લો હવે અમદાવાદમાં વીગન રેસ્ટોરાં પણ ખૂલી ગઈ....

09 March, 2020 05:36 PM IST  |  Mumbai Desk | Pooja Sangani

લો હવે અમદાવાદમાં વીગન રેસ્ટોરાં પણ ખૂલી ગઈ....

અમદાવાદમાં ખુલી વીગન રેસ્ટારાં

દૂધ અને દૂધની વાનગી વિના અહિંસક ભોજનશૈલીનો પ્રચાર-પ્રસાર બહુ વેગથી થઈ રહ્યો છે ત્યારે ઘણી રેસ્ટોરાંઓમાં હવે વીગન ફૂડનો વિકલ્પ પણ મળે છે. જોકે બે ગુજરાતી ભાઈઓએ શરૂ કરેલી વીગન રેસ્ટોરાંમાં હવે અઢળક વીગન વિકલ્પો સર્વ થવા લાગ્યા છે

આજકાલ ‘વીગન’શબ્દ બહુ પ્રચલિત થયો છે. તો વળી આ વીગન શું છે એ બાબતે તો મેં અગાઉ એક લેખ લખીને આપને જાણ કરી જ છે પરંતુ એ લેખને આગળ ધપાવતાં અમદાવાદની અને કદાચ ગુજરાતની પહેલી એક્સક્લુઝિવલી વીગન રેસ્ટોરાં અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે. જે રીતે લોકો વીગન ફૂડ અપનાવી રહ્યા છે એ જોતાં મને લાગી રહ્યું છે આવતાં પાંચેક વર્ષમાં એક્સલુઝિવ વીગન ફૂડ પીરસતી ઘણીબધી રેસ્ટોરન્ટ્સ ખૂલી જશે યા તો હાલની જાણીતી રેસ્ટોરાંઓ પણ વીગન લોકો માટે એક અલગ મેનુ તૈયાર કરશે.

હાલમાં જ્યારે તમે રેસ્ટોરાંમાં કે ક્યાંક સ્ટૉલ પર ખાવા જાઓ ત્યારે ખાલી લખેલું હોય છે કે ‘સ્વામીનારાયણ’ અને ‘જૈન’ મળશે. સ્વામીનારાયણ એટલે ડુંગળી-લસણ વગરનું અને જૈન એટલે કે ડુંગળી, લસણ ઉપરાંત બટાટા, કંદમૂળના બદલે કાચાં કેળાં કે બીજી શાકભાજી આધારિત ભોજન. જોકે એમાં હવે ‘વીગન ફૂડ મળશે’ એવું લખેલાં બોર્ડ અને બૅનર્સ પણ જોવા મળે તો નવાઈ ન પામતા.
આ વીગન શું છે? તમને જણાવી દઉં કે જેમ જૈન સમુદાયમાં જીવહિંસા નિષેધ છે પણ દૂધ કે એના પદાર્થો ખાઈ શકાય છે. પરંતુ આ વીગન લોકો તો દૂધ કે પ્રાણીજન્ય કોઈ પણ પદાર્થ નથી આરોગતા. એટલે કે દૂધ અને દૂધની કોઈ પણ વાનગીઓ કે મધ ખાતા નથી. આની પાછળ કોઈ ધાર્મિક કારણ નથી, પરંતુ પ્રાણીઓને પરેશાન ન કરવા અને આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવવા માટે  આ વીગન ફૂડ પ્રચલિત થયું છે. વેજિટેરિયન, નૉન-વેજિટેરિયન, એગિટેરિયન જેવા જાતજાતના શબ્દો ઉપરાંત આ વીગન શબ્દ કેવી રીતે આવ્યો? ડિક્શનરી ડૉટકૉમમાં જણાવેલી વિગતો મુજબ વીગન એટલે રૂઢિચુસ્ત શાકાહારી લોકો કહેવાય. આ શબ્દનો પ્રયોગ ડોનલ્ડ વૉટ્સન કે જે વીગન સોસાયટીના સ્થાપક હતા તેમણે ૧૯૪૪માં કર્યો હતો. વીગન શબ્દ વેજિટેરિયન શબ્દનું ટૂંકું નામ છે.  

