શું તમને મોટી ઉંમરે શ્વાસનો પ્રૉબ્લેમ છે?

13 October, 2014 05:56 AM IST  | 

શું તમને મોટી ઉંમરે શ્વાસનો પ્રૉબ્લેમ છે?




જિગીષા જૈન


સ્મોકિંગને કારણે સામાન્ય ખાંસી અને કફથી લઈને ફેફસાના કૅન્સર સુધીની બીમારી લાગુ પડી શકે છે. કૅન્સર જેવી જ ગંભીર અને જાનલેવા બીમારીઓ બીજી છે જે સ્મોકિંગને કારણે થાય છે. ફેફસાની એક એવી બીમારી છે જે સ્મોકિંગને કારણે થવાની શક્યતા ખૂબ જ વધારે છે અને એના વિશે સમાજમાં જ નહીં, ડૉક્ટરોમાં પણ ઘણી વાર જાગૃતિ ઓછી જોવા મળે છે. આ બીમારીનું નામ છે ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ, જેને ટૂંકમાં COPD કહે છે. પલ્મનરી એટલે ફેફસાને લગતું. ભારતમાં મૃત્યુ માટે જવાબદાર રોગોના લિસ્ટમાં આ રોગનું નામ સાતમા-આઠમા નંબરે લઈ શકાય. નિષ્ણાતોના મત મુજબ ૨૦૨૦ સુધીમાં આ રોગ મૃત્યુ માટે જવાબદાર રોગોના લિસ્ટમાં ચોથા નંબર સુધી પહોંચવાની શક્યતા છે. આ વધતા વ્યાપ પાછળનું કારણ ભારતમાં દિવસે ને દિવસે સ્મોકિંગનું વધતું જતું પ્રમાણ છે, સાથે બીજાં અમુક કારણો પણ જવાબદાર છે. આપણે જાણીએ કે વ્યક્તિમાં એક વાર ઘર કરી ગયા પછી ક્યારેય ન મટતો અને એને મૃત્યુ સુધી લઈ જતો આ રોગ શું છે.

બીજાં કારણો

આ રોગ થવાનાં બીજાં કારણો સ્પક્ટ કરતાં બોરીવલીના જીવન જ્યોતિ મેડિકલ સેન્ટરના પલ્મનોલૉજિસ્ટ ડૉ. વિપુલ મારુ કહે છે, ‘આમ તો સ્મોકિંગ આ રોગ માટેનું મહત્વનું કારણ છે, પરંતુ આ સિવાય જે લોકો સોનાની ખાણ કે શણ બનાવવાના કારખાનામાં કામ કરતા હોય તેમને પણ એની ડસ્ટને કારણે આ રોગ થઈ શકે છે. આ ઉપરાંત ગામડાંમાં ચૂલા પર સતત કામ કરતી સ્ત્રી પર પણ આ રોગનું રિસ્ક વધારે રહે છે. ભારતમાં હવાનું પ્રદૂષણ પણ ખૂબ વધી રહ્યું છે. આ કારણો પણ છે જેને કારણે આ રોગની માત્રા વધુ જોવા મળી રહી છે.’

તાજેતરમાં જર્મની અને અમેરિકાના સંશોધકોએ મળીને એક મોટા પાયા પર રિસર્ચ કર્યું હતું જેમાં ઓબેસિટી એટલે કે મેદસ્વિતાને પણ COPD માટે જવાબદાર કારણ ગણવામાં આવ્યું હતું. ખાસ કરીને સંશોધકોએ કહ્યું હતું કે જે વ્યક્તિ સેન્ટ્રલી ઓબિસ હોય એટલે કે જેમના પેટ પર ચરબીના થર જામેલા હોય છે એ વ્યક્તિને આ રોગ થવાની શક્યતા ૭૨ ટકા વધારે રહે છે જે વાત પર સહમત ન થતાં હિન્દુજા હેલ્થકૅર સર્જિકલ, ખારના કન્સલ્ટન્ટ પલ્મનોલૉજિસ્ટ ડૉ. સમીર ગર્ડે કહે છે, ‘ઓબેસિટીને બીજા ફેફસાના રોગો સાથે સંબંધ હોઈ શકે છે, પરંતુ ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ સાથે નહીં. એ થવાનાં કારણોમાં સ્મોકિંગ અને હવાનું પ્રદૂષણ બે મુખ્ય કારણો છે. ઊલટું જે વ્યક્તિને આ રોગ થાય છે એનાં લક્ષણોમાં જોવા મળે છે કે થોડા જ સમયમાં એનું લગભગ ૧૦થી ૨૦ કિલો વજન ઊતરી જાય છે, કારણ કે આ રોગને કારણે સારોએવો મસલ-લૉસ થાય છે. આમ ઓબેસિટી આ રોગ પાછળનું કારણ ન હોઈ શકે.’

થાય શું?

