પોષણ માટે દૂધમાં પાઉડર નાખવો જરૂરી છે?

25 November, 2014 05:01 AM IST  | 

પોષણ માટે દૂધમાં પાઉડર નાખવો જરૂરી છે?




જિગીષા જૈન

આજકાલ બજારમાં અસંખ્ય ફ્લેવર્સના દૂધમાં નાખવાના પાઉડર મળે છે જેમાં બાળકના વિકાસ માટે જરૂરી એવા વિટામિન D, આયર્ન, પ્રોટીન, કૅલ્શિયમ અઢળક માત્રામાં છે એવો દાવો એને વેચવા માટે બનાવવામાં આવતી જાહેરાતો કરે છે. આ જાહેરખબરો ગાઈ-વગાડીને કહે છે કે ફક્ત શારીરિક જ નહીં, બાળકના માનસિક વિકાસ માટે પણ આ પાઉડર ખૂબ જ જરૂરી છે. પહેલાં તો મોટા ભાગે ૬-૭ વર્ષની ઉંમર પછી જ બાળકો આવા પાઉડર વાપરતાં, પરંતુ હવે તો આ કંપનીઓએ સ્પેશ્યલ જુનિયર સિરીઝ એટલે કે બેથી પાંચ વર્ષનાં નાનાં બાળકો માટે પણ અલગથી દૂધનો પાઉડર કાઢ્યો છે જે દાવો કરે છે કે એ નાનકડા ભૂલકાના દિમાગી વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે. એક જાણીતી કંપનીએ નવી જાહેરાત કાઢી છે કે એકલું દૂધ ક્યારેય ન પીવું. બાળકને પૂરતું પોષણ મળી રહે એ માટે એમાં પાઉડર નાખવો જરૂરી છે. આજે જાણીએ બાળનિષ્ણાત ડૉક્ટર આ પાઉડરો વિશે શું કહે છે? બાળકોના પોષણ માટે તેને એ આપવો જોઈએ કે નહીં.

પોષણ જરૂરી

બાળક માટે તેનાં ગ્રોથ યર્સ એટલે કે જ્યારે તે વધી રહ્યું છે ત્યારે પોષણ મળવું ખુબ જ જરૂરી છે, પરંતુ એ પોષણ શેમાંથી મળવું જરૂરી છે એ વાત પર પ્રકાશ પાડતાં ક્રિટીકૅર હૉસ્પિટલ, જુહુનાં પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘બાળક માટે પોષણ ખૂબ જ જરૂરી છે, પરંતુ એ પોષણ તેને તેના ખોરાકમાંથી જ મળતું હોવું જોઈએ; કોઈ સપ્લિમેન્ટ્સમાંથી નહીં. જે બાળક વ્યવસ્થિત બધું જ જમતું હોય તેને આવા બહારનાં સપ્લિમેન્ટ્સની જરૂર હોતી નથી. મા-બાપે એ ધ્યાન રાખવું જોઈએ કે તેમનું બાળક બધું જ વ્યવસ્થિત ખાય તો તે ખોરાકમાંથી જે પોષણ તેને મળે છે એ સૌથી સારું પોષણ છે. જો તમારું બાળક દિવસમાં બે વાર શાક, બે વાર ફળ અને બે વાર પ્રોટીન એટલે કે કઠોળ કે દાળ વગેરે પૂરતી માત્રામાં જમતું હોય તો સમજવું કે તેને પૂરતું પોષણ મળી જ રહ્યું છે; તેને બહારથી કોઈ બીજાં સપ્લિમેન્ટ્સની જરૂર નથી.’

જમવામાં નખરાં

આજકાલ મોટા ભાગનાં મા-બાપની એ ફરિયાદ હોય છે કે તેમનું બાળક બધું ખાતું નથી. મને આ ભાવે અને તે નહીં એવાં નખરાં બતાવે છે. શાકભાજી કે ફળો તો અડતું જ નથી. જો બાળક વ્યવસ્થિત જમશે નહીં તો તેને પોષણ નહીં મળે. એ માટે ખૂબ જ જરૂરી છે કે નાનપણથી બાળકને બધું જ ખાવાની આદત પડવી જોઈએ. નાનપણથી જો બાળકમાં જુદી-જુદી વસ્તુઓનો સ્વાદ ડેવલપ થઈ જશે તો તે બધું ખાતાં જલદી શીખી જશે. ઘરના બધા લોકો જો જમવામાં બધું જ ખાતા હોય તો બાળક પણ તેમને જોઈને બધું જ ખાતાં શીખશે. જો ઘરના લોકોની આદત જ ખોટી હશે તો બાળક પણ એવું જ બનશે. જે ઘરમાં એવો નિયમ હોય છે કે જે બન્યું હોય એ જ ખાવાનું એવાં ઘરોમાં બાળકો પણ એ જ અનુશાસનમાં ઢળી બધું ખાતાં શીખી જતાં હોય છે. જ્યાં એવું નથી બનતું એ વિશે જણાવતાં ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘મારી પાસે એક દરદી આવેલા જેમની દીકરીનું વજન બે વર્ષથી વધતું જ નહોતું. ભારત દેશમાં આમ પણ ૫૦ ટકા બાળકો કુપોષણનો શિકાર છે. આવા કેસમાં અમે તેમને પ્રોટીન પાઉડર આપીએ છીએ. જ્યારે તમે એવું વિચારો કે મારા બાળકને દૂધનો પાઉડર આપવો જોઈએ કે નહીં ત્યારે એક વાર ડૉક્ટરને પૂછો. જો જરૂર હશે તો ડૉક્ટર સજેસ્ટ કરે એ જ પાઉડર લો. સાથે કોશિશ કરો કે તમારું બાળક વ્યવસ્થિત ખાતું થઈ જાય.’

