મલ્ટિગ્રેન ખાશો તો માંદા પડશો

04 October, 2023 07:05 PM IST  |  Mumbai | Sameera Dekhaiya Patrawala

આવો દાવો સોશ્યલ મીડિયા પર કેટલાય ડાયટિશ્યનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેટલાક ‍માને છે કે મલ્ટિગ્રેન ડાયજેસ્ટિવ સિસ્ટમને ખોરવી નાખી શકે છે, તો બીજી તરફ કેટલાક ડાયટિશ્યનો માને છે કે એનાથી પોષણ સંતુલિત થાય છે. આજે જાણીએ સિક્કાની બન્ને બાજુ.

પ્રતીકાત્મક તસવીર


મલ્ટિગ્રેનના ફાયદા જણાવતા અનેક વિડિયો આપણે અવારનવાર સોશ્યલ મીડિયામાં જોયા જ હશે, પણ છેલ્લા થોડા સમયથી આ ટ્રેન્ડ ખોટો હોવાની વાત ફરી રહી છે. આવો જ એક વિડિયો ડાયટિશ્યન  લવલીન કૌરનો છે, જેમાં તેઓ મલ્ટિગ્રેન રોટી ન ખાવા પર ખાસ ભાર મૂકે છે. મલ્ટિગ્રેન આટાનું સેવન ક્યારેક ડાયજેસ્ટિવ ઇશ્યુ ઊભા કરી શકે છે એવું માનતાં ડાયટિશ્યન લવલીન કૌર કહે છે, ‘દરેક અનાજની પાચનપ્રક્રિયા અલગ હોય છે. એકથી વધારે પ્રકારનાં અનાજને બ્રેક કરવું પાચનતંત્ર માટે ચૅલેન્જિંગ બની શકે છે. એને લીધે બ્લોટિંગ, ગૅસ અને ડિસકમ્ફર્ટ થઈ શકે છે. એનું કારણ એ જ કે તમારું શરીર અનાજના વિવિધ ઘટકોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય છે. મેં જોયું છે કે મલ્ટિગ્રેન આટા ક્યારેક કબજિયાતનું કારણ પણ બની શકે છે. અનાજનું મિશ્રણ પાચનપ્રક્રિયાને ધીમી પાડી શકે છે, કચરાને પસાર થવામાં મુશ્કેલી પડે છે, જે ડિસકમ્ફર્ટ અને અનિયમિત આંતરડાની હિલચાલ તરફ દોરી જાય છે. એક સમયે એક જ અનાજ કે મિલેટ પર સ્વિચ કરવાથી મારા કેટલાય દરદીઓને મદદ મળી છે. બીજું એ કે પ્રોસેસ્ડ મલ્ટિગ્રેનને સામાન્ય રીતે બ્રાન અને જર્મ (જર્મ એ બી ગ્રુપ વિટામિન્સ, ઍન્ટિ-ઑકિસડન્ટ્સ અને વિટામિન-ઈ ધરાવતું ન્યુટ્રિશનલ પાવરહાઉસ છે) દૂર કરવામાં આવે છે, સિવાય કે એ આખા અનાજમાંથી બનાવવામાં આવે.’
કંપનીઓ મલ્ટિગ્રેનને હેલ્ધી ગણાવે છે, પરંતુ ઉત્પાદન દરમ્યાન કેટલાં આખાં અનાજ અને કેટલો રિફાઇન્ડ આટો ભેળવવામાં આવ્યો છે એ કોણ જાણે છે? એમ જણાવતાં લવલીન ઉમેરે છે, ‘જ્યારે તમે વધારે પડતું ફાઇબર ખાઓ છો ત્યારે એ તમારા આંતરડામાં ખોરાકને ફરવા માટે જે સમય લાગે છે એ રિડ્યુસ કરી શકે છે. ઉપરાંત, ફાઇબર