ઑસ્ટિયોપોરોસિસને કારણે દેશમાં દર ૩૦ સેકન્ડે ૧ વ્યક્તિને ફ્રૅક્ચર થાય છે

20 October, 2014 05:53 AM IST  | 

ઑસ્ટિયોપોરોસિસને કારણે દેશમાં દર ૩૦ સેકન્ડે ૧ વ્યક્તિને ફ્રૅક્ચર થાય છે




સેજલ પટેલ

આજે ૨૦ ઑક્ટોબરે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ઑસ્ટિયોપોરોસિસ ડે મનાવવામાં આવે છે. વિશ્વમાં દર ત્રણમાંથી એક સ્ત્રી અને દર પાંચમાંથી એક પુરુષ હાડકાના આ અસાધ્ય રોગનો શિકાર બને છે. ઑસ્ટિયોપોરોસિસ શબ્દ ગ્રીક ભાષાના બે શબ્દો મળીને બનેલો એક શબ્દ છે. ઑસ્ટિયો એટલે હાડકાં અને પોરોસિસ એટલે કાણાં. સામાન્ય રીતે હાડકામાં કાણાં પડવાની અવસ્થાને ઑસ્ટિયોપોરોસિસ કહે છે. આ કન્ડિશનમાં હાડકાંને ઘસારો લાગે છે જેને કારણે હાડકાં બરડ બને છે અને ખૂબ સહેલાઈથી આ નબળાં હાડકાંઓમાં ફ્રૅક્ચર થઈ જાય છે. ૨૮ ટકા સ્ત્રીઓ અને ૩૭ ટકા પુરુષો ઑસ્ટિયોપોરોસિસને કારણે થતા હિપ-ફ્રૅક્ચરને લીધે ફ્રૅક્ચર થયાના એક વર્ષની અંદર જ મૃત્યુ પામે છે. આમ પણ ૫૦ વર્ષની ઉંમર પછી કોઈને પણ ફ્રૅક્ચર થાય તો એ ફ્રૅક્ચર થવા પાછળનું કારણ ઑસ્ટિયોપોરોસિસ જ હોય છે. ભારતની વાત કરીએ તો આપણા દેશમાં દર ૩૦ સેકન્ડે એક વ્યક્તિને ઑસ્ટિયોપોરોસિસને કારણે ફ્રૅક્ચર થાય છે.

ઑસ્ટિયોપોરોસિસમાં હાડકાંની શું પરિસ્થિતિ થાય છે એ સમજાવતાં બોરીવલીના આર્શીવાદ ઑર્થોપેડિક ઍન્ડ સર્જિકલ નર્સિંગ હોમના ઑર્થોપેડિક સજ્ર્યન ડૉ. પિનાકિન શાહ કહે છે, ‘હાડકાંની અંદર પ્રોટીનનું આખું નેટવર્ક હોય છે. એમાં ઑસ્ટિયોન નામનો એક ભાગ હોય છે જેમાં કૅલ્શિયમ અને બીજાં મિનરલ્સ ડિપોઝિટ થતાં હોય છે જેને હાડકાની ડેન્સિટી અથવા હાડકાનું સબસ્ટન્સ કહે છે. જ્યારે આ સબસ્ટન્સ ઓછું થતું જાય છે ત્યારે હાડકામાં કાણાં દેખાવા લાગે છે. આ પરિસ્થિતિ ઑસ્ટિયોપોરોસિસ છે. આ હાડકું નબળું પડતાં એની ક્ષમતા ગુમાવે છે અને હાડકાંમાં ફ્રૅક્ચર થઈ જાય છે, જેને રિપેર કરી શકાતું નથી.’

