મસાલા ભાત મને સ્ટ્રગલ પિરિયડની નોસ્ટૅલ્જિક ફીલ અપાવે છે

17 June, 2020 01:53 PM IST  |  Mumbai | Rashmin Shah

મસાલા ભાત મને સ્ટ્રગલ પિરિયડની નોસ્ટૅલ્જિક ફીલ અપાવે છે

સુનીલે મુંબઈમાંથી પહેલી ખરીદી જો કોઈ કરી હોય તો એ ચોખાની હતી.

રાંધો મારી સાથે: કૉમેડિયન સુનીલ પાલની ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી. વીસ વર્ષ પહેલાં મુંબઈ આવેલા સુનીલે મુંબઈમાંથી પહેલી ખરીદી જો કોઈ કરી હોય તો એ ચોખાની હતી. સુનીલનું ઑબ્ઝર્વેશન છે કે દેશના દરેક પ્રાંતનું ફૂડ અલગ છે પણ ભાત એકમાત્ર એવી વરાઇટી છે જે દેશ આખામાં સરળતાથી મળે છે. સુનીલ પાલ પોતાના ફૂડ-એક્સ્પીરિયન્સની વાતો અહીં રશ્મિન શાહ સાથે શૅર કરે છે

હું જેટલો મૂડી એટલો જ હું ફૂડી પણ છું અને જેટલો હું ફૂડી છું એટલો જ હું ફૂડ માટે મૂડી પણ છું. મને તીખું અને મસાલેદાર જેને આપણે કહીએ કે ‘તડકા માર કે’ એવું ફૂડ વધારે ભાવે. દાળ, શાક, બિરયાની અને બાકીનું જે કંઈ ફૂડ આપણે નૉર્મલી લેતા હોઈએ એ બધું ફૂડ મને આ જ ટેસ્ટનું જોઈએ. આ મારો આગ્રહ પણ છે અને દૂરાગ્રહ પણ છે. ખાતી વખતે જીભ પર થોડો ચટાકો આવવો જ જોઈએ. જેમાં ચટાકો ન આવે એવું ફૂડ મને પસંદ નથી. હું તો કહીશ કે જે લોકો ચટાકા વિનાનું ફૂડ ખાય છે તેમણે ફૂડ બનાવવાની તસ્દી પણ લેવાની જરૂર નથી. બધું કાચું જ ખાઈ લેવું જોઈએ. ચટાકેદાર ફૂડ મને શું કામ બહુ ભાવે એ તમને કહું, પણ એની માટે તમારે મારી સાથે ફ્લૅશબૅકમાં આવવું પડશે.
લાઇમાં જ્યારે સ્ટ્રગલના દિવસો હતા ત્યારે ખિસ્સાં ખાલી હોય. ખિસ્સાં ખાલી હોય અને ભૂખ લાગે ત્યારે પહેલો વિચાર એ આવે કે પેટ ભરીને જમાશે નહીં એટલે હું એવા ટાઇમે જ્યાં પણ ખાવા માટે ઊભો રહું એને ખાવામાં વધારે મરચાં નાખવાનું કે પછી ચટાકેદાર બનાવવાનું કહેતો. તીખાશ હોય તો પાણી પણ પીવાય અને પાણી પીવાય તો પેટ પણ જલદી ભરાઈ જાય. આ સીધો હિસાબ. એ સમયથી મને ચટાકેદાર ફૂડની આદત પડી જે આજે પણ હજી અકબંધ છે.