પાણી અને બીજાં જરૂરી પોષક તત્ત્વોને પણ ઑબ્ઝર્બ કરે છે, જે તમારા ઇન્ટેસ્ટાઇનમાં અન્ય પોષક તત્ત્વોને ભળતાં રેઝિસ્ટ કરી શકે છે. હું એમ નથી કહેતી કે મલ્ટિગ્રેન એ વિલન છે અને એનાથી કોઈના સ્વાસ્થ્યને મોટું નુકસાન થવાની શક્યતા છે, પરંતુ જો તમે દિવસમાં બે-ત્રણ વખત રોટલી ખાતા હો અને તમને શ્રેષ્ઠ પોષણ જોઈતું હોય તો એ ત્યારે જ શક્ય બને જ્યારે તમે દરેક પ્રકારના અનાજનું અથવા મિલેટનું સેવન કરો, જ્યારે આપણે દરેક વસ્તુનો પૂર્ણ હિસ્સો ખાઈએ છીએ. અઠવાડિયામાં દરેક અનાજનો ઓછામાં ઓછો બે વખત વારો આવે એ રીતે તમારી ડાયટ પ્લાન કરો. જેમ કે બે દિવસ માટે આખા ઘઉંનું સેવન કરો, પછી ઋતુ પ્રમાણે બે દિવસ જવ પછી બે દિવસ રાગી કે જુવાર કે બાજરી. પછીના દિવસોમાં ઓટ્સ કે પોરીજ કે ફૉક્સટેલનો તમારા ખોરાકમાં સમાવેશ કરો.’
બેથી વધુ અનાજ નહીં જ | કેવા સંજોગોમાં એક કરતાં વધુ અનાજ સાથે ખાઈ શકાય એની વાત કરતાં લવલીન કહે છે, ‘એ દિવસો ગયા જ્યારે આપણે આખા અનાજની ખરીદી કરતાં, એને પલાળીને તડકામાં સૂકવ્યા પછી સ્થાનિક ચક્કી પર જાતે જ પિસાવતાં. જો તમને હજી પણ આવું કરવું  પરવડે એમ હોય તો ચોક્કસ કરો, પણ બેથી વધુ અનાજ મિક્સ ન કરીને ઘરે જ તમારા મલ્ટિગ્રેન બનાવો. તેની સાથે કોઈ વાંધો ન હોવો જોઈએ, પણ જો મલ્ટિગ્રેનના સેવન બાદ તમને પેટ સંબંધી સમસ્યા કે ઍલર્જી થતી હોય તો કલ્પ્રિટ મલ્ટિગ્રેનમાં રહેલો કોઈ અજાણ્યો ઘટક હોઈ શકે છે. એક તો મલ્ટિગ્રેનનું માર્કેટિંગ કરવામાં આવે છે અને બીજું, ડૉક્ટરો પણ માને છે કે એ ડાયાબિટીઝના દરદીઓ માટે શ્રેષ્ઠ છે. એનું કારણ તેનો લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ,  હાઈ ફાઇબર અને કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ કન્ટેન્ટ છે, પણ ડાયાબિટીઝના દરદીઓને સિંગલ મિલેટથી વધુ સારાં પરિણામ જોયાં છે. કેટલાક લોકો મિલેટને પણ રિફાઇન્ડ લોટ કે ઘઉંના લોટમાં ભેળવે છે જેથી રોટલી બનાવવી સરળ બને.’
