બનાવવાના હતા લાડુ, પણ ચાસણી કડક થઈ જતાં બની ગઈ સુખડી, એ ખાવાનું રિસ્ક કોઈએ ન લીધું

29 September, 2011 03:50 PM IST  | 

બનાવવાના હતા લાડુ, પણ ચાસણી કડક થઈ જતાં બની ગઈ સુખડી, એ ખાવાનું રિસ્ક કોઈએ ન લીધું

 

મારા કિચનના પ્રયોગો - શર્મિષ્ઠા શાહ

ઘાટકોપરમાં રહેતાં રીટા છેડા કહે છે કે જો નવી વાનગીઓ બનાવવાનું રિસ્ક ન લઈએ તો સારી રસોઈ ન બનાવી શકાય

નરમ લાડુને બદલે કડક સુખડી

એક વાર કિચનમાં પોતાના હાથે શું ગોટાળો થઈ ગયો હતો એ વિશે વાત કરતાં રીટાબહેન કહે છે કે ‘એક વાર ઘરમાં ગોળના નરમ લાડુ બનાવવાના હતા, પણ ગોળની ચાસણી કડક થઈ જતાં સુખડી બની ગઈ. એ સુખડી પણ એટલી કડક થઈ ગઈ કે એ ખાઈએ તો દાંત તૂટી જાય એટલે કોઈએ એ ખાવાનું રિસ્ક ન લીધું.’ આવું શા કારણથી બન્યું એ વિશે વાત કરતાં રીટાબહેન કહે છે, ‘હંમેશાં ચાસણી બનાવતી વખતે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે, પરંતુ હું લાડુ બનાવતી હતી એ વખતે
ઘરમાં કોઈ હતું નહીં અને કોઈએ બેલ મારતાં હું દરવાજો ખોલવા ગઈ એમાં ચાસણી કડક થઈ ગઈ.’

ઘરનું ખાવાનું જ પસંદ

રીટાબહેન ફૂડ-વરાઇટી વિશે કહે છે, ‘અમારા ઘરમાં અમે ૧૦ જણા રહીએ છીએ એટલે બધી જ જાતની વરાઇટી બને. અમારા ઘરમાં કોઈને હોટેલમાં જવું બહુ ગમતું નથી અને એટલે અમે નાસ્તા, ફરસાણથી માંડીને બધા જ પ્રકારનું ઇન્ડિયન ફૂડ ઘરે જ બનાવીએ છીએ. મારા હાથની પાંઉભાજી અને ગુલાબજાંબુની ફરમાઈશ અવારનવાર થતી રહે છે. અમે હેલ્ધી ખાવાનું પણ પસંદ કરીએ છીએ. જમવામાં રોજ અલગ-અલગ પ્રકારનાં સૅલડ બનાવવાં મને ગમે છે.’

અનાજનો બગાડ નહીં

અનાજના બગાડ વિશે તેઓ કહે છે, ‘હું અનાજનો ક્યારેય બગાડ ન થાય એનું ધ્યાન રાખું છે. હું ક્યારેય પણ અનાજ ફેંકતી નથી. રોટલીઓ વધે તો અમે અમારી બાજુમાં આવેલા મંદિરની ગાયને ખવડાવી આવીએ છીએ અથવા તો ગરીબને આપી દઈએ છીએ. વધેલી વાનગીઓનો પણ હું ઉપયોગ કરી નાખું છું. કઠોળનું શાક વધી જાય તો એમાં ફરીથી વઘાર કરીને ગરમ મસાલો નાખીને મિસળ બનાવી નાખું છું. બ્રેડ કે ભાત વધે તો ભજિયાં બનાવું છું. વધેલી રોટલીને છાશમાં નાખીને એમાં વઘાર કરીએ તો સરસ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ જાય છે. એક વાર અમારે ત્યાં મહેમાનો જમવા આવવાના હતા ત્યારે મેં બટાટાની ભાજી બનાવી હતી, પણ અચાનક મહેમાનોનું આવવાનું કૅન્સલ થઈ ગયું તો મેં એમાંથી વડાં બનાવી દીધાં.’

શાકભાજી અને ફળ જરૂરી

સ્વાસ્થ્યવર્ધક ફળો-શાકભાજીના મહkવ વિશે તેઓ કહે છે, ‘આપણા ડાયટમાં શાકભાજી અને ફળોનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. મારો દીકરો અમુક શાક નહોતો ખાતો એટલે હું એ શાકભાજીની મિક્સરમાં પેસ્ટ બનાવીને એમાંથી પરોઠા કે થેપલાં બનાવીને એને ખવડાવું, ફળો ન ભાવે તો મિલ્કશેક બનાવીને એને પીવડાવી દઉં સૂપમાં પણ દરેક પ્રકારનાં શાકભાજી નાખીને એને હેલ્ધી અને ટેસ્ટી બનાવવાનો આગ્રહ રાખું છું.’

- તસવીર : સમીર માર્કન્ડે