સ્વાદ સબર્બનો: મલાડ ઈસ્ટમાં મળતી આ ફ્રેન્કી તમે ટેસ્ટ કરી કે નહીં?

15 June, 2022 02:04 PM IST  |  Mumbai | Karan Negandhi

મલાડ પૂર્વમાં સ્ટેશનની નજીકનો વિસ્તાર ખાણીપીણીની દૃષ્ટિએ ઘણો સમૃદ્ધ છે. દરેક ગલી ખાઉ ગલી સમી છે.

સ્વાદ સબર્બનો

મુંબઈની ખાણીપીણીનો ખરો સ્વાદ માણવો હોય તો તેના માટે સ્ટ્રીટ ફૂડ સિવાય કદાચ જ કોઈ વિકલ્પ મળે. જોકેકેટલીક જૂની અને જાણીતી રેસ્ટોરાંએ પણ મુંબઈની ખાણીપીણીની સંસ્કૃતિ-સ્વાદ જાળવી રાખ્યા છે અને તેમનો ઇતિહાસ પણ અદ્ભુત તો ખરો જ. બહારગામથી આવનારાઓ માટે મુંબઈના પ્રવેશ દ્વારા સમા બોરીવલીના પાડોશી સ્ટેશન મલાડની આસપાસ ઘણી જગ્યાઓ છેજેમણે વર્ષોથી લોકોની પેટપૂજા કરી છે અને જીભના ચટકારાનું પણ ધ્યાન રાખ્યું છે. તો આવો જોઈએ મલાડ પૂર્વમાં આવેલી કેટલીક એવી જગ્યાઓ જ્યાં તમે પેટ અને મન ભરીને આ સબર્બનો સ્વાદ માણી શકો છો.

મલાડ પૂર્વમાં સ્ટેશનની નજીકનો વિસ્તાર ખાણીપીણીની દૃષ્ટિએ ઘણો સમૃદ્ધ છે. દરેક ગલી ખાઉ ગલી સમી છે એટલે પાણીપુરીથી છોલેપુરી અને સેન્ડવીચથી લઈને સૂપ અને જ્યુસ સુધી તમામ વિવિધ જાત-જાતની વાનગીઓ તમને અહીં મળી રહેશે, પરંતુ આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં તમારે અચૂક એક વખત તો જવું જ જોઈએ.

૧. સુરભી (Surbhi)

મલાડ સ્ટેશનની બહાર આવતા જ મેઇન રોડ શરૂ થશે ત્યાં પહેલું મોટું બોર્ડ તમને સુરભીનું દેખાશે. મુંબઈની સ્ટ્રીટ પર મળતી દરેક આઈટમ તમને આ એક જ જગ્યાએ મળી રહેશે, પરંતુ જો વિશેષતા પૂછો તો બટર/ચીઝ ગ્રીલ વડાપાવ. રેગ્યુલર પાવની જગ્યાએ બનમાં સ્પેશિયલ ચટણી સાથે મસાલેદાર વડાં અને બટરમાં ગ્રીલ થયા બાદ તેનો સ્વાદ ખરેખર બમણો લાગશે. ઉપરાંત સેઝવાન વડાપાવનો વિકલ્પ પણ મળી રહેશે. મીઠું મોઢું કરવું હોય તો અહીંની લસ્સી પણ ખૂબ વખણાય છે.

૨. હેલ્લો હાયડ્રેશન (Hello Hydration)

સુરભીથી આગળ વધી જમણી બાજુએ પહેલી ખાઉ ગલીમાં થોડાક ડગલાં માંડશો એટલે હેલ્લો હાયડ્રેશનનું ગ્રીન થીમવાળું બોર્ડ તમને દેખાઈ જશે. નામ પ્રમાણે જ તમને હાયડ્રેડ કરવા માટે અહીં જાત-જાતની ફલેફર્સની સોડા મળશે. નોર્મલ સોડા કરતાં કંઈક જુદું ટ્રાય કરવું હોય તો વર્જિન મોહિતો ટ્રાય કરી શકો છો. તેના ખાસ મસાલા અને ફૂદીનાની ફ્લેવર ખરેખર તેને ખાસ બનાવે છે. મોહિતોમાં પણ બીજા વિકલ્પ તમને મળશે.

૩. જય શ્રીરામ ફ્રેન્કી કોર્નર (Jay Shree Ram Frankie Corner)

પહેલી ખાઉ ગલીમાંથી બહાર આવશો એટલે એક ગલી છોડીને બીજી ગલીના કોર્નર પર જ તમને આ સ્ટોલ મળી જશે. ફ્રેન્કીની લગભગ દરેક વેરાયટી તમને અહીં મળશે. અમે ટ્રાય કરી ચીઝ ફ્રેન્કી. જોકે અસલી મજા તેની સ્પેશિયલ ચટણીની છે જે ફ્રેન્કીને ખરેખર એક યુનિક ફ્લેવર આપે છે અને તેનો ટેસ્ટ પણ લાંબો સમય સુધી મોઢામાં રહે છે. સાથે જ જો તમને ચાઇનીઝ ફ્લેવર ગમતી હોય તો તમે સેઝવાન ફ્રેન્કી પણ ટ્રાય કરી શકો છો.

life and style Gujarati food mumbai food malad