બાળક ઍલર્જીની પ્રકૃતિ ગર્ભમાંથી લઈને જન્મે છે

06 October, 2014 05:20 AM IST  | 

બાળક ઍલર્જીની પ્રકૃતિ ગર્ભમાંથી લઈને જન્મે છે




જિગીષા જૈન

આજકાલ આપણા દેશમાં ઘણાં બાળકો છે જેઓ કોઈ ને કોઈ પ્રકારની ઍલર્જીથી પીડિત છે. ઍલર્જી‍ અને અસ્થમા જેવા રોગોનું જોર આપણે ત્યાં વધ્યું છે. આમ તો વ્યક્તિને કોઈ પણ ઉંમરે કોઈ પણ પ્રકારની ઍલર્જી‍ થઈ શકે, પરંતુ મોટા ભાગે જે જોવા મળે છે એમાં ઍલર્જીનાં લક્ષણો મોટા ભાગે નાનપણમાં દેખાય જાય છે. ધૂળની, પોલનની એટલે કે પરાગરજની અને ફૂલોની સાથે-સાથે ઘણાબધા ખાદ્ય પદાર્થો જેમ કે સિંગદાણા, ચણાનો લોટ, દૂધ કે દૂધની બનાવટો, મકાઈ, મશરૂમ વગેરે જેવી જુદી-જુદી અલગ પ્રકારની ઍલર્જી‍ઓ બાળકોમાં જોવા મળે છે. જે બાળકને ઍલર્જી‍ હોય તેનાં મમ્મી-પપ્પાએ સાહજિકપણે તેનું વધુ ધ્યાન રાખવું પડે છે. ઘણી વાર ઍલર્જી‍ એટલી ગંભીર નથી હોતી તો ઘણી વાર એ અસ્થમા કે એગ્ઝમાનું રૂપ લઈને સામે આવે છે. વળી ઍલર્જી‍ થવાનાં કારણોમાં બન્ને કારણો જિનેટિક અને એન્વાયર્નમેન્ટલ જ ગણી શકાય છે. જો પરિવારમાં કે મમ્મી-પપ્પા બન્નેમાંથી કોઈને ઍલર્જી‍ કે અસ્થમા હોય તો બાળકને થવાની શક્યતા રહે છે અને જો એવું કંઈ ન હોય પરંતુ બાળકને સતત ઍલર્જિક તત્વોનો સામનો કરવો પડતો હોય અને તેના શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો શરીર એ તત્વ પ્રત્યે ઍલર્જી‍ ડેવલપ કરી શકે. ઍલર્જી‍ થવાનાં આ બન્ને મુખ્ય કારણો છે. મહત્વની વાત એ છે કે એક વાર શરીર કોઈ વસ્તુ માટેની ઍલર્જી‍ ધરાવતું થઈ જાય તો ઇલાજ દ્વારા આપણે એની તીવ્રતા ઓછી કરી શકીએ છીએ, પરંતુ એને સાવ મટાડી દેવું ખૂબ અઘરું કામ છે. આવા સમયે લાગે કે ઍલર્જી‍ વ્યક્તિને થઈ શકે છે એ પહેલેથી જાણી શકાય અને એને થતાં અટકાવી શકાય તો કેટલું સારું. પણ શું એ શક્ય છે?

