મતૃત્વને ૩૫-૪૦ની ઉંમર સુધી ટાળવા માટે એગ-ફ્રીઝિંગનો ઉપયોગ કેટલે અંશે યોગ્ય?

27 October, 2014 05:34 AM IST  | 

મતૃત્વને ૩૫-૪૦ની ઉંમર સુધી ટાળવા માટે એગ-ફ્રીઝિંગનો ઉપયોગ કેટલે અંશે યોગ્ય?




જિગીષા જૈન

અમેરિકાની સિલિકોન વૅલીની બે જાયન્ટ કૉર્પોરેટ કંપનીઓ ઍપલ અને ફેસબુકે પોતાના કર્મચારીઓને આપેલી એક સહૂલિયત એટલે કે ફૅસિલિટીએ ફક્ત અમેરિકામાં જ નહીં, ભારતમાં પણ બબાલ મચાવી છે. ઍપલ અને ફેસબુકે વાર્ષિક ૨૦,૦૦૦ ડૉલરનું બજેટ પોતાની સ્ત્રી-કર્મચારીઓ માટે અલગથી ફાળવ્યું છે. આ બન્ને કંપનીઓએ પોતાની સ્ત્રી-કર્મચારીઓના અંડકોષ જેને સ્ત્રીબીજ અથવા એગ્સ પણ કહે છે એને પ્રાકૃતિક રીતે ફ્રીઝ કરવાની સુવિધા આપવા માટે આટલા રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ પદ્ધતિ મુજબ સ્ત્રી ૨૨-૨૫ વર્ષે પોતાની કરીઅરને આગળ ધપાવવા માટે મા બનવા ઇચ્છતી ન હોય તો તે પોતાનાં સ્ત્રીબીજ એટલે કે પોતાનાં એગ્સને ફ્રીઝ કરાવી શકે છે. એટલે કે એને અમુક ટેક્નિક વડે બહાર કાઢી લઈને સાચવી રાખી શકાય છે અને પછી ભવિષ્યમાં મોડેથી પણ સ્ત્રીને મા બનવાની ઇચ્છા થાય તો એ ફ્રીઝ કરેલાં એગ્સ તે ઉપયોગમાં લઈ શકે છે અને મા બની શકે છે. મા બનવાની અને કરીઅર બનાવવાની ઉંમર બન્ને લગભગ સરખી જ હોય છે. સ્ત્રીની બાયોલૉજિકલ ક્લૉક મુજબ ૨૦થી ૩૦ વર્ષનો સમય તેના માટે મા બનવા શ્રેષ્ઠ કહી શકાય, પરંતુ આ એ જ સમય છે જ્યારે તે પોતાની કરીઅર બનાવવામાં લાગેલી હોય છે. સમાજવ્યવસ્થા મુજબ દરેક પુરુષને ૨૦-૩૦ વર્ષનો ગાળો પોતાની કરીઅર બનાવવા માટે મળે છે, પરંતુ લગ્ન અને માતા બનવાની જવાબદારી સ્ત્રી પર એટલી વધુ હોય છે કે તેણે પોતાની કરીઅરમાં કૉમ્પ્રોમાઇઝ કરવું જ પડે છે. ટેક્નૉલૉજી આજે ઘણી જ આગળ વધી ગઈ છે અને એ ટેક્નૉલૉજી એક સ્ત્રીને પોતાનાં એગ્સ ફ્રીઝ કરી ફરીથી યુઝ કરવાની એક ચૉઇસ આપે છે. આ એગ-ફ્રીઝિંગ શું છે, એ કરાવવું કેટલું સેફ છે એ વિશે આજે જાણીએ.

ફ્રીઝિંગની ટેક્નિક

ઇન્ફર્ટિલિટીનો પ્રૉબ્લેમ આજનો નથી, વર્ષો જૂનો છે અને એ માટેના ઇલાજમાં ટેક્નૉલૉજી અને મેડિકલ સાયન્સ ઘણા આગળ પહોંચી ગયાં છે. આ પ્રૉબ્લેમને પહોંચી વળવા માટે જ ફ્રીઝિંગની ટેક્નિક અસ્તિત્વમાં આવી હતી. એ વિશે સમજાવતાં મલાડના આરુષ IVF સેન્ટરના ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘ફ્રીઝિંગ મુખ્યત્વે ત્રણ રીતે કરવામાં આવે છે. એક તો સીમેન ફ્રીઝિંગ એટલે કે પુરુષોના સ્પમ્સર્‍ને કલેક્ટ કરી એને ફ્રીઝ કરવામાં આવે છે જેથી એ સચવાઈ રહે અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઈ શકાય. એ જ રીતે એમ્બ્રિઓ ફ્રીઝિંગ કરવામાં આવે છે જેમાં સ્ત્રીનું બીજ અને પુરુષના સ્પર્મને મેળવીને બનેલા એમ્બ્રિઓને ફ્રીઝ કરવામાં આવે છે. આ રીતે એને સાચવીને યોગ્ય સમયે સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આ બન્ને ટેક્નિક ખૂબ જ પ્રચલિત છે. ઘણા સમયથી આપણે આ ટેક્નિકનો ઉપયોગ પણ કરી રહ્યા છીએ. સ્ત્રીનાં બીજને સાચવવાં મુશ્કેલ હોય છે, પરંતુ ૨૦૧૨માં એને સફળ પદ્ધતિ તરીકે પુરવાર કરવામાં આવી. દુનિયાભરમાં એનો ઉપયોગ ત્યાર પછીથી વધ્યો છે.’

કઈ રીતે થાય ફ્રીઝિંગ?

