ચર્ની રોડ-ઈસ્ટમાં સૈફી હૉસ્પિટલની પાછળની ખાઉગલીની સુપર સિક્સ ડિ‌શિઝ

03 March, 2020 05:18 PM IST  |  Mumbai Desk | Sejal Patel

ચર્ની રોડ-ઈસ્ટમાં સૈફી હૉસ્પિટલની પાછળની ખાઉગલીની સુપર સિક્સ ડિ‌શિઝ

પિન્ક પાસ્તા

સાંજના સમયે ચર્ની રોડ સ્ટેશનની ઈસ્ટ સાઇડમાં બહાર નીકળો એટલે ફાઇવ-સ્ટાર હોટેલ જેવો ભાસ કરાવતી મસ્ત ઝગમગતી સૈફી હૉસ્પિટલ દેખાય. એ બિલ્ડિંગની પાછળ સ્વાદરસિયાઓનું જન્નત છુપાઈ બેઠું છે એની ખબર પણ ન પડે. હૉસ્પિટલને અડીને જ ખાણીપીણીના સ્ટૉલ્સ શરૂ થઈ જાય છે જે છેક આખી ગલી સુધી ફેલાયેલા છે. આ છે હિન્દુજા કૉલેજ લેન, જેમાં નારિયેળ પાણીથી લઈને જોઈએ એ તમામ જન્ક-ફૂડ મળે અને ચાઇનીઝ-ઈટાલિયનથી લઈને મહારાષ્ટ્રિયન થાળી પણ મળે છે. આ ગલીમાં એક સાઇડ પર ફ્રેશ શાકભાજીના સ્ટૉલ્સ લાગેલા છે અને બીજી તરફ ખાણીપીણીના સ્ટૉલ્સ. સાંજે સાડા છ પછી તો અહીં માખીઓ બણબણતી હોય એટલા માણસોના ટોળા દેખાય. આ વિસ્તારમાં કેટલીક કૉલેજો આવેલી છે એટલે દિવસે અહીં યંગસ્ટર્સની વસ્તી વધુ હોય. સાંજના સમયે પણ મોટા ભાગે આ વિસ્તારમાં રહેતા જુવાનિયાઓ ટુ-વ્હીલર પર આવે. બે-ત્રણ સ્ટૉલ્સને બાદ કરતાં અહીં ક્યાંય બેસવાની જગ્યા નથી એટલે સ્કૂટી કે બાઇકને જ ડાઇનિંગ ટેબલ બનાવીને ટોળે મળીને ટેસ્ટી સ્ટ્રીટ-ફૂડની જયાફત ઉડાડતા સ્વાદરસિયાઓ મળી જાય. સૅન્ડવિચ, સાઉથ-ઇન્ડિયન, ચાઇનીઝ, ઇટાલિયન, ફ્રેન્કી, સોડા, લીંબુપાણી, ગન્ના જૂસ, પાંઉભાજી, કબાબ રોલ્સ એમ જાતજાતની ચીજો અહીં મળે છે. છેક ગલીમાં ઊંડે સુધી જાઓ તો છેલ્લો સ્ટૉલ આવે જયશ્રી ઝુણકા ભાખર કેન્દ્રનો. નામ વાંચીને જો તમે સાંજે અહીં ઝુણકા ભાખર ખાવાની ઇચ્છાથી પહોંચશો તો નિરાશ થશો. આ ટુ-ઇન-વન સ્ટૉલ છે જે સવારે મહારાષ્ટ્રિયન વેજિટેરિયન થાળી પિરસે છે અને સાંજે તમામ જન્ક અહીં મળે છે. પાંઉભાજી, ઢોસા, મિસળ, સૅન્ડવિચ, ચાઇનીઝ રાઇસ-નૂડલ્સ, પીત્ઝા, પુલાવ એમ બધું જ વેચે છે. ભાવ પણ રિઝનેબલ છે અને બેસવા માટે રોડ પર દસ-પંદર પ્લાસ્ટિકના ટેબલ લગાવી દીધા છે. સવારે ૮૦ રૂપિયામાં થાળી અને ૧૦૦થી ૧૩૦ રૂપિયામાં ચાઇનીઝ રાઇસ વિથ મન્ચુરિયન મળે. અહીં મોટા ભાગે પરિવારોની ભીડ વધુ જોવા મળી. એ ઉપરાંત અહીં મિસ્ટર કલામ નામનો ઑલ ઇન વન સ્ટૉલ છે જે સ્ટાર્ટર, સૂપ, નાચોઝ, સૅન્ડવિચ, પીત્ઝા, નૂડલ્સથી માંડીને સિઝલર જેવી ડિશીઝ સર્વ કરે છે. અહીં કૉલેજિયનોમાં બહુ ફેમસ એવી રાજુ સૅન્ડવિચનો સ્ટૉલ પણ છે જ્યાંની નટેલા ટોસ્ટ સૅન્ડવિચ બહુ ફેમસ છે. એ ઉપરાંત પણ અહીં સૅન્ડવિચના બીજા ઘણા સ્ટૉલ્સ છે. ચા અને મસાલા દૂધ, શેરડીનો રસ પણ અહીં છે. એમ તો અહીં ખાવા જેવું ઘણું છે, પણ અમને આ ખાઉ ગલીમાંથી પસંદ આવી એ છ ડિશીઝની વિગતે વાત કરીશું.