એટલો વાંધો નથી આવતો | મલ્ટિગ્રેનના હેલ્થ બેનિફિટ્સની ચારે કોર ચર્ચા વચ્ચે ઇન્ડિયન કિચનમાં દિવસે-દિવસે ઘઉંના આટાની બનેલી રોટલીનું સ્થાન મલ્ટિગ્રેન રોટી લઈ રહી છે. ત્યાં સુધી કે બાળકો માટે બનાવવામાં આવતા સ્નૅક્સમાં પણ મલ્ટિગ્રેન આટાનો ઉપયોગ કરવામાં આવે છે. ડાયેટિશ્યન અને ડાયાબિટીઝ એજ્યુકેટર કુંજલ શાહ કહે છે, ‘મલ્ટિગ્રેન હેલ્થ માટે ગુણકારી છે એમાં કોઈ શક નથી. આપણા ખોરાકમાં ફાઇબર જેટલું વધારે એટલું એ હેલ્થ માટે સારું. મલ્ટિગ્રેનમાં રહેલાં વિવિધ અનાજ આપણને અલગ ન્યુટ્રિશન આપીને કુલ મળી એક હેલ્ધી આહાર આપે છે, જેમ કે બાજરામાંથી આયર્ન મળે, નાચણી પ્રોટીન અને કૅલ્શિયમનો ગુસ સોર્સ છે, સોયા અને બેસન ઓટ્સ વગેરેમાંથી પ્રોટીન મળે. આમ જુઓ તો ઇન્ડિયામાં ફુલ પ્લેટ મીલ આપણે અમસ્તા પણ ખાઈએ જ છીએ. બહુ બધાં ઘરોમાં રાઇસ અને રોટી રોજ ખવાય છે. તેમની ડાયજેસ્ટિવ સિસ્ટમ એ રીતે ટ્રેઇન થઈ ગઈ છે. એવામાં મને નથી લાગતું કે તેમને મલ્ટિગ્રેન રોટી કોઈ પ્રૉબ્લેમ કરી શકે. એમાં ડાયેટરી ફાઇબર હોય છે એટલે જે લોકોને વેઇટ ઓછું કરવું છે તેમને માટે તથા ડાયબિટીવાળા પેશન્ટ માટે તો મલ્ટિગ્રેન ખૂબ સારો ઑપ્શન છે. પણ થાઇરૉઇડવાળા પેશન્ટે સોયાવાળા મલ્ટિગ્રેન અવૉઇડ જ કરવાં જોઈએ. કોઈને ડાયજેસ્ટિવ ઇશ્યુ આવતા હોય તો તેમણે પહેલાં એ જોવું રહ્યું કે તેમના મલ્ટિગ્રેનમાં કયું અનાજ કેટલા પ્રમાણમાં છે. એક કિલો લોટમાં ૧૦૦-૧૦૦ ગ્રામના પ્રપોર્શનમાં કશુંક નાખીએ તો વાંધો ન આવે. તૈયાર મલ્ટિગ્રેન અવૉડ કરવાં જોઈએ. મોટા ભાગે ઘઉંના આટાનું પ્રમાણ લોકો એટલે વધુ રાખે છે, કારણ કે એની અંદરનું ગ્લુટેન રોટી વાળવા કામ લાગે છે, પણ ગુજરાતી ફૅમિલીમાં સૌને રોટલો બનાવતાં આવડે છે, એટલે વધુ આટાની જરૂર અવૉઇડ કરવી જોઈએ. ઓબેસિટી, ડાયાબિટીઝ, થાઇરૉઇડ (સોયા વગર લેવું), કૉલેસ્ટરોલ અને પીસીઓડીના પેશન્ટને અમે મલ્ટિગ્રેન રેકમન્ડ કરીએ છીએ. આ ઉપરાંત થૂલી (બ્રોકન વીટ), બ્રાઉન રાઇસ, કીનોઆ પણ વેઇટ લૉસમાં મદદરૂપ છે. આખાં અનાજથી જો પ્રૉબ્લેમ થતો હોય તો એનાં ફાડાં ખાવાં, જેમાં ફાઇબર ઘટી જશે. જેમ કે મગની જગ્યાએ મગદાળ, વીટની જગ્યાએ બ્રોકન વીટ. મારા મતે મલ્ટિગ્રેન અવૉઇડ ન જ કરવાં જોઈએ. જો એને યોગ્ય રીતે લેવામાં આવે અને એમાં રહેલાં અનાજનું પ્રમાણ યોગ્ય હશે તો ડાઇજેસ્ટિવ ઇશ્યુ પણ કોપઅપ થઈ શકે છે.’

life and style indian food gujarati mid-day