સાઉથનો સ્વાદ, મહાવીરનગરને દ્વાર

23 February, 2023 01:06 PM IST  |  Mumbai | Sanjay Goradia

જો તમે સવારે ઇડલી-વડાં કે ઢોસાનો બ્રેકફાસ્ટ કરવા માગતા હો તો એક વખત મહાવીરનગર જવું જોઈએ. બે ચટણી અને સાંભારનો એવો તો ઑથેન્ટિક સ્વાદ છે કે તમને સાઉથ ઇન્ડિયામાં હો એવી જ ફીલ આવશે

સાઉથનો સ્વાદ, મહાવીરનગરને દ્વાર

મારું નવું નાટક ‘બે અઢી ખીચડી કઢી’ બે રવિવાર પહેલાં ઓપન થઈ ગયું પણ બીજાં અનેક કામોમાં હું અટવાયેલો હોવાને લીધે ઘણા દિવસો અમારે સવારે રિહર્સલ્સ કરવા પડતાં. સવારે દસ વાગ્યે રિહર્સલ્સ હોય એટલે મારે નવ વાગ્યે મારા લોખંડવાલાના ઘરેથી બોરીવલી જવા નીકળવું પડે. નૅચરલી એટલો વહેલો નાસ્તો ઘરે ન કરાય એટલે દરરોજ અલગ વ્યવસ્થા કરી હોય. એક દિવસ ઘરેથી નીકળતી વખતે મેં મારા કઝિન અને મારા નવા નાટકના પ્રસ્તુતકર્તા વિશાલ ગોરડિયાને ફોન કર્યો. વિશાલ મહાવીરનગરમાં રહે છે. મેં તેને કહ્યું કે આજે તું મને નાસ્તો ક્યાં કરાવશે એટલે તેણે મને કહ્યું જલદી આવો, હું તમને વર્લ્ડ બેસ્ટ ઇડલી-વડા સાંભાર ખવડાવું.

હું તો ફટાફટ પહોંચ્યો મહાવીરનગર અને વિશાલ મને લઈ ગયો મુરલીધર ફરસાણની દુકાન પાસે. ત્યાં દુકાનની બહાર એક નાનકડી રેંકડી પર ઇડલી-વડા સાંભાર મળે છે અને ત્યાં જ ઢોસા પણ બનાવે છે. સવારે સાત વાગ્યે આવે અને અગિયાર વાગ્યે જતો રહે. નસીબ હોય તો તમને વધ્યું-ઘટ્યું અગિયાર વાગ્યે મળે. આ જે ઢોસાવાળો છે એની ખાસિયત એ કે તેની બધી વરાઇટી અવ્વલ દરજ્જાની હતી. ઇડલી-વડાં તો સરસ હતાં જ પણ એનો સાંભાર એકદમ ટિપિકલ, આપણો પેલો ગળ્યો સાંભાર હોય એવો નહોતો, એની લાલ ચટણી બહુ સરસ હતી. મેદુવડાં નાનાં પણ એકદમ કરકરાં. બે ઇડલી અને બે વડાં તમે ખાઓ તો પેટ ભરાઈ જાય, પણ મારે તો તમારા માટે ખાવાનું હતું એટલે મેં તો નક્કી કર્યું કે અહીં મળે છે એ બધું ખાવું છે.

મેં તો ઢોસાનો ઑર્ડર પણ કર્યો. અહીં મળતા ઢોસાની સાઇઝ ઉત્તપમ જેવડી. સાઇઝ નાની પણ ઉત્તપમ જેટલા જાડા નહીં, થોડા પાતળા. એની પાસે નાની પ્લેટ હોવાના કારણે નાના ઢોસા બનાવતો હોય એવું મારું માનવું છે.

મહાવીરનગરમાં રહેતી લગભગ દરેક વ્યક્તિએ અહીં ખાધું જ હોય. હું નાસ્તો કરતો હતો એ દરમ્યાન પણ તે સતત પાર્સલ બનાવ્યા કરતો હતો, જેના પરથી મને ખબર પડી કે લોકો પાર્સલ પણ પુષ્કળ લઈ જાય છે. બે જાતની ચટણી અને બન્નેનો સ્વાદ એકદમ ઑથેન્ટિક અને ઇડલીની સૉફ્ટનેસ એવી તે હોઠેથી પણ ભાંગી જાય. ઢોસા, ઇડલી અને વડાં ઉપરાંત અહીં દાળવડાં પણ મળે છે, જે અમદાવાદમાં મળે છે એવા નથી હોતાં પણ સાઉથની સ્ટાઇલનાં હોય છે. થોડાં કડક અને કરકરાં. ચટણી સાથે ખાવાની ખૂબ મજા આવી.

મિત્રો, મકાબો આઇલૅન્ડના રહેવાસી હો તો સવારે વહેલા જાગી, ઘરનો નાસ્તો સ્કિપ કરી પત્ની સાથે મહાવીરનગરનાં આ ઇડલી-વડાં કે ઢોસા ખાવા માટે અચૂક જજો અને ધારો કે બીજે પણ ક્યાંય રહેતા હો અને સવારે અગિયાર પહેલાં આ વિસ્તારમાં આવવાનું બનવાનું હોય તો અહીં નાસ્તો કરવાનું ખાસ આયોજન રાખજો. તમને સાઉથના ઑથેન્ટિક સ્વાદનો આ બ્રેકફાસ્ટ કરવા મળશે અને એ પણ એકદમ કિફાયતી દામમાં.

Gujarati food mumbai food indian food Sanjay Goradia