15 June, 2023 04:18 PM IST | Mumbai | Sanjay Goradia
સંજય ગોરડિયા
હમણાં મારા નાટકનો શો વડોદરામાં હતો. હોટેલથી અમે રવાના થયા થિયેટર પર જવા માટે અને રસ્તામાં મારું ધ્યાન અચાનક એક બોર્ડ પર ગયું, નામ વાંચીને જ હું આફરીન થઈ ગયો, ‘ભાઈ ભાઈ દાબેલીવાલા’. નામનો પહેલો પ્રભાવ અને એ પછી બીજો પ્રભાવ પડ્યો એ રેસ્ટોરાંના ઇન્ટીરિયરને જોઈને. સામાન્ય રીતે આપણે જોઈએ કે દાબેલી ખૂમચા પર કે લારી પર મળતી હોય, પણ આ તો બાકાયદા દાબેલીની રેસ્ટોરાં! પાંચ-સાત વરાઇટી વેચતા હોય એવા ખૂમચા મેં પોતે બહુ જોયા છે તો પછી આ રેસ્ટોરાં શું કામ? મને થયું કે ભાઈ, અહીંથી આગળ વધી જઈએ તો મારા ઉદરમાં વસતો બકાસુર લાજે. મેં તો ગાડી ઊભી રખાવી, પહોંચ્યો અંદર. અંદર જઈને હાથમાં લીધું મેનુ કાર્ડ અને મેનુ કાર્ડ હાથમાં લેતાં જ મને આવી ગયાં ચક્કર.
સાહેબ, કેટલી જાતની દાબેલી. ગણી ગણાય નહીં અને વીણી વીણાય નહીં એટલી દાબેલી. ચાલીસ રૂપિયાથી માંડીને ચારસો રૂપિયા સુધીની દાબેલી! દાબેલી જ દાબેલી. મને એવું લાગ્યું કે જાણે હું દાબેલીના અડાબીડ જંગલમાં આવી ગયો છું અને હતું પણ એવું જ.
‘ભાઈ ભાઈ દાબેલીવાલા’માં અચીજા દાબેલી હતી તો રફુચક્કર દાબેલી હતી, ચીઝ કચ્છી કડક દાબેલી હતી અને ટ્રાફિક જૅમ દાબેલી પણ હતી. તમે ધારી પણ ન હોય એવી આઇસ કોલ્ડ દાબેલી પણ અહીં હતી અને મૅન્ગો ડૉલી દાબેલી પણ હતી તો એન્કાઉન્ટર દાબેલી ડિશ પણ હતી, જેનો ભાવ ૪૨૦ રૂપિયા હતો. આ એન્કાઉન્ટર દાબેલીમાં બટરમાં તૈયાર કરેલી પનીરની ગ્રેવી હોય અને એની સાથે પાંચ બન આપે. આ જે ગ્રેવી હોય એ ગ્રેવીમાં દાબેલીના પૂરણનો ઉપયોગ થાય અને એના પર ચીઝનો ડુંગર રચાય. આ ડિશ પૂરી કરવા ઓછામાં ઓછા બે-ત્રણ જણ હોવા જોઈએ.
બીજી પણ એક વરાઇટીએ મને ઍટ્રૅક્ટ કર્યો, એનું નામ હતું ગંગુબાઈ ગાંઠિયાવાડી. સૌરાષ્ટ્રમાં રસાવાળા ગાંઠિયા અને પાંઉ ખાવામાં આવે છે. આ એ જ પ્રકારના ગાંઠિયા-પાંઉ, પણ બનાવવાની અને પ્રેઝન્ટ કરવાની રીત જુદી. પાંઉમાં મસાલો હોય અને એમાં રસાવાળા ગાંઠિયા નાખ્યા હોય તથા એની ઉપર ગ્રેવી, જે દાબેલીના પૂરણમાંથી બનેલી હોય.
આ ઉપરાંત મેં ત્યાં ચીલીબીલી દાબેલી પણ ટ્રાય કરી. બનમાં દાબેલીનું પૂરણ અને એની ઉપર ચીઝબટર લાગે અને એ પછી એ દાબેલી ગ્રિલ થાય અને એના પર ચીઝ નાખીને તમને આપે.
ફૅન્સી વરાઇટીઓની સાથે મેં એક સાદી દાબેલી પણ મંગાવી હતી, જેની કિંમત ચાલીસ રૂપિયા હતી. એનો પણ સ્વાદ સરસ હતો તો આ બધી વરાઇટી સાથે અહીં ડબલ બટર દાબેલી, રેફ્યુજી દાબેલી, ચૉકલેટ દાબેલી, ડબલ દાણા બટર દાબેલી અને બીજી તો ઘણી વરાઇટી હતી. જો તમે ટ્રેડિશનલ ફૂડના શોખીન હો અને સ્ટ્રીટ ફૂડમાં તમને દાબેલી ભાવતી હોય તો ભૂલ્યા વિના તમારે ‘ભાઈ ભાઈ દાબેલીવાલા’માં જવું જ જોઈએ. કારેલીબાગ વિસ્તારમાં કોઈને પણ પૂછશો તો તમને ‘ભાઈ ભાઈ દાબેલીવાલા’ દેખાડી દેશે અને ધારો કે તમારે પૂછવું ન હોય તો તમે ગૂગલબાબાને શરણ જઈ શકો છો, પણ વડોદરા જાઓ ત્યારે અચૂક એટલે અચૂક ‘ભાઈ ભાઈ દાબેલીવાલા’માં જઈ દાબેલીનું લંચ/ડિનર કરજો.