અપૂરતી ઊંઘને કારણે પુરુષની ભૂખ વધે

07 November, 2012 07:02 AM IST  | 

અપૂરતી ઊંઘને કારણે પુરુષની ભૂખ વધે



જિગીષા જૈન

પૂરતી અને સપ્રમાણ ઊંઘ સ્વસ્થ જીવન માટેનું જરૂરી પાસું છે, પરંતુ બદલાતી જતી લાઇફસ્ટાઇલ જોડે આજનો માનવી ઊંઘ સાથે બાંધછોડ કરતો થઈ ગયો છે ત્યારે આ અપૂરતી ઊંઘ માણસના સ્વાસ્થ્યને ઘણી રીતે અસર પહોંચાડે છે. આમ તો સ્ત્રી અને પુરુષને ભગવાને અલગ-અલગ રીતે ઘડ્યાં છે, પરંતુ એક માણસ તરીકે બન્ને પર મોટા ભાગના રોગોની સમાન અસર જોવા મળે છે. જોકે અમુક પ્રૉબ્લેમ્સ એવા પણ છે જેમાં બન્નેનું શરીર જુદી રીતે રીઍક્ટ કરતું હોય છે.

‘સ્લીપ’ નામના પ્રખ્યાત જર્નલમાં તાજેતરમાં છપાયેલા એક સર્વે મુજબ અપૂરતી ઊંઘને લીધે પુરુષ અને સ્ત્રી જાડાપણાનો ભોગ બને છે. પરંતુ એ માટેનાં બન્નેમાં ઉદ્ભવતાં લક્ષણો જુદાં-જુદાં છે. અપૂરતી ઊંઘને કારણે પુરુષની ભૂખમાં વધારો થાય છે. એટલે કે જમવા બેસે એ પહેલાં જ તેમની ભૂખ ખૂબ વધી જાય છે અને એનાથી વિરુદ્ધ સ્ત્રીઓને જમી લીધા પછી પણ જમવાનો સંતોષ થતો નથી. એટલે કે જમવાનું પૂરું થઈ ગયા બાદ પણ ખાવા માટેની લાલચ તેમની અંદર જન્મે છે. પુરુષોની જેમ જમ્યા પહેલાં જ ઘણુંબધું ખાઈ લઉં એવું તેમને લાગતું નથી.

રિસર્ચ શું હતું?

કોલમ્બિયા મેડિકલ સેન્ટર દ્વારા થયેલા રિસર્ચમાં ૨૭ હેલ્ધી વૉલન્ટિયરને ચાર કલાક અને નવ કલાકની ઊંઘ આપ્યા બાદ તેમના બ્લડમાં હૉર્મોન લેવલ ચકાસવામાં આવ્યાં હતાં. ઓછી ઊંઘથી પુરુષોના શરીરમાં ભૂખને જગાડનાર ઘ્રેલીન નામના હૉર્મોનનો વધારો જોવા મળ્યો, જ્યારે સ્ત્રીઓમાં એ વધારો જોવા મળ્યો નહોતો. પરંતુ સ્ત્રીઓમાં સંતોષ જગાડનાર હૉર્મોન જીએલપી-૧માં ઘટાડો જોવા મળ્યો હતો જે પુરુષોમાં જોવા ન મળ્યો.

આ રિસર્ચ માટે જસલોક હૉસ્પિટલના સ્લીપ ડિસઑર્ડર ક્લિનિક સાથે સંકળાયેલાં ન્યુરોલૉજિસ્ટ ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘અપૂરતી ઊંઘને કારણે સ્ત્રી અને પુરુષ સ્થૂળતાનો ભોગ બની શકે છે એ સત્ય છે અને એના માટે હૉર્મોન્સ જવાબદાર હોય છે એ વાત પણ બરાબર છે. ‘સ્લીપ’ ખૂબ જ નામાંકિત જર્નલ છે, પરંતુ આ રિસર્ચની સૅમ્પલ સાઇઝ (૨૭ વ્યક્તિઓ) જોતાં લાગે છે કે મેડિકલી ટ્રીટમેન્ટ પર્પઝથી કામ કરવા માટે આ જ દિશામાં વધુ સંશોધન થાય પછી જ કંઈ કહી શકાય.’

આ રિસર્ચ અનુસાર અપૂરતી ઊંઘને કારણે સ્ત્રી અને પુરુષમાં ઉદ્ભવતાં લક્ષણો જુદાં-જુદાં છે, પરંતુ એના પરિણામરૂપે સ્થૂળતા બન્નેમાં જ આવે છે. જો પરિણામ સરખું હોય તો લક્ષણો અલગ છે એ જાણવાથી શો ફાયદો? એના જવાબમાં ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘શરીરમાં ઉદ્ભવતાં જુદાં-જુદાં લક્ષણો થકી વ્યક્તિ કે તેના ડૉક્ટર જાણી શકે છે કે તેમને કયા પ્રકારનો પ્રૉબ્લેમ છે, શા માટે થાય છે અને એના નિદાન માટે શું કરવું જરૂરી છે. જો સ્ત્રી અને પુરુષ એક જ પ્રૉબ્લેમ પર જુદી રીતે રીઍક્ટ કરતાં હોય તો એનાં લક્ષણો જાણવાં જરૂરી બને છે.’

