

વર્ષની મોંકાણ

છે. કસરત કરવી તમારા માટે અનિવાર્ય બાબત છે અને એ જેટલું જલદી સમજાય એટલું સારું. સમય ઓછો છે માન્યું, આર્થિક રીતે જિમ કે વિવિધ ક્લાસની ફી પરવડે એમ નથી માન્યું, તમારા ક્લાસમાં તમારી ક્ષમતા કરતાં વધુ હેવી એક્સરસાઇઝ થાય છે એટલે તમે અવૉઇડ કરો છો એ પણ માન્યું. જોકે ફિટ રહેવું હોય એના માટે ફિટ રહેવાના ઘણા રસ્તા છે. ગમે તેટલા સમયમાં અને એકેય દમડી ખર્ચ્યા વિના પણ તમારા શરીરની જે મૂળભૂત જરૂરિયાત છે એને તમે પૂરી કરી જ શકો છો. દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કૅટરિના કૈફ, ક્રિતી સૅનન, હુમા કુરેશી જેવી બૉલીવુડની લગભગ દરેકે દરેક જાણીતી સેલિબ્રિટીઝની ફિટનેસ ગુરુ રહી ચૂકેલી યાસ્મિન કરાચીવાલા ફિટનેસને લઈને કેટલાક જનરલ સિદ્ધાંતો ‘મિડ-ડે’ સાથે શૅર કરે છે.

ત્રણ મહત્વની બાબત

કોઈ પણ શારીરિક કસરતમાં ત્રણ મહત્વની બાબતો હોય છે. યાસ્મિન કહે છે, ‘તમે કોઈ પણ કસરત કરો એ મોટા ભાગે ત્રણ પ્રકારની હોય છે. કાર્ડિયો વૅસ્ક્યુલર એક્સરસાઇઝ જેમાં મોટા ભાગે તમારી હાર્ટ બીટ વધતી હોય એવી કસરતો. જેમ કે તમે દોડો, સાઇકલ ચલાવો, સ્વિમિંગ કરો વગેરે કાર્ડિયો એક્સરસાઇઝ ગણાય. એ પછી આવે સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ. લોકો સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગને ખૂબ ખોટી રીતે લે છે. સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ એટલે માત્ર વેઇટલિફ્ટિંગ નથી એ વાત સમજવી જોઈએ. એના માટે જિમમાં જવું પણ જરૂરી નથી. તમે ઘરે રહીને જ તમારા બૉડી વેઇટનો ઉપયોગ કરીને સ્ક્વૉટ્સ, પુશ અપ્સ, શોલ્ડર સ્પ્રેડ, ફ્રી હૅન્ડ ટ્રેઇનિંગ જેવી એક્સરસાઇઝ કરો. તમારા શરીરની ક્ષમતા વધારવી એનું નામ છે સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ. તમે જ્યારે ટટ્ટાર ઊભા રહીને કમરના ભાગથી ઘૂંટણ વાળીને ઝૂકો છો તો એમાં શરીરને ઊર્જાની જરૂર પડે છે અને ધીમે-ધીમે એની માત્રા વધારવાથી આ ક્રિયા તમારા શરીરની સ્ટ્રેન્ગ્થ એટલે કે ક્ષમતા વધારે છે. ત્રીજા નંબર પર આવે છે સ્ટ્રેચિંગ. તમારા શરીરના સ્નાયુઓમાં ખેંચાણ ઉત્પન્ન કરવાની અને બ્લડ ફ્લો વધારવાની આ ક્રિયા પણ ખૂબ સરળ છે અને તમે જાતે કરી શકો છો. મોટા ભાગે યોગ અને પિલાટેઝમાં સ્ટ્રેચિંગ પર જ ધ્યાન આપવામાં આવે છે. શરીરને આ ત્રણેય પ્રકારની કસરતો મળે એ જરૂરી છે. આમ જોવા જાઓ તો દરેક સ્પોર્ટમાં આ ત્રણેય પ્રકારની એક્સરસાઇઝ સંલગ્ન હોય છે. દરેક રનર દોડતાં પહેલાં અને દોડ્યા પછી સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ કરે જ છે. એટલે કે માત્ર તમે દોડશો તો ચાલશે કે માત્ર સાઇકલ ચલાવશો તો ચાલશે કે માત્ર યોગ કરશો તો ચાલશે એવું કહેવું અતિશયોક્તિભર્યું છે. અમુક માત્રામાં તમારે ત્રણેય કરવું પડશે.’

