ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે સુપર ૭ રેસિપી

19 March, 2020 08:29 PM IST  |  Mumbai Desk | Sejal Patel

ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે સુપર ૭ રેસિપી

રસમ

શરદી-ખાંસી અને વાઇરલ ફીવરની સીઝન છે અને એમાં કોરોનાવાઇરસનો ખૌફ ભળ્યો હોવાથી સાદી અમથી શરદી અને તાવ પણ લોકોમાં પૅનિક ક્રીએટ કરવા માટે પૂરતા છે. ચોમેર કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે લોકો અચાનક જ પોતાના સ્વાસ્થ્ય બાબતે બહુ જાગ્રત થઈ ગયા છે અને ઇમ્યુનિટી બિલ્ડ કરવા શું કરવું જોઈએ એવું પૂછતા થઈ ગયા છે. વૉટ્સઍપ પર વહેતી જ્ઞાનની ગંગામાં અનેક તિકડમો તરતા મુકાયા છે. રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે લીંબુપાણી પીઓ એવી વાતો પણ વહેતી થઈ છે. આ વાત ઘણે અંશે સાચી તો છે જ, પણ લીંબુ કેમ સારું છે એ પણ સમજી લેવું જરૂરી છે. લીંબુમાં રહેલું વિટામિન સી શરીરની રોગપ્રતિકારકતા બિલ્ડ કરવામાં મહત્ત્વનું છે. નિષ્ણાતો પણ માને છે કે વિટામિન સી લેવામાં આવે તો એનાથી શરીરની ઇમ્યુનિટી સુધરે છે, પરંતુ એ કઈ રીતે લેવું બેસ્ટ કહેવાય?
માત્ર જીભના સ્વાદની જ વાત કરીએ તો લીંબુ પાણી ઠંડુંગાર હોય તો જ પીવાની મજા આવે, પણ એ હેલ્થ માટે સારું નથી એમ જણાવતાં મુલુંડના ડાયટિશ્યન જિનલ સાવલા કહે છે, ‘વાઇરલ ફીવર સામે રક્ષણ જોઈતું હોય ત્યારે ઠંડું લીંબુ પાણી હિતાવહ નથી. લીંબુ મોટા ભાગે લોકો કાં તો ગરમ પાણીમાં લે છે કાં પછી સાવ જ ઠંડાં પાણીમાં. એ બન્ને ઠીક નથી. વિટામિન સી એ વૉલેટાઇલ દ્રવ્ય છે. વૉલેટાઇલ મતલબ ઉડ્ડયનશીલ. ગરમીમાં અથવા તો ખુલ્લામાં વિટામિન સી થોડી જ વારમાં હવામાં ભળીને ઊડી જાય એવું હોય. શરદી થઈ હોય ત્યારે ઠંડું બરફવાળું કે ચિલ્ડ લેમન વૉટર લેવામાં આવે તો એ ગળાને રાહત નહીં આપે, બલકે ઠંડકથી વધુ નુકસાન થશે. બીજું, લીંબુ પાણી જો ગરમ કાઢામાં નાખીને પીઓ તો એમાંનું ઘણુંખરું તત્ત્વ ઊડી ગયેલું હોય. એને કારણે લીંબુ લેવું હોય તો લ્યુક વૉર્મ વૉટર અથવા તો નૉર્મલ ટેમ્પરેચર પર જ લેવું જોઈએ.’
વિટામિન સી માટે આપણી પાસે લીંબુ સિવાયના પણ બીજા અનેક ઑપ્શન્સ છે. વળી, શરદી-કફ ન થાય એના પ્રિવેન્શન થાય અને જો ગળામાં ખીચખીચ હોય તો દૂર થાય એ માટે હેલ્ધી પણ રહેવાય અને ટેસ્ટબડ્સને ગમે પણ ખરું એવાં ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિન્ક્સ તરીકે તમે શું લઈ શકો એ જાણીએ ડાયટિશ્યન જિનલ સાવલા પાસેથી.