પ્લેન દૂધ

ઘણાં મા-બાપ ફરિયાદ કરતાં હોય છે કે મારું બાળક દૂધનો સફેદ રંગ જોઈને જ ના પાડી દે છે કે ના, મારે દૂધ નથી પીવું. ઘણા કહે છે મારું બાળક મલાઈવાળું દૂધ નથી પીતું. ઘણા કહે છે કે પ્લેન દૂધ પોષણ નથી આપતું. આ બધી જ વાતોમાં કોઈ તથ્ય રહેલું નથી, કારણ કે બાળકના મગજમાં એવું કશું હોતું નથી; એ આપણે ઊભી કરેલી વસ્તુ છે. જો દૂધનો રંગ જ બદલવો હોય તો દૂધ પાઉડર નાખવાને બદલે બીજા ઘણા ઑપ્શન હોઈ શકે છે જે વિશે વાત કરતાં ક્રિટીકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘દૂધ સંપૂર્ણ આહાર છે. છતાં એમાં કશું ભેળવવું હોય તો ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ બેસ્ટ ઑપ્શન છે. ચીકુ, કેળાં, કેરી, સીતાફળ, સ્ટ્રૉબેરીના મિલ્કશેક; ખજૂરવાળું દૂધ; કેસર કે ઇલાઇચી નાખેલું દૂધ; કાજુ, ખારેક કે બદામને કતરીને બનાવેલું દૂધ અથવા તો એનો જ પાઉડર બનાવીને ઉકાળેલું દૂધ બાળકને આપી શકાય જે ઘણું જ પોષણયુક્ત બને છે. સવારે દૂધ સાથે દલિયા એટલે કે ઘઉંના ફાડા કે ભાત નાખીને બનાવેલી ખીર પણ ખૂબ સારો બ્રેકફાસ્ટ ગણી શકાય.’

પાઉડર શા માટે નહીં?

દૂધમાં નાખીને પીવડાવવા માટે જે પાઉડર બજારમાં મળે છે એ પાઉડરમાં પોષણની સાથે-સાથે પ્રિઝર્વેટિવ્સ નાખેલા હોય છે જે બાળક માટે નુકસાનકારક હોય છે. નાનાં બાળકો એટલે કે ૧-૩ વર્ષનાં બાળકો માટે એવા પાઉડર પણ આવે છે જેને પાણી સાથે ભેળવીને ખવડાવવાના હોય છે. એમાં પણ પ્રિઝર્વેટિવ્સ હોય જ છે. આટલી નાની ઉંમરે શા માટે વગર કારણે બાળકોને આવા પાઉડર ખવડાવવાના જેમાં પ્રિઝર્વેટિવ્સ હોય. ઘરનો ખોરાક બાળકો માટે બેસ્ટ ખોરાક છે. માટે ઘરનો સાદો ખોરાક એટલે કે રોટલી, દાળ, ભાત, બધાં જ શાક, થેપલાં, પરોઠા, રોટલા, ખીચડી, ભાખરી, કઠોળ, ખીર, શીરો વગેરે બધું જ બાળકોને ખાતાં શીખવવું અને એ જ ખવડાવવું. બે વર્ષની ઉંમર પછી દિવસમાં બે વાર દૂધ પીવડાવવું. જો પ્લેન દૂધ પીવડાવશો તો પણ તેના માટે એટલું જ પોષણકારક છે. ઊલટું રાત્રે સાકર વગરનું પ્લેન દૂધ પીવડાવીને જ સુવડાવો જેથી તેને ઊંઘ સારી આવે.

હાઇટ વધે?

જાહેરાતોમાં બતાવ્યા મુજબ લોકોને લાગે છે કે દૂધમાં નાખવામાં આવતા પાઉડરથી બાળકનું વજન અને હાઇટ બન્ને વધશે. મોટા ભાગનાં મા-બાપ આ હેતુસર જ બાળકને આ પાઉડર પીવડાવતાં હોય છે. હકીકત કંઈક જુદી જ છે. એ સમજાવતાં ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘બજારમાં મળતા આવા પાઉડરોથી હાઇટ કે વેઇટ વધતાં નથી. ઇનફૅક્ટ કંઈ પણ ખાવાથી હાઇટ વધતી નથી, એ જિનેટિક હોય છે. હાઇટ અને વેઇટ વધશે એવી આશાથી આવા પાઉડર ન પીવા જોઈએ, કારણ કે આ પાઉડરમાંથી ફક્ત ફ્લેવર અને સ્વાદ મળે છે.’