ગયાં હતાં ગરબે ઘૂમવા અને પડી ગયાં પ્રેમમાં

03 October, 2011 05:21 PM IST  | 

ગયાં હતાં ગરબે ઘૂમવા અને પડી ગયાં પ્રેમમાં


સ્પેશ્યલ સ્ટોરી - નીલા સંઘવી


મળ્યાં એને હજી એક વર્ષ થયું હતું ત્યાં તો લગ્ન થઈ ગયાં

વિલે પાર્લે (ઈસ્ટ)ની ગુજરાત સોસાયટીમાં રહેતા ૩૪ વર્ષના પ્રતીક અને ૩૨ વર્ષની શૈવાંગીનો ગરબા-પ્રેમ તેમના આપસી પ્રેમમાં સાકાર થયો એ તેમના જીવનની શ્રેષ્ઠ ક્ષણ હતી. ગરબા રમવાની શોખીન અને અનેક ઇનામો મેળવનાર શૈવાંગી કહે છે, ‘અમારી નવરાત્રિની લવસ્ટોરી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે રાસ-ગરબાના કાર્યક્રમમાં મળ્યાં એ પછીના એક વર્ષમાં તો અમે બન્ને લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં હતાં. કદાચ તમને ખ્યાલ હશે કે ‘વર્ણમ્’ના પ્રણેતા નવીન શાહ નવરાત્રિમાં ગરબાનો કાર્યક્રમ કરતા હતા.

 

હું કૉલેજકાળથી એમાં ભાગ લેતી હતી. ‘વર્ણમ્’ના નવીનભાઈનો આદેશ હતો કે રાસ-ગરબા જે કરવા હોય એ કરો, પણ ફક્ત યુવતીઓ જ હોવી જોઈએ; મારા કાર્યક્રમમાં યુવાનોને એન્ટ્રી નહીં મળે. આ બાબતમાં તેઓ એકદમ સ્ટિ્રક્ટ હતા. આ કાર્યક્રમમાં રાસની આઇટમ જાણીતા કૉરિયોગ્રાફર સમીર તન્ના અને અર્શ તન્ના કરતા હતા. એક વર્ષ તેમને ભાગે એવું સૉન્ગ આવ્યું કે તેમને લાગ્યું કે આમાં યુવકો તો જોઈશે જ. જો યુવકો હશે તો જ આ ગીત પરનો પર્ફોર્મન્સ સરસ થશે. તેમણે નવીનભાઈને વાત કરી, પણ નવીનભાઈ માને જ નહીં. અંતે સમીર અને અર્શ તન્નાએ કહ્યું કે અમે બહારના કોઈ અજાણ્યા યુવકોને નહીં લઈએ; અમારા ગ્રુપમાં જે છોકરાઓ છે તેને જ લઈશું. તે બધા ખૂબ સારા છોકરાઓ છે એની અમારી ગૅરન્ટી છે. છેવટે નવીન શાહ કન્વિન્સ થયા. આ રાસની આઇટમમાં પ્રતીક પણ આવેલો.’

વાતને આગળ વધારતાં પ્રતીક ઉમેરે છે, ‘નવરાત્રિ વખતે પર્ફોર્મન્સ થાય એ પહેલાં રિહર્સલ્સ થાય એ દરમ્યાન અમે મળ્યાં, ઓળખાણ થઈ, ફ્રેન્ડશિપ થઈ અને વાતો કરવાનું શરૂ થયું. જોકે ત્યારે શૈવાંગી બહુ વાતો નહોતી કરતી. પછી અમારે પ્રોગ્રામ માટે પુણે જવાનું થયું. ત્યારે ટ્રાવેલિંગ દરમ્યાન તે વધુ છૂટથી વાતચીત કરતી થઈ. પુણે ગયાં ત્યારે અમે એકબીજાની વધારે ક્લોઝ આવ્યાં. અમારા મળ્યાના લગભગ પંદર દિવસમાં જ અમને બન્નેને લાગ્યું કે અમે એકમેકને પસંદ કરીએ છીએ. શૈવાંગીને પણ હું ગમતો હતો, પણ તેણે બહુ કળાવા દીધું નહોતું. અમારા ગ્રુપને પણ અમે બન્ને એકબીજાને પસંદ કરીએ છીએ એની ખબર હતી. પુણેથી આવ્યા બાદ બેત્રણ દિવસમાં જ મેં તેને પ્રપોઝ કર્યું. તેણે તરત હા પાડી દીધી.