પ્રાઇમરી ઑસ્ટિયોપોરોસિસ

આ રોગ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. મોટા ભાગે પ્રાઇમરી ઑસ્ટિયોપોરોસિસ મોટી ઉંમરે થતો રોગ છે જે મોટા ભાગના લોકોમાં જોવા મળે છે. એ વિશે સમજાવતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, ‘ઉંમરને કારણે શરીરમાં જે ઘસારો લાગે છે એ ઘસારો હાડકાં પર અસર કરે છે જેને બોન-લૉસ કહે છે અને એને કારણે ઑસ્ટિયોપોરોસિસ થાય છે. ઍવરેજ દરેક વ્યક્તિને ૩૫ વર્ષની ઉંમર પછી દર વર્ષે એક ટકા જેટલો બોન-લૉસ થાય છે. આ લૉસ સ્ત્રી-પુરુષ બન્નેમાં સરખો હોય છે, પરંતુ સ્ત્રીઓમાં મેનોપૉઝ બાદ એટલે કે મોટા ભાગે ૫૦ વર્ષની ઉંમર પછી દર વર્ષે ૩ ટકા બોન-લૉસ થાય છે. આમ સ્ત્રીઓ પર એનો ખતરો વધુ હોય છે, કારણ કે પુરુષોને સમગ્ર જીવન દરમ્યાન સતત એક ટકા જ બોન-લૉસ થાય છે. બોન-લૉસ જેટલો વધુ એટલી આ સમસ્યા વધુ.’

સેકન્ડરી ઑસ્ટિયોપોરોસિસ

સેકન્ડરી ઑસ્ટિયોપોરોસિસ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. અલગ-અલગ કારણોસર આ રોગ થાય છે જેમાં મુખ્ય કારણ એ છે કે જ્યારે તમે શરીરનો ઉપયોગ વધુ ન કરતા હો, પગના હાડકા પર વજન ન આવતું હોય ત્યારે આ રોગ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. જેમ કે એક કૂલી જે સામાન ઉપાડવાનું કામ કરે છે તેના કરતાં એક શેઠાણી જે ઘરમાં જ રહે છે અને મોટા ભાગે બેઠાડુ જીવન જીવે છે તેને આ રોગ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે. આ ઉદાહરણ સાથે આ રોગ થવાનાં બીજાં કારણો વિશે જણાવતાં ડૉ. પિનાકિન શાહ કહે છે, ‘જે લોકોને કૅન્સર હોય, કોઈ કિડની-ડિસીઝ હોય અથવા કોઈ પણ રોગને કારણે મોટા ભાગનો સમય વ્યક્તિ પથારીવશ રહી હોય તો તેને ઑસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. એ ઉપરાંત જો કોઈ વ્યક્તિને હૉર્મોન્સને લગતી કોઈ બીમારી હોય તો પણ તેને આ રોગ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. ખાસ કરીને જે વ્યક્તિના શરીરમાં પૅરા થાઇરોઇડ હૉર્મોન્સ વધુ માત્રામાં સ્રાવ થાય છે તેને પણ ઑસ્ટિયોપોરોસિસ થઈ શકે છે. જે લોકો પેઇન-કિલર વધુ ખાતા હોય અથવા દવા તરીકે સ્ટેરૉઇડ લેતા હોય તેને પણ આ રોગ થવાની શક્યતા હોય છે.’

ફ્રૅક્ચરની ગંભીરતા

આ રોગ સાયલન્ટ કિલર તરીકે ઓળખાય છે. લાંબા સમય સુધી વ્યક્તિને ખબર જ નથી પડતી કે તેના હાડકામાં પ્રૉબ્લેમ છે. આ પ્રૉબ્લેમ ત્યારે સામે આવે છે જ્યારે વ્યક્તિને ડાયરેક્ટ ફ્રૅક્ચર થાય. એ વિશે વાત કરતાં માહિમની એસ. એલ. રાહેજા ર્ફોટિસ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ક્લિનિકલ ડેન્સિટોમેટ્રિસ્ટ ડૉ. દીપક જગિયાસી કહે છે,  ‘ઑસ્ટિયોપોરોસિસ એક ગંભીર બીમારી છે. ખાસ કરીને કરોડરજ્જુ, કાંડું અને હિપ્સના હાડકામાં આ રોગને કારણે ફ્રૅક્ચર થવાની સંભાવના વધુ હોય છે. જે લોકોને ઑસ્ટિયોપોરોસિસ છે એવા લોકોને સામાન્ય ઘટનાઓ જેમ કે અચાનક ધક્કો લાગે અથવા બસ, રિક્ષા કે સ્કૂટર પર બેઠા હોય અને સ્પીડ-બ્રેકર કે ખાડાને લીધે આંચકો લાગે અથવા સામાન્ય રીતે પડી જાય તો પણ તરત જ ફ્રૅક્ચર થઈ જાય છે. વળી એક વાર ફ્રૅક્ચર થયા પછી બીજું ફ્રૅક્ચર થવાની સંભાવના પણ ખૂબ વધી જાય છે. આથી ખૂબ જ સંભાળ રાખવી પડે છે.’

