તમારું સ્માર્ટ લાગતું બાળક ભણવામાં ભૂલો કરે છે?

03 December, 2014 05:39 AM IST  | 

તમારું સ્માર્ટ લાગતું બાળક ભણવામાં ભૂલો કરે છે?




જિગીષા જૈન

આજે ૩ ડિસેમ્બરે સમગ્ર દુનિયામાં ઇન્ટરનૅશનલ ડે ઑફ પીપલ વિથ ડિસેબિલિટી મનાવવામાં આવે છે. ડિસેબિલિટી ઘણા પ્રકારની હોય છે. આમ જોઈએ તો મુખ્ય બે પ્રકારની, એક શારીરિક અને બીજી માનસિક. મોટા ભાગે વ્યક્તિને ડિસેબિલિટી એટલે કે અક્ષમતા જન્મથી જ હોય છે. જો શારીરિક કોઈ ખોડ હોય તો જન્મ થતાંની સાથે જ એ જાણી શકાય છે, પરંતુ જો મગજમાં કોઈ ખોડ રહી જાય તો એ જાણવામાં વાર લાગે છે. મગજનું એક મોટું કામ છે લર્નિંગ એટલે કે શીખવાનું. મગજ સતત નવું-નવું શીખતું રહે છે, પરંતુ જ્યારે મગજમાં કોઈ ખામી રહી જાય છે ત્યારે શીખવાનું કામ અઘરું બની જાય છે જેને લર્નિંગ ડિસેબિલિટી કહે છે, જે મોટા ભાગે બાળક સ્કૂલમાં જાય ત્યારે સામે આવે છે. જ્યારે બાળકનાં સમજશક્તિ અને બુદ્ધિઆંક ઘણાં જ સારાં હોય એટલે કે નૉર્મલી લાગે કે બાળક ઘણું જ સ્માર્ટ છે છતાં પણ તે લખવામાં ગોટાળા કરે, ગણતરી કરી ન શકે, વાંચવામાં કન્ફ્યુઝ થઈ જાય, સ્પેલિંગ લખવામાં ખૂબ જ ભૂલો કરે તો બની શકે કે તે લર્નિંગ ડિસેબિલિટી ધરાવતો હોય. આ ડિસેબિલિટી એક પ્રકારની નથી, પરંતુ અલગ-અલગ પ્રકારની હોય છે. એક બાળકની અંદર એકથી વધારે લર્નિંગ ડિસેબિલિટી હોઈ શકે છે.

ઓળખ

લર્નિંગ ડિસેબિલિટીમાં સૌથી મહત્વની વાત એ છે કે એનું નિદાન બરાબર થાય. સામાન્ય રીતે બાળક સ્કૂલમાં જાય અને ભણવામાં કોઈ પ્રૉબ્લેમ થાય તો મા-બાપ વિચારતાં હોય છે કે તેનું ભણવામાં ધ્યાન નથી, તે ખૂબ રમતિયાળ છે, તે તોફાની છે વગેરે. પરંતુ હકીકત એ છે કે લર્નિંગ ડિસેબિલિટી હોવાને કારણે બાળક ભણવાનું ટાળતો હોય છે જે વિશે સમજાવતાં કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના પીડિયાટ્રિક ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રજ્ઞા ગાડગીલ કહે છે, ‘જો તમારું બાળક હોશિયાર હોય, કોઈ પણ વસ્તુ સારી રીતે સમજી શકતું હોય, સ્માર્ટ હોય છતાં ભણવામાં તેને કોઈ તકલીફ હોય તો તેને તરત જ સ્પેશ્યલિસ્ટ ડૉક્ટર પાસે લઈ જાઓ જ્યાં અલગ-અલગ પદ્ધતિથી એ વાતનું નિદાન થઈ શકે કે બાળકને તકલીફ ક્યાં છે. જો તકલીફ જાણી શકાય તો બાળકની મદદ કરી શકાય છે. જેટલી જલદી તકલીફ હાથમાં આવે એટલું બાળક માટે ફાયદાકારક સાબિત થઈ શકે. લર્નિંગ ડિસેબિલિટીની મોટી તકલીફ એ જ છે કે એનું યોગ્ય નિદાન થવું જોઈએ, જેના માટે માતા-પિતા અને શિક્ષકોએ જાગૃત થવું જોઈએ.’