પિન્ક પાસ્તા
કેટલીક ખાઉગલીઓમાં અમુક સ્ટૉલ્સ ફેમસ હોય, પણ અહીં સી.પી.ટૅન્ક પાસ્તાને કારણે હિન્દુજા ખાઉ ગલી ફેમસ છે એમ કહીએ તોય ચાલે. પહેલાં અહીં રસ્તા પર એક ઠેલો લાગતો અને બીજા સ્ટૉલ જેવું ગલીની અંદરના ભાગમાં હતું. જોકે હવે એ સ્ટૉલ ત્રણ રસ્તા પાસેની મોકાની જગ્યાએ શિફ્ટ થઈ ગયો છે એટલે જ્યાં સ્ટૉલ છે એની બહાર જ એનો ઠેલો છે. પાસ્તા ઠેલા પર બને છે જ્યારે પીત્ઝા અને અન્ય ઇટાલિયન ચીજો પાછળના સ્ટૉલમાં. અહીંના પિસ્ક પાસ્તા વર્લ્ડ ફેમસ છે અમે કહીએ તોય ચાલે. વાઇટ અને રેડ ગ્રેવીનું મિશ્રણ કરીને તૈયાર થતા પાસ્તા દેખાવમાં ગુલાબી ઝાંય ધરાવે છે. એની પર ખૂબબધું છીણેલું ચીઝ ડિશને ડેલિશ્યસ બનાવે છે. આ પાસ્તાની ગ્રેવી સહેજ મીઠાશ ધરાવે છે પરંતુ એની અંદર ઠાંસી-ઠાંસીને નાખેલા ઇટાલિયન હર્બ્સને કારણે માઇલ્ડ તીખાશ જીભને ગમે એવી છે. હા, પહેલાં કરતાં હવે આ ડિશના ભાવ પણ વધી ગયા છે અને ક્વૉન્ટિટી પણ પહેલાં કરતાં ઘટાડી દીધી છે.

પનીર રોલ / ફ્રૅન્કી
રોલ અને ફ્રૅન્કીના અહીં અઢળક સ્ટૉલ્સ છે, પણ સ્ટાર રોલ્સ નામના ઠેલા પર તમને પડે એના કટકા થાય એટલી ભીડ જોવા મળશે. અહીં તમને મન્ચુરિયન, ચીઝ અને સમોસા ફ્રેન્કી પણ મળશે. મન્ચુરિયન નૂડલ ફ્રૅન્કી અને સમોસા ફ્રૅન્કી અહીં ટ્રાય કરવા જેવી છે. પનીર કબાબ રોલ્સ પણ અહીં ટ્રાય કરવા જેવા છે. પનીરના ટુકડાને કોલસામાં બાર્બેક્યુ કરી ને એને યા તો કબાબની જેમ ડિશમાં ખાઈ શકાય અથવા તો રોટલીની અંદર રોલ બનાવીને ખાઈ શકાય. આ પ્યૉર વેજ પનીરવાલા સ્ટૉલ છે જ્યાં જૈન મેન્યૂ પણ છે.