સમય નથી એવું નથી

વડા પ્રધાનથી લઈને પટાવાળા સુધીના લોકો પાસે પુષ્કળ કામ છે અને બધા પાસે ૨૪ કલાક જ છે. તો પણ અમુક લોકો પાસે સમયની મારામારી નથી અને અમુક પાસે છે એવું શું કામ? યાસ્મિન જવાબ આપતાં કહે છે, ‘જેમની પાસે સમય નથી એવું બહાનું છે તેમની ઇચ્છાશક્તિ પણ ક્યાંક ઓછી છે. મારી પાસે દરેક સ્તરના લોકો આવે છે. ખૂબ જ આકરા શૂટિંગ અને ટ્રાવેલ શેડ્યુલ વચ્ચે પણ સેલિબ્રિટીઝ પોતાની ફિટનેસ માટે સમય કાઢી જ લે છે. આપણે જો સમય કાઢવો જ હોય તો નીકળી જાય છે. મારી દૃષ્ટિએ આઇડિયલી ૪૫ મિનિટ રોજ તમારે તમારી જાત માટે કાઢવી જોઈએ અને આગળ જણાવેલી ત્રણેય પ્રકારની કસરતોનો સમાવેશ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. જોકે ૪૫ મિનિટ ન હોય તો કમ સે કમ ૧૫ મિનિટ તો તમે તમારી જાત માટે કાઢી જ શકો છો. ઘણી બાબતોમાં તમારે માત્ર થોડા સ્માર્ટ થવાની જરૂર છે. જેમ કે હવે આપણી પાસે મોબાઇલ છે. જો તમે ફોન પર વાત કરતા હો ત્યારે ચાલવાનો નિયમ રાખો તો એની અસર શરીર પર પડવાની જ. ઇન્ટેલિજન્ટ બનો તો બધું જ શક્ય છે.’

આટલું તો થાય જ

કોઈ પણ એક્સરસાઇઝ કરો કે બૅલૅન્સ ફૂડ ખાવાની આદત માટે સેલ્ફ-મોટિવેશન બહુ મહત્વની બાબત છે. યાસ્મિન કહે છે, ‘અમારી એક જ મકસદ હોય છે કે જે પણ એક્સરસાઇઝ માટે આવે તેને તેની સાથે પ્રેમ થઈ જવો જોઈએ. દરેકને આ ત્રણેયમાંથી એકાદ પ્રકારની એક્સરસાઇઝ પ્રિય બની જ જવાની. જેને જે ગમે એ તેની પાસે પહેલું કરાવવાનું. બીજું, એ પણ છે કે જેમ-જેમ કસરત કરતા જાઓ અને થોડીક બૅલૅન્સ ડાયટ બનતી જાય એમ તમારો મૂડ સારો થાય, ઊંઘ સારી આવે, બૉડી પૉર બદલાય; જેને કારણે લોકોની ડ્રેસિંગ સેન્સ ચેન્જ થઈ જાય. ચહેરા પર ગ્લો વધે. આ બધા ચેન્જ લોકોને એક્સરસાઇઝ માટે મોટિવેટ કરતા રહે છે.’

ડાયટમાં યાસ્મિન સાકર ખાવાની બિલકુલ મનાઈ ફરમાવે છે. તે કહે છે, ‘શુગરના ઘણા પર્યાયો છે. તમને મીઠું ખાવાનું જ ગમતું હોય તો તમે ગોળ ખાઓ, ખજૂર ખાઓ, ફ્રૂટ્સ ખાઓ. સાકર શું કામ ખાવી છે? મારી દૃષ્ટિએ જેમ આપણે લોકોને સ્મોકિંગ સદંતર છોડવાની સલાહ આપીએ છીએ એ જ રીતે શુગર કમ્પ્લીટલી છોડી જ દેવાની હોય. એના માટે તમારે ડાયાબિટીઝની રાહ જોવાની ન હોય.’

આ પાંચ ગુરુચાવી

દરેકે દરેક વ્યક્તિના જીવનમાં મૂવમેન્ટ એટલે કે હલનચલન ખૂબ જ જરૂરી છે. કંઈ પણ કરો પણ ચાલતા-ફરતા રહો, બેઠાડુ જીવન નહીં જ ચાલે. ચાલતાં-ચાલતાં વાત કરો, ઘરના કામમાં મૂવમેન્ટ કરો

ભોજન સ્માર્ટ્લી ખાઓ. જ્યારે તમારી થાળીમાં ખાવાનું પીરસાય ત્યારે તમને ખબર જ હોય છે કે શું ખાવા યોગ્ય છે અને શું નથી. એ સમયે થોડીક વિવેકબુદ્ધિ વાપરો

શરીર માટે સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ જરૂરી છે. જેમ-જેમ ઉંમર થશે તેમ-તેમ તમારા સ્નાયુઓ ઢીલા પડશે, હાડકાં નબળા પડશે. એ સમયે આ સ્ટ્રેન્ગ્થ ટ્રેઇનિંગ જ કામ લાગશે

નિયમિત રીતે જાતને હાઇડ્રેટ કરતા રહો. પૂરતા પ્રમાણમાં પાણી તમારા શરીરને મળવું જોઈએ

આ પણ વાંચો : મૅરથૉન પહેલાં, દરમ્યાન અને પછી આટલું ધ્યાન રાખજો

માનસિકતામાં પૉઝિટિવિટી રાખો. ગમે તે સંજોગોમાં તમારી હકારાત્મકતા તમને બચાવેલા રાખશે