જિન્જર લેમન શૉટ
લીંબુ અને આદુંનો કૉન્સન્ટ્રેટેડ રસ કાઢીને એક નાના શૉટ જેવા ગ્લાસમાં લેવો જોઈએ. એક લીંબુ નીચોવી લો અને સાથે એક ઈંચ આદુંનો ટુકડો પણ ક્રશ કરી લો. એમાંથી જે રસ નીકળે એનો શૉટ ગ્લાસ બનાવીને લઈ શકાય.
આ શૉટ દિવસમાં બેથી ત્રણ વાર લેવામાં આવે તો શરદી થઈ હોય ત્યારે પણ એ ઍન્ટિ-બાયોટિક જેવું કામ આપશે અને ગળા અને નાકને ખોલીને શ્વાસ લેવામાં રાહત રહેશે.

સ્પાઇસ કાઢો
આપણે ત્યાં દાદીમાનો કાઢો મળે છે એ પણ લઈ શકાય. સાત-આઠ કાળાં મરી, ૪-૫ લવિંગ, એક ઇંચ તજનો ટુકડો, બેથી ત્રણ એલચી, દસ તુલસીનાં પાન, દસ-પંદર ફુદીનાનાં પાન અને મુઠ્ઠીભર લેમનગ્રાસના ટુકડા લઈને બરાબર ઉકાળો. લગભ અડધું પાણી બચે એટલે ગૅસ બંધ કરીને ઠરવા દો.
આ પીણું એમ જ પીવાય તોય ચાલે, પરંતુ સ્વાદ માટે મધ પણ ઉમેરી શકાય. મધ હંમેશાં કાઢો ગૅસ પરથી ઉતારીને ઠાર્યા પછી જ વાપરી ઉમેરવું.

કાચી કેરીનું કચુંબર
ગરમીની સીઝનમાં આમ તો મૅન્ગો મેનિયા શરૂ થઈ જાય. જોકે હજી પાકી કેરી એટલી નથી દેખાતી, પરંતુ કાચી કેરી જરૂર વાપરી શકાય. એમાં વિટામિન સી પણ ભરપૂર હોય છે. ઇમ્યુનિટી સુધારવા માટે કાચી કેરી અને કાંદાને છીણીને બનાવેલું કચુંબર બેસ્ટ છે. એમાં રૉક સૉલ્ટ, શેકેલું જીરું અને ખટાશને માઇલ્ડ કરવા માટે ચપટીક ગોળ નાખવાથી ડેલિશ્યસ કચુંબર તૈયાર થશે. મોટા ભાગે બપોરના ભોજનમાં આ કચુંબર વધુ સારું રહેશે.

ઍપલ, ડ્રેગનફ્રુટ અને ફુદીનો
કોઈ પણ સમયે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો સીઝન ફળો જેટલો બેસ્ટ ઑપ્શન બીજો કોઈ ન હોઈ શકે. જોકે શરદી અને તાવમાં તમે અમુક ફળો નથી ખાઈ શકતાં. ફળોનો જૂસ પીવો હોય તો એવાં જ ફળો લેવાં જેનો પલ્પ તમે ખાઈ શકવાના હો. સંતરા અને મોસંબીની આ સીઝન નથી, પરંતુ સીઝન હોય તો પણ એનો જૂસ નહીં, આખાં ફળો જ ખાવાં હિતાવહ રહે. હાલની સીઝનમાં ઍપલ અને ડ્રેગનફ્રૂટનો જૂસ બેસ્ટ રહેશે. આ ફળોનો જૂસ કાઢતી વખતે એમાં ફુદીનો પણ વાટી લેવો અને સાથે રૉક સૉલ્ટ નાખવું. સૉલ્ટને કારણે ફ્રૂટ્સનો ટેસ્ટ વધી જશે.
આ એવું કૉમ્બિનેશન છે જે તમે કોઈ પણ સમયે લઈ શકો છો.