રિસર્ચ

તાજેતરમાં મેલબર્નની મર્ડોક ચિલ્ડ્રન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા થયેલા એક મહત્વપૂર્ણ રિસર્ચમાં જાણવા મળ્યું કે બાળકને ઍલર્જીની શરૂઆત માતાના ગર્ભમાંથી જ થઈ જાય છે. વળી તેમણે માન્યું કે માતાની અમુક પ્રકારની ખોરાકની આદતોને કારણે પણ ગર્ભસ્થ શિશુને ઍલર્જી‍ થવાનો ભય રહે છે. સંશોધકોના મતે આ રિસર્ચ દ્વારા એ જાણી શકાયું કે કઈ રીતે માતાની આદતો અને તેનો ખોરાક પ્રેગ્નન્સી દરમ્યાન બાળકના જીન્સને અસર કરે છે. આ રિસર્ચમાં બાળકોના જન્મ વખતે બ્લડ-સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં જેમાં જે બાળકોએ પોતાના જીવનમાં પાછળથી ઍલર્જી‍ ડેવલપ કરી હતી તેમનાં બ્લડ-સૅમ્પલ જે બાળકોને ઍલર્જી‍ થઈ નહોતી એના કરતાં જુદાં મળ્યાં હતાં. ઍલર્જિક બાળકોનાં બ્લડ-સૅમ્પલમાં તેમને અમુક પ્રકારના મૉલેક્યુલર પાથ-વે જોવા મળ્યા હતા. એટલે કે કોઈ પણ બાળકમાં ઍલર્જી‍ થયા પહેલાં અમુક પ્રકારનાં કેમિકલ્સ બ્લડમાં જોવા મળે છે જે ઓળખી કઢાયાં હતાં. એના દ્વારા એ સાબિત થયું હતું કે બાળક માતાના ગર્ભમાં જ ઍલર્જી‍ ડેવલપ કરે છે.

માતાના ખોરાકની અસર

એનો અર્થ એ થયો કે માતાના ખોરાકનો પ્રભાવ બાળક પર એટલો વધારે હોઈ શકે છે કે તેને ઍલર્જી‍ થવાની શક્યતા ઊભી કરી આપે. જોકે આ બાબતથી લોકો સાવ અજાણ નથી, કારણ કે દરેક દેશમાં અમુક પ્રકારની ગાઇડલાઇન્સ આપવામાં આવે છે કે ગર્ભધારણ કર્યા બાદ સ્ત્રીએ અમુક પ્રકારનો ખોરાક ખાવો જોઈએ કે ન ખાવો જોઈએ. જેમ કે ઑસ્ટ્રેલિયામાં મગફળી કે સિંગદાણાની ઍલર્જી‍ વધુ જોવા મળે છે તો આવો ખોરાક સ્ત્રીઓએ પ્રેગ્નન્સી વખતે તેમ જ બાળક જ્યારે મમ્મીનું દૂધ પીતું હોય ત્યારે ન ખાવો એવું સૂચન ત્યાંની હેલ્થ ગાઇડલાઇન્સમાં જોવા મળે છે. આ બાબતે પોતાનું મંતવ્ય આપતાં દાદરમાં ડૉ. રૉય હેલ્થ સૉલ્યુશન નામનું ક્લિનિક ધરાવતા અમેરિકન ર્બોડ સર્ટિફાઇડ અસ્થમા-ઍલર્જી‍ સ્પેશ્યલિસ્ટ ઇમ્યુનોલૉજિસ્ટ ડૉ. સિતેશ રૉય કહે છે, ‘એ હકીકત છે કે જો ઍલર્જી‍ જિનેટિક હોય તો જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે જ તેના શરીરના નિર્માણ વખતે તેનામાં આ જિનેટિક ખામી ઉદ્ભવી જાય છે. બીજું એ કે મમ્મી જ્યારે અમુક પ્રકારના ઍલર્જિક ખાદ્ય પદાર્થો ખાય છે ત્યારે એનાં અમુક પ્રકારનાં પ્રોટીન બાળકને સીધાં મળે છે જે તેની ડેવલપ થઈ રહેલી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. એને લીધે તે ઍલર્જી‍ ડેવલપ કરવાની ટેન્ડન્સી ધરાવે છે. આપણા દેશમાં પણ અમુક વસ્તુ અમુક રીતે જ ખાવી એવો ગર્ભસંસ્કારનો કન્સેપ્ટ છે. વળી બાળકના જન્મ પછી પણ શું ખાવું અને શું ન ખાવું એના નિયમો છે એની પાછળ આ જ કારણો છે. ખૂબ નાની ઉંમરમાં ઍલર્જિક એક્સપોઝર મળે અને જિનેટિક કારણો પણ હોય ત્યારે ઍલર્જી‍ થવાની શક્યતા ખૂબ વધી જાય છે.’