વાતચીતનો દોર આગળ વધારતાં શૈવાંગી કહે છે, ‘પછી તો અમારો ર્કોટશિપ પિરિયડ ચાલુ થયો. ફરવાનું, મળવાનું અને પરિવારજનોથી છુપાઈને મળવાનું. મજાના દિવસો હતા એ! પછી મેં મારાં ઘરે વાત કરી. પણ મારા પપ્પા જન્માક્ષરમાં બહુ માને તેથી તેમણે કહ્યું કે જન્માક્ષર મળશે તો હું તારાં લગ્ન પ્રતીક સાથે કરાવી આપીશ, મને વાંધો નથી. પ્રતીકને મારા ફ્રેન્ડ તરીકે ઘરમાં બધા ઓળખતા હતા. પણ મારાં મમ્મીને જ્ઞાતિ માટે વાંધો હતો. અમે વૈષ્ણવ લાડ વણિક અને પ્રતીક લોહાણા. તેમનું મન માનતું નહોતું. સમાજમાં કેવું લાગે? પણ પછી મારા મોટા કાકા અને પરિવારજનો સમક્ષ આ વાત મૂકી ત્યારે કોઈએ વાંધો ન લીધો; ઊલ્ટાનું એમ કહ્યું કે છોકરો સારો છે, ભણેલો-ગણેલો છે, પરિવાર પણ સારો છે તો શું વાંધો છે? અને મમ્મી પણ માની ગઈ અને બધું થાળે પડી ગયું. પ્રતીકના ઘરમાં તો કોઈ વિરોધ હતો જ નહીં. છ મહિનામાં અમારી સગાઈ થઈ ગઈ અને પછીના છ મહિનામાં તો અમારાં લગ્ન પણ થઈ ગયાં.

અમારી કુંડળી ન મળી પણ મન મળી ગયાં હતાં

બોરીવલી (ઈસ્ટ)માં રહેતા બત્રીસ વર્ષના પારસ શાહ અને ગુજરાતના મહુવામાં રહેતી નેહા શાહનાં લગ્ન ૨૦૦૬માં થયાં. માત્ર ગરબા જોવાના શોખે તેમની વચ્ચે ઓળખાણ કરાવી હતી એ ક્ષણોને ફ્લૅશબૅકમાં જઈને શબ્દસ્થ કરતાં પારસ કહે છે, ‘૨૦૦૪માં મારા બિલ્ડિંગના મિત્રો સાથે હું કોરા કેન્દ્રમાં ગરબા રમવા ગયો હતો. જોકે મને બહુ રમતાં આવડતું નથી અને બહુ શોખ પણ નથી, પણ મારી બહેનને બહુ શોખ છે. હું એકાદ રાઉન્ડ રમીને સાઇડ પર ઊભો હતો. નેહા તેના ભાઈના ગ્રુપ સાથે આવેલી. તેનો ભાઈ બોરીવલી (વેસ્ટ)માં રહે છે. તે પણ સાઇડમાં ઊભી હતી. તેથી સહેજ વાત કરવાના ઇરાદાથી મેં પૂછ્યું, ‘તમે કેમ રમતાં નથી?’ તેણે કહ્યું, ‘મને રમવાનો શોખ નથી, પણ જોવાનો બહુ શોખ છે. થોડીક વાર રમું.’

