શીતળા સાતમે અમે ટાઢું પણ ટેસ્ટી ખાઈએ...

07 August, 2020 05:56 PM IST  |  Mumbai | Bhakti Desai

શીતળા સાતમે અમે ટાઢું પણ ટેસ્ટી ખાઈએ...

રિંગણાનું રાયતું

હવે તો રાંધણ છઠના દિવસે રાંધવાની અને સાતમના દિવસે ઠંડું ખાવાની પ્રથા પણ ઘણે અંશે ઘટી ગઈ છે. જોકે પરંપરાગત તહેવારોમાં માનતા કેટલાય પરિવારો આ પ્રથાને હજી પણ જીવંત રાખી રહ્યા છે. સાતમના દિવસે ચૂલો પ્રગટાવવાનો જ નહીં એવો નિયમ પાળનારા પરિવારો શું-શું બનાવે છે એ જોઈએ..

આપણા પૂર્વજોથી ચાલતી આવતી અમુક ધાર્મિક પરંપરાઓમાં આહારનું સ્થાન પણ આગવું છે. કયા વ્રત અને ઉપવાસમાં શું ખાવું જોઈએ તથા એ આહારનું સેવન કઈ રીતે કરવું જોઈએ એ પણ નિયમોનો જ એક હિસ્સો છે. શ્રાવણ મહિનાની સુદ અને વદ સાતમે બાળકોની રક્ષા માટે શીતળામાતાની આરાધના માટે આવું જ એક વ્રત માતાઓ કરે છે, જે શીતળા સાતમ તરીકે પ્રચલિત છે. આમાં નાની અને મોટી બે સાતમ હોય છે. આ દિવસે ચૂલા ઠંડા કરી એની પૂજા કરવામાં આવે છે. ઠંડાં ખાઈ શકાય એવાં વ્યંજનો શીતળા સાતમના આગલા દિવસે બનાવી લેવામાં આવે છે એટલે એને રાંધણ છઠ કહે છે. પહેલાં સગડી, પછી પ્રાઇમસ અને હવે ગૅસ અથવા ઇન્ડક્શન કુકર આમ રસોઈ બનાવવાની પદ્ધતિમાં આધુનિકતા જરૂર આવતી ગઈ છે, પણ ગર્વની વાત એ છે કે વર્ષોથી ચાલતું આવતું આ વ્રત આધુનિક સ્ત્રીઓ આજે પણ કરે છે. આવો જાણીએ આ વ્રત કરનાર સ્ત્રીઓ પાસેથી કે તેઓ આ દિવસે શું કરે છે. મોટી શીતળા સપ્તમીને માટે રાંધણ છઠમાં શું બનાવવાનાં છે.

સવારે દેશી ભોજન અને સાંજે ચાટ બનાવીએ છીએ ઃ અનિશા પંચમિયા
અંધેરીમાં રહેતાં અનિશા પંચમિયા કહે છે, ‘આ વ્રત મારા પિયર અને સાસરામાં પેઢીઓથી પરંપરાગત રીતે કરવામાં આવે છે. પહેલાં અમે ગૅસ બંધ રાખતાં અને ચા-દૂધ માટે પ્રાઇમસ વાપરતાં. હવે છેલ્લાં બે વર્ષથી કેરોસીન મળવામાં મુશ્કેલી થાય છે તેથી ગૅસના એક બર્નર પર ચા-દૂધ કરવાની છૂટ રાખી છે. શીતળા સપ્તમીમાં નાનપણથી ઠંડું ખાવાની આદત છે. આમાં શીતળામાતાને ધરાવવા અમે ઘઉંના લોટમાં ગોળ ભેળવી કુલેર બનાવીએ છીએ. જમવામાં તીખાં થેપલાં, બટાટાની અથવા કાચા કેળાની સૂકી ભાજી, કંટોલાનું શાક, સફેદ ખાટાં ઢોકળાં બનાવીએ છીએ. આની સાથે ઘઉં અને બાજરાના લોટમાં ગળ્યા થેપલાં પણ બનાવીએ જ છીએ. ઘરના બધાં જ સભ્યો ઠંડું ખાય છે. સવારે અમે બધાં થેપલાં, શાક, ઢોકળાં એવું દેશી ભોજન જમીએ છીએ અને સાંજે કોથમીરની ચટણી બનાવીને સૅન્ડવિચ, પાણીપૂરી જેવી ચાટ આઇટમ્સ બનાવીએ છીએ.’

