મારા હાથનાં બાજરીનાં લસણિયાં થેપલાં, માશાલ્લાહ

25 November, 2020 03:24 PM IST  |  Mumbai | Rashmin Shah

મારા હાથનાં બાજરીનાં લસણિયાં થેપલાં, માશાલ્લાહ

જો ધાર્મિક પૂજા બધાને આવડતી હોય તો આ પૂજા પણ શું કામ બધાએ શીખવી ન જોઈએ? - શચી જોશી

- ગુજરાતી રંગભૂમિ અને સિરિયલોના જાણીતાં ઍક્ટ્રેસ શચિ જોષીની આ વરાઇટીની વાહવાહી તો છેક અમેરિકા સુધી પહોંચી છે. સોથી વધારે નાટક અને દસથી વધુ સિરિયલ કરી ચૂકેલાં શચિબહેન મિડ-ડેના રશ્મિન શાહ સાથે પોતાના અન્નલક્ષી અનુભવો શૅર કરે છે

હું મૂળ સુરતની અને સુરતના લોકોની ખાસિયત છે કે તે માત્ર ખાવાના શોખીન નથી હોતા, એ બનાવવાના પણ શોખીન હોય અને સાથોસાથ ખવડાવવાના પણ શોખીન હોય. મારું પણ એવું જ છે. નવું ભાવે પણ બહુ, નવું બનાવવાનો શોખ પણ એટલો જ અને કોઈની માટે કંઈ બનાવવાનું હોય તો ઉત્સાહ પણ બેવડાઈ જાય. કોઈ મારે ત્યાં આવવાની વાત કરે તો મારાથી નૅચરલી જ કહેવાઈ જાય કે જમીને જજો. આ આદત કદાચ મારામાં મારી મમ્મીમાંથી આવી છે.
મારાં મધર મૃદુલાબહેન સ્કૂલમાં પ્રિન્સિપાલ એટલે તેમની પાસે કામ પણ પુષ્કળ હોય અને ઘરનાં કામ પણ ખૂબ હોય. મમ્મી બધાં કામમાં પહોંચી વળે પણ તહેવાર આવે ત્યારે તે વધારે ખેંચાઈ જાય. આપણા ગુજરાતીઓમાં ઘરના નાસ્તાઓની પ્રથા બહુ મોટા પાયે છે અને હું એ પ્રથાને સારી ગણું છું. આ જ કારણ હશે કે આપણને બધાને નાનપણથી જ બહારનું ખાવાની આદત ઓછી પડી અને આજની જનરેશનને બહારના નાસ્તાની આદત વધારે પડી ગઈ. મને હજી પણ યાદ છે કે આપણા સમયે તો આટલાં બિસ્કિટ કે વેફર્સ જોવા પણ નહોતાં મળતાં. બધું ઘરમાં બને.
તહેવાર આવે એટલે મમ્મી નાસ્તાઓની તૈયારી કરે અને મારે એમાં સાથ આપવાનો. મમ્મી એકાદ વસ્તુ કરીને મને દેખાડે અને પછી મારે એ રીતે કરતાં જવાનું. મને આજે પણ પાકું યાદ છે કે મેં કિચનમાં સૌથી અઘરું કામ કોઈ કર્યું હોય તો એ ઘૂઘરાની કોર વાળવાનું હતું. દિવાળીના દિવસો હતા અને ઘરે ઘૂઘરા બનાવવાના હતા. મમ્મીએ એક વખત દેખાડ્યું અને પછી મને કામે લગાડી. કહ્યું પણ ખરું કે જો ઘૂઘરો ખૂલી જશે તો અંદરનું બધું પૂરણ વેસ્ટ થશે એટલે ધ્યાન રાખજે. બધા ઘૂઘરા બની ગયા અને એક પણ ઘૂઘરો ખૂલ્યો નહીં. મમ્મીએ મારાં બહુ વખાણ કર્યાં. નૅચરલી એ ઉંમરે તો આ કામ પણ બહુ મોટું લાગતું અને વખાણ પણ ખૂબ ગમ્યા હતાં. એ પછી તો મારું પ્રમોશન થયું હોય એમ મમ્મીના મોટા ભાગના કામમાં હું તેની હેલ્પર બની ગઈ. કચોરી, સેવ, ગાંઠિયા, ચોળાફળી, મઠિયા જેવી વરાઇટીમાં મમ્મી કહે એ મારે કરતાં જવાનું અને મમ્મીએ બીજી વાર સુચના પણ ન આપવી પડે. મારા પપ્પા હર્ષદરાય પારેખ પણ ખાવાના ખૂબ શોખીન એટલે તે જાતજાતની વરાઇટી ઘરે લઈ આવે અને મમ્મી એ ટેસ્ટ કરીને એ બનાવવાની કોશિશ કરે. મમ્મીની એ આદત મારામાં આવી છે. હું પણ એવું કરું છું. પહેલાં ઑબ્ઝર્વ કરવાનું અને પછી એ ઑબ્ઝર્વેશનના આધારે વરાઇટી બનાવવાની. તમે માનશો નહીં પણ વડાપાંઉનાં વડાં બધાને એકસરખાં જ લાગે, પણ હું એ વડાપાંઉ પણ સાતથી આઠ પ્રકારનાં બનાવું છું. નાશિકમાં વડાં જુદાં હોય તો પુણેમાં વડાંમાં આદુંની પેસ્ટ નાખવાને બદલે એમાં આદુંના ટુકડા નાખવામાં આવે છે.
ટિફિન એકનું, જમે પાંચ...
મને તીખું ફૂડ વધારે ભાવે, બહારનું ફૂડ નહીં ખાવાનું એવો મારો કોઈ નિયમ નથી પણ હા, એ શક્ય હોય ત્યાં સુધી અવૉઇડ ચોક્કસ કરું. શૂટિંગમાં હું ફૂડ ઘરેથી જ મંગાવું અને એ ફૂડ પણ મોટા ભાગે મેં જ બનાવ્યું હોય. વહેલી સવારની શિફ્ટ હોય તો મેં નાસ્તો સુધ્ધાં સાથે લીધો હોય. મારા બ્રેકફાસ્ટમાં પૌંઆ, કૉર્નફ્લેક્સ કે મકાઈનો ચેવડો અને ચા હોય. અગિયાર વાગ્યે બે ખાખરા, ફ્રૂટ કે પછી વેજિટેબલ સૅલડ હોય અને બપોરે દોઢ વાગ્યે લંચ. લંચમાં બે રોટલી કે પછી એક ભાખરી હોય અને સાથે શાક, દહીં અને સૅલડ હોય. આટલું લંચ તો એક નાનકડા ડબ્બામાં આવી જાય. પણ ના, મારું ટિફિન ખાસ્સું મોટું હોય અને એ છલોછલ ભરેલું હોય. તમે માનશો નહીં પણ શૂટમાં ઓછામાં ઓછા બે જણ એવા હોય જે મારી સાથે જમતા હોય. હા, ટિફિન લાવ્યા જ ન હોય તો પણ મારા ટિફિનમાં આસાનીથી ભરપેટ જમી શકાય એટલું બે જણનું ફૂડ એક્સ્ટ્રા હોય. શિયાળાના દિવસોમાં તો આ ટિફિન-પાર્ટનર્સ પોતાની ફરમાઈશ પણ મૂકે અને હું એ બનાવીને લઈ પણ જાઉં.