સામાન્ય રીતે ગાય, ભેંસ, બકરી કે અન્ય કોઈ પ્રાણીઓના દૂધનો ઉપયોગ માનવ સમુદાય દ્વારા કરવામાં આવે છે એના બદલે વીગન લોકો બદામનું દૂધ, લીલા નારિયેળનું દૂધ, સોયાબીન મિલ્ક, શિંગદાણાનું દૂધ અને ઓટના દૂધનો ઉપયોગ કરે છે. એમાંથી જાતજાતની વાનગીઓ તૈયાર કરવામાં આવે અને એના સ્વાદ પરથી તમને ખબર પણ ન કડે કે પ્રાણીજન્ય દૂધનો ઉપયોગ નથી કરાયો. વીગન માત્ર ભોજનશૈલી જ નથી, જીવનશૈલી છે. વીગન લાઇફસ્ટાઇલમાં ઊન, ફર, સિલ્ક, ચામડું, પીંછાંનો પણ પહેરવેશ કે જીવન ઉપયોગી વસ્તુઓમાં ઉપયોગ કરવામાં નથી આવતો.

તો આટલી પૂર્વભૂમિકા બાંધ્યા બાદ મૂળ મુદ્દાની વાત કરું તો અમદાવાદના ૨૯ વર્ષના યુવાન દર્શક રાજગોરે તેના બાળપણના મિત્ર દીપ પટેલની સાથે ‘ધ વીગન કિચન’ નામની માત્ર વીગન વાનગીઓ પીરસતી સૌપ્રથમ રેસ્ટોરાં શરૂ કરી છે. દર્શકે માસ્ટર ઑફ આર્ટ્સ (અંગ્રેજી) કર્યું છે, જ્યારે દીપે યુએસએથી બૅચલર ઑફ કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો છે. પરંતુ વીગન ફૂડ વિશે જાણીને તેઓ વીગનિઝમ પર ઢળ્યા છે. દર્શકનો મૂળ વ્યવસાય નર્સરીનો છે અને તેમનું પોતાનું ફાર્મહાઉસ છે જ્યાં તેઓ ઑર્ગેનિક શાકભાજી ઉગાડે છે અને એનો જ રેસ્ટોરન્ટમાં ઉપયોગ કરે છે. તેમની બહેન ભૂમિ રાજગોર તેમને રેસ્ટોરાંના કામકાજમાં મદદ કરતી રહે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે મોઝરેલા ચીઝનો મૂળ પદાર્થ દૂધ છે, પરંતુ દર્શકભાઈ દૂધ સિવાયના વીગન માટે માન્ય પદાર્થોનો ઉપયોગ કરીને મોઝરેલા ચીઝ અને મેયો ચીઝ બનાવે છે. આથી તમને મોઝરેલા ચીઝ  નાખેલો પીત્ઝા અને મેયો નાખેલી સૅન્ડવિચ, બર્ગર વગેરે વાનગીઓ પણ મળે. હાલમાં કોઈ તૈયાર વીગન સામગ્રી મળે એવો કોઈ સ્ટોર નથી. આથી જો તમારે ચીઝ કે મેયો ખરીદવા હોય તો અહીં પહેલાં ઑર્ડર આપો તો બનાવી આપે. અહીં સોયાબીનના દૂધમાંથી બનેલી ચા પણ મળે. એકદમ મસ્ત રજવાડી ચા જેવી ઘટ્ટ અને સોયાબીનની કુદરતી મીઠાશ હોય એમાં. જ્યારે જે વાનગીઓમાં ઘીનો વપરાશ થતો હોય એમાં નારિયેળ અને સોયાબીનના અર્કમાંથી તેઓ ઘી બનાવે છે. એનો અર્ક તેલ જેવું સ્વરૂપ ધારણ કરે છે અને ફ્રિજમાં મૂકી દો એટલે ઘીની જેમ ઉપયોગ કરી શકાય.

