૧૧ વર્ષના દીકરાથી પથારી ભીની થઈ ગઈ

05 May, 2023 06:03 PM IST  |  Mumbai | Dr. Vivek Rege

સેકન્ડરી બેડવેટિંગ એટલે કે ૬ મહિના સુધી બાળકે ક્યારેય પથારી ભીની ન કરી હોય અને અચાનક જ તેની પથારી ભીની થવા લાગે તો એની પાછળ શારીરિક કરતાં માનસિક કારણો વધુ જવાબદાર હોઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

મારો દીકરો ૧૧ વર્ષનો છે. ખાસ્સો સમજુ અને ડાહ્યો છે. તે બે વર્ષનો હતો ત્યાં સુધી પથારી ભીની કરતો એ પછીથી તેણે ક્યારેય પથારી ભીની નથી કરી. બે દિવસ પહેલાં તેની પથારી ભીની થઈ ગઈ હતી. મારાથી થોડું વિચિત્ર રીઍક્શન અપાઈ ગયું કે હાય-હાય! આ શું? તે બિચારો એને કારણે ખાસ્સો હેબતાઈ ગયો. તેને શરમ પણ આવી હતી. ત્યારથી તે મારાથી ભાગતો ફરે છે. કશું બોલતો નથી, ટૂંકા જવાબ આપીને જતો રહે છે. શું આ કોઈ યુરિનરી ટ્રૅકનો પ્રૉબ્લેમ છે? 

બાળક પથારી ભીની કરે એની પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો હોય છે, પરંતુ તમે જે વર્ણવો છો એ પરિસ્થિતિમાં કારણ શારીરિક નહીં, માનસિક લાગે છે. આ યુરિનરી ટ્રૅકને લગતી કોઈ સમસ્યા નહીં હોય એમ હું માનું છું, કારણ કે ૧૧ વર્ષ સુધી એ બાળક નૉર્મલ હતું. તે પથારી ભીની નહોતું જ કરતું. તમે જે વર્ણવો છો એ સમસ્યાને સેકન્ડરી બેડવેટિંગની સમસ્યાની કૅટેગરીમાં મૂકી શકાય. સેકન્ડરી બેડવેટિંગ એટલે કે ૬ મહિના સુધી બાળકે ક્યારેય પથારી ભીની ન કરી હોય અને અચાનક જ તેની પથારી ભીની થવા લાગે તો એની પાછળ શારીરિક કરતાં માનસિક કારણો વધુ જવાબદાર હોઈ શકે છે. માટે સૌથી પહેલાં તો બાળકને અપરાધભાવમાંથી બહાર કાઢવા તેને એ અહેસાસ દેવડાવો કે પથારી ભીની થઈ ગઈ એમાં શરમ જેવું નથી. એવું થઈ જાય, ઘણા સાથે થાય. તમે પણ તેને સૉરી કહો અને તેને જણાવો કે આ પ્રકારનું રીઍક્શન નહોતુ આપવાનું, પણ અપાઈ ગયું. જેટલી નૉર્મલ તમે વાત કરી શકો એટલી કરો, એ જરૂરી છે.  

ઘણી વખત એવું થતું હોય છે કે બાળકો સ્કૂલ બદલે, સ્કૂલમાં કોઈ પ્રકારની સજા મળે, ઘરમાં માતા-પિતાના ઝઘડા, તેમનું સેપરેશન કે ડિવૉર્સ, પોતાના મિત્રો દ્વારા થયેલું કોઈ અપમાન વગેરે કારણસર જ્યારે બાળક અસલામતી અનુભવે અને એન્ગ્ઝાયટી એટલે કે ડર અને ચિંતાનો શિકાર બને ત્યારે એના પરિણામ સ્વરૂપ બેડવેટિંગની સમસ્યા ઉદ્ભવી શકે છે. તમારા બાળકના જીવનમાં અત્યારે એવું શું છે જેને કારણે તે ડરી ગયો છે કે કોઈ બીજા સ્ટ્રેસમાં છે એ વિશે તમારે તેની સાથે વાત કરવી જ પડશે. એવું હોય તો કોઈ સાઇકોલૉજિસ્ટ કે કાઉન્સેલરની મદદ પણ લઈ શકો છો.

columnists health tips