આ દિવસે બનતાં મકાઈનાં વડાં અમારા પરિવારને અતિપ્રિય છે : નીતુ શાહ
કાંદિવલીમાં રહેતાં નીતુ શાહ કહે છે, ‘શીતળા સાતમને દિવસે અમે માતાજીને ભોગ ધરાવવા માટે આગલા દિવસે ગળી ભાખરી બનાવી લઈએ છીએ. વર્ષોથી ચાલતા આવતા આ વ્રતમાં અમારા પરિવારને જો કોઈ વાનગી ખૂબ જ ભાવતી હોય તો એ છે ચડિયાતા મસાલાનાં મકાઈનાં વડાં. આ કરકરાં હોય છે અને ચા સાથે સરસ લાગે છે. આનો સ્વાદ તીખો અને ખાટો હોય છે. આ સિવાય થેપલાં, કંટોલાનું શાક, મઠ અને સૂકી ભાજી બનાવીએ છીએ. સાંજે સૅન્ડવિચ અથવા ભેળપૂરી કે સેવપૂરી માટે આગલા દિવસે બટાટા અને બીટ બાફીને રાખીએ છીએ. અમારા વડીલોના આરોગ્યને જોતાં અમે એક બર્નર પર ચાની છૂટ રાખી છે. અમારે ત્યાં મોટી સાતમે આટલાં વ્યંજનો નક્કી જ વર્ષોથી બને છે.’
મકાઈનાં વડાં
સામગ્રી
પા કિલો મકાઈનો લોટ
૧ વાટકી જેટલો ઘઉંનો લોટ
બે ચમચી આદું-મરચાં
અડધી ચમચી સફેદ તલ
પા ચમચી હળદર
૧ ચમચી લાલ મરચું
બે ચમચી ગોળ (છીણેલો)
બે ચમચી દહીં
સ્વાદાનુસાર મીઠું
બનાવવાની રીત
ઉપર આપેલી બધી સામગ્રીને ભેળવી લોટ બાંધીને બે કલાક મૂકી રાખવો. પછી પ્લાસ્ટિક પર મૂકી હાથેથી થેપીને પૂરીથી નાનાં વડાં બનાવી લેવાં અને ત્યાર બાદ એને તેલમાં તળી લેવાં. આ વડાં થોડાં કરકરાં થાય છે અને ચા સાથે ખાવાથી ચાર ચાંદ લાગી જાય છે.

ગરમ ચા-કૉફીની જગ્યાએ બાસુંદી લઉં છું : ઉષા મહેતા
મલાડમાં રહેતાં ઉષા મહેતા કહે છે, ‘શીતળામાતા બાળકની રક્ષા કરે છે અને તેથી બાળકો માટે આ વ્રત કરવામાં આવે છે. આની એક કથા છે, જેનો સાર પણ એ જ છે. હું આમ તો બારે મહિના નાહવા માટે ગરમ પાણી જ વાપરું છું, પણ શીતળા સપ્તમીને દિવસે ઠંડા પાણીનો જ ઉપયોગ કરું છું. આ દિવસે ચા-કૉફી જેવાં ગરમ પીણાં હું નથી લેતી. આની કમી ન લાગે એ માટે બાસુંદી બનાવું છું. અમે પહેલાં રાંધણ છઠને દિવસે ઘૂઘરા, શક્કરપારા, મગજના લાડવા, મોહનથાળ આમ અનેક મિષ્ટાન, ફરસાણ બનાવતાં હતાં; પણ મારું બાળક નાનું છે અને સમયના અભાવે કામને પહોંચી વળવું અઘરું થઈ જાય છે તેથી જરૂરી વસ્તુઓ બનાવી લઈએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ થેપલાં, મગ અથવા મઠ, બટાટાની સૂકી ભાજી અને મીઠી રોટલી બનાવીશ. શીતળા માતાને ધરાવવા બાજરો, ઘઉં, ચોખા આમાંથી એક લોટની ગોળ સાથે કુલેર બનાવીએ છીએ.’