હજી ૨૯ ફેબ્રુઆરીએ જ આ રેસ્ટોરાં શરૂ થઈ છે અને એની પાછળનો મૂળ હેતુ છે આરોગ્ય માટે ઉત્તમ એવું વીગન ફૂડ અને એમાં અનેક વરાઇટી લોકોને મળતી રહે. રેસ્ટોરાં ખોલવાના આશય વિશે વાત કરતાં દર્શક અને દીપ કહે છે, ‘જો ક્યાંય વીગન ફૂડ મળતું જ નહીં હોય તો લોકો વીગનિઝમ અપનાવશે કઈ રીતે? બીજું કે લોકોનો ભ્રમ છે કે વીગન ફૂડ ખૂબ મોંઘું હોય છે તો એ ભ્રમ પણ અમે ભાંગવા માગીએ છીએ. અમારી રેસ્ટોરાંમાં અન્ય કોઈ ઉત્તમ દરજ્જાની રેસ્ટોરન્ટ જેટલા જ રેટ્સ રાખવામાં આવ્યા છે. અમે પ્લાન્ટ બેઝ્ડ અને તાજી શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ. પ્રાણીઓ પર કોઈ પણ પ્રકારની ક્રૂરતા ન થાય એવો પણ અમારો એક હેતુ છે.’
શા માટે દૂધ અને દૂધની વાનગીઓ ન લેવી જોઈએ એનું કારણ સમજાવતાં દર્શક કહે છે, ‘પ્રાણીઓમાંથી દૂધ દોહવાની પ્રક્રિયામાં તેમની સાથે ક્રૂરતા આચરવામાં આવે છે. દૂધના વધુ ઉત્પાદન માટે પ્રાણીઓ પર જાતજાતના પ્રયોગ થાય છે. એમાં પ્રાણીઓ પરેશાન થતાં હોય છે. આથી જ્યારે તમે વીગન ફૂડ આરોગો ત્યારે તમને મનમાં પ્રાણીઓ પ્રત્યે અસંવેદનશીલ રહ્યાનો ભાવ થતો નથી. એવું નથી કે પ્રાણીઓના દૂધનો ઉપયોગ નથી કરતા એટલે મીઠાઈ કે ચીઝ ન બને. અમે ઘણાબધા પ્રકારનાં ડીઝર્ટ બનાવીએ છીએ અને કાજુમાંથી ચીઝ બનાવીએ છીએ. અહીં રેસ્ટોરન્ટમાં વીગન ચા, કૉફી, છાશ, સ્ટ્રૉબેરી ચૉકલેટ પુડિંગ, વીગન હમસ અને પીતા  બ્રેડ, વીગન ખીચડી વિથ મલબારી પરાઠાં જેવી અવનવી તેમ જ પરંપરાગત સ્વાદની પણ વીગન સામગ્રી નાખેલી વાનગીઓ મળે છે.’

બીજી વીગન રેસ્ટોરાં ખોલવા જઈ રહ્યા છે ફ્રાન્સના બે દોસ્તો

જો બીજી વાત કરું તો ફ્રાન્સના બે મિત્રો ૩૪ વર્ષના બ્રાહિમ મેસોદી અને ૪૨ વર્ષના ફ્લાવીન લાફોસ અમદાવાદમાં ‘લા મેસોન-ઑર્ગેનિક વીગન કૅફે’ નામનું કૅફે શરૂ કરવા જઈ રહ્યા છે. મૂળ વ્યવસાયે ડેટા ઍનલિસ્ટ બ્રાહિમ ૨૦૧૪માં ઇન્ડિયા આવ્યા હતા અને તેમણે વીગન ફૂડ, ગ્લુટન-ફ્રી બ્રેડ, કેક, પેસ્ટ્રી અને ડીઝર્ટ્સ બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. અવનવી વીગન રેસિપી ક્રીએટ કરવી તેમને ગમે છે. ફ્લાવીન ૨૦૦૭માં પહેલી વખત ભારત આવ્યા હતા અને તેઓ સામાજિક કાર્યકર અને સોશ્યલ ટ્રેઇનર છે. સૅલડ, જૂસ અને આરોગ્યપ્રદ વાનગીઓના શોખીન છે. ફેનાટીકા નામની સંસ્થા કે જે ચિંતન પંડ્યા નામના યુવક દ્વારા ચલાવવામાં આવે છે એની અંદર આ કૅફે શરૂ કરવાનું આયોજન છે. ચિંતન થિયેટર, ટેલિવિઝન અને સિનેમા આર્ટિસ્ટ છે તેઓ ફેનાટીકા ઉપરાંત ટ્રાન્સઇન્ડિયા ફાઉન્ડેશન ચલાવે છે. ભોજનના સાંસ્કૃતિક મૂલ્યને ધ્યાનમાં રાખીને તેઓ ફેનાટીકા ખાતે ફ્રેન્ડ કૅફે ખોલવા માગે છે. અહીં ફ્રેન્ચ અને બીજા વિદેશી લોકોની અવરજવર રહેતી હોય છે ત્યારે તેઓ માટે પણ આ કૅફે અનુકૂળ રહેશે.

mumbai food indian food Gujarati food