મને બધું દેશી ફૂડ ભાવે. ઘરનું બનેલું અને મારા હાથે બનાવેલું પણ. પાછું એવું પણ નહીં કે હું ઘરનું ફૂડ ખાવાનો જ આગ્રહ રાખું. ના, જરા પણ નહીં. સતત શો કરવાને લીધે બહાર જ રહેવાનું થાય એટલે નૅચરલી આવો આગ્રહ પોસાય પણ નહીં. બહાર રહેવાનું બને એટલે મેં વર્ષોથી એક નિયમ રાખ્યો છે કે જ્યાં પણ જાઉં ત્યાંની લોકલ આઇટમ પર ફોકસ રાખું. જૈસા દેશ, વૈસા ભેસ. જ્યાં હોઈએ ત્યાંનું લોકલ ફૂડ ખાવાનું. હૈદરાબાદ જવાનું થાય તો હૈદરાબાદી બિરયાની ખાવાની અને મારી અંગત વાત કહું તો બિરયાની અને દાલ-ચાવલ તો મારાં પ્રિય છે. આડવાત રૂપે કહી દઉં કે દાલ-ચાવલ અને ખીચડી એવી રેસિપી છે કે તમે ઝડપથી અને સરળતાથી એ બનાવી પણ શકો અને હેલ્ધી ફૂડ પણ છે એટલે તમે એ પેટ ભરીને ખાઈ પણ શકો. હવે દેશ એવા વેશની વાત પર આવીએ. હૈદરાબાદમાં બિરયાની ખાવાની તો કાશ્મીર ગયા હોઈએ ત્યારે દમ આલૂ અને પરાઠાં ખાવાનાં. રાજસ્થાન ગયા હો તો દાલ-બાટી અને ચૂરમું ખાવાનું થાય. હું એક વાત કહીશ.
આદમી કિતના ભી બડા હો સુરમા
રાજસ્થાન આઓ તો ખાઓ દાલ-બાટી ઔર ચૂરમા 
બિહાર જવાનું બને ત્યારે અચૂક ત્યાંના લિટ્ટી-ચોખા ખાવાના. લિટ્ટી-ચોખા માટે મેં જ કહેલી એક વાત અત્યારે યાદ આવે છે.
જીવન મેં લગા લો છક્કા ચોક્કા
પર બિહાર મેં તો બસ ચલેગા લિટ્ટી-ચોખા
મહારાષ્ટ્રના આપણા ઑલટાઇમ ફેવરિટ એવા ઝુણકા-ભાકર પણ મને અનહદ ભાવે અને હું એની માટે ખાસ પ્રોગ્રામ પણ બનાવું. ઝુણકા-ભાકર માટે પણ સાંભળી લો.
ક્યા ફાયદા મહારાષ્ટ્ર જા કર 
અગર નહીં ખાયા ઝુણકા ઔર ભાકર
ટ્રાવેલિંગ સતત રહે એટલે દરેક જગ્યાની નવી વાનગીઓ ટેસ્ટ કરવા મળતી રહે અને એમાં પણ જો થોડું તીખું અને મસાલેદાર ફૂડ મળી જાય તો મને વધારે મજા આવે. દાલ-બાટી હોય તો ચૂરમા પર મારું ધ્યાન ન હોય. લિટ્ટી-ચોખા હોય તો પછી મારું ધ્યાન ત્યાંની ફેવરિટ દૂધની બરફી પર ન હોય. બનારસ ગયા પછી લસ્સી કે રબડીનાં ઍડ્રેસ પૂછવાને બદલે હું પૂરીભાજીની બેસ્ટ જગ્યા શોધું અને પછી એ જમવાનું વધારે પસંદ કરું. જો તીખાશ સાથેનું આ ફૂડ ન મળે તો હું મરચાં લઈ લઉં પણ ફૂડને ટેસ્ટી તો બનાવું જ બનાવું. પણ હા, આ બધું તીખું અને મસાલેદાર ફૂડ આરોગ્યા પછી મારો એવો આગ્રહ હોય કે એક વાટકો દહીં મળી જાય. દહીં મારું ફેવરિટ. દહીં વિના મને ન ચાલે એવું પણ તમે કહી શકો. દહીં હેલ્થ માટે પણ સારું છે. પેટમાં એ ઠંડક કરે અને મસાલેદાર વાનગીઓ ખાધા પછી દહીં ઍસિડીટી નથી થવા દેતું તો દહીં ડાઇજેસ્ટિવ સિસ્ટમને સ્મૂધ કરે અને દહીંમાં પ્રોટીન, વિટામિન, કૅલ્શિયમ પણ મળી રહે એટલે એ રીતે પણ બહુ લાભદાયી છે. જો મને ખાવાની ઇચ્છા ન હોય કે હેવી ફૂડ ન ખાવું હોય તો હું માત્ર ફ્રૂટ્સ અને પછી એક વાટકો દહીં ખાવાનું પસંદ કરું. સતત ટ્રાવેલિંગને કારણે ચા પણ ખૂબ પીવાતી રહે છે એટલે એમાં પણ ઍસિડિટીનો પ્રૉબ્લેમ થવાની શક્યતા હોય એટલે એ રીતે પણ દહીં લાભદાયી છે.
આપણા દેશના દરેક પ્રાંતમાં અલગ-અલગ વરાઇટી છે, પણ એ બધામાં એક આઇટમ કૉમન છે. રાઇસ એટલે કે તમે ગુજરાતી કહો છો એ ભાત. આખા દેશમાં ભાત ખવાય પણ છે અને એ મળે પણ છે. વીસેક વર્ષ પહેલાં હું મુંબઈ આવ્યો અને મેં સ્ટ્રગલ શરૂ કરી ત્યારે સૌથી પહેલું કામ મેં મકાન શોધવાનું કર્યું, પણ મુંબઈ આવતાં પહેલાં જે મેં સૌથી છેલ્લું કામ શીખ્યું હતું એ હતું ભાત બનાવવાનું.
મુંબઈમાં મારી ખોલી એટલે કહો કે અંધેરીના ફ્લૅટની બાથરૂમ જેવડી. આઠ બાય સાત ફુટની એ ખોલીમાં મારે રહેવાનું અને બધું કામ પણ મારે એમાંથી કરવાનું. ખોલી મળી ગયા પછી મેં તપેલી, સ્ટવ અને કેરોસીનની વ્યવસ્થા કરી અને દુકાનદારને ત્યાંથી સૌથી પહેલું જો કોઈ ધાન ખરીદ્યું હોય તો એ ચોખા હતા. ચોખા, તેલ અને મસાલા લઈ એમાંથી મેં પહેલા દિવસે વઘારેલા ભાત બનાવ્યા હતા. એ પછી દરરોજ કાં તો દાળ-ભાત બને અને કાં તો ખીચડી બને પણ એટલું નક્કી ચોખાનો ઉપયોગ થતો હોય એ વરાઇટી બને. ખીચડી અને વઘારેલા ભાત પર મેં વર્ષો કાઢ્યાં છે.
હું એકલો જ રહેતો મુંબઈમાં એટલે શું ખાવું અને શું ન ખાવું એ પ્રશ્ન જ નહોતો. બે વખતનું ભોજન મળે એ જ મોટી વાત હતી. હું તમને એક વાત કહું. ખીચડી અને મસાલા ભાત આ બે વરાઇટી એવી છે કે એની માટે તમને કોઈ ટ્રેનિંગની જરૂર નથી. વધીને એક કે બેવાર એ બગડે પણ પછી આપોઆપ એ આવડી જ જાય. મારા મસાલા ભાતની ખાસિયત કહું તમને. ભાતના વઘારમાં હું સાથે થોડું દહીં પણ મૂકું અને લાલ મરચું પાઉડર નાખવાને બદલે હું એમાં આપણા મરચાના ઝીણા ટુકડા નાખું. દહીં હોય એટલે ભાત થોડા લચકદાર બને. સરળતાથી ગળે ઊતરી જાય. બીજું કે ભાતના ટેસ્ટમાં સહેજ ખટાશ આવી જાય.
હવે તો મારા ભાગે ફૂડ બનાવવાનું ખાસ આવતું નથી પણ એમ છતાં પણ હું મહિનામાં એકાદ વાર ખીચડી કે પછી મસાલા ભાત બનાવીને મારી કરીઅરના નોસ્ટૅલ્જિક દિવસોમાં પાછા જવાનું કામ અચૂક કરી લઉં.

