Lockdown Tips: લૉકડાઉનના સમયમાં બાળકોને મસ્ત અને વ્યસ્ત રાખવા

07 May, 2020 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Lockdown Tips: લૉકડાઉનના સમયમાં બાળકોને મસ્ત અને વ્યસ્ત રાખવા

બાળકોને આખો દિવસ એક યા બીજી પ્રવૃત્તિમાં જોડેલા રાખવા સરળ કામ નથી. - પ્રતીકાત્મક તસવીર

એકાએક સોશિયલ આઇસોલેશન (સામાજિક અલગાવ) કે ક્વૉરેન્ટાઇનનો સામનો કરવાથી વ્યક્તિની અંદર ડર અને ચિંતાની લાગણી પેદા થઈ શકે છે તથા પુખ્તોની જેમ બાળકોને પણ અસર થાય છે. તેઓ પણ ડર અને ચિંતાની લાગણી અનુભવી શકે છે. વર્કિંગ પેરેન્ટને તેમના બાળકો સાથે વધારે સમય પસાર કરવા મળે છે એને આપણે નકારી ન શકીએ. પણ સાથે એના પોતાના પડકારો છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે લોકડાઉન લાગુ છે, ત્યારે પરિવારો આખો દિવસ ઘરે પોતાનાં બાળકોને એક યા બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ઘણા બાળકોની સ્કૂલ એક્ઝામ રદ થઈ છે અને હવે અભ્યાસનું દબાણ કે ભારણ નથી. પણ સાથે સાથે ઘરેથી કામ કરતાં માતાપિતાઓ માટે બાળકોને આખો દિવસ એક યા બીજી પ્રવૃત્તિમાં જોડેલા રાખવા સરળ કામ નથી.

ડૉ. શૌનક અંજિક્યા, કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ દ્વારા હાલના સમયમાં અને ભવિષ્યમાં યાદ રાખવા જોઈએ એવા કેટલાંક મહત્ત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યાં છે.

  1. સોશિયલ મીડિયાની અસર – આ સમયગાળા દરમિયાન 24x7 સોશિયલ મીડિયા સાથે પેરેન્ટિંગનો અર્થ સંપૂર્ણપણે બદલાઈને નવો થઈ ગયો છે. વ્હોટ્સએપ મેસેજમાં વેબસાઇટ અને એપ્સ વિશે જાણકારી મળે છે, જે તમારા બાળકોને વ્યસ્ત રાખવાની સાથે રજાના દિવસોમાં એમનાં ઊર્જાવંત અને પ્રોત્સાહિત રાખશે. બાળકોને વ્યસ્ત રાખવા માટે સંઘર્ષ કરતાં માતાપિતાઓ માટે આ પ્રકારનાં ફોરવર્ડ મેસેજ મદદરૂપ છે? કદાચ હોય, અને કદાચ ન પણ હોય.
  2. શિસ્ત – કેટલીક બાબતમાં બાળક સાથે બાંધછોડ ન કરી શકાય ઉદાહરણ તરીકે, ભોજન કરવાનો સમય, અભ્યાસ કરવાનો સમય, રોજિંદા કસરત અને ઉચિત વર્તન. આ સિવાય બાકીની બાબતો તમારે બાળક પર છોડી દેવી જોઈએ. બાળક સાથે કડક અભિગમ અપનાવવાથી એ તમારી વાત એકને સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે એવું બની શકે છે. કહેવાનો અર્થ એ છે કે, માતાપિતાનો શિસ્તનો વધારે પડતો આગ્રહ બાળકને જિદ્દી બનાવી શકે છે. દરરોજ બાળકો તમે કહો એ બધું નહીં કરે, પણ શું કરવું અને શું ન કરવું અને તેમની પસંદગીને આધારે આ દરેક પ્રવૃત્તિ કેવી રીતે કરવી એનું શીડ્યુલ બાળકને નક્કી કરવા દો
  3. પ્રેમ – આ સમયમાં તમારા બાળકો ખુશ રહે એવો પ્રયાસ કરો. તેમના માટે આ સોનેરી ગાળો બની શકે છે, જે તેમને ફરી ક્યારેય મળવાનો નથી. આખો દિવસ તેમણે શું કરવું જોઈએ એ વિશે તમામ નિયમોનું પાલન હંમેશા થાય એવો આગ્રહ ન રાખો.
  4. આનંદ કરો – તમે એક યા બીજી જુદી જુદી વાનગી બનાવવી, વીડિયો ગેમ્સ રમવી કે ઇન્ડોર બોર્ડ ગેમ્સ રમવી વગેરે જેવી બાળકોને આનંદ આવે એવી પ્રવૃત્તિઓ કરી શકો છો. જો બાળકો બહુ નાના હોય, તો તેમને વાર્તાઓ વાંચીને સંભળાવો. આ રીતે તમે તેમની સાથે સારો સમય પસાર કરી શકશો, જેમાંથી એમને તમારો પ્રેમ અને આનંદ બંને મળી શકે છે.
  5. સામાજિક જવાબદારી – આપણે દેશ અને દેશવાસીઓના હિત માટે ઘરમાં રહીએ છીએ, નહીં કે આપણા પ્રિયજનો માટે જ. આવું કહીને તેમને સામાજિક રીતે જવાબદાર બનવાનું શીખવો.
  6. સરખામણની ન કરો – આપણે આપણી જાત પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખીએ છીએ – તમારી જાતને થોડી ઢીલી મૂકો. તમારી કે તમારા બાળકોની અન્ય લોકો સાથે સતત સરખામણી ન કરો. કોઈ પરફેક્ટ પેરેન્ટ નથી!
  7. સતત સલાહ ધ્યાનમાં ન લો – તમને અનુકૂળ ન હોય એવી સલાહની ઉપેક્ષા કરો, અથવા જે સલાહને માનવાની ક્ષમતા તમારામાં ન હોય એના પર ધ્યાન ન આપો! તમારા માટે શ્રેષ્ઠ લાગે એ સલાહને અનુસરો.
  8. બાળકોને માર્ગદર્શન આપવા દો – બાળકોને એમની રીતે ખુશ રહેવા દો. તમારા બાળકોને ખુશ રહેવા કઈ બાબત જરૂરી છે એ વિશે પૂછો. તમારા કેટલાંક નિર્ણયોમાં તમારા બાળકોને સામેલ કરો, જેથી તેમના વિચારો જાણી શકાય અને તમારા જીવનમાં તેમનું સ્થાન મહત્ત્વપૂર્ણ હોવાનો અહેસાસ થાય. દુનિયામાં બાળકોને ખુશ જોવા એ સૌથી સારી લાગણી અને સૌથી સંતોષકારક બાબત છે!
  9. સૌપ્રથમ તમારું ધ્યાન રાખો – જો તમે તમારી કાળજી ના રાખો, તો તમે અન્ય કોઈ વ્યક્તિની કાળજી ના રાખી શકો. આ અત્યારે અને હંમેશા સાચું છે. તમારી લાગણીઓને સર્વોચ્ચ સ્તર પર કામ કરવાની જરૂર છે, જેથી જ્યારે તમારા બાળકોને જરૂર હોય, ત્યારે તમે તેમની સાથે રહી શકો. વધારે પ્રતિબદ્ધતા અને લાંબો સમય કામ કરવાનું ટાળીને તમારા પોતાના માટે થોડો સમય કાઢવો ખરેખર સારો વિચાર છે, જેથી તમારા બાળકોને ઉચિત સમય ફાળવી શકો. માતાપિતા જે કહે છે એની સાથે તેમને જોઈને પણ બાળકો શીખે છે. સુખી અને સ્વસ્થ માતાપિતા બાળકોને સુખી અને સ્વસ્થ બનાવે છે.
  10. નવી પેઢીને આવકાર – જનરેશન ઝેડ એ પોસ્ટ-મિલેનિયલ જનરેશન છે, કારણ કે તેમનો જન્મ એકવીસમી સદીની શરૂઆતમાં કે પછીના વર્ષોમાં થયો છે. સ્વાભાવિક રીતે અગાઉની પેઢીઓ કરતાં જનરેશન ઝેડ માટે ઘરની અંદર રહેવું અને વર્ચ્યુઅલ વર્લ્ડ સાથે જોડાયેલા રહેવું વધારે સરળ છે. જનરેશન ઝેડ અગાઉની પેઢીઓ કરતાં અલગ છે, કારણ કે આ પેઢી વધારે ગ્લોબલ અને વિવિધતાસભર છે. તેઓ અનેક પ્લેટફોર્મ અને ચેનલો ધરાવે છે, જ્યાં જનરેશન ઝેડ જોડાઈ શકે છે અને પ્રદાન આપી શકે છે. માનવતા ઇનોવેશન માટે હંમેશા યુવા પેઢીને આભારી હોય છે, પણ અત્યારે અગાઉ કરતાં વધારે ઝડપથી આ કામગીરી થઈ રહી છે. જેમ ટેકનોલોજી અને કનેક્ટિવિટી ઝડપથી બદલાશે, તેમ પેઢીઓ પણ ઝડપથી પરિવર્તન કરશે.

  ડૉ. શૌનક અંજિક્યા, કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રિસ્ટ, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ

coronavirus covid19 health tips