૧૧ વર્ષની ઉંમરે ઍક્સિડન્ટ થવાથી હું પિતા બની શકું એમ નથી, ગર્લફ્રેન્ડને લગ્નની ના પાડું છું

29 September, 2011 03:43 PM IST  | 

૧૧ વર્ષની ઉંમરે ઍક્સિડન્ટ થવાથી હું પિતા બની શકું એમ નથી, ગર્લફ્રેન્ડને લગ્નની ના પાડું છું

 

સવાલ સેજલને - સેજલ પટેલ

સવાલ : મારી ઉંમર ૨૯ વર્ષની છે. જન્મ્યો ત્યારે તો નૉર્મલ જ હતો, પણ અગિયાર વર્ષની ઉંમરે મારું જીવન બરબાદ થઈ ગયું. એ વખતે મારો ઍક્સિડન્ટ થયેલો. બીજી બધી ઇન્જરી તો રુઝાઈ ગઈ, પણ ગુપ્ત ભાગમાં વાગેલું એને કારણે એક ટેસ્ટીઝ કઢાવી નાખવી પડેલી. આ વાતને કારણે વષોર્થી હું ખૂબ જ ડિસ્ટર્બ રહેતો આવ્યો છું. હેવી દવાઓને કારણે ને ગમ ભુલાવવા માટે સિગારેટ ફૂંકવાની આદતને કારણે હવે હું પિતા બની શકું એવી હાલતમાં નથી રહ્યો. કૉલેજમાં મને બે છોકરીઓ ગમી ગયેલી. તેમને પણ હું પસંદ હતો, પણ મારી આ એબ હું તેમની સમક્ષ છતી થવા દેવા નહોતો માગતો એટલે તેમનાથી દૂર થઈ ગયો. મને ખબર છે મેં તેમનું દિલ દુખાવ્યું છે.

બીજી જે છોકરી સાથે મને પ્રેમ હતો એ તો મને અનહદ ચાહતી હતી. મેં લગ્નની ના પાડી ત્યારે એ પોતે સાધ્વી થઈ જવા તૈયાર થઈ ગયેલી, પણ હું કેમેય તેને સચ્ચાઈ કહી શક્યો નહીં. કોઈ છોકરીને એવું તો કઈ રીતે કહી શકાય કે હું તારી સાથે લગ્ન કરીશ, પણ તને બાળક નહીં આપી શકું.

અત્યારે મારા બધા જ ફ્રેન્ડ્સ પરણી ચૂક્યા છે. મારા ઘરે પણ મને લગ્ન માટે દબાણ થઈ રહ્યું છે. મારી હાલત કફોડી છે. હું પ્રોફેશનલ છોકરીઓ સાથે સેક્સ્યુઅલી ઍક્ટિવ છું, પણ જેને હું ચાહું છું એને મારી હકીકત કહી શકું એમ નથી એટલે ત્યાં આગળ વધવા નથી માગતો. ભલે હું અકડાઈથી મારી ગર્લફ્રેન્ડને ના પાડતો હોઉં, પણ અંદરથી ખરેખર મને એકલતા લાગે છે. મારી આ ખોટ માટે તે કેવી રીતે રિઍક્ટ કરશે એની કલ્પના પણ નથી થઈ શકતી.

- ગોરાઈ

જવાબ : મને લાગે છે કે તમે જાતે જ તમારી સ્થિતિને કફોડી બનાવી છે. કોઈક એક અંગ ન હોવું એ વાતને તમે જિંદગીનું સેન્ટરપૉઇન્ટ બનાવી દીધું છે એ ખોટું છે. એક ટેસ્ટીઝ હોવા માત્રથી તમે બાળક પેદા કરવા સક્ષમ નથી રહેતા એ તમારી ખોટી માન્યતા છે. સાયન્સ કહે છે કે એક ટેસ્ટીઝથી ઓછા સ્પર્મ બને, પણ બને તો ખરા જ. તમે ગમમાં સિગારેટો ફૂંકીને હાથે કરીને જ તમારી ફર્ટિલિટી ઘટાડી છે. હવે જો કોઈ માર્ગ કાઢવો હોય તો પહેલાં તમારાં જે પણ વ્યસન હોય એ બંધ કરો.

બીજું, તમે પ્રોફેશનલ છોકરી પાસે જઈને શારીરિક સંતોષ મેળવી આવો છો એમાં તમને તમારી ફિઝિકલ ખામી નથી નડતી. સાચો પ્રેમ હોય ત્યારે સામેવાળી વ્યક્તિની હજાર ખામીઓ પણ આપણને વહાલી લાગતી હોય છે. આપણા સ્વભાવ, ગમા-અણગમા, આદતો ને એવી બધી બાબતોમાં આપણી જેટલી ખામીઓ હોય છે એની સામે શારીરિક ખામી તો કંઈ જ નથી. તમે એનો સ્વસ્થતાથી સ્વીકાર કરશો તો કોઈક રસ્તો પણ જરૂર નીકળી આવશે.

તમે ગર્લફ્રેન્ડને કોઈ કારણ આપ્યા વિના તેના પ્રેમને ઠુકરાવ્યા કરો છો એને બદલે તમારા મનની વાત તેને કહી દો. જો તે તમને ખરેખર પ્રેમ કરતી હશે તો તેને આ બાબત ક્ષુલ્લક લાગશે ને ધારો કે તેને આ હકીકત નહીં પચે તો પોતાની મેળે જ સંબંધમાં આગળ વધવા રાજી નહીં થાય. જે વ્યક્તિ તમને જેવી છે એવી જ સ્વીકારી શકે એ જ વાત બહુ મોટી નથી? હાથે કરીને દુ:ખ ઊભું કરવાને બદલે જે તકલીફ આવી છે એને સ્વસ્થતાથી સ્વીકારશો તો સૌ સારા વાનાં થશે.