તમે કેટલા એક્સપ્રેસિવ છો?

24 October, 2014 06:06 AM IST  | 

તમે કેટલા એક્સપ્રેસિવ છો?




જિગીષા જૈન


દરેક જીવંત પદાર્થને ઇમોશન્સ એટલે કે લાગણીઓ હોય છે, પરંતુ એને સંપૂર્ણ રીતે જતાવી શકવાનું સુખ ફક્ત માણસ પાસે છે. પ્રાણીઓ પણ પોતાની ઇમોશન્સને જતાવી શકે છે, પરંતુ એ જે રીતે જતાવે છે એ શબ્દરહિત અભિવ્યક્તિ હોય છે; જ્યારે માણસ શબ્દ સાથે અને શબ્દ વગર બન્ને રીતે પોતાની લાગણીઓને જતાવી શકે છે. પરંતુ ઘણા લોકોને લાગણીને વાચા આપવામાં તકલીફ પડતી હોય છે તો ઘણા લોકો એવા છે કે જેઓ બધા પ્રકારની લાગણી અનુભવી શકતા જ નથી. જો લાગણી અનુભવાય જ નહીં તો વ્યક્ત કઈ રીતે કરી શકાય? સામાન્ય રીતે લાગણી ન અનુભવતા લોકો માટે બેદદર્‍, પથ્થરદિલ કે રીઢા જેવાં ઉપનામો વપરાતા હોય છે; પણ બહુ ઓછા લોકો જાણે છે કે જે લોકો લાગણી વ્યક્ત ન કરી શકે એટલે કે જેને અંગ્રેજીમાં લેક ઑફ એક્સપ્રેશન્સ કહે છે એ પરિસ્થિતિ કોઈ ને કોઈ રોગ સાથે સંકળાયેલી હોય છે. લેક ઑફ એક્સપ્રેશન્સ પાછળ આમ તો ૮૦થી ૧૦૦ જેટલા રોગો જવાબદાર હોઈ શકે છે. આજે આપણે આ લેક ઑફ એક્સપ્રેશન્સની પરિસ્થિતિ, એની ગંભીરતા અને એની પાછળનાં કારણો વિશે ચર્ચા કરીશું.

ફેશ્યલ એક્સપ્રેશન્સની કમી

લાગણીને વ્યક્ત કરવા આપણે જે પરિબળોનો ઉપયોગ કરીએ છીએ એમાં ફેશ્યલ એક્સપ્રેશન્સ એટલે કે મોઢાના હાવભાવ પણ એક મહત્વનું પરિબળ છે. જે વ્યક્તિને ફેશ્યલ પૅરૅલિસિસ થયો હોય તેને લેક ઑફ ફેશ્યલ એક્સપ્રેશન્સનો પ્રૉબ્લેમ હોય છે. ઑટિસ્ટિક બાળકો પણ લેક ઑફ એક્સપ્રેશન્સની તકલીફ  ધરાવે છે. મોટી ઉંમરે થતા પાર્કિન્સન્સ ડિસીઝ અને વિલ્સન્સ ડિસીઝમાં પણ આ તકલીફ થાય છે જે વધતી જ જાય છે. આવી વ્યક્તિઓના ચહેરા પર કોઈ પણ જાતના ભાવ હોતા નથી. જોકે એનો અર્થ એ નથી કે તેમને કોઈ લાગણીઓ થતી નથી. તેઓ લાગણી મહેસૂસ કરે છે, પરંતુ એને મોઢાના હાવભાવ થકી વ્યક્ત કરી શકતા નથી. તાજેતરમાં ઇમર્જન્સી મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચ અનુસાર જે લોકો ફેશ્યલ એક્સપ્રેશન્સ વ્યવસ્થિત આપતા ન હોય તેમને હૃદય અને ફેફસાંને લગતા રોગ હોવાની સંભાવના વધુ હોય છે. આ રિસર્ચમાં જોવા મળ્યું કે જે લોકોને ચેસ્ટ પેઇનની તકલીફ હતી કે શ્વાસ લેવામાં કોઈ પણ જાતનો પ્રૉબ્લેમ થતો હતો એવા લોકોના ફેશ્યલ એક્સપ્રેશન્સ સામાન્ય લોકોની જેમ ખૂલીને સામે આવતા નહોતા. જોકે સંશોધકો એ બન્ને વચ્ચેના સંબંધોની મેડિકલ લિન્ક આપી શક્યા નહોતા, પરંતુ તેમણે આ દિશામાં વધુ રિસર્ચ કરવાની બાંહેધરી આપતાં જણાવ્યું કે જે લોકોના ફેશ્યલ એક્સપ્રેશન્સ ખૂલીને સામે ન આવતા હોય તેમણે હૃદય અને ફેફસાંની રૂટીન ટેસ્ટ કરાવતા રહેવી જોઈએ જેથી ગફલતમાં રહીને ઇલાજમાં મોડું ન થાય.

ત્રણ સ્ટેજ

લેક ઑફ એક્સપ્રેશન્સ પાછળનાં કારણો જાણતાં પહેલાં એક્સપ્રેશન્સ પાછળનું મનોવિજ્ઞાન સમજવું વધુ જરૂરી છે એ સમજાવતાં જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અશિત શેઠ કહે છે, ‘લાગણી અને એને વ્યક્ત કરવાની જે રીત છે એ આમ ત્રણ ભાગમાં સમજાવી શકાય. જેમ પહેલો ભાગ છે લાગણી અનુભવવી, પછી એને વ્યક્ત કરવી અને એના પછી એ લાગણીને અમલમાં મૂકવી. જેમ કે મને ભૂખ લાગી છે તો પહેલાં હું ભૂખનો અનુભવ કરીશ. પછી હું મને ભૂખ લાગી છે એ વ્યક્ત કરવા મારી મમ્મીને કહીશ કે મને ભૂખ લાગી છે અને ત્યાર બાદ હું જમવા બેસીશ એટલે કે મારી લાગણીને મં અમલમાં મૂકી. કોઈ પણ પ્રકારની ઇમોશન્સનું કામ વ્યક્તિને મોશનમાં લાવવાનું એટલે કે ગતિમાં લાવવાનું છે.’