ઠંડી પૂરણપોળી પર થીજેલું ઘી પાથરીને ખાવાની મજા જ કંઈ ઑર છે ઃ શ્રદ્ધા કાકડિયા
મલાડમાં રહેનાર શ્રદ્ધા કાકડિયા કહે છે, ‘અમારા ઘરમાં આ વ્રત દરેક સભ્ય કરે છે. મારા સસરાનું સ્વાસ્થ્ય સારું નથી તો પણ તેઓ બન્ને સાતમમાં ઠંડું ખાય જ છે. ઘરના પુરુષ સભ્યોને ઑફિસ જવાનું હોય તો પણ તેઓ ડબામાં શ્રીખંડ અને પૂરી લઈને જાય છે. અમને બધાને જુવાર-બાજરીનાં વડાં ખૂબ જ ભાવે છે, જે ચા સાથે ખાવાની પણ મજા આવે છે. ખાટાં ઢોકળાં તો વર્ષોથી બધા જ કરતા હોય છે, પણ થોડી નવીનતા માટે હવે અમે ઇડલી બનાવીને વઘારીને રાખીએ છીએ. આ વાનગી વડીલોને ખાવા માટે સ્વાદિષ્ટ અને નરમ છે. દહીંવડાં માટે રાંધણ છઠે વડાં બનાવી લઈએ જેથી બીજે દિવસે ઠંડી વસ્તુમાં એ ખાઈ શકાય. ગળી રોટલી એટલે કે પૂરણપોળી પણ ઠંડી ખાવાની મજા આવે છે, જેમને ઘી ભાવતું હોય તેઓ આના પર થીનું ઘી લગાડીને ખાઈ શકે છે. બાકી તો થેપલાં, કંટોલાનું શાક અને સૂકી ભાજી બનાવીએ છીએ.’

પરંપરાગત રીતે રીંગણાનું રાઈતું અને મીઠો લોલો બનાવીએ છીએ : મણિબહેન ભદ્રા
ઘાટકોપરમાં રહેતાં મણિબહેન ભદ્રા કહે છે, ‘અમારે ત્યાં શીતળા સપ્તમીમાં વિશેષ તો થેપલાં, કંટોલાનું શાક, મીઠી પૂરી, મિષ્ટાનમાં મોહનથાળ, ફરસાણમાં ખાટાં ઢોકળાં અને એકાદ રાઈતું બને જ છે. જૂની અને વીસરાતી પ્રથાની વાત કરું તો અમારા કચ્છીઓમાં પરંપરાગત શીતળા માતા માટે મીઠો લોલો બનાવતાં. મારાં દેરાણીના અવલોકન મુજબ આ લોલો શબ્દ સિંધીમાં પણ છે. કચ્છી અને સિંધી ભાષામાં ઘણું સામ્ય છે. ત્યાંથી જ વ્યંજનનું નામ પડ્યું હશે. આની સાથે રીંગણનું રાઈતું સરસ લાગે છે અને એ બન્નેનો સ્વાદ માણવા જેવો હોય છે. હવે મેથીનાં થેપલાં નથી ભાવતાં તો હું એમાં થોડોક બદલાવ લાવી છું. હું હજી પણ રાઈતું અને લોલો બનાવું છું. આ વર્ષે હું છાશ કે દહીંની જગ્યાએ મલાઈ નાખીને નરમ કોથમીર અને મેથીનાં થેપલાં બનાવીશ, છાશથી બનાવેલાં થેપલાં બીજે-ત્રીજે દિવસે થોડાં ખાટાં લાગે છે.’
રીંગણાનું રાઈતું
બે રીંગણા (ડીચાં કાઢેલાં)
(આમાં રવૈયાથી મોટાં અને મધ્યમ કદનાં દેશી રીંગણાં વાપરવાં. એ ન મળે તો લાંબાં ખલવા રીંગણાં વપરાય છે.)
બે વાટકી દહીંની છાશ
૧ ચમચી જેટલાં લીલાં મરચાં (હાથેથી કૂટેલાં)
૧ ચમચી રાઈને અથવા રાઈની દાળ પાટલી પર મૂકી વેલણથી વાટી લેવી
૧ ચમચી કોથમીર
ચપટી હળદર અને સ્વાદાનુસાર નમક
બનાવવાની રીત
આ બધું મિક્સ કરો એટલે રાયતું તૈયાર. પહેલાંના જમાનામાં લસણ પણ નાખતા
મીઠો લોલો
સામગ્રી
બે વાટકી ઘઉંનો લોટ
૧ વાટકી ગોળ (થોડા પાણીમાં ભેળવીને)
૧ ચમચી ખસખસ
પોણી ચમચી વરિયાળી ભૂકો
પા ચમચી એલચી પાઉડર
બનાવવાની રીત
આ બધું ભેળવીને પૂરીની જેમ વણીને તેલમાં તળી લેવું. પહેલાં આ વાનગી પર છાપ પાડવા માટે એક લાકડાનું નાનું મશીન આવતું જે હવે ભાગ્યે જ કોઈક પાસે મળશે, જેને લોલો માટે ખાસ બનાવવામાં આવતું. આ મીઠો લોલો તૈયાર છે અને એ ખૂબ સરસ લાગે છે

bhakti desai indian food Gujarati food