ઇલાજ

આજની તકનીક મુજબ અમુક એવી ટેસ્ટ પણ આવે છે જેનાથી ગર્ભમાં જ જાણી શકાય કે બાળકને કોઈ ઍલર્જી‍-પ્રૉબ્લેમ છે કે નહીં. જોકે એવી ટેસ્ટ બધા જ લોકોએ કરાવવી જરૂરી નથી. જો કોઈ જિનેટિક ખામી લાગે તો કરાવી શકાય. વળી આજકાલ જન્મ બાદ તરત જ બાળકની ગર્ભનાળ અને તેનું લોહી લઈને એને વર્ષો સુધી સાચવી રાખવામાં આવે છે. આ કોર બ્લડના ટેસ્ટિંગથી જાણી શકાય છે કે બાળકમાં ઍલર્જિક ટેન્ડન્સી છે કે નહીં. જોકે ખરા અર્થમાં આ ટેસ્ટિંગ કરતાં પણ વધુ મહત્વનું એ છે કે જે લોકોના ઘરમાં કોઈ પણ વ્યક્તિને ઍલર્જીનો પ્રૉબ્લેમ હોય છે તેમણે કોઈ નિષ્ણાત વ્યક્તિને મળવું ખૂબ જ જરૂરી છે. ડૉ. સિતેશ રૉય કહે છે, ‘ગર્ભધારણ કરતાં પહેલાં કે ગર્ભધારણ કર્યા બાદ તરત જ જો આવી વ્યક્તિ નિષ્ણાત ડૉક્ટરને મળે તો તેમની ફૅમિલી હિસ્ટરી જાણ્યા બાદ તે ડૉક્ટર તેને એવી હેલ્થ ગાઇડલાઇન્સ આપી શકે જેમાં તેમની લાઇફ-સ્ટાઇલમાં શું બદલાવ કરવાથી તેમના બાળકને ઍલર્જીથી બચાવી શકાય એનો ઉપાય જાણી શકાય છે. એમાં સંપૂર્ણ સૂવા-ઊઠવાથી લઈને તેનો ખોરાક, આદતો, માનસિક અવસ્થા બધું જ જોવામાં આવે છે. આ પ્રકારના ઇલાજથી ઘણા અંશે ગંભીર ઍલર્જીને ટાળી શકાય છે.’

સામાન્ય કારણો

ઍલર્જી‍ થાય પછી એનો ઇલાજ કરવાની જગ્યાએ ઍલર્જી‍ થાય જ નહીં એવી કોશિશો કરવી વધુ યોગ્ય છે. આ કોશિશ બાળકના જન્મ પહેલાં જ શરૂ કરવી વધુ યોગ્ય છે. ખાસ કરીને ત્યારે ઘરના લોકો કે મમ્મી-પપ્પામાંથી કોઈ પણ એક વ્યક્તિને ઍલર્જીનો પ્રૉબ્લેમ હોય ત્યારે વધુ સતર્કતા જરૂરી છે. વૈજ્ઞાનિકોએ જે નોંધ્યું છે એમાં સામાન્ય રીતે જે સ્ત્રી પ્રેગ્નન્સી દરમ્યાન જન્ક-ફૂડ, ફાસ્ટ ફૂડ, પ્રિઝર્વેટિવ્ઝ ધરાવતી વસ્તુઓ, કેમિકલ્સયુક્ત ખાતરોમાં ઊગેલી વસ્તુઓ ખાય છે ત્યારે તેના ગર્ભસ્થ શિશુને ઍલર્જી‍ થવાની શક્યતા ઘણી વધી જાય છે. આ ઉપરાંત પ્રેગ્નસી દરમ્યાન સ્મોકિંગ અને ડ્રિન્કિંગની આદતો, વધુપડતું સ્ટ્રેસ, નકારાત્મક વિચારો, ડિપ્રેશન આ બધી બાબતો પણ બાળકમાં ઍલજીનું કારણ બની શકે છે.