હું ખાખરા પર થોડું ઘી અને જીરાળુ લગાડીને ખાવાનું પસંદ કરું છું. સુરતનું મેથિયા હોય તો પણ મજા પડી જાય. તમે એક વાર ઘરે ટ્રાય કરજો. મેં તો મારી જાતે ખાખરાના મસાલા પણ બનાવ્યા છે એટલે હું ખાખરા તો સાદા જ લઉં અને એ પછી એના પર મને ભાવે એ કે પછી મારો મૂડ હોય એવો મસાલો છાંટીને ખાઉં. ઘી, મસાલા અને ખાખરા મારા મેકઅપ રૂમમાં કાયમ પડ્યા હોય અને એ બધા ખાતા હોય. મારી ગેરહાજરીમાં એ ખાલી થઈ જાય તો મને યુનિટ મેમ્બર ફોન કે મેસેજ કરીને કહી પણ દે કે ખાખરા લેતા આવવાના છે.
નાટકના મારા શો હોય એ સમયે મારું મોટા ભાગના ઍક્ટરો કરતાં જુદું છે. બધા ઍક્ટર શો પૂરો કરીને જમવા બેસે, પણ હું શો પહેલાં ડિનર લઈ લઉં. રાતે એક વાગ્યે હું જમતી નથી. મમ્મી કહેતી કે રાતે બાર પછી તો નિશાચર ખાય. તેના એ શબ્દો મને આજે પણ યાદ છે. જો હું ભૂલતી ન હોઉં તો ઑલમોસ્ટ વીસેક વર્ષથી તો મેં રાતના કશું ખાધું નથી. ભૂખ લાગે તો દૂધ પી લેવાનું પણ દાંતનો ઉપયોગ કરવો પડે એવું કશું ખાવાનું નહીં.
ક્યોં કિ... સાસ ભી કભી બહૂ થી
મેં કિચનમાં પહેલી વાર વિધિસર પગ મૂક્યો હોય તો એ છેક લગ્ન પછી. મૅરેજ પહેલાં મારા ઘરે કુક હતા, પણ મૅરેજ પછી મારી એ જવાબદારી આવી અને મેં એ જવાબદારી બખૂબી નિભાવી પણ ખરી. મારા હાથની રસોઈ બધાને ભાવે. હું સુરતની અને મારાં સાસુ ઇલાબહેન જોષી પણ સુરતનાં એટલે મને ઘરનો ટેસ્ટ મૅચ કરવામાં કે સમજવામાં બહુ ઓછી તકલીફ પડી. જૉઇન્ટ ફૅમિલીમાં રહેવાનું એટલે દિયર, નણંદ, સાસુ, હસબન્ડ બધાં હોય. લગ્ન પછીના શરૂઆતના દિવસોમાં હું બહુ નાની રોટલી બનાવતી. બેચાર દિવસ તો સાસુ કશું બોલ્યાં નહીં, પણ પછી તેમણે મને હસતાં કહ્યું કે આપણે ઘરઘર નથી રમતાં, થોડી મોટી રોટલી બનાવ. મને આવડતી નહોતી એટલે મેં કહ્યું તો તેમણે તાવડી જેવી એકદમ ગોળ અને પાતળી રોટલી બનાવીને દેખાડી ને હું જોતી રહી ગઈ. સાસુએ મને સમજાવ્યું કે જ્યારે વસ્તારી હોય ત્યારે રોટલી અને પૂરી મોટાં કરીએ તો સમય સચવાઈ જાય અને સમયસર બધાંને જમવા મળે.
મારાથી રાંધવામાં ક્યારેય બ્લન્ડર નથી થયાં પણ ક્વૉન્ટિટીની બાબતમાં બ્લન્ડર થાય, થાય ને થાય જ. આવું એ બધા સાથે થતું હશે જેને જમાડવાનો શોખ હોય. મૅરેજ પછી એક વાર હું શાક લેવા ગઈ ત્યારે મેં શાકમાં રીંગણાં, બટાટા, વટાણા, વાલોળ અને બીજાં ચારેક શાક લીધાં. બધેબધા દોઢ-દોઢ કિલો. ઘરે શાકનો ઢગલો જોઈને બધાં હસ્યાં કે આટલું બધું શાક ક્યારે ખૂટશે? મને થયું કે હવે કંઈક એવી વરાઇટી ખવડાવું જેથી આ વાત ભુલાઈ જાય. એ દિવસે મેં રવૈયા અને બટાટાનું કોપરું-કોથમીર ભરેલું શાક ખવડાવ્યું હતું, એ શાક એવું તે સરસ બન્યું હતું કે બધાં ચારગણી ક્વૉન્ટિટીને ભૂલી જ ગયા.
મારા હાથની દાળ પણ બધાંને બહુ ભાવે એટલે એક વાર મેં ભૂલથી એક કિલો દાળ પલાળી દીધી. મારાં સાસુ એ જોઈને હસતાં-હસતાં મને કહે કે આખી સોસાયટી જમશે તો પણ દાળ ખૂટશે નહીં. મને યાદ છે કે એ દિવસ પછી લગાતાર બેત્રણ દિવસ ઘરમાં કંઈ પણ બને પણ સાથે દાળ તો હોય જ હોય.
મારી ઘણી વરાઇટી બહુ સરસ બને છે, પણ એ બધામાં પણ જો કંઈ બેસ્ટ હોય તો એ છે મારા હાથનાં બાજરીનાં લસણ નાખેલાં થેપલાં. મારી દીકરી અમેરિકા છે તે તો ખાસ આ થેપલાં મંગાવે પણ ખરી.