મસાલા અને ગ્રેવી ખીચિયા
મસાલા ખીચિયા તો મુંબઈમાં ઘણેઠેકાણે મળે છે. મોટા ભાગે મસાલા ખીચિયા પર ચટણી, કાંદા-ટમેટાં, સેવ, ચણાની દાળ જેવી ચીજો પાથરીને તૈયાર થાય છે. અહીં એક સ્ટ્રીટ સ્ટૉલ છે જ્યાં બે હાથમાં સમાય એવડા મોટા ખીચિયા પર મસાલો પાથરીને ખીચિયા તૈયાર કરાય છે. એમાં કાચી કેરીની કતરણ છે જે સ્વાદને મસ્ત ટૅન્ગી ટ્વિસ્ટ આપે છે. મસાલા ખીચિયા ઉપરાંત અહીં નવી વરાયટી સીપી ટૅન્ક પાસ્તાવાળાને ત્યાં મળે છે જે છે ગ્રેવી ખીચિયા. એમાં કેપ્સિકમ અને કૉર્ન સાથે પાસ્તાની ગ્રેવી પથરાય છે અને ઉપર ખૂબબધું ચીઝ. પીત્ઝા કટર દ્વારા આ ખીચિયાને કાપીને પિરસવામાં આવે છે. ચોખાના પાપડ અને પાસ્તાની ગ્રેવીનું વિચિત્ર લાગે એવું કૉમ્બિનેશન છે, પણ ટેસ્ટી છે.

પાણીપૂરી
આજકાલ નવરસ પાણીપુરીની ફૅશન છે. અહીં પાંચ રસ ધરાવતી પાણીપૂરીનો સ્ટૉલ છે. રેગ્યુલર પાણીપૂરીના પાણી ઉપરાંત જીરા, લસણ, ફુદીના અને હજમાહજમ એમ પાંચ પ્રકારનાં પાણીવાળી પૂરી સર્વ થાય છે.

મોમોઝ
હજી થોડાક દિવસ પહેલાં જ આ ખાઉ ગલીમાં નવો સ્ટૉલ ઉમેરાયો છે એ છે બોમો કાર્ટ. બૉમ્બે મોમોઝ કાર્ટ નામના આ ઠેલા પર તમને કોઈ ચાઇનીઝ બંદો ખૂબ કર્સ્ટસી સાથે મોમોઝ પિરસશે. આખીય ખાઉગલીમાં મોસ્ટ હાઇજેનિક સ્ટૉલનો અવૉર્ડ આપવાનો હોય તો મોમોઝવાળાનો નંબર આવે. પિરસવાની સ્ટાઇલ પણ ઘણી સોબર છે. અમે અહીંના સ્પિનૅચ કોટેજ ચીઝ મોમોઝ ટ્રાય કર્યાં. એમાં અંદરનું પૂરણ બ્લૅન્ડ છે, એની સાથે પિરસવામાં આવતી સેઝવાન ચટણી ડિશનો સ્વાદ બદલી નાખે છે. આ ચટણી વધુપડતી લાલ ચટક અને રંગવાળી હોય એવું પણ ન લાગ્યું.

કાંજીવડાં
સેવપુરી અને દહીંપુરીના શોખીન હો તો અહીં એક શર્માજીનો ભેલપૂરીનો સ્ટૉલ છે. ઝવેરી બિલ્ડિંગના ગેટની બહાર જ ખૂણામાં એ ઊભો કરવામાં આવ્યો છે. દહીંવડા, દહીં બટાટાપૂરી, રગડાપેટિસ, સમોસા ચાટ અને પાપડી ચાટ જેવી ચીજો અહીં મળે છે. બિલ્ડિંગના ગેટની એક દીવાલને અડીને લારી ઊભી રાખી છે અને તમારે બીજી દીવાલને અડીને ઊભા રહીને ખાવાનું. એમ ન કરો તો બિલ્ડિંગમાં આવવા-જવાનો રસ્તો રોકાઈ જાય. ઠેલાનો માલિક મનોજ સતત મોટેમોટેથી ગ્રાહકોને સાઇડમાં ઊભા રહીને ખાવા માટે ચિલ્લાતો રહેતો હોય છે. રાતના સમયે તો અહીં લાઇન લાગી જાય છે. આ સ્ટૉલ પર રાજસ્થાનની વાનગી કાંજીવડાં અચૂક ટ્રાય કરવા જેવા છે. રાઈના પાણીને ફર્મેન્ટ કરીને રાખવામાં આવે છે એની અંદર મગની દાળના મોટા વડાંને પલાળીને પિરસવામાં આવે છે. પાણીમાં હિંગનો ચટકારો પણ હોય છે. કાંજીવડાં નૅચરલ હાજમાની ગરજ સારે એવું છે.

mumbai food indian food Gujarati food sejal patel