આંકડાઓ મુજબ એક વર્ષમાં કરોડરજ્જુનાં પાંચ લાખ, હિપ-ફ્રૅક્ચરનાં ૩ લાખ, કાંડાનાં બે લાખ અને બીજાં હાડકાંઓનાં ૩ લાખ ફ્રૅક્ચર ભારતમાં જોવા મળે છે. ફ્રૅક્ચર્સ થયા પછી એને લાંબા સમયની કૅર કરવી પડે છે. ધ્યાન રાખવા છતાં વ્યક્તિને હમેશ માટેની ફિઝિકલ ડિફેક્ટ રહી જાય છે એટલું જ નહીં, આવી વ્યક્તિઓ ફ્રૅક્ચર થયાના એક વર્ષની અંદર જ મૃત્યુ પામે છે. આ ફ્રૅક્ચર્સની ગંભીરતા સમજાવતાં ડૉ. દીપક જગિયાસી કહે છે, ‘ઑસ્ટિયોપોરોસિસનું જે ફ્રૅક્ચર છે એ સાંધી શકાતું નથી. એક વખત હાડકામાં ક્રૅક આવી તો એ ક્રૅક રહે જ છે અને ફ્રૅક્ચર થયેલું હાડકું ક્યારેય ફરી પહેલાં જેવી શક્તિ મેળવી શકતું નથી. વળી આ પ્રકારનું ફ્રૅક્ચર વ્યક્તિના પોરને પણ અસર કરે છે. આવાં કારણોને લીધે આવી વ્યક્તિ સતત પેઇનમાં જીવે છે.’

શું કરવું?

જે લોકો બેઠાડુ જીવન જીવે છે, શારીરિક શ્રમ ઓછો કરે છે, પોષણયુક્ત ખોરાક ન લેતા હોય જેને કારણે કૅલ્શિયમ કે બીજાં મિનરલ્સની કમી શરીરમાં થઈ જાય, સૂર્યપ્રકાશ બરાબર ન લેતા હોય એને કારણે વિટામિન-Dની ઊણપ હોય, એક્સરસાઇઝ ન કરતા હોય તેવા લોકોને ઑસ્ટિયોપોરોસિસ થવાની પૂરી શક્યતા હોય છે. આ બધાં કારણોસર આજના સમયમાં આ રોગનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ખાસ કરીને સ્ત્રીઓમાં પોતાના પ્રત્યેની બેદરકારી પણ એક કારણ છે જેને લીધે સ્ત્રીઓમાં આ રોગનું પ્રમાણ વધ્યું છે. પહેલાંના સમયમાં આ રોગ ૫૦ વર્ષની ઉંમર પછી વધુ જોવા મળતો હતો. આજના સમયે આ રોગ ૩૫ વર્ષ પછીની ઉંમરમાં પણ જોવા મળી રહ્યો છે. આમ, લોકો નાની ઉંમરે પ્રાઇમરી ઑસ્ટિયોપોરોસિસનો ભોગ બની રહ્યા છે. આ રોગના ઇલાજ કરતાં એનો બચાવ વધુ યોગ્ય છે જે માટે હેલ્ધી લાઇફ-સ્ટાઇલ અપનાવવી ખૂબ જરૂરી છે.