15 April, 2022 08:17 AM IST | Mumbai | Rachana Joshi
પ્રતીકાત્મક તસવીર
કાળઝાળ ગરમી તોબા પોકારાવી દે તેવી હોય છે. ગરમીમાં ધાર્યા ન હોય તેવા સ્વાસ્થ્યનાં પ્રશ્ન ખડાં થાય. ખાવાનું મન થાય પણ અને પેટમાં તરત બગાડ થઇ જાય તેવું પણ બને. આવામાં આપણે કેટલીક એવી પરંપરાગત ચીજોની વાત કરીએ જે ઉનાળામાં જો ખોરાકમાં ઉમેરવામાં આવે તો સ્વાસ્થ્યને એક કરતાં વધુ ફાયદા થાય. પેટને ઠંડક, સુગરમાં રાહત, ડિહાઇડ્રેશનને લડત જેવા કેટ-કેટલાય કામો આપણે શરીર માટે કરવા પડે ત્યારે દાદીમાંના રસોડાના દિવસોથી ચાલી આવતી આ ચીજો તમારે માટે આશિર્વાદ સમી સાબિત થશે.
આજે વાત કરીશું ગરમીમાં ઠંડક આપતી અને સહુની મનગમતી `છાશ` વિશે. ન્યુટ્રિશનિસ્ટ અને ડૅન્ટિસ્ટ ડૉક્ટર રિષિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) આપણને છાશના ફાયદા અને તે કયા સમય પીવી યોગ્ય છે તે જણાવશે.
ડૉક્ટર રિષિતા બોચિયા જોષી
આપણે સહુ જાણીએ છીએ કે, માત્ર હાઇડ્રેશન સાથે ગરમીને હરાવી શકાય છે. શરીરમાં પાણીની ઉણપ ન થાય અને ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવા માટે લોકો અલગ-અલગ ફળોના રસ પીવે છે, કેલાક લોકો શરીરમાં પાણીનું પ્રમાણ વધારવાના ઉપાય કરે છે તો કેટલાક ઘરેલું ઉપચાર શોધે છે. તેમાં સૌથી સરળ અને મનગમતો ઉપાય છે, છાશનું સેવન.
છાશનું નિયમિત સેવન શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. દહીંમાંથી છાશ બનાવવામાં આવે છે.
છાશમાંથી શું મળે છે?
છાશમાંથી મળતા તત્વોની વાત કરીએ તો છાશમાં વિટામિન એ (A), બી (B), સી (C), ઈ (E) અને (K) હોય છે. ઉનાળામાં તેનું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે છે.
ન્યુટ્રિશનિસ્ટ અને ડૅન્ટિસ્ટ ડૉક્ટર રિષિતા બોચિયા જોષી કહે છે કે, ‘છાશમાંથી વિટામિન ડી (D)નો એક ભાગ એટલે કે રાયબોફ્લેવિન (Riboflavin) પણ મળે છે. રાયબોફ્લેવિન તમારા ખોરાકને શક્તિમાં રુપાંતર કરવામાં મદદરુપ થાય છે. એટલે છાશ પીધા પછી પણ તમને તાકાત મળી શકે છે.’
છાશના ફાયદા
છાશનું સેવન કરવાથી શરીરમાં પાણીની ઉણપ નથી થતી. ઉનાળાની ઋતુમાં પુષ્કળ પરસેવો થાય છે. આવી સ્થિતિમાં ડિહાઈડ્રેશનની ફરિયાદ થઈ શકે છે. એટલા માટે ડૉક્ટરો પણ ઉનાળાની ઋતુમાં છાશનું સેવન કરવાની સલાહ આપે છે. તે પાણીની ગરજ સારે છે.
છાશનું સેવન કરવાથી પાચન ક્ષમતા સારી થાય છે. તે પ્રોબાયોટીક્સથી સમૃદ્ધ છે, જે શરીરમાં આંતરડાનું સ્વાસ્થ્ય સારું રાખે છે. ઉપરાંત શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.
એસિડિટી એ મોટાભાગના લોકોમાં સૌથી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે. જમ્યા પછી છાશનું સેવન કરવાથી એસિડિટીથી અને પેટમાં થતી બળતરાથી પણ રાહત મળે છે.
છાશમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. જેના કારણે હાડકા મજબૂત બને છે. તેનું નિયમિત સેવન કરવાથી ઓસ્ટીયોપોરોસીસ નામની બીમારીથી બચી શકાય છે.
છાશનું નિયમિત સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે. છાશમાં કૅલરી અને ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તે એક રીતે ફેટ બર્નર તરીકે કામ કરે છે.
છાશમાં બાયોએક્ટિવ પ્રોટીન હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને નીચે લાવવામાં મદદ કરે છે. તે હૃદયને લગતી ઘણી બીમારીઓથી બચાવે છે અને શરીરમાં લોહીના પ્રવાહને નિયંત્રિત કરે છે. છાશની પ્રકૃતિ એન્ટીબેક્ટેરિયલ, એન્ટિકાર્સિનોજેનિક હોવાથી કેન્સરનું જોઝમ પણ ઘટાડે છે.
છાશનું સેવન કરવાનો યોગ્ય સમય કયો?
એવું માનવામાં આવે છે કે, રાતના સમયે છાશનું સેવન ન કરવું જોઈએ. આ વિશે ડૉક્ટર રિષિતા કહે છે કે, ‘છાશ રાતના સમયે ન પીવી જોઈએ એવું લોકો માનતા હોય છે. શરદી થઈ જાય. પણ જો તમારા શરીરની પ્રકૃતિને છાશ સદતી હોય તો રાત્રે છાશ પીવામાં પણ કોઈ વાંધો નથી.’
જમ્યા પછી છાશ પીવામાં આવે તો પાચનક્રિયામાં મદદ મળે છે. તે જ રીતતે બપોરના સમયે વધુ તડકો હોય તે સમયે છાશ પીવામાં આવે તો શરીરમાં ઘણી ઠંડક રહે છે, તેમ ડૉક્ટર રિષિતા બોચિયા જોષીનું કહેવું છે.
છાશ ગરમ કરીને પીવાથી શરદી થતી નથી એ માન્યતા વિશે ડૉ. રિષિતા કહે છે, ‘છાશ ગરમ કરવી એ બહુ જ ખોટી રીત છે. દુધને ફાડીને જ દહીં બને છે. તેમાંથી બનેલી છાશ ગરમ કરો તો દહીં વધારે ફાટતું જાય છે. જે શરીરને નુકસાન કરે છે.’
વધુમાં ડૉક્ટર રિષિતાએ કહ્યું કે, ગર્ભાવસ્થામાં છાશનું સેવન બહુ જ સારું હોય છે. તેમજ વિગન ડાયટ ફૉલો કરતા લોકો પણ નારિયેળનું દુધ ફાડીને છાશ બનાવીને પી શકે છે.
જીરું, મીઠું અને ફુદીનો નાખીને છાશ પીવો અને ગરમીમાં આપો તમારા શરીરને ઠંડક.