વીકમાં ચાર દિવસ મારે ત્યાં મસાલા ભાત બનતા

મને યાદ છે મારો મિત્ર રાજા હસન અને મનોજ સંતોષી સ્ટ્રગલના એ દિવસોમાં મારી સાથે હતા. ત્રણેયની સ્ટ્રગલ ચાલે એટલે આખો દિવસ એકબીજાની સાથે જ પસાર કર્યો હોય અને જો મીટિંગ હોય તો રાતે બધા ભેગા થાય અને પછી જમવાનો પ્રોગામ સાથે રાખીએ. મોટા ભાગે મારા ઘરે જમવાનું બનાવવાનું આવે. એમાં પણ સાતમાંથી ચાર દિવસ તો વઘારેલા ભાત જ બને. વાત ચાલતી જતી હોય અને ફૂડ પણ બનતું જતું હોય. કોઈ-કોઈ વાર તો એવું બને કે લાલ મરચું નાખ્યું હોય પછી, લસણની ચટણી પણ નાખું અને એ પછી વાતોમાં બધું ભુલાઈ જાય એટલે પેલા મરચાના ઝીણા ટુકડા પણ નાખી દઉં. ભાત થઈ જાય ભડકા જેવો તીખો પણ મારા દોસ્તોએ તીખો વઘારેલો ભાત પણ એટલા જ પ્રેમથી અને લિજ્જતથી ખાધો છે. એ વખતે કામની ભૂખ મોટી હતી એટલે કદાચ પેટની ભૂખ માટે અમે કોઈ સિરિયસ નહોતાં એવું આજે, અત્યારે વાત કરતાં લાગે છે.
થોડી શાહુકારી આવતી ત્યારે અમે બધા ફ્રેન્ડ્સ ચિલી-પટેટો સબ્ઝી બનાવતા. કૅપ્સિકમ મરચાં, મરચા અને બાફેલા બટાટાનું આ શાક રોટલી સાથે ખાવાની બહુ મજા આવે. એમાં પણ લાલ મરચાના પાઉડરનો ઉપયોગ નહીં કરવાનો. હું બને ત્યાં સુધી નૅચરલ ટેસ્ટને વધારે પસંદ કરું. આગળ જે મેં તમને કહ્યું કે ચટાકેદાર ફૂડ મને જોઈએ તો એમાં પણ ચટાકો આર્ટિફિશ્યલ નહીં વાપરવાનો. તીખાશ માટે કાળાં મરીનો પાઉડર કે મરચાં વાપરવામાં આવે તો મને વધારે ગમે. ખટાશ માટે લીંબુ જ વાપરવાનું. છાશની બાબતમાં પણ એવું જ હું પસંદ કરું. બહારની તૈયાર છાશ કરતાં દહીંમાંથી બનેલી છાશ જ મને વધારે ભાવે.

મુંબઈમાં ખોલી મળી ગયા પછી મેં દુકાનદારને ત્યાંથી સૌથી પહેલું જો કોઈ ધાન ખરીદ્યું હોય તો એ ચોખા હતા. ચોખા, તેલ અને મસાલા લઈ એમાંથી મેં પહેલા દિવસે વઘારેલા ભાત બનાવ્યા હતા. એ પછી દરરોજ કાં તો દાળ-ભાત બને અને કાં તો ખીચડી બને. ખીચડી અને વઘારેલા ભાત પર મેં વર્ષો કાઢ્યાં છે.

sunil pal indian food Rashmin Shah