માનસિક અસર

અંધેરીમાં રહેતી નાનકડી બાળકીને સ્કૂલે જતાં પહેલાં દરરોજ ફીટ એટલે કે આંચકી આવતી હતી જેના પરથી લાગતું હતું કે તેને એપિલેપ્સી નામનો રોગ છે. તેની દવા કરવા છતાં કોઈ ખાસ ફરક ન નોંધાયો. બારીકીથી જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેને સિવિયર લર્નિંગ ડિસેબિલિટી છે જેના કારણે સ્કૂલ જવાનો તેને ડર લાગતો હતો અને એ ડરને કારણે તેને આંચકી આવતી હતી. આ બાળકીને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓપન સ્કૂલિંગમાં બેસાડવામાં આવી, જ્યાં ભણતરને થોડું સરળ કરીને બાળકને જુદી રીતે ભણાવવામાં આવે છે. ધીમે-ધીમે તેની આંચકીઓ બંધ થઈ ગઈ. આવા ઘણા કેસને હૅન્ડલ કરનારાં ડૉ. પ્રજ્ઞા ગાડગીલ કહે છે, ‘કોઈ બાળકને કોઈ વસ્તુ સમજાતી જ નથી છતાં એનો મારો તેના પર ચલાવવામાં આવે તો બાળમાનસ પર એની ખૂબ ખરાબ અસર પડી શકે છે. તેનો આત્મવિશ્વાસ હલી જાય છે. તે લઘુતાગ્રંથિથી પીડાવા લાગે છે. એમાંથી બહાર આવવા તે ખૂબ તોફાની બની જાય કે જીદ્દી બની જાય એવું પણ બને. લર્નિંગ ડિસેબિલિટીની સાઇકોલૉજિકલ અસરો ખૂબ ઊંડી હોય છે. આથી મા-બાપે વધુ સતર્ક રહેવું જરૂરી છે. બાળકના દરેક વર્તન પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે એ સમજવું જરૂરી છે.’

ઇલાજ

અમેરિકામાં ૨૪ લાખ બાળકો લર્નિંગ ડિસેબિલિટી ધરાવે છે. આપણે ત્યાં કોઈ આંકડા જાણકારીમાં નથી, પરંતુ નિષ્ણાતના મતે ઍવરેજ દરેક ક્લાસમાં એક બાળક લર્નિંગ ડિસેબિલિટી ધરાવતું હોય છે. આ એક મગજની બીમારી છે જે જિનેટિક કારણોસર થાય છે. એ બાળકને ન થાય એના માટે કંઈ કરી શકાતું નથી, કારણ કે એ જીન્સ સાથે સંબંધિત છે. પ્રેગ્નન્સી સમયે કોઈ પ્રૉબ્લેમ આવ્યા હોય તો પણ એ આવી શકે છે. શું એ ક્યૉર થઈ શકે? આ પ્રશ્નના જવાબમાં ડૉ. પ્રજ્ઞા ગાડગીલ કહે છે, ‘આ ડિસેબિલિટી માઇલ્ડ, મૉડરેટ અને સિવિયર એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. આવાં બાળકો માટે સ્પેશ્યલ એજ્યુકેટર હોય છે જે અલગ પદ્ધતિથી તેમને સમજાવતા હોય છે. આ પદ્ધતિથી માઇલ્ડ પ્રકારની ડિસેબિલિટી દૂર થવાના ઘણા કેસ અમે જોયા છે. આ ઉપરાંત જેમને સિવિયર ડિસેબિલિટી હોય તેઓ મૉડરેટ કે માઇલ્ડ લેવલ સુધી પહોંચ્યા હોય એમ પણ બન્યું છે. આ રસ્તો અઘરો છે, પણ અશક્ય નથી.’

લક્ષ્ય

કોઈ એક પ્રકારની ડિસેબિલિટીને કારણે બાળક આગળ ભણી જ ન શકે એવું ન થવું જોઈએ એ જ આપણું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. આવાં બાળકો મોટા ભાગે સુપ્રીમ ઇન્ટેલિજન્સ ધરાવતાં હોય છે અથવા એક પ્રૉબ્લેમ સિવાય બધા વિષયોમાં માહિર હોય છે. સરકારે આવાં બાળકો માટે સ્પેશ્યલ પ્રોવિઝન રાખ્યું છે જેમાં સરકારી હૉસ્પિટલમાંથી લર્નિંગ ડિસેબિલિટીનું સર્ટિફિકેટ મેળવી શકે છે. જેમ કે કોઈ બાળકને ડિસકેલકુલિયા હોય તો તે ગણિત છોડી બીજા વિષયોમાં આગળ સુધી ભણી શકે છે.