તમારા બાળકની શારીરિક અને માનસિક હેલ્થ માટે ટીવી નામના ઇડિયટ બૉક્સને ઇન્ટેલિજન્ટ્લી વાપરો

21 November, 2014 05:45 AM IST  | 

તમારા બાળકની શારીરિક અને માનસિક હેલ્થ માટે ટીવી નામના ઇડિયટ બૉક્સને ઇન્ટેલિજન્ટ્લી વાપરો



જિગીષા જૈન

આજથી ૩૦ વર્ષ પહેલાંની જ વાત કરીએ તો લોકો માટે ઘરમાં ટીવી વસાવવું એ એક લક્ઝરી ગણાતી. આજે ઘર-ઘરમાં જ નહીં, ઘરના દરેક રૂમમાં ટીવીએ ઘર કરી લીધું છે. અફસોસની વાત એ છે કે લોકો સુધી જ્ઞાનનો સમુદ્ર વહેતો કરવાના આશયથી થયેલી ટીવીની શોધ આજે જ્ઞાન અને શિક્ષણ ફેલાવવાને બદલે એન્ટરટેઇનમેન્ટ મેળવવાનું નર્યું સાધન માત્ર બનીને રહી ગઈ છે. આજકાલના પેરન્ટ્સનો સૌથી મોટો પ્રૉબ્લેમ એ છે કે તેમના બાળક માટે ટીવીનું એક્સપોઝર સારું છે કે ખરાબ એનો તેઓ નિર્ણય નથી લઈ શકતા. ટીવી નહીં જુએ તો તેમનું બાળક પાછળ રહી જશે એવી તેમને બીક છે અને જો વધુ જોશે તો એની આડઅસરોથી તેમના બાળકને હાનિ થશે એવી ભીતિ પણ તેમને સતાવે છે. આજે વર્લ્ડ ટેલિવિઝન ડે નિમિત્તે નિષ્ણાતો પાસેથી જાણીએ કે બાળક માટે ટીવી સારું છે કે ખરાબ? બાળકના ભલા માટે મા-બાપે શું કરવું જોઈએ એના વિશે જાણીએ.

જરૂરી કેમ?

મોટા ભાગે લોકો માને છે કે ટીવી ખરાબ જ છે, પણ હકીકત એ નથી. ઑડિયો-વિઝ્યુઅલ માધ્યમ એક એવું માધ્યમ છે જે બાળકની કલ્પનાશક્તિને એક ઠોસ આકાર આપે છે. વળી એ એક ખૂબ અસરકારક માધ્યમ છે જેના દ્વારા સમજાવવામાં આવતી કોઈ પણ વસ્તુ બાળક ખૂબ જ જલદી અને સરળતાથી ગ્રહણ કરી શકે છે. ખૂબ જલદી એ બાળકનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને અટેન્શન ટકાવી રાખવામાં પણ એ મદદરૂપ છે. આ વિશે વધુ વાત કરતાં ઘાટકોપરના કાઉન્સેલિંગ સાયકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘ટીવી પાસેથી બાળક અઢળક ભાષાઓ શીખી શકે છે. ઘરમાં મુખ્યત્વે એક જ ભાષા બોલાતી હોય છે. બાકીની જરૂરી બીજી ભાષાઓ માટે ટીવી બાળકો માટે બેસ્ટ સોર્સ છે. તે જેટલું સાંભળશે એટલું બોલી શકશે. આ ઉપરાંત નૅશનલ જ્યોગ્રાફી, ડિસ્કવરી, ઍનિમલ પ્લૅનેટ વગેરે એવી ચૅનલ્સ છે જે જ્ઞાનનો ભંડાર છે. વળી એ બધા વિષયો બાળક માટે રસના વિષય છે. જરૂર છે એ રસને પોષવાની. વળી ન્યુઝ પણ જોવાની આદત એક સારી આદત છે જે વડીલો સાથે બેસીને બાળકને દેખાડી શકાય. એ રીતે દેશ-દુનિયાની ખબરોથી પણ તે જાણકાર બને અને તેના જ્ઞાનમાં પણ વધારો થાય છે.’

કાટૂર્ન-ચૅનલ્સ

દરેક નાના બાળકને જેનો સૌથી વધુ શોખ હોય છે એ છે કાટૂર્ન્સ જોવાનો. કાટૂર્ન-કૅરૅક્ટર્સ તેમના જીવનનાં અત્યંત મહત્વનાં પાત્રો છે જે તેમના મિત્રો હોય છે. બાળકો કાટૂર્ન્સથી ખૂબ જ પ્રભાવિત હોય છે. માટે જ બાળકને કયો કાટૂર્ન-શો જોવાં દેવો એનો નિર્ણય અત્યંત મહત્વનો છે. આજકાલ ઘણાં કાટૂર્ન્સ એવાં હોય છે જેમાં ખૂબ મારધાડ બતાવવામાં આવે છે. સુપરહીરોનાં કાટૂર્ન્સ ઘણાં બાળકોને હિંસક બનાવે છે. પેરન્ટ્સે પહેલાં કાટૂર્ન પોતે જોવાં અને પછી નિર્ણય લેવો કે કયું કાટૂર્ન પોતાના બાળકને જોવા દેવું. આ સાથે એક બીજી બાબતે તકેદારી રાખવાનું જણાવતાં રાહત કાઉન્સેલિંગ સેન્ટર, જુહુના મેડિકલ ડિરેક્ટર અને સાઇકિયાટ્રિસ્ટ ડૉ. રાજીવ આનંદ કહે છે, ‘કાટૂર્ન્સમાં એવી ક્ષમતા છે જે તમારા બાળકને એના બંધાણી બનાવી શકે છે. એનાથી બચાવવા બાળકને હંમેશાં ફિક્સ સમય રાખો. દરરોજ નિયત સમયે તેને અડધો કલાક કાટૂર્ન જોવા દો, એનાથી વધુ નહીં.’