સૌથી મહત્વની વાત એ છે કે આ રોગ બાળકોને અને યુવાનોને નથી થતો. કોઈ પણ વ્યક્તિમાં આ રોગ ૪૦ વર્ષની ઉંમર પછી જ દેખા દે છે. આ રોગ નાનપણમાં કેમ નથી થતો અને મોટી ઉંમરે કેમ થાય છે એ ત્યારે જ સમજી શકાય જ્યારે આપણે જાણીએ કે આ રોગ છે શું? ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝને ક્રૉનિક ઑબ્સ્ટ્રક્ટિવ ઍરવે ડીસીઝ પણ કહે છે, કારણ કે આ રોગમાં સૌથી વધુ અસર શ્વાસનળીઓ પર થાય છે જે નાક વાટે ફેફસામાં ઑક્સિજન લઈ જવાનું અને કાર્બનડાયૉક્સાઇડને પાછો કાઢવાનું કામ કરતી હોય છે. એ વિશે વિસ્તારમાં સમજાવતાં ડૉ. વિપુલ મારુ કહે છે, ‘આ સંપૂર્ણ રોગ પાછળનું કારણ એ છે કે જ્યારે સ્મોકિંગના, પૉલ્યુશનના કે બીજા કણો નાક વાટે ફેફસામાં જાય છે ત્યારે મોટા ભાગે નાકની અંદર રહેલા વાળ એને રોકી લે છે. છતાં અમુક કણો અંદર જતા જ રહે છે. આવા કેટલાય કણો શ્વાસનળીમાં જમા થતા જાય છે અને લાંબા ગાળે કફ પેદા કરે છે. આ કારણોસર શ્વાસનળી સાંકડી થઈ જાય છે જેથી શ્વાસ લેવામાં અને છોડવામાં તકલીફ ઊભી થાય છે.’

લક્ષણો

૪૦ વર્ષની ઉંમર પહેલાં કોઈ પણ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય તો એને મોટા ભાગે અસ્થમા નીકળતો હોય છે, જ્યારે ૪૦ વર્ષ પછી કોઈ પણ વ્યક્તિને શ્વાસમાં તકલીફ થાય અને વારંવાર કફની સમસ્યા રહ્યા કરે તો સમજવું કે એને COPD હોઈ શકે છે. એ વિશે સમજાવતાં ડૉ. વિપુલ મારુ કહે છે, ‘આવી વ્યક્તિઓને શ્વાસ લેવાના સમય કરતાં શ્વાસ કાઢવામાં વધુ સમય લાગતો હોય છે. આ ઉપરાંત સિસોટી જેવો અવાજ શ્વાસમાં આવતો હોય છે. તેમની છાતીનો આકાર ધીમે-ધીમે એક બૅરલ એટલે કે પીપડા જેવો લાગવા માંડે છે.’

આ રોગ સાથે બીજા રોગો પણ સંકળાયેલા છે. એ વિશે વાત કરતાં ડૉ. સમીર ગર્ડે કહે છે, ‘આવી વ્યક્તિઓને COPDની સાથે-સાથે કાર્ડિયોવૅસ્ક્યુલર પ્રૉબ્લેમ, ઑસ્ટિયોપોરોસિસ કે લન્ગ કૅન્સર જેવી બીમારી પણ ઉદ્ભવી શકે છે. વળી આ રોગ ધરાવતી કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ સર્જરીમાંથી પસાર થાય છે ત્યારે એની રિકવરી જલદીથી નથી થતી. ઘણી વખત એવું બને છે કે હાર્ટ સર્જરી પછી રિકવરી જલદી પણ આવે ત્યારે ડાયગ્નૉસ કરતાં ખબર પડે કે આ વ્યક્તિને COPDનો પ્રૉબ્લેમ છે.’

ઇલાજ

આ રોગનો કોઈ કાયમી ઇલાજ નથી જેને કારણે એને જડમૂળથી ઉખેડી શકાય, પરંતુ આપણી પાસે એનાં લક્ષણોને કાબૂમાં રાખવા માટે સારી દવાઓ ઉપલબ્ધ છે. આ રોગ સતત વધતો જતો રોગ છે જેને વધતાં અટકાવી શકાતો નથી. આમ એનો અંત મૃત્યુ જ છે.

જ્યારે શ્વાસની તકલીફવાળી વ્યક્તિ ડૉક્ટર પાસે જાય ત્યારે અમુક સરળ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે કે એ વ્યક્તિને COPD છે કે નહીં. આ નિદાન જરૂરી છે.

અસ્થમા અને COPD બન્ને અલગ રોગ છે. અસ્થમામાં થોડો સમય માટે વ્યક્તિને શ્વાસની તકલીફ થાય છે જ્યારે COPDમાં સતત દરેક ક્ષણે આ તકલીફ રહે છે. એથી જ જ્યારે આ રોગ ખૂબ વધી જાય ત્યારે દરદીને ઑક્સિજન પર રાખવો પડે છે.

આ રોગની રસી પણ ઉપલબ્ધ છે. જે વ્યક્તિ પર આ રોગનું રિસ્ક વધુ તોળાતું હોય એને એ આપવામાં આવે છે.

ઇલાજ ન હોવાને કારણે એનાથી આપણો બચાવ જ વધુ યોગ્ય છે. ખાસ કરીને સ્મોકિંગ છોડવું, પૅસિવ સ્મોકિંગનો ભોગ ન બનવું, પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રીએ સ્મોકિંગ ન કરવું.