શિલ્પા શેટ્ટીનું ફેવરિટ પીણું તમે બનાવો છો કે નહીં?

14 May, 2020 02:56 PM IST  |  Mumbai | Bhakti Desai

શિલ્પા શેટ્ટીનું ફેવરિટ પીણું તમે બનાવો છો કે નહીં?

સત્તુ સામાન્ય રીતે સૂકવેલી ચણાદાળને શેકીને બનાવવામાં આવે છે.

ઉનાળામાં ઠંડક માટે અને પ્રોટીનના સોર્સ તરીકે સત્તુનું ડ્રિન્ક અનેક બૉલીવુડ સેલિબ્રિટીઝ પીએ છે. ઉત્તર ભારતના રાજ્યોમાં વધુ પ્રચલિત એવું સત્તુ માત્ર પીણાંમાં જ નહીં, એની અવનવી વાનગીઓ પણ હેલ્ધી ગણાય છે. ચાલો તો જરાક જાણીએ સત્તુ શું છે, એના ફાયદા શું છે અને એમાંથી કેવી રેસિપીઝ બનાવી શકાય. બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પ્રચલિત સત્તુ ગરીબો માટે પ્રોટીન મેળવવાનું ઉત્તમ માધ્યમ છે. રોજિંદા આહારમાં સત્તુનો સમાવેશ કરવા માટે આ ઉત્તમ ઋતુ છે, કારણ સત્તુ ગરમીનું મારણ છે. શિલ્પા શેટ્ટી, સોનમ કપૂર જેવી ઘણી પ્રખ્યાત અભિનેત્રીઓ ગરમીથી બચવા તથા આરોગ્યના લાભ મેળવવા માટે એનું સેવન કરે છે. ગયા વર્ષે એપ્રિલ મહિનાની આકરી ગરમીમાં દિલ્હીમાં એક ફિલ્મના શૂટિંગ વખતે દીપિકા પાદુકોણે જાહેર કર્યું હતું કે સત્તુનું શરબત દિલ્હીની પ્રખર ગરમીથી બચાવવામાં ખૂબ જ લાભદાયી નીવડ્યું હતું.
ઓડિશા અને બંગાળમાં પણ સત્તુનો ઉપયોગ થાય છે. ઓરિયામાં એને ચતુઆ કહે છે, જ્યારે બંગાળી ભાષામાં એ ચત્તુના નામે પ્રખ્યાત છે. ગુજરાત કે મહારાષ્ટ્રમાં આનો ઉપયોગ આ બધાં રાજ્યો કરતાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પણ મુંબઈમાં સેલિબ્રિટીને કારણે લોકોનું ધ્યાન સત્તુ તરફ વધારે રહ્યું છે. સત્તુનું શરબત તો પ્રખ્યાત છે, પણ એનો ઉપયોગ વિવિધ વાનગીઓ બનાવવામાં પણ કરવામાં આવે છે.

સત્તુ કઈ રીતે બનાવાય?
સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશ્યન અને ફિટનેસ-કોચ તરીકે ૨૫ વર્ષનો બહોળો અનુભવ ધરાવતાં વેણુ અઢિયા હીરાની કહે છે, ‘સત્તુ સામાન્ય રીતે સૂકવેલી ચણાદાળને શેકીને બનાવવામાં આવે છે. ભારતના અમુક ભાગમાં જવ અથવા બાર્લીને શેકીને એમાંથી પણ સત્તુનો પાઉડર બનાવાય છે, જ્યારે અમુક રાજ્યોમાં સૂકો મેવો, બાજરી, જવ અને ચણાની દાળમાંથી સત્તુ બનાવવામાં આવે છે. વિવિધ સ્થળે એ વિવિધ પદ્ધતિથી બનાવાય છે. પારંપરિક રીતે સત્તુનું શરબત તો પ્રખ્યાત છે જ, પણ એ સિવાય એમાંથી વિવિધ મીઠાઈ અને નાસ્તાની સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવવામાં આવે છે, જે ખૂબ જ પૌષ્ટિક હોય છે.’
સત્તુમાં રહેલાં પોષક તત્ત્વો વિશે
સત્તુમાં રહેલા ગુણોનું વિશે તેઓ કહે છે, ‘સત્તુ પ્રોટીન, ફાઇબર, કૅલ્શિયમ, આયર્ન, મૅગ્નેશ્યમ, ફૉસ્ફરસ, વિવિધ વિટામિન્સ તથા મિનરલ્સથી ભરપૂર છે. માત્ર ચણાદાળમાંથી બનાવાયેલા સત્તુ કરતાં ચણાદાળ સાથે અન્ય સામગ્રીઓ ભેળવીને બનાવવામાં આવતા સત્તુમાં પોષક તત્ત્વો વધારે પ્રમાણમાં હોય છે. સત્તુની ગણતરી ‘લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ’માં થાય છે અને એથી એ ડાયાબિટીઝના દરદીઓ માટે ઉત્તમ છે.’
સામાન્ય ભાષામાં કહીએ તો લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડનું પાચન ધીરે-ધીરે થાય છે. એ શરીરમાં શોષાય છે અને એની ચયાપચયની ક્રિયા વ્યવસ્થિત થાય છે. આનાથી વ્યક્તિના લોહીમાં સાકરનું સ્તર ઉપર આવતાં પણ વાર લાગે છે અને ટૂંકમાં લોહીમાં સાકરનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે, જેથી ડાયાબિટીઝના દરદીઓ માટે વધારે ગુણકારી સાબિત થઈ શકે છે.