આ પદ્ધતિમાં સ્ત્રીનાં એગ્સને સાચવી રાખવામાં આવે છે અને પાછળથી જ્યારે સ્ત્રીને પોતાનાં આ એગ્સ વાપરવાં હોય ત્યારે તે એ વાપરી શકે છે. સાંભળવામાં સહેલી લાગતી આ ટેક્નિક એટલી સરળ પણ નથી. એ વિશે સમજાવતાં ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘વિટ્રીફિકેશન મેથડથી આ પ્રક્રિયા શક્ય બને છે જેમાં એકસાથે સ્ત્રીનાં ૧૦-૧૫ એગ્સ કાઢવાં જરૂરી છે. એ માટે સ્ત્રીને અમુક હૉર્મોન્સ રિલેટેડ દવાઓ આપવામાં આવે છે જેને કારણે એકસાથે આટલાં એગ્સ બને. એ એગ્સને કાઢીને એનું ફ્રીઝિંગ કરવામાં આવે છે. હવે જ્યારે એગ્સને વાપરવાનો સમય આવે છે ત્યારે એને એ કન્ડિશનમાંથી બહાર કાઢતી વખતે ક્યારેક અમુક એગ્સ તૂટી જાય છે, ક્યારેક ફ્રીઝ થયા હોવા છતાં અમુક એગ્સ જીવતાં રહેતાં નથી તો ક્યારેક અમુક એગ્સની ક્વૉલિટી એવી હોતી નથી જે ફલિત થઈ શકે. એટલા માટે જ એકસાથે ૧૫ એગ્સ કાઢવામાં આવે છે કે એમાંથી પર્ફેક્ટ એગ મળી શકે. પર્ફેક્ટ એગ મળ્યા પછી એને ટેસ્ટટ્યુબ બેબીની જેમ બહાર જ ફલિત થઈને સ્ત્રીના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે છે.’

યોગ્ય કે અયોગ્ય?

હકીકત એ છે કે આ ટેક્નૉલૉજી ઘણી જ વિષમ પરિસ્થિતિમાં જેમ કે સ્ત્રી કે પુરુષની ઇન્ફર્ટિલિટી અથવા કોઈ રોગમાં ઉપયોગી છે. પરંતુ ટેક્નૉલૉજીનો પ્રયોગ જ્યારે પોતાના માટે કરવામાં આવે જેમ કે બાળક મોડું જોઈએ છે એ માટે કરવામાં આવે તો કદાચ ટેક્નૉલૉજીની મદદથી તમે મા તો બની શકો, પરંતુ મા બનવા માટે ફક્ત એક હેલ્ધી એગ સિવાય પણ બીજી ઘણી બાબતો જરૂરી હોય છે જે કદાચ ૪૦ વર્ષ પછી ન મળી શકે. એક બાળકને જન્મ આપવાની ફિઝિકલ અને મેન્ટલ કન્ડિશન, જિંદગીમાં આવેલા આ બદલાવને સ્વીકારવાની તૈયારી, સાઇકોલૉજિકલી એમાંથી પસાર થવાની ક્ષમતા બધું જ ગણતરીમાં લઈને નિર્ણય લેવો વધુ હિતાવહ છે. ડૉ. મુકેશ અગ્રવાલ કહે છે, ‘જ્યાં સુધી કોઈ વિષમ પરિસ્થિતિ ન હોય ત્યાં સુધી આ ટેક્નૉલૉજીનો ઉપયોગ યોગ્ય નહીં ગણાય. મારી સામે આજ સુધી કોઈ પણ એવો કેસ નથી આવ્યો જેમાં કરીઅર ખાતર મહિલાએ એગ ફ્રીઝ કરાવ્યું હોય. એગ-ફ્રીઝિંગ ટેક્નિક ખૂબ સારી ટેક્નિક છે જે ઘણા એવા લોકોને માતૃત્વ પ્રદાન કરી શકે છે જેમના નસીબમાં સરળતાથી આ સુખ લખાયું નથી, પરંતુ જ્યારે તમે પોતાના માટે એનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે એક વાત ખાસ ધ્યાન રાખવી કે એગ-ફ્રીઝિંગ માતૃત્વની ગૅરન્ટી આપતું નથી.’

ફ્રીઝિંગ શા માટે?

સ્ત્રી માટે ૨૦-૩૦ વર્ષની ઉંમર મા બનવા માટે શ્રેષ્ઠ ગણાય છે એનાં ઘણાં કારણોમાંનું એક કારણ એ છે કે આ ઉંમરમાં તેનાં એગ્સની ક્વૉલિટી ખૂબ જ સારી હોય છે. જો તે ૩૦ વર્ષ પછી મા બનવાનું વિચારે તો તેનાં એગ્સની ક્વૉલિટી ધીમે- ધીમે બગડતી જાય છે. તે એક હેલ્ધી બાળકને જન્મ આપે એ માટે તેનું એગ સારી ક્વૉલિટીનું હોવું જરૂરી છે. આથી જે સ્ત્રીઓ મોડેથી મા બનવા ઇચ્છે છે તે આ ટેક્નિક અપનાવી શકે છે.

જે સ્ત્રીઓ પોતાનું બીજ ડોનેટ કરે છે તેના માટે પણ ફ્રીઝિંગ ઉપયોગી છે.

જે સ્ત્રીઓને કૅન્સર જેવી બીમારી છે જેમાં રેડિયોથેરપી કે કીમોથેરપી ઉપયોગમાં લેવી પડતી હોય છે તે આ થેરપી લેતાં પહેલાં પોતાનાં એગ્સ ફ્રીઝ કરાવી લે એ હિતાવહ છે, કારણ કે આ થેરપીથી તેમની ઓવરી ડૅમેજ થાય છે અને એને કારણે તેમનાં એગ્સ પર અસર પડે છે.