મળો આ ડેન્ટિસ્ટ ડાયટિશ્યનને અને લૉકડાઉનમાં બનાવો આ ટેસ્ટી હેલ્થી આઈટમ

10 June, 2020 06:00 PM IST  |  Mumbai | Rachana Joshi

મળો આ ડેન્ટિસ્ટ ડાયટિશ્યનને અને લૉકડાઉનમાં બનાવો આ ટેસ્ટી હેલ્થી આઈટમ

ડૉક્ટર રિષિતા બોચિયા જોષી

કોરોના વાયરસ (COVID-19)ને કારણે ચાલી રહેલા લૉકડાઉનને લીધે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી લોકો ઘરમાં જ કેદ છે. શારિરીક શ્રમ ઓછો થઈ ગયો છે પણ મોઢાના ચટાકા બંધ નથી થતા. લૉકડાઉનમાં ઘરે હોઈએ ત્યારે નાના-મોટા દરેક વ્યક્તિને જુદુ જુદુ અને અવનવું ખાવાની ઈચ્છા થાય છે. એટલે મોઢાના ટેસ્ટની સાથે સાથે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખુબ જરૂરી છે. બોરીવલીમાં રહેતા ડૉક્ટર રિષિતા બોચિયા જોષીનું પણ કંઈક આવું જ માનવું છે. પ્રોફેશનલી ડેન્ટિસ્ટ અને ડાયટિશ્યન ડૉ. રિષિતાને ભણતર સાથે જ કુકિંગ પ્રત્યેનો શોખ જાગ્યો અને થયું કે મેડિકલ નોલેજની સાથે હેલ્થી કુકિંગ અને હેલ્થી લિવિંગ અપનાવવું જોઈએ એટલે ન્યુટ્રિશ્યનમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો અને અત્યારે MSC in Diet & Nutrition કરી રહ્યાં છે.

ડૉ. રિષિતાનું કહેવું છે કે, લૉકડાઉનમાં બધાનું જ વર્ક ફ્રોમ હૉમ ચાલી રહ્યું છે અને વર્કઆઉટ બંધ થઈ ગયું છે. ઘરમાં હોઈએ એટલે દરરોજ કંઈકને કંઈક નવીન ખાવાની ઈચ્છા થાય છે. પણ ફિઝિકલ એક્ટિવિટિઝ બંધ હોય ત્યારે ખાવાની વસ્તુઓ પર પણ થોડુંક વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. એટલે ડાયટ કરવા માંડવું કે ડાયટને જ અનુસરવું એમ નહીં. ડાયટ આ શબ્દને ઘણો નેગેટીવ બનાવી દેવામાં આવ્યો છે. ડાયટ પર જવું એટલે ભુખ્યા રહેવુ કે પછી ખાલી સુપ અને સલાડ જ ખાવુ એ બધી ફક્ત માન્યતાઓ જ છે. ખરેખર ડાયટ એટલે રોજિંદા ખોરાકમાં યોગ્ય આહાર અને યોગ્ય પોષક તત્વો જેમાં વિટામીન અને પ્રોટીન હોય તેનો સમાવેશ કરવો. યોગ્ય સમયે પુરતો ખોરાક લેવામાં આવે તો ફિટ અને હેલ્થી રહી શકીએ છીએ. દરેક વસ્તુની બનાવવાની રીત અને રસોઈ બનાવવા માટે વાપરવામાં આવતી સામગ્રીઓના માપ પર જો થોડુંક ધ્યાન આપવામાં આવે તો બધી જ વસ્તુઓનો સ્વાદ માણી શકાય છે. થોડુંક ધ્યાન ખાવામાં અને સાથે જ થોડોક સમય યોગા અને વ્યાયામમાં આપીએ તો હેલ્થી અને ફીટ રહી શકાય છે.

આવો ડૉ. રિષિતા પાસેથી જાણીએ કેટલીક હેલ્થી પણ એટલી જ ટેસ્ટી વાનગીઓની રેસિપિ.....

મેંગો પારફેટ

હેલ્થી અને પૌષ્ટિક બ્રેકફાસ્ટની ઈચ્છા હોય તો આ રેસિપી જરૂર ટ્રાય કરી શકાય. ફટાફટ અને સરળ રીતે તૈયાર થઈ જતુ 'મેંગો પારફેટ' સવારના યોગા પછી ખાવા માટે બેસ્ટ છે.

મેંગો પારફેટ

સામગ્રી:
- એક કપ કેરી, સમારીને ટુકડા કરેલી

- એક કપ કેળું

- એક કપ દહીં

- બે કપ મ્યૂસલી (ઓટ્સ, કોર્નફ્લેક્સ, કાજુ, બદામ, પિસ્તા, દ્રાક્ષ)

રીત:

- અડધો કપ કેરી અને એક કપ કેળાને એક કપ દહીંમા મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કરી લો. એટલે તામરું મેંગો યોગહર્ટ તૈયાર થઈ જશે

- હવે એક ગ્લાસમાં બે સમચી મ્યૂસલી નાખો પછી એની ઉપર બે ચમચી મેંગો યોગહર્ટ નાખો, આ જ રીતે એક પછી એક થર બનાવતા જાવ