નુકસાન

જેમના ઘરમાં કલાકો સુધી ટીવી ચાલુ રહે છે તેમના ઘરમાં બાળકોને ટીવી સામે ગોઠવાઈ જવાની આદત પડી જાય છે, જેને કારણે તે આળસુ બની જાય છે. તેમની વિચારવાની ક્ષમતા ઓછી થતી જાય છે. સાથે-સાથે ફિઝિકલ ઍક્ટિવિટી ઘટી જવાથી તે ઓબેસિટીનો શિકાર બને છે જેની સીધી અસર તેમના શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. એ સાથે તે બહાર રમવા જવાનું ટાળે છે એટલે તેના મિત્રો પણ ઓછા બને છે જે સામાજિક સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય ન ગણી શકાય. સૌથી મહત્વની ખરાબ આદત વિશે વાત કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં પીડિયાટ્રિશ્યન ડૉ. ઝીનલ ઉનડકટ કહે છે, ‘આજકાલ જોવા મળે છે કે બાળક જમવામાં નખરાં કરતું હોય તો મા-બાપ તેને ટીવી જોતાં-જોતાં જમાડે છે. આ આદત ખૂબ જ ખરાબ આદત છે. એનાથી બાળકને જમવાનો સંતોષ થતો નથી અને સ્વાદની પરખ અને ખાવાની સમજ બાળકમાં આવતી નથી. થોડી મહેનત ભલે લાગે, પરંતુ બાળકને તમારી સાથે પ્રેમથી જમાડો, ટીવી સામે ન જમાડો.’

બિહેવિયરલ પ્રૉબ્લેમ

નાનાં બાળકોને સાસ-બહૂની સિરિયલોથી દૂર રાખવાં જોઈએ. મા-બાપને એમાં રસ હોય તો પણ બાળક સાથે આ સિરિયલો ન જોવી હિતાવહ છે, કારણ કે નાનાં બાળકો અને વડીલો બન્ને જ્યારે ટીવી જુએ છે એ બન્ને વચ્ચે એક મુખ્ય તફાવત છે. ટીવીમાં જે પણ કંઈ બતાવવામાં આવે છે ખાસ કરીને જે ફિક્શન એટલે કે કાલ્પનિક વાર્તાઓ, સિરિયલ કે ફિલ્મો વગેરે. વડીલો સમજે છે કે આ હકીકત નથી અને એને તેઓ એન્ટરટેઇનમેન્ટના રૂપે લે છે, જ્યારે બાળકો માટે એ એક હકીકત જ છે. એ વિશે વાત કરતાં ડૉ. રાજીવ આનંદ કહે છે, ‘વળી ટીવીમાં વધુ લાર્જર ધૅન લાઇફ બતાવવામાં આવે છે. એને હકીકત માની બેસનારાં બાળકો દુનિયાની હકીકતથી દૂર જતાં રહે છે અને આ કાલ્પનિક વાર્તાઓનું અનુકરણ કરવા લાગે છે. તેમની ભાષા, તેમનાં રીઍક્શન, વિચારો અને કોઈ પણ વસ્તુને સમજવામાં આ વાર્તાઓનો પ્રભાવ સ્પક્ટપણે જોઈ શકાય છે જે યોગ્ય નથી. તેમણે આ બધું વાસ્તવિક જિંદગી પાસેથી શીખવું જોઈએ.’

ટીવી જોવાથી આંખ ખરાબ નથી થતી

ટીવી જોવાથી બાળકની આંખ ખરાબ થઈ જાય છે એવી એક માન્યતા છે. ઘણા લોકો બાળકને ડરાવતા હોય છે કે ટીવી વધુ જોતો નહીં, નહીંતર ચશ્માં આવી જશે. એ વિશે વાત કરતાં જાણીતા ઑપ્થેલ્મોલૉજિસ્ટ ડૉ. હિમાંશુ મહેતા કહે છે, ‘ટીવી જોવાથી આંખ ખરાબ નથી થતી કે ચશ્માંના નંબર નથી આવતા. નજીકથી ટીવી જોવાથી પણ આંખ ખરાબ નથી થતી. ઊલટું એવું છે કે જો આંખ ખરાબ હોય અને બાળકને બરાબર દેખાતું ન હોય તો બાળક નજીકથી ટીવી જુએ. જેમ વધુ ચાલવાથી પગ ખરાબ નથી થતા, પરંતુ થાકી જાય છે એવું જ આંખનું છે. વધુ ટીવી જોવાથી આંખ ખેંચાય છે ત્યારે ફક્ત એને આરામ આપવાની જરૂર હોય છે. આંખ યુઝ કરવા માટે હોય છે, ઓવર-યુઝ કે મિસ-યુઝ માટે નહીં એ ધ્યાન રાખવું.’