રસમ
આ માત્ર રાઇસ કે ઇડલી સાથે જ ખાવાની ચીજ નથી, એ તમારી ઇમ્યુનિટી પણ સુધારે છે કેમ કે એમાં વપરાતી ચીજો તીખી, તીવ્ર અને નાક ખોલી નાખનારી છે. સાથે પ્રોટીન પણ એમાં હોવાથી એ બૅલૅન્સ્ડ પીણું બની શકે છે. રસમ બનાવવા માટે કોકોનટ ઑઇલ કે ગાયના ઘીમાં ચપટીકઅડદની દાળ અને ચણાની દાળને લાલ થાય ત્યાં સુધી સાંતળો. એમાં જ વઘાર કરવાનો હોવાથી કઢીપત્તાં, કાળાં મરી અને કાશ્મીરી આખું મરચું નાખીને રોસ્ટ કરો. બધાં તેજાના બરાબર શેકાઈ જાય એટલે ટમેટાંની પ્યુરી અને આમલીનો પલ્પ ઉમેરીને તૈયાર રસમ મસાલો નાખી શકાય. જો લસણ ખાતાં હો તો એની પેસ્ટ પણ ઉમેરી શકાય. બધો મસાલો સરસ સંતળાઈ જાય એટલે છેલ્લે ખૂબ થોડીક માત્રામાં બાફેલી તુવેરની દાળનું પાણી નાખી શકાય. એમાં ખમણેલું કોપરું અને મીઠું નાખો એટલે રસમ તૈયાર.
આ પીણું બપોરે ટી-ટાઇમમાં પણ લઈ શકાય. ચા-કૉફીથી ઇમ્યુનિટી ઘટી જાય છે એટલે એના બદલે ગરમ પીણા તરીકે એક કપ જેટલો રસમ આરામથી લઈ શકાય. ડિનર પહેલાં એક કપ રસમ લેશો તો એ એપિટાઇઝરની ગરજ સારશે. ક્યારેક ડિનરમાં રસમ-રાઇસ કે રસમ-ઇડલી પણ લેવાય.

વેજ સૂપ વિથ ગાર્લિક ઍન્ડ કાયન પેપર
કાયન પેપરમાં પણ ભરપૂર ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે એટલે જો તમારી વાનગીઓમાં આ મરચાંનો ઉપયોગ કરશો તો એનાથી પોષકતત્ત્વોનું પ્રમાણ ખૂબ વધશે. હાલની સીઝન જોતાં કદાચ ગરમ પીણું પીવાનું બહુ ગમશે નહીં, પરંતુ ભોજનમાં સૂપનો સમાવેશ કરવો અને એ સૂપમાં કાયન પેપર લઈ શકાય.
તમને ભાવતાં હોય એવાં વેજિટેબલ્સનું કૉમ્બિનેશન લો અને એમાં એકાદ કાયન પેપર ઉમેરીને બાફી લો. બ્લૅન્ડર ફેરવીને લસણનો વઘાર કરશો એટલે સૂપ તૈયાર.
ગ્રીન વેજિટેબલ્સ, લસણ અને કાયન પેપર આ ત્રણેય ચીજો ઓવરઑલ તમારી ડિશને હેલ્ધી અને બૅલૅન્સ્ડ બનાવશે.

સૂંઠ, ગોળ, ઘી અને હિંગ
તમને શરદી થઈ હોય તો પણ અને ન થઈ હોય તોપણ જ્યારે વાઇરલ ફીવરનો વાવર ચાલતો હોય ત્યારે સૂંઠની લાડુડી બેસ્ટ ઇમ્યુનિટી બુસ્ટર બને છે. જો તમને કફ થયો હોય તો આ ગોળી દિવસમાં બેથી ત્રણ વાર લઈ શકાય અને પ્રિવેન્શન માટે લેવાના હો તો રોજની એક ગોળી બસ છે. ફ્રેશ સૂંઠના પાઉડરમાં થોડોક રસાયણવિનાનો ગોળ અને ઘી બરાબર ચોળીને મિક્સ કરવાં. આ મિશ્રણમાં એકદમ ચપટીક જેટલી હિંગ ઉમેરશો તો એ લંગ્સમાં ભરાયેલા કફને કાઢવામાં મદદ કરશે. હિંગથી નસકોરાં બંધ હોય તો પણ ખૂલશે.

mumbai food indian food Gujarati food health tips