સત્તુ મલ્ટિગ્રેન પોરીજ
સત્તુ પાવડર બનાવવા માટે સામગ્રી
શેકેલી ચણાદાળ, લીલા મગ, નાચણી અથવા રાગી, બાજરો, બદામ, કાજુ, અખરોટ, એલચી અને ખજૂર ભેગાં કરી એને વાટી લેવાં
૨૦૦ મિલી દૂધ
બનાવવાની રીત
વાટેલા પાઉડરને દૂધ સાથે ભેળવીને ગૅસ પર જાડું થાય ત્યાં સુધી હલાવતા રહેવું અને પછી આ પોરીજને સર્વ કરવું.

સત્તુમાંથી સ્વીટ પણ બને અને સ્ટફ પરાઠાં પણ
આમ તો લોકો શરબત અને પોરિજ જ બનાવે છે, પણ નાસ્તામાં આનાં સ્ટફ પરાઠાં અથવા પૅટીસ પણ સરસ બને છે. આની વિવિધ વાનગીઓ કુકિંગ એક્સપર્ટ પારુલ ભાનુશાલી પાસેથી જાણીએ

સત્તુનાં સ્ટફ પરાઠાં
ઘઉંનો લોટ
મોણ માટે તેલ
સ્વાદ અનુસાર મીઠું
જીરું
પાણી
સ્ટફિંગ માટે
સેકેલો સત્તુનો પાઉડર
આમચૂર અથવા ચાટ મસાલો
મરી પાઉડર
તીખાશ માટે મરચાં
બારીક સુધારેલો કાંદો (જરૂરી નથી)
ઝીણી સુધારેલી કોથમીર

 


બનાવવાની રીત
તેલ, મીઠું અને જીરું નાખીને પરાઠા માટે ઘઉંનો લોટ બાંધી લો. એને થોડી વાર બાજુએ મૂકો. એ સમય દરમ્યાન કાંદાને સૂકો જ સેકી લો અને સત્તુને સેકી એમાં ભેળવો, કોથમીર તથા અન્ય મસાલો ભેળવીને એને તૈયાર રાખો. હવે પરાઠાં વણો અને વચ્ચે સ્ટફિંગ માટે સૂકો સત્તુનો તૈયાર કરેલો મસાલો ભરો અને પછી એને બંધ કરીને હલકા હાથે પરાઠાને વણો પછી એને તવી પર ઘી અથવા બટરમાં શેકી લો અને સ્વાદિષ્ટ તથા પૌષ્ટિક પરાઠાંનો આનંદ લો.

સત્તુની પૅટીસ
ઉપરના આવરણ માટે સામગ્રી
કાચાં કેળાં (બાફીને ઠંડાં કરેલાં)
ઓટ્સ (શેકીને)
મીઠું
મરચાં
મરી
કોથમીર
પૅટીસમાં ભરવા માટે મિશ્રણ
સત્તુ (સેકેલો પાવઉર)
મકાઈના દાણા અથવા લીલા વટાણા (જે ઉપલબ્ધ હોય એ લેવું)
ફુદીનાનાં પત્તાં કાપેલાં અથવા કોથમીર
મરી
મીઠું

 


રીત
કાચાં કેળાં અને ઓટ્સ ભેળવી એને લોટની જેમ બાંધી લેવુ. એ પછી પૅટીસનું મિશ્રણ તેલમાં નાખી તૈયાર કરવું. કેળાં અને ઓટ્સની ટિક્કી બનાવીને એમાં મિશ્રણ ભરી એને તવી પર થોડું ઘી લગાડીને શેકી લેવી. આમાં ઘી વગર પણ શેકાય, કારણ બધી જ સામગ્રી શેકેલી છે અને કેળાં બાફેલાં છે.

સત્તુનો પાક 

૧ વાટકી સત્તુ
અડધી વાટકી ગોળ
એક વાટકી પાણી
ખારેક પાઉડર અથવા એલચી પાઉડર
બનાવવાની રીત
સત્તુને સેકી એમાં બે ચમચી દૂધ અને બે ચમચી પાણી ભેળવીને એને મસળો. પછી ચાળી લો જેથી એ સુંવાળું થઈ જાય. એને શેકી લીધા પછી બીજી બાજુ ગરમ પાણીમાં ગોળ ભેળવી લો અને ગરમ સત્તુના પાઉડરમાં ગોળવાળું પાણી નાખીને એને સરખું હલાવી લેવું. એવું લાગે કે ચોસલા પડવા જેટલું જાડું થયું છે એ પછી એમાં ખારેક પાઉડર નાખો અને એને થાળીમાં પાથરી લો. મીઠાઈ તૈયાર છે.

સમર કૂલ ડ્રિન્ક

સામગ્રી
સત્તુ પાવડર બે ટેબલ-સ્પૂન
પાણી ૨૦૦ મિલી (૧ ગ્લાસ)
લીંબુનો રસ ૧ ટેબલ-સ્પૂન
સંચળ - સ્વાદ મુજબ
શેકેલા જોરાનો ભૂકો અડધી ટી-સ્પૂન
બારીક કાપેલાં ફુદીનાનાં પત્તાં ૬થી ૮
બનાવવાની રીત
ઉપર આપેલી બધી સામગ્રીને વ્યવસ્થિત ભેળવો અને ઠંડું જ પીઓ અથવા સર્વ કરો.

bhakti desai indian food shilpa shetty