વ્યક્તિ પોતાની લાગણી અનુભવે, એને વ્યક્ત કરે અને એની પ્રેરણાથી કાર્યરત થાય એ અલગ-અલગ ત્રણ સ્ટેપમાં વ્યક્તિનું માનસ કામ કરે છે. વ્યક્તિને આ ત્રણેયમાંથી કોઈ એક સ્ટેપમાં પણ જો પ્રૉબ્લેમ હોય તો તેને માનસિક અને શારીરિક રોગ હોઈ શકે છે. જેમ કે ઘણા લોકો એવા હોય છે જેમને લાગણી અનુભવવામાં જ પ્રૉબ્લેમ નડે છે તો ઘણા અનુભવે છે, પણ એને વ્યક્ત કરવામાં સક્ષમ નથી હોતા. ઘણા એવા પણ છે જે અનુભવે છે, વ્યક્ત કરે છે; પરંતુ એ લાગણી મુજબ કાર્ય કરતા નથી. આ દરેક પરિસ્થિતિ એકબીજા સાથે સંકળાયેલી પણ હોય એવું પણ ઘણા લોકો જોડે બનતું હોય છે. આ બધી જ કન્ડિશનમાં આવી વ્યક્તિ પોતાના માટે અને સમસ્ત સમાજ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પત્નીની કદર ન કરનારા પતિથી લઈને આતંકવાદી સુધીના બધા લોકો આ કૅટેગરીમાં આવે છે.

સાઇકિયાટ્રિક બીમારીઓ

લેક ઑફ એક્સપ્રેશન્સનો પ્રૉબ્લેમ ઘણાબધા મનોવૈજ્ઞાનિક પ્રૉબ્લેમ્સ સાથે સંકળાયેલો છે જેના વિશે માહિતી આપતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘સાઇકોલૉજીની દૃષ્ટિએ જોઈએ તો પુરુષોમાં વધુ જોવા મળતી ઍન્ટિ-સોશ્યલ પર્સનાલિટી અને સ્ત્રીઓમાં વધુ જોવા મળતા બૉર્ડરલાઇન પર્સનાલિટી ડિસઑર્ડર ધરાવતી વ્યક્તિઓને લેક ઑફ એક્સપ્રેશન્સનો પ્રૉબ્લેમ હોઈ શકે છે. ઘણા લોકો ડિપ્રેશનમાં હોય તેને પણ ટેમ્પરરી આવી હાલત થઈ શકે છે. સાઇકોલૉજીની દૃષ્ટિએ જેને એક્સપ્રેશન્સ અને ઇમોશન્સનો સૌથી વધુ પ્રૉબ્લેમ થાય છે એવો એક રોગ છે જેને એલેક્સીથાયેમિયા કહે છે. આ રોગ સમાજમાં ૧૦ ટકા લોકોમાં જોવા મળે છે જેના વિશે સમજાવતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘આ એક પ્રકારનો પર્સનાલિટી ડિસઑર્ડર છે જેમાં ઇમોશન્સને ઓળખવામાં અને એને વ્યક્ત કરવામાં વ્યક્તિને તકલીફ થતી હોય છે. પોતાની જ નહીં, બીજાની ઇમોશન્સ સમજવામાં પણ આવી વ્યક્તિને તકલીફ થતી હોય છે.

લાગણીને વ્યક્ત કરવી જરૂરી, પરંતુ એને યોગ્ય રીતે વ્યક્ત કરવી એનાથી પણ વધુ જરૂરી છે

જ્યારે તમને કોઈ શારીરિક રોગ હોય અને એને કારણે ફેશ્યલ એક્સપ્રેશન જતા રહે એ કન્ડિશનમાં કોઈ ખાસ ઇલાજ કામ નથી લાગતો, કારણ કે આ પ્રકારના લેક ઑફ એક્સપ્રેશન્સનો પ્રૉબ્લેમ રોગનું એક લક્ષણ છે; પરંતુ જ્યારે આપણે સાઇકોલૉજીની વાત કરીએ છીએ ત્યારે આ અવસ્થા રોગનું એક લક્ષણ જ નહીં, ક્યારેક રોગનું કારણ પણ બની જતી હોય છે. એના વિશે સમજાવતાં ડૉ. અશિત શેઠ કહે છે, ‘કોઈ પણ પ્રકારની લાગણીને વ્યક્ત કરવી જરૂરી છે. મનમાં ધરબાઈ ગયેલી લાગણીઓ વ્યક્તિને અનેક માનસિક રોગો તરફ ખેંચી જાય છે, પરંતુ એનો અર્થ એ પણ નથી કે તમને લાગણીના નામે કોઈ વ્યક્તિ પર ગુસ્સો આવ્યો અને તમે તેને મારીને તમારી લાગણી વ્યક્ત કરી. એ સદંતર ખોટું છે. લાગણી વ્યક્ત કરવાથી પણ વધુ જરૂરી છે એ સમજવું કે લાગણીને કઈ રીતે વ્યક્ત કરવી જોઈએ. નાનપણથી બાળકને એવી જ રીતે મોટું કરો કે તે પોતાની લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરતાં શીખે. એથી આગળ જતાં તેને તકલીફ ઓછી પડશે.’