- સૌથી ઉપર એક ચમચી યોગહર્ટ અને સમારેલી કેરીના ટુકડા નાખીને ગાર્નિંશિંગ કરો

- તૈયાર છે ટેસ્ટી અને હેલ્થી મેંગો પારફેટ

સેવરી વેજી પૅનકેક્સ

પૅનકેક્સ હંમેશા સ્વિટ હોય એ જરૂરી નથી. ઘણા બધાને સ્વિટ કરતા થોડુંક સ્પાઈસી પણ ભાવતું હોય છે. એટલે જ આ ગ્લુટેન ફ્રી પૅનકેક્સ લાઈટ ડિનર માટે એકદમ પર્ફેક્ટ ડીશ છે. શાકભાજીથી ભરપુર અને ઘઉં કે મેંદા વગરની આ પૅનકેક્સ ફાઈબર અને વિટામિન્સથી ભરપુર છે.

સેવરી વેજી પૅનકેક્સ

સામગ્રી:

- અડધો કપ છીણેલું ગાજર, દુધી, કોબી, જૂકીની

- અડધો કપ જીણી સમારેલી પાલક

- અડધો કપ વટાણા અને મકાઈના દાણા બાફીને છુંદો કરેલા

- અડધો કપ ચણાનો લોટ

- અડધો કપ જુવારનો લોટ

- બે ચમચી બાજરીનો લોટ

- મીઠું સ્વાદ પ્રમાણે

- એક ચમચી આદુ મરચાંની પેસ્

- એક ચમચી લાલ મરચું અને હળદર

- એક ચમચી ધાણાજીરું પાવડર

- પાંચ-છ ચમચી ઘી પૅનકેક બનાવવા માટે

રીત:

- બધી જ સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો અને ખીરા જેવું બનાવો, બધી જ શાકભાજીના પાણી છુટશે એટલે વધારાનું પાણી ઉમેરવાની જરૂર નહીં પડે

- ખીરું તૈયાર કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે ઢીલું ન થઈ જાય

- એક પૅન પર થોડુંક ઘી મુકીને નાના પૅનકેક્સ મુકો

- બે બાજુએ સામાન્ય ચોકલેટી રંગના થઈ જાય ત્યાં સુધી શેકશો એટલે પૅનકેક્સ તૈયાર થઈ જશે

- ગરમા ગરમ પૅનકેક્સને દહીંના રાયતા સાથે પીરસો

બ્રેડ દહીંવડા

દહીંવડા લગભગ દરેકની મનગમતી વાનગીઓમાંના એક છે. પરંતુ તળેલા દહીંવડાને સ્થાને હેલ્થી દહીંવડા મળે તો કેવી મજા આવે! બ્રેડ દહીંવડા તળ્યા વગરના અને ફાયબર અને પ્રોટીનથી ભરપુર છે. સાથે જ ટેસ્ટી તો ખરા.

બ્રેડ દહીંવડા

સામગ્રી:

- બે કપ દહીં

- ત્રણ નંગ બ્રેડ

- એક કપ વટાણા બાફીને છુંદો કરેલા

- ત્રણ નંગ શક્કરિયા બાફીને છુંદો કરેલા

- ખજૂર, આમલી, ગોળની ગળી ચટણી

- કોથમીર, ફુદીના, લીલા મરચાની તીખી ચટણી

- બે ચમચી આદુ મરચાની પેસ્ટ

- એક ચમચી લાલ મરચાનો પાવડર

- મીઠું સ્વાદ પ્રમાણે

- બે ચમચી ઝીણી સામરેલી કોથમીર

- ચાર ચમચી સેવ

- બે ચમચી ચણા દાળ

રીત:

- એક બાઉલમાં બાફીને છુંદો કરેલા વટાણા અને બાફીને છુંદો કરેલું શક્કરીયુ મિક્સ કરી દો

- તેમા આદુ મરચાની પેસ્ટ અને સ્વાદપ્રમાણે મીઠું ઉમેરીને મિશ્રણ તૈયાર કરો

- આ મિશ્રણના ગોળ ગોળ વડા તૈયાર કરો

- બ્રેડને વાટકીથી ગોળાકાર આકાર આપી દો અને પછી વેલણથી વણી લો

- આ બ્રેડની વચ્ચે તૈયાર કરેલા ગોળ વડા મુકીને બ્રેડને ચારેય બાજુથી વાળીને ગોળ આકાર આપો, વડા તૈયાર છે

- તૈયાર કરેલા વડાને એક કલાક ફ્રિજમાં રહેવા દો

- ત્યાં સુધી દહીંમા મીઠું અને ધાણાજીરાનો પાવડર નાખીને વલોવી લો

- હવે એક પ્લેટમાં બ્રેડ વડા મુકીને સૌથી પહેલા તૈયાર કરેલું દહીં નાખો

- ત્યારબાદ ગળી અને તીખી ચટણી ઉમેરો

- ઉપર થોડુંક લાલ મરચું ભભરાવો

- હવે કોથમીર, સેવ અને ચણાની દાળથી સજાવીને પીરસો

તમે પણ આ હેલ્થી અને ટેસ્ટી રેસિપી ઘરે ટ્રાય જરૂર કરજો.

lockdown life and style