બીજા તફાવત

અપૂરતી ઊંઘને કારણે સ્ત્રી અને પુરુષોમાં જણાતાં લક્ષણો જણાવતાં ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘અપૂરતી ઊંઘ કે ઊંઘના સતત ઘટાડાથી સ્ત્રીઓ પર શારીરિક કરતાં માનસિક અસર વધારે થાય છે. આથી તેમને માથાનો દુખાવો, તાણ, આળસ, મૂડ-સ્વિંગ, ડિપ્રેશન, સ્મૃતિભ્રંશ જેવી ફરિયાદો રહેતી હોય છે. એની સામે પુરુષોમાં માનસિક નહીં પણ શારીરિક વીકનેસ, ગૂંગળામણ જેવાં કૉમન લક્ષણો જોવા મળે છે; પરંતુ એની તીવ્રતા બધામાં જુદી-જુદી હોય છે.’

અપૂરતી ઊંઘને કારણે થતા રોગ

અપૂરતી ઊંઘને કારણે ભૂખ ઊઘડે અથવા તો સતત ખાતા રહેવાની ઇચ્છા થાય છે. તેથી મુખ્ય રૂપે મેદસ્વિતાનો ભોગ બની જવાય છે એમ જણાવીને ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘આ ઉપરાંત અપૂરતી ઊંઘને કારણે કાર્ડિયો-વૅસ્ક્યુલર સિસ્ટમ અફેક્ટ થાય છે જેથી હાર્ટ પ્રૉબ્લેમ્સ પણ થઈ શકે છે. ઊંઘનો શારીરિક જ નહીં, માનસિક સ્વાસ્થ્ય જોડે પણ સીધો સંબંધ છે. આમ અપૂરતી ઊંઘને કારણે યાદશક્તિ પર સીધી અસર થાય છે. આ ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થાય છે.’

ક્વૉન્ટિટી સાથે ક્વૉલિટી

ઊંઘની ગુણવત્તા વિશે ડૉ. પ્રીતિ દેવનાણી કહે છે, ‘ઊંઘમાં ફક્ત ક્વૉન્ટિટી જ નહીં, ક્વૉલિટી પણ જરૂરી છે. સામાન્ય રીતે ઉંમર પ્રમાણે ઊંઘના કલાકો અલગ-અલગ હોય છે. નવજાત શિશુ માટે ૧૭થી ૧૮ કલાક ઊંઘ, જ્યારે એક પુખ્ત વયના માનવી માટે ૭થી ૮ કલાકની ઊંઘ તો મોટી વયના લોકો માટે ૫થી ૬ કલાકની ઊંઘ જરૂરી છે. આમ ૬ કલાકથી ઓછી નહીં અને ૧૦ કલાકથી વધુ નહીં એવી ઊંઘ જરૂરી છે. એકધારી અને ગહેરી ઊંઘને ક્વૉલિટી ઊંઘ ગણી શકાય. જો તમે દરરોજ આઠ કલાક ઊંઘો છો પણ થોડી-થોડી વારે જાગી જાઓ કે પથારીમાં પડખાં ઘસ્યા કરો તો એ ઊંઘ તમારા માટે પૂરતી નથી. જ્યારે તમે ઊઠો ત્યારે એકદમ ફ્રેશ હો તો એ ઊંઘને પૂરતી ઊંઘ કહેવાય છે જે તમારી હેલ્થ માટે સારી છે.’

ઊંઘમાં ખલેલ ન પડે એ માટે આટલું કરો

સૂઈ જવાનો અને ઊઠવાનો સમય નક્કી કરીને રાખો અને એમાં ફેરબદલ ન કરો.

સૂઈ જતાં પહેલાં કૅફીનયુક્ત પદાર્થો જેવા કે કૉફી કે કોકા-કોલા ન પીઓ.

તમારા બેડરૂમમાં ટીવી કે લૅપટૉપ ન રાખો. બેડરૂમને ફક્ત સૂઈ જવા માટે જ વાપરો. ઑફિસનાં પેન્ડિંગ કામ બેડરૂમમાં ન કરો.

બેડરૂમમાં નૉર્મલ હાઇજીન અને સ્વચ્છતા જાળવો અને એને સ્લીપ-ફ્રેન્ડ્લી બનાવો.

બેડરૂમમાં પતિ-પત્ની કોઈ પણ જાતના વાદવિવાદ કે ડિસ્કશન ન કરો જેથી તમારી ઊંઘ પર એની અસર પડે.