કિચન મારી સાથે...

અમારા નાટકની ટૂર હોય ત્યારે પણ ઇન્ડક્શન મારી સાથે મેં લઈ લીધું હોય. અમદાવાદ કે વડોદરામાં વધારે રોકાવાનું બને એટલે હું કિચન ચાલુ કરી દઉં. બહારનું ખાઈને સાથી ઍક્ટર કંટાળ્યા હોય તો તે પણ આવીને મને પોતાનું નામ કહી જાય કે આજે તમે મારું જમવાનું બનાવજો. ભાખરી, થેપલાં કે પરોઠાં બનાવી લેવાનાં અને આજુબાજુમાંથી શાક લઈ આવવાનું. જમવાનું તૈયાર. હું કહીશ કે મને આજે જેટલું પણ બનાવતાં આવડે છે એના દસ ટકા પણ જો છોકરાઓ બનાવતાં શીખી જાય તો ચોક્કસ તેમને લાભ થાય. મેં તો નાટકના ઘણા યંગ છોકરાઓને રોટલી વણતાં પણ શીખવી દીધું છે અને સામાન્ય શાક બનાવવાની રીત પણ શીખવી દીધી છે. જમવાનું બનાવવું એ માત્ર સ્ત્રીઓનું કામ નથી. આપણે ત્યાં જમવાની પ્રક્રિયાને પેટપૂજા કહેવામાં આવી છે. જો ધાર્મિક પૂજા બધાને આવડતી હોય તો આ પૂજા પણ શું કામ બધાએ શીખવી ન જોઈએ?

સુરત જનારાને ઘારી, ભૂસું લાવવાનું કહેવાને બદલે ત્યાંથી બટર બિસ્કિટ મંગાવજો. બહુ સરસ હોય છે. સુરતીઓ એને માખણિયા કહે છે, સુરત સિવાય એ ક્યાંય મળતાં નથી.

Rashmin Shah indian food Gujarati food