‘બસ પછી તો રોજ અમે બન્ને એક જ જગ્યાએ ઊભાં રહેતાં. એકાદ રાઉન્ડ રમતાં. પાંચેક દિવસ આમ બનતાં અમારી ઓળખાણ વધી. સારીએવી મિત્રતા બંધાઈ. નવરાત્રિ પછી ફોન પર વાત કરતાં. ઇન્ટરનેટ પર ચૅટ કરતાં. ચૅટિંગ દરમ્યાન મેં તેને પ્રપોઝ કર્યું. તેણે ના પાડી. બેત્રણ મહિના તે ના પાડતી જ રહી. મને નેહા બહુ ગમતી હતી. થતું કે સારા ઘરની છોકરી છે, મારે માટે લાયક છે. નવરાત્રિ પછી અમે ચર્ચગેટ સ્ટેશન પર મળ્યાં, બોરીવલીમાં દ્વારકા હોટેલમાં મળ્યાં અને તે તો પછી મહુવા જતી રહી. તે થોડો સમય અહીં રહે, થોડો સમય મહુવા. હું એસટીડી ફોન કરીને તેની સાથે કલાક-બે કલાક વાતો કરતો, મનાવતો. એ વખતે તો એસડીટી કૉલ આટલા સસ્તા નહોતા, પણ હું તેને મનાવતો જ રહેતો. એ દરમ્યાન મારા ઘરમાં છોકરીઓ જોવાનું દબાણ થવા લાગ્યું. મેં ચાર-પાંચ છોકરીઓ જોઈ પણ ખરી. નેહાએ પણ ત્રણ-ચાર છોકરા જોયા હશે.

 

હું નેહાને કહેતો કે આપણે લગ્ન કરીએ. નેહા કહેતી કે આવું સારું ન લાગે. ત્યારે હું તેને સમજાવતો કે આજે નહીં તો કાલે તું લગ્ન કરવાની જ છે, તો મારી સાથે લગ્ન કરવાનો શો વાંધો છે? ત્યારે નેહા કહેતી કે બન્નેના પેરન્ટ્સ હા પાડે તો જ આપણે લગ્ન કરીશું. શરૂઆતમાં નેહાના ઘરે વિરોધ હતો, પણ પાછળથી માની ગયા હતા; જ્યારે મારા ઘરમાં વિરોધ હતો. અમે બન્ને જૈન ખરાં, પણ ગામ જુદાં તેથી ન ચાલે. મારાં દાદી રૂઢિચુસ્ત છે તેથી તેમને ગામ બહારની છોકરી સાથે મારાં લગ્ન કરાવવાં નહોતાં. હું મક્કમ હતો. મેં કહ્યું, હવે પછી હું બીજી કોઈ છોકરી જોવા જઈશ નહીં. લગ્ન કરીશ તો નેહા સાથે અને એ પણ વડીલોની રજામંદી સાથે, નહીં તો કુંવારો રહીશ. ધીરે-ધીરે દાદી માની ગયાં તો કુંડળીનો પ્રશ્ન ઉપસ્થિત થયો. કુંડળી મેળવી તો મૅચ ન થઈ. વળી ઉપાધિ આવી.

 

હું કુંડળીમાં માનતો નથી. મારાં મમ્મી-પપ્પાનાં પણ લવમૅરેજ છે. તેમણે પણ ઘણાં વિઘ્નો પસાર કરીને લગ્ન કયાર઼્ હતાં. મેં પપ્પાને કહ્યું કે તમે તો સમજો, તમે ક્યાં કુંડળી મેળવી હતી? પપ્પા માન્યા. નેહાએ બીએમએસનો અભ્યાસ કર્યો હતો અને હજી તેને આગળ ભણવું હતું. અમે કહ્યું કે અમારું ફૅમિલી શિક્ષિત છે. મારી એક બહેન ડૉક્ટર છે, એક એન્જિનિયર અને હું પોતે કમ્પ્યુટર એન્જિનિયર છું. તું પણ લગ્ન પછી આગળ ભણી શકે છે. પછી તો બધા માની ગયા. પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો અને ધામધૂમથી લગ્ન થયાં.’ કહીને પારસ વાતને સમેટે છે.

પારસ જૉબ કરે છે અને નેહા અત્યારે એમબીએનો અભ્યાસ કરે છે. તેમને સાડાચાર વર્ષની ટ્વિન ડૉટર્સ છે. આજે પણ દર વર્ષે તેઓ કોરા કેન્દ્રની નવરાત્રિમાં જાય છે. ગરબા રમે કે ન રમે, પણ જે જગ્યાએ તેઓ ઊભાં રહેતાં એ જ જગ્યાએ ઊભાં રહીને જૂનાં સંસ્મરણોને તાજાં કરે છે.